આર્માગેદનનું યુદ્ધ શું છે?
શાસ્ત્રમાંથી જવાબ
આર્માગેદનનું યુદ્ધ માનવીય સરકારો અને ઈશ્વર વચ્ચેના છેલ્લા યુદ્ધને દર્શાવે છે. એ સરકારો અને તેઓને સાથ આપનારાઓ આજે પણ ઈશ્વરનો વિરોધ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળવાની ના પાડે છે. (ગીતશાસ્ત્ર ૨:૨) આર્માગેદનના યુદ્ધમાં માનવીય સરકારોનો અંત આવશે.—દાનિયેલ ૨:૪૪.
“આર્માગેદન” શબ્દ આખા બાઇબલમાં ફક્ત એક જ વાર જોવા મળે છે, પ્રકટીકરણ ૧૬:૧૬માં. એ ભવિષ્યવાણી બતાવે છે કે “હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન કહેવાય છે” ત્યાં ‘આખી પૃથ્વીના રાજાઓને સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ માટે ભેગા કરવામાં’ આવશે.—પ્રકટીકરણ ૧૬:૧૪.
આર્માગેદનના યુદ્ધમાં કોણ લડવા જશે? ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે સ્વર્ગની સેના એ યુદ્ધ લડશે અને ઈશ્વરના દુશ્મનો પર જીત મેળવશે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬, ૧૯-૨૧) એ દુશ્મનોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે અને તેમને માન આપતા નથી.—હઝકિયેલ ૩૯:૭.
શું આર્માગેદનનું યુદ્ધ મધ્ય-પૂર્વ દેશોમાં લડાશે? ના. એ કોઈ એક વિસ્તારમાં નહિ, આખી પૃથ્વી પર લડાશે.—યર્મિયા ૨૫:૩૨-૩૪; હઝકિયેલ ૩૯:૧૭-૨૦.
આર્માગેદન અમુક વાર “હાર-માગેદોન” (હિબ્રૂમાં હર મેગિદ્દોન) તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય “મગિદ્દોનો પર્વત.” મગિદ્દો પ્રાચીન ઇઝરાયેલનું એક શહેર હતું. ઇતિહાસ બતાવે છે કે ત્યાં મોટાં મોટાં યુદ્ધો થયાં છે, જેમાંનાં અમુક બાઇબલમાં પણ નોંધાયેલાં છે. (ન્યાયાધીશો ૫:૧૯-૨૦; ૨ રાજાઓ ૯:૨૭; ૨૩:૨૯) પણ આર્માગેદન પ્રાચીન મગિદ્દોની આસપાસની જગ્યાને બતાવતું નથી. ત્યાં કોઈ મોટો પર્વત નથી અને ઈશ્વરના દુશ્મનોને સમાવી શકે એટલી જગ્યા પણ નથી. એના બદલે, આર્માગેદન આખી દુનિયામાં થશે, જ્યાં બધી જ રાજકીય સત્તાઓ ઈશ્વરના રાજ્ય સામે લડવા ભેગી થશે.
આર્માગેદનના યુદ્ધ વખતે કેવી પરિસ્થિતિ હશે? આપણે જાણતા નથી કે ઈશ્વર કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરશે. પણ ભૂતકાળમાં તેમણે આવી બાબતોનો ઉપયોગ કર્યો હતો: કરા, ધરતીકંપ, ધોધમાર વરસાદ, આગ અને ગંધક, વીજળી અને રોગચાળો. ભાવિમાં પણ તે એનો ઉપયોગ કરી શકે છે. (અયૂબ ૩૬:૩૨; ૩૮:૨૨, ૨૩; હઝકિયેલ ૩૮:૧૯, ૨૨; ઝખાર્યા ૧૪:૧૨) ઈશ્વરના અમુક દુશ્મનો એટલા મૂંઝાઈ જશે કે એકબીજાને જ મારી નાખશે. પણ તેઓ સમજી જશે કે એ તો ઈશ્વર છે, જે તેઓની સામે લડી રહ્યા છે.—હઝકિયેલ ૩૮:૨૧, ૨૩; ઝખાર્યા ૧૪:૧૩.
શું આર્માગેદનથી દુનિયાનો નાશ થઈ જશે? આર્માગેદનથી પૃથ્વીનો નાશ નહિ થાય, કેમ કે ઈશ્વરે માણસોને કાયમ જીવવા પૃથ્વી આપી છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૯૬:૧૦; સભાશિક્ષક ૧:૪) આર્માગેદનમાં બધા મનુષ્યોનો નાશ નહિ થાય, પણ તેઓને બચાવવામાં આવશે, કેમ કે ઈશ્વરભક્તોનું એક “મોટું ટોળું” એમાંથી બચી જશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ગીતશાસ્ત્ર ૩૭:૩૪.
બાઇબલમાં “દુનિયા” શબ્દ ઘણી વાર એવા દુષ્ટ લોકોને રજૂ કરે છે, જેઓ ઈશ્વરની આજ્ઞા પાળતા નથી. (૧ યોહાન ૨:૧૫-૧૭) એ અર્થમાં આર્માગેદન ‘દુનિયાનો અંત’ લાવશે.—માથ્થી ૨૪:૩.
આર્માગેદનનું યુદ્ધ ક્યારે લડાશે? “મોટી વિપત્તિ”ના અંતથી આર્માગેદનની શરૂઆત થશે. એ મોટી વિપત્તિ વિશે ઈસુએ કહ્યું હતું: “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.” (માથ્થી ૨૪:૨૧, ૩૬) પણ બાઇબલમાં બતાવ્યું છે કે આર્માગેદનનું યુદ્ધ ઈસુની અદૃશ્ય હાજરી વખતે થશે, જેની શરૂઆત ૧૯૧૪માં થઈ ગઈ છે.—માથ્થી ૨૪:૩૭-૩૯.