બાઇબલ સવાલોના જવાબો
શું ઈશ્વર બધાની પ્રાર્થના સાંભળે છે?
ઈશ્વર બધી જ પ્રજાના લોકોની પ્રાર્થના સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯) તેમનું વચન, બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે પ્રાર્થનામાં આપણી સર્વ ચિંતાઓ તેમને જણાવીએ. (ફિલિપી ૪:૬, ૭) તેમ છતાં, અમુક પ્રાર્થનાઓથી ઈશ્વર નાખુશ થાય છે. દાખલા તરીકે, ગોખેલી પ્રાર્થનાઓથી તે જરાય ખુશ થતા નથી.—માથ્થી ૬:૭ વાંચો.
તેમ જ, યહોવા એવા લોકોની પ્રાર્થનાથી કંટાળે છે જેઓ જાણી જોઈને તેમની આજ્ઞા અવગણે છે. (નીતિવચનો ૨૮:૯) દાખલા તરીકે, બાઇબલના સમયમાં ઈસ્રાએલીઓ ખૂન માટે દોષિત હોવાથી ઈશ્વરે તેઓની પ્રાર્થના સાંભળી નહિ. એ સ્પષ્ટ બતાવે છે કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે તેમની જરૂરિયાતો પ્રમાણે જીવીએ.—યશાયા ૧:૧૫ વાંચો.
ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?
ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તો, તેમને પ્રાર્થના કરી ન શકીએ. (યાકૂબ ૧:૫, ૬) આપણને ખાતરી હોવી જોઈએ કે ઈશ્વર છે અને તે આપણી સંભાળ રાખે છે. બાઇબલમાંથી શીખીને આપણે શ્રદ્ધા મજબૂત કરી શકીએ. કેમ કે, ખરી શ્રદ્ધા તો બાઇબલમાંથી મળતા પુરાવા અને ખાતરી પર આધારિત છે.—હિબ્રૂ ૧૧:૧, ૬ વાંચો.
આપણે સાચા દિલથી અને નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરના દીકરા ઈસુએ પણ નમ્ર ભાવે પ્રાર્થના કરી હતી. (લુક ૨૨:૪૧, ૪૨) ઈશ્વરને શું કરવું જોઈએ એ તેમને કહેવાને બદલે, બાઇબલ વાંચીને તેમની જરૂરિયાતો સમજવાની કોશિશ કરીએ. પછી, તેમની ઇચ્છાની સુમેળમાં આપણે પ્રાર્થના કરી શકીશું.—૧ યોહાન ૫:૧૪ વાંચો.