યુવાનો પૂછે છે
મારો દોસ્ત મને ખોટું લગાડે ત્યારે શું?
તમારે શું જાણવું જોઈએ?
દરેક સંબંધમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા દોસ્તો ભૂલભરેલા છે. એટલે બની શકે કે તમારો સૌથી દિલોજાન દોસ્ત પણ એવું કંઈક કહે અથવા કરે, જેનાથી તમને ખોટું લાગે. યાદ રાખો, તમે પણ ભૂલભરેલા છો. એટલે તમારાથી પણ કોઈને ખોટું લાગ્યું હશે, ખરું ને?—યાકૂબ ૩:૨.
ઇન્ટરનેટના લીધે લોકોને તરત માઠું લાગી જાય છે. ડેવિડનો દાખલો લો. તે ૧૫ વર્ષનો છે. તે કહે છે: “જ્યારે તમે ઓનલાઇન હો અને કોઈ પાર્ટીના ફોટામાં તમારા દોસ્તને જુઓ, ત્યારે તરત જ વિચારવા લાગી જાઓ કે તમને કેમ બોલાવવામાં ન આવ્યા. પછી તમે ઉદાસ થઈ જાઓ અને તમને લાગે કે તમારા દોસ્તે તમારો સાથ છોડી દીધો છે.”
મુશ્કેલીનો હલ લાવવા તમે કંઈક કરી શકો છો.
તમે શું કરી શકો?
દિલમાં ડોકિયું કરો. બાઇબલમાં લખ્યું છે: “ગુસ્સો કરવામાં ઉતાવળો ન થા, ગુસ્સો તો મૂર્ખની નિશાની છે.”—સભાશિક્ષક ૭:૯, ફૂટનોટ.
“અમુક વાર તમને પછીથી ખ્યાલ આવે કે વાતમાં કંઈ હતું નહિ અને તમને ખોટું લાગી ગયું.”—અલિસા.
વિચારવા જેવું: શું તમે બીજાઓએ કહેલી વાત તરત દિલ પર લઈ લો છો? બીજાઓ ભૂલો કરે ત્યારે શું તેઓ સાથે વધારે ધીરજથી વર્તવાનું શીખી શકો?—સભાશિક્ષક ૭:૨૧, ૨૨.
માફીથી મળતા ફાયદાનો વિચાર કરો. બાઇબલમાં લખ્યું છે: “અપરાધ નજરઅંદાજ કરવામાં . . . મહિમા છે.”—નીતિવચનો ૧૯:૧૧.
“ભલે તમારી પાસે ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ દિલથી માફ કરવું સારું છે. જોકે એનો અર્થ એ નથી કે તમે વ્યક્તિને વારંવાર જણાવો કે તેણે ભૂલ કરી છે. તેમ જ તમે જેટલી વાર એ વાત ઉખેડો, એટલી વાર તેણે માફી માંગવી જોઈએ. એકવાર માફ કરી દીધા પછી એ ભૂલનો ફરીથી ઉલ્લેખ ન કરો.”—મેલોરી.
વિચારવા જેવું: શું વાત એટલી ગંભીર છે? શાંતિ જાળવવા શું તમે વ્યક્તિને માફ કરી શકો?—કોલોસીઓ ૩:૧૩.
સામેવાળી વ્યક્તિનો વિચાર કરો. બાઇબલમાં લખ્યું છે: “તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિપીઓ ૨:૪.
“જો તમે તમારા દોસ્તને પ્રેમ કરતા હશો અને તેને માન આપતા હશો, તો મુશ્કેલી ઊભી થાય ત્યારે એનો હલ લાવવા તરત પગલાં ભરશો. કેમ કે તમારા માટે દોસ્તી બહુ જ કીમતી છે. દોસ્તી ટકાવી રાખવા તમે સખત મહેનત કરી છે અને તમે દોસ્તને ગુમાવવા નથી માંગતા.”—નિકોલ.
વિચારવા જેવું: શું તમે પોતાને સામેવાળી વ્યક્તિની જગ્યાએ મૂકી શકો અને વિચારી શકો કે તેને કેવું લાગતું હશે?—ફિલિપીઓ ૨:૩.
વાતનો સાર: લાગણી દુભાય ત્યારે પોતાને કઈ રીતે સાચવવા એ હમણાંથી શીખવું બહુ જરૂરી છે, કેમ કે એ આગળ જતાં પણ કામ લાગશે. તો પછી આજથી જ એ પ્રમાણે કરવાનું શરૂ કરો.