મુસાની શ્રદ્ધા મજબૂત હતી
શ્રદ્ધા શાને કહેવાય?
બાઇબલ પ્રમાણે શ્રદ્ધા એટલે જે બાબત જોઈ ન શકતા હોય પણ નક્કર પુરાવામાં માનવું. જે વ્યક્તિ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તે માને છે કે ઈશ્વર પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે.
મુસાએ કઈ રીતે શ્રદ્ધા બતાવી?
તેમણે પોતાના નિર્ણયોથી બતાવ્યું કે તેમને ઈશ્વરનાં વચનોમાં પૂરો ભરોસો છે. (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮) મિસરમાં એશઆરામનું જીવન જીવવાની તક પણ તેમણે જતી કરી. ‘પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકો સાથે દુઃખ ભોગવવાનું તેમણે વિશેષ પસંદ કર્યું.’ (હિબ્રૂ ૧૧:૨૫) શું તેમણે એ નિર્ણય વગર વિચાર્યે કર્યો, જેનો પછીથી પસ્તાવો થયો હોય? ના. મુસા વિશે બાઇબલ જણાવે છે કે તે ‘જાણે અદૃશ્યને જોતા હોય એમ અડગ રહ્યા.’ (હિબ્રૂ ૧૧:૨૭) તેમણે પૂરી શ્રદ્ધાથી લીધેલા નિર્ણયોનો કદી પસ્તાવો કર્યો નહિ.
મુસાએ બીજાઓને પણ ઈશ્વરમાં મજબૂત શ્રદ્ધા રાખવા મદદ કરી. એનો એક દાખલો જોઈએ. ઈસ્રાએલીઓએ જોયું કે પોતે લાલ સમુદ્ર અને ફારુન રાજાના સૈન્યો વચ્ચે ફસાઈ ગયા છે. એનાથી તેઓ ગભરાઈ ગયા અને માનવા લાગ્યા કે હવે કોઈ બચશે નહિ. એટલે તેઓએ યહોવા અને મુસાને પોકાર કર્યો. મુસાએ ત્યારે શું કર્યું?
મુસા કદાચ જાણતા નહિ હોય કે ઈસ્રાએલીઓના બચાવ માટે ઈશ્વર લાલ સમુદ્રના ભાગ કરીને માર્ગ ખોલશે. પણ તેમને ભરોસો હતો કે લોકોને બચાવવા ઈશ્વર ચોક્કસ કંઈ કરશે. મુસા ચાહતા હતા કે સાથી ઈસ્રાએલીઓ પણ એવો જ ભરોસો રાખે. બાઇબલ જણાવે છે: “મુસાએ લોકોને કહ્યું, બીહો મા, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ.” (નિર્ગમન ૧૪:૧૩) શું ઈસ્રાએલીઓની શ્રદ્ધા મજબૂત કરવામાં મુસા સફળ થયા? મુસા અને બીજા ઈસ્રાએલીઓ વિશે બાઇબલ જણાવે છે કે “વિશ્વાસથી તેઓ, જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ, લાલ સમુદ્રમાં થઈને પાર ગયા.” (હિબ્રૂ ૧૧:૨૯) મુસાની શ્રદ્ધાથી ફક્ત તેમને નહિ, પણ જેઓ એમાંથી શીખ્યા તેઓને પણ ફાયદો થયો.
એમાંથી આપણે શું શીખી શકીએ?
મુસાની જેમ આપણે પણ પોતાના નિર્ણયોથી બતાવીશું કે ઈશ્વરનાં વચનોમાં ભરોસો છે. ઈશ્વરે વચન આપ્યું છે કે તેમની ભક્તિને જીવનમાં પહેલી રાખીશું તો, તે આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડશે. (માથ્થી ૬:૩૩) આજે લોકો ધનદોલત અને માલમિલકતને મહત્ત્વ આપે છે. એટલે આપણા માટે સાદુ જીવન જીવવું મુશ્કેલ બની શકે. પણ આપણે ખાતરી રાખવી જોઈએ કે, જીવન સાદુ રાખીશું અને યહોવાની ભક્તિ પર ધ્યાન આપીશું તો, તે આપણી બધી જરૂરિયાતો પૂરી કરશે. યહોવા ખાતરી આપે છે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”—હિબ્રૂ ૧૩:૫.
આજે આપણે પણ બીજાઓની શ્રદ્ધા મજબૂત કરવા પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે, સમજુ માબાપ જાણે છે કે પોતાનાં બાળકોમાં શ્રદ્ધા કેળવવાની તેઓ પાસે ઘણી તક રહેલી છે. બાળકો મોટાં થાય તેમ માબાપે શીખવવું જોઈએ કે ઈશ્વર છે અને તે આપણને ખરું-ખોટું પારખવાનું શીખવે છે. વધુમાં, બાળકોએ દિલથી સ્વીકારવું જોઈએ કે, ઈશ્વરના સિદ્ધાંતો પાળવાથી પોતાનું જ ભલું થાય છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) ‘ઈશ્વર છે અને જેઓ તેમને ખંતથી શોધે છે તેઓને તે ફળ આપે છે.’ એવી શ્રદ્ધા રાખવાનું માબાપે બાળકોને શીખવવું જોઈએ. આમ તેઓ બાળકોને સૌથી ઉત્તમ ભેટ આપે છે.—હિબ્રૂ ૧૧:૬. (w13-E 02/01)