શું ઈશ્વરનું રાજ્ય તમારા દિલમાં છે?
શાસ્ત્રમાંથી જવાબ
ના, ઈશ્વરનું રાજ્ય આપણા દિલમાં નથી અને એ દિલની હાલતને પણ બતાવતું નથી. a બાઇબલ એને “સ્વર્ગનું રાજ્ય” કહે છે. (માથ્થી ૪:૧૭) એનાથી જોવા મળે છે કે એ રાજ્ય સ્વર્ગમાં છે. બાઇબલમાં બતાવ્યું છે કે એ ઈશ્વરની રાજ કરવાની એક ગોઠવણ છે. ચાલો એના વિશે અમુક માહિતી જોઈએ:
ઈશ્વરના રાજ્યમાં રાજાઓ અને પ્રજા છે. એ રાજ્યના અમુક નિયમો અને કાયદા-કાનૂન પણ છે. ભાવિમાં ઈશ્વર એ રાજ્ય દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે.—માથ્થી ૬:૧૦; પ્રકટીકરણ ૫:૧૦.
ઈશ્વરનું રાજ્ય “બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો” પર રાજ કરશે. (દાનિયેલ ૭:૧૩, ૧૪) એને રાજ કરવાનો હક એની પ્રજાએ નહિ, પણ ઈશ્વરે પોતે આપ્યો છે.—ગીતશાસ્ત્ર ૨:૪-૬; યશાયા ૯:૭.
ઈસુએ પોતાના વફાદાર પ્રેરિતોને કહ્યું હતું કે તેઓ “રાજ્યાસનો પર બેસીને” ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે.—લૂક ૨૨:૨૮, ૩૦.
આ રાજ્યના દુશ્મનો પણ છે, જેઓનો નાશ કરવામાં આવશે.—ગીતશાસ્ત્ર ૨:૧, ૨, ૮, ૯; ૧૧૦:૧, ૨; ૧ કોરીંથીઓ ૧૫:૨૫, ૨૬.
બાઇબલ એવું નથી શીખવતું કે ઈશ્વરનું રાજ્ય માણસોના દિલમાં છે. એના બદલે, એ શીખવે છે કે “રાજ્યનો સંદેશો” અથવા ‘રાજ્યની ખુશખબર’ વ્યક્તિનું દિલ બદલી શકે છે.—માથ્થી ૧૩:૧૯; ૨૪:૧૪.
“ઈશ્વરનું રાજ્ય તમારામાં છે” એનો અર્થ શું થાય?
અમુક બાઇબલ ભાષાંતરોમાં લૂક ૧૭:૨૧નું જે રીતે ભાષાંતર થયું છે, એના લીધે અમુક લોકો સમજી નથી શકતા કે ઈશ્વરનું રાજ્ય ક્યાં છે. દાખલા તરીકે, પવિત્ર શાસ્ત્ર, OV બાઇબલ કહે છે: “ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.” એ કલમને સારી રીતે સમજવા ચાલો એની આગળ-પાછળની કલમો તપાસીએ.
ઈસુ અહીં ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. ફરોશીઓ યહૂદીઓના ધર્મગુરુઓ હતા, જેઓ ઈસુનો વિરોધ કરતા હતા અને ઈસુને મારી નાખવામાં તેઓનો હાથ હતો. (માથ્થી ૧૨:૧૪; લૂક ૧૭:૨૦) શું એ માનવું યોગ્ય છે કે ઈશ્વરનું રાજ્ય એ હઠીલા ધર્મગુરુઓના દિલમાં હતું? ઈસુએ તેઓને કહ્યું હતું: “તમે . . . અંદરથી ઢોંગી અને દુષ્ટ છો.”—માથ્થી ૨૩:૨૭, ૨૮.
અમુક બાઇબલ ભાષાંતરોથી સાફ સાફ જોવા મળે છે કે લૂક ૧૭:૨૧માં ઈસુ શું કહી રહ્યા હતા. જેમ કે, સંપૂર્ણ બાઇબલમાં એનું ભાષાંતર આ રીતે થયું છે: “ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરનું રાજ્ય તો તમારી વચ્ચે છે.” સ્વર્ગનું રાજ્ય ફરોશીઓ “વચ્ચે” હતું, કારણ કે ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ તેઓની વચ્ચે હતા.—લૂક ૧:૩૨, ૩૩.
a ઘણા ખ્રિસ્તી પંથો એવું શીખવે છે કે ઈશ્વરનું રાજ્ય વ્યક્તિની અંદર છે અથવા તેના દિલમાં છે. દાખલા તરીકે, ધ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા જણાવે છે: ‘ઈશ્વરના રાજ્યનો અર્થ થાય કે ઈશ્વર આપણા દિલમાં રાજ કરે છે.’ એવી જ રીતે, સોળમા પોપ બેનેડિક્ટે પોતાના પુસ્તક જીસસ ઓફ નાઝરેથમાં લખ્યું,“જો આપણે દિલથી ઈશ્વર તરફ ધ્યાન આપીશું, તો ઈશ્વરનું રાજ્ય આવશે.”