સ્કીપ ટુ કન્ટેન્ટ

કુટુંબ માટે મદદ

બાળકો સાથે દારૂ વિશે વાત કરો

બાળકો સાથે દારૂ વિશે વાત કરો

 “અમારી દીકરી છ વર્ષની હતી ત્યારે અમે પહેલી વાર તેની સાથે દારૂ a વિશે વાત કરી. અમને તો જાણીને નવાઈ લાગી કે તે દારૂ વિશે પહેલેથી કેટલું બધું જાણતી હતી.”—એલેકઝાંડર.

 તમારે શું જાણવું જોઈએ?

 બાળકો સાથે દારૂ વિશે વાત કરવી જરૂરી છે. દારૂ વિશે વાત કરવા માટે બાળકો મોટા હોય એવું જરૂર નથી. રશિયામાં રહેતા હામિત જણાવે છે, “મારા દીકરાએ ૧૩ વર્ષની ઉંમરે જ દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. જો મેં નાનપણમાં જ તેની સાથે દારૂના ઉપયોગ વિશે વાત કરી દીધી હોત, તો કેટલું સારું થાત! મને એ વાતનું ઘણું દુ:ખ છે કે મેં પહેલાં તેની સાથે કેમ વાત ના કરી.”

 એમ કરવું શા માટે જરૂરી છે?

  •   તમારું બાળક દારૂ પીવા વિશે સ્કૂલના દોસ્તો પાસેથી, જાહેરાતોથી અને ટીવીમાંથી શીખે છે.

  •   અમેરિકામાં રોગ નિયંત્રણ અને નિવારણ માટેનાં કેન્દ્રો પ્રમાણે અમેરિકાના ૧૧ ટકા બાળકો એવાં છે, જેઓ દારૂનું સેવન કરે છે.

 એટલે સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે મમ્મી-પપ્પાએ બાળકોને નાનપણથી જ દારૂ પીવાના જોખમ વિશે જણાવવું જોઈએ. તમે એવું કઈ રીતે કરી શકો?

 તમે શું કરી શકો?

 પહેલેથી વિચારીને રાખો કે તમારું બાળક દારૂ વિશે કેવા સવાલો પૂછી શકે. નાના બાળકોને બધું જ જાણવું હોય, અને મોટા બાળકોને તો એનાથી પણ વધારે જાણવું હોય. એટલે પહેલેથી જ જવાબો વિચારી રાખવા જોઈએ. જેમ કે,

  •   જો બાળક દારૂના સ્વાદ વિશે સવાલ પૂછે તો તમે કહી શકો કે વાઇનનો સ્વાદ ખાટાં શરબત જેવો અને બીઅરનો સ્વાદ બહુ કડવો હોય છે.

  •   જો તમારું બાળક દારૂનો ટેસ્ટ કરવા માંગે, તો તમે કહી શકો કે દારૂથી બાળકોને નુકસાન થાય છે. દારૂ પીવાથી કેવી હાલત થાય છે એ વિશે પણ જણાવી શકો. જેમ કે, દારૂ પીવાથી સારું તો લાગે પણ વધારે પીવાથી ચક્કર આવી શકે. લવારો કરવા લાગી શકો અથવા નશામાં ગમે તેમ બોલી શકો કે ગમે તેમ કરી શકો, જેના લીધે પાછળથી પસ્તાવું પડે.—નીતિવચનો ૨૩:૨૯-૩૫.

 જાણકારી મેળવો. બાઇબલમાં લખ્યું છે, “ચતુરનાં કામોમાં જ્ઞાન દેખાઈ આવે છે.” (નીતિવચનો ૧૩:૧૬) તમારા દેશમાં કાયદા પ્રમાણે કેટલી ઉંમરે દારૂ પી શકાય છે એની જાણકારી મેળવો. એટલું જ નહિ, દારૂ પીને વાહન ચલાવવા વિશે કયા નિયમો છે એની પણ માહિતી મેળવો. આવું કરવાથી તમે તમારાં બાળકોને સારી રીતે સમજાવી શકશો.

 આ વિષય પર તમે સામેથી વાત કરો. બ્રિટનમાં રહેતા માર્ક નામના પિતા જણાવે છે, “દારૂ વિશે બધી જ માહિતી બાળકો સમજી નહિ શકે. એકવાર હું અને મારો આઠ વર્ષનો દીકરો આરામથી બેસીને વાતો કરતા હતા. મેં તેને પૂછ્યું કે શું દારૂ પીવો સારું કહેવાય કે ખરાબ. આવા માહોલમાં તે ખુલ્લા દિલે પોતાની વાત જણાવી શક્યો.”

 જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક દારૂ વિશેની માહિતી સારી રીતે સમજે, તો તેની સાથે એ વિશે વારંવાર વાત કરો. બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને સમજાવો. જ્યારે તમે ટ્રાફિકના નિયમો અથવા સેક્સ વિશે કે પછી બીજા કોઈ વિષય પર માહિતી સમજાવતા હો, ત્યારે દારૂ વિશે પણ વાત કરો.

 સારો દાખલો બેસાડો. બાળકો સ્પંજ જેવા હોય છે. આજુબાજુ જે પણ બનતું હોય છે એવું તેઓ તરત કરવા લાગે છે. સંશોધનથી ખબર પડી છે કે બાળકો સૌથી વધારે પોતાનાં મમ્મી-પપ્પાનું અનુકરણ કરે છે. મોટા ભાગે જો તમે સ્ટ્રેસ દૂર કરવા દારૂ પીવો છો, તો તમારા બાળકને લાગશે કે દારૂ પીવાથી ચિંતા દૂર થઈ શકે છે. એટલે તમે બાળકો માટે સારો દાખલો બેસાડો અને સમજી-વિચારીને દારૂનો ઉપયોગ કરો.

તમારાં બાળકો તમારી પાસેથી જ દારૂના ઉપયોગ કરવા વિશે શીખશે

a અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.