મારો અનુભવ
‘હું જોઈ શકતો, પણ સમજતો નહિ’
હું ૧૯૭૫માં બે વર્ષનો હતો ત્યારે, મમ્મીને પહેલી વાર ખબર પડી કે મારામાં કંઈક નબળાઈ છે. મમ્મીએ મને ગોદમાં લીધો હતો. તેમની બહેનપણીએ કંઈક ભારે વસ્તુ જમીન પર પાડી, જેનો મોટો અવાજ થયો. પણ એની મારા પર કોઈ અસર ન થઈ એ મમ્મીએ જોયું. હું ત્રણ વર્ષનો થયો તોપણ બોલી ન શકતો. પછી મારા કુટુંબને હચમચાવી નાખે એવા સમાચાર મળ્યા. ડૉક્ટરે જણાવ્યું કે હું જરાય સાંભળી નથી શકતો.
હું નાનો હતો ત્યારે, મારાં માબાપે છુટાછેડા લીધાં. મમ્મીએ એકલા હાથે મારા બે મોટા ભાઈઓ, એક બહેન અને મને મોટો કર્યો. ફ્રાંસમાં બહેરાં-મૂંગાં બાળકોને આજની જેમ પહેલાં ભણાવવામાં આવતા નહિ. એ સમયે ભણાવવાની રીત ઘણી દુઃખદાયક હતી. જોકે, બીજા ઘણા બહેરાં-મૂંગાં લોકો કરતાં મારી સ્થિતિ સારી હતી. ચાલો એ વિશે તમને જણાવું.
અમુક વર્ષો સુધી ઘણા શિક્ષકો આવું માનતા: બહેરાં-મૂંગા બાળકોને શિક્ષકોના ઉચ્ચાર અને હોઠોના હલનચલન પરથી સમજતા શીખવવું જોઈએ. ફ્રાંસમાં હું જ્યાં મોટો થયો એ વિસ્તારની સ્કૂલમાં ઇશારાની ભાષા કે સાઇન લેંગ્વેજ વાપરવાની કડક મનાઈ હતી. ક્લાસમાં અમુક બહેરાં-મૂંગાં બાળકો એમ ન કરે માટે તેઓના હાથ પીઠ પાછળ બાંધવામાં આવતાં.
હું બોલતા શીખી શકું માટે નાનપણમાં થોડાં વર્ષો સુધી, દર અઠવાડિયે અમુક કલાક ડૉક્ટર પાસે જવું પડતું. તેઓ મારું જડબું કે માથું પકડીને, ઉચ્ચાર કરાવવાનો વારંવાર પ્રયત્ન કરતા, જે મને સંભળાતો જ નહિ. મારી આ ખામીને લીધે હું બીજા બાળકો સાથે વાત કરી ન શકતો. એ મારાં દુઃખદ વર્ષો હતાં.
છ વર્ષનો થયો ત્યારે મને બહેરાં-મૂંગાંની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યો. પહેલી વાર હું બીજાં બહેરાં બાળકોને મળ્યો. એ સ્કૂલમાં પણ સાઇન લેંગ્વેજ વાપરવાની કડક મનાઈ હતી. જો ક્લાસ દરમિયાન એમ કરતા પકડાઈ જઈએ, તો મુઠ્ઠી વળાવીને એના પર મારતા કે વાળ ખેંચતા. તોપણ, અમે બનાવેલા ઈશારાથી એકબીજા સાથે વાત કરતા. આમ, હું બીજાં બાળકો સાથે વાત કરી શકતો. આ રીતે આનંદનાં ચાર વર્ષો શરૂ થયા.
હું દશ વર્ષનો થયો ત્યારે, પ્રાથમિક શાળામાં જવા લાગ્યો, જેમાં સાંભળી શકે એવાં બાળકો હતાં. મને એવું લાગ્યું કે મારા પર આભ તૂટી પડ્યું છે. મને એવું થતું કે બીજા બહેરાં-મૂંગાં બાળકો મરી ગયા છે અને આખી દુનિયામાં એકલો હું જ રહી ગયો. ડૉક્ટરોના કહેવાથી મારું કુટુંબ સાઇન લેંગ્વેજ ન શીખ્યું. ડૉક્ટરોને ડર હતો કે મને બોલતા શીખવવા તેઓએ જે મહેનત કરી છે એના પર પાણી ફરી વળશે. મને બીજાં બહેરાં બાળકો સાથે સંગત રાખવાની પણ કડક મના કરી. મને હજી યાદ છે કે એક વાર હું કાનના ડૉક્ટર પાસે ગયો હતો. તેમના ટેબલ પર સાઇન લેંગ્વેજ શીખવાનું પુસ્તક હતું. એના કવર પરનું ચિત્ર a
જોઈને ચીંધતા મેં કહ્યું: “એ જોઈએ છે!” ડૉક્ટરે ફટાફટ સંતાડી દીધું.બાઇબલમાંથી શીખવાની શરૂઆત
મમ્મી અમને બાઇબલના શિક્ષણ પ્રમાણે ઉછેરવાનો પ્રયત્ન કરતા. તે અમને બૉર્ડૉક્સ નજીક મેરીન્યાકમાં ભરાતી યહોવાના સાક્ષીઓની સભામાં લઈ જતાં. નાનપણમાં હું સભામાં જતો, પણ બહુ સમજ ન પડતી. તેમ છતાં, અલગ અલગ ભાઈ-બહેનો મારી સાથે બેસતાં અને કાગળ પર લખીને જણાવતાં કે શાના વિશે વાત થઈ રહી છે. તેઓ જે રીતે પ્રેમ બતાવતાં અને સંભાળ રાખતાં એની મારા દિલ પર ઊંડી અસર પડી. મમ્મી ઘરે બાઇબલમાંથી શીખવતાં, પણ મને બધું સમજાતું નહિ. ઈશ્વરભક્ત દાનીયેલની જેમ મને થતું. એક સ્વર્ગદૂતે તેમને ભવિષ્યવાણી જણાવી ત્યારે તેમણે કહ્યું: ‘મેં સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ.’ (દાનીયેલ ૧૨:૮) મારા કિસ્સામાં પણ એવું જ હતું ‘હું જોઈ શકતો, પણ સમજતો નહિ.’
સમય જતાં, ધીમે ધીમે બાઇબલનું સત્ય મારા દિલમાં ઊંડું ઊતરવા લાગ્યું. હું જે સારી રીતે સમજ્યો એની કદર કરવા અને જીવનમાં લાગુ પાળવા મંડ્યો. ભાઈ-બહેનોને જોઈને પણ હું ઘણું શીખ્યો. જેમ કે, બાઇબલ આપણને ધીરજ રાખવાનું જણાવે છે. (યાકૂબ ૫:૭, ૮) પણ એનો શું અર્થ થાય એ મને સમજાતું નહિ. મંડળનાં ભાઈ-બહેનોની ધીરજ જોઈને હું સમજ્યો કે ધીરજ એટલે શું. સાચે જ ખ્રિસ્તી મંડળ પાસેથી મને ખૂબ જ મદદ મળી છે.
નિરાશામાં આશાનું કિરણ
પંદરેક વર્ષનો હતો ત્યારે મેં રસ્તા પર અમુક બહેરા છોકરાઓને સાઇન લેંગ્વેજ કરતા જોયા. હું ચોરીછૂપીથી તેઓને મળવા લાગ્યો અને ફ્રેંચ સાઇન લેંગ્વેજ શીખવા લાગ્યો. મેં સભાઓમાં જવાનું ચાલું રાખ્યું. સ્તેફન નામના યુવાન ભાઈએ મારી સાથે મિત્રતા કરી. હું તેમને સમજી શકું એ માટે તેમણે ઘણી મહેનત કરી. આમ, અમે પાક્કા દોસ્ત બન્યા. તોપણ, આવું લાંબું ન ચાલ્યું. સ્તેફને લશ્કરમાં જોડાવાનો ઇનકાર કર્યો હોવાથી, તેમને જેલની સજા થઈ. એ જાણીને હું ભાંગી પડ્યો! તેમના ગયા પછી હું ઘણો નિરાશ થઈ ગયો અને સભાઓમાં કોઈ વાર જ જતો.
અગિયાર મહિના પછી સ્તેફનને જેલમાંથી છોડવામાં આવ્યા અને તે પાછા ઘરે આવ્યા. તે સાઇન લેંગ્વેજમાં મારી સાથે વાત કરવા લાગ્યા. એ જોઈને હું તો દંગ રહી ગયો. મને માનવામાં જ ન આવ્યું! આ કેમનું થયું? જેલમાં સ્તેફન ફ્રેંચ સાઇન લેંગ્વેજ શીખ્યા. હવે મને થયું કે હું સમજી શકું એ રીતે સ્તેફન મને બાઇબલમાંથી સત્ય શીખવી શકશે.
આખરે બાઇબલ સત્ય સમજ્યો
સ્તેફને મારી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. નાનપણમાં બાઇબલમાંથી થોડું ઘણું શીખ્યો હતો, પણ હવે હું વધુ સારી રીતે સમજવા લાગ્યો. નાનપણમાં મને આપણાં સાહિત્યમાં આવતા ચિત્રો જોવાનું ગમતું, એમાં લોકો અને બીજી બધી બાબતોને હું ધ્યાનથી તપાસતો, આમ હું બાઇબલ વાર્તાઓ યાદ રાખતો. ઈબ્રાહીમ, તેમનું “સંતાન” અને “મોટી સભા” એ શબ્દો વિશે હું જાણતો હતો. પણ જ્યારે મને સાઇન લેંગ્વેજમાં સમજાવવામાં આવ્યું, ત્યારે હું એનો ખરો અર્થ સમજી શક્યો. (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮; પ્રકટીકરણ ૭:૯) એ પુરાવો હતો કે મને મારા દિલની ભાષા મળી છે, સમજાય એવી ભાષા.
સભાઓમાં જે શીખવવામાં આવતું એ હું સમજવા લાગ્યો, એનાથી મારા દિલ પર ઊંડી અસર થઈ. એટલે, સત્ય માટે મારી ભૂખ વધવા લાગી. સ્તેફનની મદદથી બાઇબલની સમજણ વધવા લાગી અને ૧૯૯૨માં યહોવાને સમર્પણ કરીને મેં બાપ્તિસ્મા લીધું. ખરું કે મેં સત્યમાં પ્રગતિ કરી તોપણ, હું ઘણો શરમાળ હતો. નાનપણમાં લોકો સાથે હું વાત નહોતો કરી શકતો, એટલે આજે પણ લોકો સાથે વાત કરવું મને અઘરું લાગે છે.
શરમાળ સ્વભાવ સામે જીત
સમય જતાં, બહેરાં-મૂંગાં ભાઈ-બહેનોનું અમારું ગ્રૂપ બોર્ડિએક્સ વિસ્તારના પિસાક મંડળ સાથે જોડાયું. યહોવાની ભક્તિમાં પ્રગતિ કરવા માટે એ ઘણું મદદરૂપ થયું. મારી નબળાઈને લીધે બીજાઓ સાથે વાત કરવું અઘરું હતું. એટલે મારા મિત્રો જેઓ સાંભળી શકતા હતા, તેઓ ખાતરી કરતા કે હું બધું બરાબર સમજું. ગીલીસ અને એલાઇડ નામનાં પતિ-પત્ની મારી સાથે વાત કરવાં ખાસ મહેનત કરતાં. તેઓ અવારનવાર સભા પછી મને જમવા કે કૉફી માટે બોલાવતા. આમ અમારી મિત્રતા ગાઢ બની. યહોવાના માર્ગે ચાલતા લોકો સાથે સંગત માણવાનો કેવો અનેરો લહાવો!
એજ મંડળમાં હું સુંદર વેનિશાને મળ્યો. તેની સમજદારી અને પ્રમાણિકતા મને ગમવા લાગી. વાતચીત કરવાની મારી નબળાઈને તેણે કદી નડતર ન ગણ્યું. પણ, નવી ભાષા શીખવા માટેની સુંદર તક ગણી. તેણે મારું દિલ જીતી લીધું અને અમે ૨૦૦૫માં લગ્ન કર્યા. વાતચીત કરવું હંમેશાં મારી માટે સહેલું નથી. હું વધુ સારી રીતે વાત કરી શકું એટલે મારા શરમાળ સ્વભાવ પર જીત મેળવવા વેનિશાએ મને મદદ કરી. હું મારી જવાબદારી ઊપાડું છું તેમ, તેના સાથ સહકારની ખૂબ જ કદર કરું છું.
યહોવા પાસેથી બીજો એક આશીર્વાદ
ફ્રાંસના લુવિયા શહેરમાં યહોવાના સાક્ષીઓની શાખા કચેરી આવેલી છે. અમે લગ્ન કર્યા એ જ વર્ષે, મને એક મહિનો ભાષાંતરની ટ્રેનિંગ માટે ત્યાં બોલાવ્યો હતો. તાજેતરના વર્ષોમાં ફ્રેંચ સાઇન લેંગ્વેજમાં અમુક સાહિત્ય ડીવીડી પર બહાર પાડવા, શાખા ખૂબ જ મહેનત કરી રહી છે. પણ ઘણું કામ હોવાથી તેઓને સાથ આપવા, મને પૂરા સમય માટે બોલાવ્યો.
અમને લાગ્યું કે હું આ રીતે શાખામાં સેવા આપું એ સાચે જ યહોવા પાસેથી અજોડ લહાવો છે. પણ એ સમયે અમને અમુક ચિંતાઓ હતી. જેમ કે, સાઇન લેંગ્વેજ ગ્રૂપનું શું થશે? અમારા ઘરનું શું કરીશું? વેનિશાને શું એ વિસ્તારમાં કામ મળશે? આ દરેક ચિંતાઓનો યહોવાએ સુંદર રીતે ઉકેલ બતાવ્યો. બહેરાં-મૂંગાં લોકોને યહોવા સાચે જ પ્રેમ કરે છે, એનો મને અહેસાસ થયો.
એક થયેલા લોકોનો સહકાર
બહેરાં-મૂંગાં લોકો ઈશ્વરને ઓળખે માટે ઘણું જ કરવામાં આવે છે, એ હું ભાષાંતર કાર્યમાં ભાગ લેવાથી સમજી શક્યો છું. સાથે કામ કરતા ભાઈ-બહેનો અમુક સાઇન શીખીને મારી સાથે વાત કરવા ઘણી મહેનત કરે છે. એ જોઈને મારું દિલ આનંદથી ભરાય જાય છે. હું એકલો પડી ગયો છું એવું જરાય લાગતું નથી. તેઓ જે રીતે મને પ્રેમ બતાવે છે એ સાબિત કરે છે કે યહોવાના ભક્તોમાં અજોડ સંપ છે!—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.
ખ્રિસ્તી મંડળ દ્વારા યહોવાએ એવી ગોઠવણ કરી છે કે મને મદદ કરવા કોઈને કોઈ હંમેશાં હાજર હોય. એ માટે હું તેમનો આભારી છું. બીજા બહેરાં-મૂંગાં લોકો યહોવાને ઓળખે અને તેમની પાસે આવે માટે મદદ કરવાની મને તક મળી છે. એની પણ હું ખૂબ જ કદર કરું છું. હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે, વાતચીત અટકાવતા સર્વ નડતરો દૂર કરવામાં આવશે. અને બધા જ એક કુટુંબ તરીકે ‘શુદ્ધ ભાષા’ એટલે કે યહોવા અને તેમના હેતુઓ વિશેનું સત્ય બોલતા હશે.—સફાન્યા ૩:૯. (w13-E 03/01)
a ફ્રાંસમાં બહેરાં-મૂંગાં બાળકોને સાઇન લેંગ્વેજથી પહેલાં શીખવવામાં આવતું નહિ. પણ ૧૯૯૧થી સરકારે એ રીતે શીખવવાની મંજૂરી આપી.