સાચી ભક્તિમાં એક થયેલા “પરદેશીઓ”
‘પરદેશીઓ તમારા ખેડૂત તથા તમારી દ્રાક્ષાવાડીના માળી થશે. પણ તમે તો યહોવાના યાજક કહેવાશો.’—યશા. ૬૧:૫, ૬.
૧. પરદેશીઓ વિશે લોકો શું વિચારે છે અને એવું વિચારવું કેમ યોગ્ય નથી?
આપણે આગલા લેખમાં જોઈ ગયા તેમ, લોકો બીજાઓને ‘પરદેશી’ કહીને તેઓની નિંદા કરતા હોય છે. એ શબ્દ વાપરીને તેઓ બીજા દેશના લોકો માટે અણગમો, તિરસ્કાર અને ધિક્કાર બતાવતા હોય છે. જો વ્યક્તિ પોતાના દેશના લોકો કરતાં બીજા દેશના લોકોને ઊતરતી કક્ષાના ગણે, તો એ અપમાનજનક કહેવાય. એવું વલણ બતાવે છે કે વ્યક્તિ કેટલીક હકીકતોથી અજાણ છે. ધ રેઇસીસ ઓફ મેનકાઇન્ડ પુસ્તક જણાવે છે: ‘બાઇબલ કહે છે, મનુષ્યની જુદીજુદી જાતિઓ ભાઈઓ છે.’ ખરું કે ભાઈ-ભાઈમાં ઘણો ફરક હોય છે, તોપણ તેઓ ભાઈઓ જ કહેવાય.
૨, ૩. યહોવા પરદેશીઓને કેવા ગણતા?
૨ ભલેને આપણે કોઈ પણ દેશમાં રહેતા હોઈએ તોપણ આપણી મધ્યે પરદેશીઓ તો હોય જ છે. પ્રાચીન ઈસ્રાએલીઓના કિસ્સામાં પણ એવું જ હતું, કેમ કે નિયમકરારના લીધે યહોવા સાથે તેઓનો ખાસ સંબંધ હતો. જેઓ ઈસ્રાએલી ન હતા, તેઓને બધા હક્ક મળતા નહિ, તોપણ ઈસ્રાએલીઓએ તેઓ સાથે માનથી અને વાજબી રીતે વર્તવાનું હતું. આપણા માટે એ કેટલો સરસ દાખલો! યહોવાના ભક્તોનાં દિલમાં પરદેશીઓ માટે પક્ષપાત કે જાતિવાદનો છાંટો પણ ન હોવો જોઈએ. શા માટે? એ વિશે પ્રેરિત પીતરે આમ કહ્યું: ‘હું ખચીત સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’—પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫.
૩ પ્રાચીન ઈસ્રાએલીઓ સાથે ગાઢ સંગત રાખવાથી પરદેશીઓને લાભ થતો. એ વિશે વર્ષો પછી પ્રેરિત પાઊલે યહોવાના વિચારો જણાવતા લખ્યું કે, ‘શું ઈશ્વર કેવળ યહુદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.’—રોમ. ૩:૨૯; યોએ. ૨:૩૨.
૪. શા માટે કહી શકીએ કે “ઈશ્વરના ઈસ્રાએલ”માં કોઈ પરદેશીઓ નથી?
૪ પ્રાચીન ઈસ્રાએલીઓએ યહોવાની કૃપા ગુમાવી અને અભિષિક્ત ખ્રિસ્તીઓ પર તેમની કૃપા આવી. આમ, યહોવા સાથે તેઓનો ખાસ સંબંધ જોડાયો. એ કારણથી તેઓ “ઈશ્વરના ઈસ્રાએલ” કહેવાયા. (ગલા. ૬:૧૬) સમય જતાં, પાઊલે સમજાવ્યું તેમ ઈશ્વરના ઈસ્રાએલમાં નથી કોઈ ‘ગ્રીક કે યહુદી, નથી સુન્નતી કે બેસુન્નત, નથી પરદેશી, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.’ (કોલો. ૩:૧૧) એ અર્થમાં ખ્રિસ્તી મંડળમાં કોઈ પરદેશીઓ નથી.
૫, ૬. (ક) યશાયા ૬૧:૫, ૬ વિશે કયો પ્રશ્ન થઈ શકે? (ખ) યશાયાએ જણાવ્યા પ્રમાણે ‘યહોવાના યાજકો’ અને “પરદેશીઓ” કોણ છે? (ગ) કઈ રીતે ‘યહોવાના યાજકો’ અને “પરદેશીઓ” સાથે મળીને કામ કરે છે?
૫ બીજી તરફ, કદાચ કોઈ યશાયાના ૬૧માં અધ્યાય તરફ ધ્યાન દોરશે, જેમાંની ભવિષ્યવાણી ખ્રિસ્તી મંડળમાં પૂરી થઈ રહી છે. એ જ અધ્યાયની કલમ ૬ ‘યહોવાના યાજકો’ વિશે વાત કરે છે. જ્યારે કે કલમ પાંચ બતાવે છે કે “પરદેશીઓ,” ‘યાજકોને’ કામમાં પૂરેપૂરો સાથ-સહકાર આપશે. આનો અર્થ શું થાય?
૬ આપણે જાણીએ છીએ કે ‘યહોવાના યાજકો’ એ અભિષિક્ત ખ્રિસ્તીઓ છે, જેઓનું ‘પ્રથમ પુનરુત્થાન’ થાય છે. તેઓ “ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.” (પ્રકટી. ૨૦:૬) એ ઉપરાંત, એવા ઘણા વિશ્વાસુ ભક્તો છે જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે. તેઓ, સ્વર્ગીય જીવનની આશા ધરાવતા ભક્તો સાથે મળીને કામ કરે છે અને તેઓની સાથે ગાઢ સંબંધ રાખે છે. તેઓ રાજીખુશીથી “ખેડૂતો” અને “દ્રાક્ષાવાડીના માળી” તરીકે ‘યહોવાના યાજકોને’ કામમાં સાથ આપે છે. તેઓ આ રીતે પ્રચારકાર્ય અને શિષ્ય બનાવવાના કામમાં સાથ આપીને, ઈશ્વરને મહિમા આપવા અભિષિક્તોને મદદ કરે છે. અભિષિક્તો અને “બીજાં ઘેટાં” નમ્ર દિલના લોકોને શોધીને તેઓને સત્ય શીખવા મદદ કરે છે જેથી, તેઓ કાયમ માટે ઈશ્વરની ભક્તિ કરી શકે.—યોહા. ૧૦:૧૬.
ઈબ્રાહીમ જેવા “પરદેશીઓ”
૭. આજે ખ્રિસ્તીઓ કઈ રીતે ઈબ્રાહીમ અને પ્રાચીન સમયના વિશ્વાસુ ભક્તો જેવા છે?
૭ આગળના લેખમાં જોઈ ગયા તેમ, સાચા ખ્રિસ્તીઓ શેતાનની દુષ્ટ દુનિયામાં પ્રવાસી જેવા છે. પ્રાચીન સમયમાં ઈબ્રાહીમ અને બીજા ઈશ્વરભક્તો, ‘પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી હતા.’ તેઓની જેમ, સાચા ખ્રિસ્તીઓ પણ પરદેશીઓ છે. (હિબ્રૂ ૧૧:૧૩) ભલેને ભાવિ માટે સ્વર્ગીય કે પૃથ્વી પર જીવવાની આશા હોય તોપણ, આપણે ઈબ્રાહીમની જેમ યહોવા સાથે ખાસ સંબંધનો આનંદ માણી શકીએ છીએ. યાકૂબ જણાવે છે કે ‘ઈબ્રાહીમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે તેમને માટે ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યા; અને તેમને ઈશ્વરના મિત્ર કહેવામાં આવ્યા.’—યાકૂ. ૨:૨૩.
૮. યહોવાએ ઈબ્રાહીમને કયું વચન આપ્યું? એ વિશે તેમને કેવું લાગ્યું?
૮ યહોવાએ વચન આપ્યું હતું કે ઈબ્રાહીમ અને તેમનાં વંશજ દ્વારા, ફક્ત એક દેશને નહિ પણ પૃથ્વી પરનાં બધાં જ કુટુંબ આશીર્વાદ પામશે. (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮ વાંચો.) ખરું કે એ વચન ઘણાં વર્ષો પછી ભવિષ્યમાં પૂરું થવાનું હતું. તોપણ, ઈબ્રાહીમે ભરોસો રાખ્યો કે એ જરૂર પૂરું થશે. આશરે ૧૦૦ વર્ષ, તે અને તેમનું કુટુંબ એકથી બીજી જગ્યાએ પ્રવાસી તરીકે રહ્યા. એ સમય દરમિયાન પણ ઈબ્રાહીમે યહોવા સાથે મિત્રતા જાળવી રાખી.
૯, ૧૦. (ક) ઈબ્રાહીમને અનુસરવા શું કરી શકીએ? (ખ) આપણે બીજાઓને કયું આમંત્રણ આપી શકીએ?
૯ યહોવાએ આપેલું વચન પૂરું થાય, એની કેટલાં વર્ષો રાહ જોવી પડશે એ ઈબ્રાહીમ જાણતા ન હતા. તોપણ, યહોવા માટે તેમના પ્રેમ અને ભક્તિમાં તે અડગ રહ્યા. તેમણે પોતાના ધ્યેય પર નજર રાખી હોવાથી કોઈ પણ દેશમાં કાયમી રહેવાસી બનવાનો પ્રયત્ન ન કર્યો. (હિબ્રૂ ૧૧:૧૪, ૧૫) આપણે પણ ઈબ્રાહીમની જેમ સાદું જીવન જીવવું જોઈએ. એમ કરીશું તો વધારે પડતી માલમિલકત ભેગી કરવામાં, માન-મોભો મેળવવામાં કે કારકિર્દી બનાવવામાં લાગુ નહિ રહીએ. આપણે જાણીએ છીએ કે દુષ્ટ દુનિયાનો અંત જલદી જ આવી રહ્યો છે. એમ હોવાથી, દુનિયાની નજરે સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન પણ કેમ કરવો જોઈએ? અરે, જે થોડા સમય પૂરતું જ છે એની પાછળ કેમ દોડવું જોઈએ? ઈબ્રાહીમની જેમ, આપણે પણ સારી દુનિયાની રાહ જોઈ રહ્યા છીએ. આપણી આશા પૂરી થાય ત્યાં સુધી, આપણે ધીરજ અને રાહ જોવાનું વલણ બતાવવા તૈયાર છીએ.—રોમનો ૮:૨૫ વાંચો.
૧૦ યહોવા આજે પણ બધા દેશોના લોકોને આમંત્રણ આપે છે, જેથી તેઓ ઈબ્રાહીમનાં સંતાન દ્વારા આશીર્વાદ પામે. અભિષિક્ત થયેલા ‘યહોવાના યાજકો’ અને “પરદેશીઓ” એટલે બીજાં ઘેટાંનાં સભ્યો, આખી દુનિયામાં લોકોને ૬૦૦થી વધારે ભાષામાં એ આમંત્રણ આપી રહ્યા છે.
સર્વ દેશોના લોકોને પ્રેમ બતાવો
૧૧. સુલેમાને સર્વ દેશના લોકોને શું કરવાનું આમંત્રણ આપ્યું?
૧૧ સુલેમાને ઈસવીસન પૂર્વે ૧૦૨૬માં યહોવાહના મંદિરનું સમર્પણ કર્યું. યહોવાએ ઈબ્રાહીમને આપેલા વચન પ્રમાણે સુલેમાન જોઈ શક્યા કે સર્વ દેશના લોકો યહોવાની ઉપાસનામાં જોડાશે. તેમણે કરેલી પ્રાર્થનામાંથી એ સાફ દેખાઈ આવે છે. તેમણે દિલથી પ્રાર્થના કરતા કહ્યું: ‘પરદેશીઓ પણ કે જે તમારા ઈસ્રાએલ લોકમાંના નથી તે જ્યારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે; (કેમ કે તેઓ તમારા મોટા નામ વિશે, તમારા પરાક્રમી હાથ વિશે, તથા તમારા લંબાવેલા ભુજ વિશે સાંભળશે;) અને તે આવીને આ મંદિર ભણી મુખ ફેરવીને પ્રાર્થના કરે; ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સઘળી બાબત વિશે તે પરદેશી તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો; કે જેથી પૃથ્વીના સર્વ લોકો તમારું નામ જાણે, ને તમારા ઈસ્રાએલ લોકોની જેમ તેઓ તમારી બીક રાખે.’—૧ રાજા. ૮:૪૧-૪૩.
૧૨. લોકોને અમુક વાર યહોવાના સાક્ષીઓ કેમ વિચિત્ર કે “પરદેશીઓ” જેવા લાગે છે?
૧૨ જો કોઈ વ્યક્તિ એવા દેશ કે સમાજ અથવા વૃંદમાં રહેવા જાય, જે તેનો પોતાનો નથી, તો તે પરદેશી કહેવાશે. યહોવાના સાક્ષીઓ પણ એક રીતે પરદેશીઓ જેવા જ છે. સ્વર્ગમાંથી રાજ કરતી ઈસુ ખ્રિસ્તની સરકારને તેઓ આધીન રહે છે. એ કારણથી તેઓ રાજકારણમાં જરાય ભાગ લેતા નથી, પછી ભલે તેઓ લોકોને વિચિત્ર લાગે.
૧૩. (ક) આપણે કેવી બાબતો અવગણીશું તો વ્યક્તિ ‘પરદેશી’ નહિ લાગે? (ખ) એક બીજા સાથે લોકો કેવી રીતે વર્તે, એ વિશે શરૂઆતથી જ યહોવાનો શું હેતુ હતો? સમજાવો.
૧૩ મોટા ભાગે પરદેશીઓ તેઓની રહેણીકરણી, ભાષા, દેખાવ, પહેરવેશ કે રીતરિવાજ પરથી ઓળખાય આવે છે. પણ જે બાબતો બધા જ દેશના લોકોમાં એક સરખી જોવા મળે છે, એ વધારે મહત્ત્વની છે. ખરું જોતા તો કોઈ વ્યક્તિ અમુક બાબતોમાં અલગ હોય, તેને કદાચ પરદેશી કહીશું. પણ જ્યારે આપણે આવી બાબતો અવગણીએ, ત્યારે ‘પરદેશી’ શબ્દનું કંઈ મહત્ત્વ રહેતું નથી. જો પૃથ્વી પરના બધા જ લોકો એક જ સરકારના રાજમાં જીવતા હોય, તો રાજકીય રીતે કોઈ પણ પરદેશી નહિ ગણાય. યહોવાનો શરૂઆતથી જ હેતુ હતો કે બધા મનુષ્યો સંપીને એક કુટુંબ તરીકે, તેમની એક સરકારની દોરવણી પ્રમાણે જીવે. દુનિયાના લોકો એકબીજાને પરદેશી તરીકે ન જુએ એવું આજે શક્ય છે?
૧૪, ૧૫. યહોવાના સાક્ષીઓ શાની કદર કરે છે?
૧૪ આજે સ્વાર્થી અને રાષ્ટ્રવાદી દુનિયામાં પણ અમુક લોકો બીજા દેશના લોકોને પ્રેમ બતાવે છે, એ જોઈને કેટલો આનંદ થાય છે! ખરું કે ભેદભાવ ન રાખવો એ અઘરું છે. ટેડ ટર્નરનો વિચાર કરો. તેમણે સી.એન.એન. ટીવી નેટવર્ક શરૂ કરી હતી. તે અનેક દેશોમાંથી આવતા કુશળ લોકો સાથે કામ કરે છે. તેમણે કહ્યું, ‘એવા લોકોને મળવું એ અજોડ લહાવો છે. બીજા દેશોમાંથી આવતા લોકોને હું “પરદેશીઓ” તરીકે ગણતો નથી, પણ પૃથ્વી પરના સાથી નાગરિક તરીકે જોઉં છું. મારા મને “પરદેશી” શબ્દ અપમાનજનક છે, એટલે મેં કંપનીમાં નિયમ બનાવ્યો કે ઑફિસમાં વાતચીત કરતી વખતે કે ટીવી પર સમાચાર આપતી વખતે “પરદેશી” શબ્દ વાપરવો ન નહિ.’
૧૫ પૃથ્વી પરના બધા દેશોમાંથી આવતા યહોવાના સાક્ષીઓએ ઈશ્વરના વિચારો અપનાવ્યા છે. યહોવા જે રીતે બાબતોને જુએ છે એ શીખવાથી, તેઓ પૂરા મનથી ભેદભાવના વાડા તોડી શક્યા છે. તેઓ એવું વિચારતા નથી કે બીજા દેશમાંથી આવતા લોકોનો ભરોસો ન થાય. તેમ જ, તેઓની શંકા કરતા નથી કે તેઓને ધિક્કારતા નથી. યહોવાના સાક્ષીઓ અલગ અલગ દેશના લોકો અને તેઓની આવડતો જોઈને ખુશ થાય છે. શું તમે વિચાર્યું છે કે યહોવાના સાક્ષીઓ એ કેવી રીતે કરી શક્યા છે અને બીજાઓ સાથેના વ્યવહારમાંથી તમને કેવો લાભ થયો છે?
જ્યારે કોઈ “પરદેશીઓ” નહિ હોય
૧૬, ૧૭. પ્રકટીકરણ ૧૬:૧૬ અને દાનીયેલ ૨:૪૪ની ભવિષ્યવાણીની પરીપૂર્ણતાનો તમારા માટે શું અર્થ રહેલો છે?
૧૬ જલદી જ, ઈશ્વરની સરકારનો વિરોધ કરતા હાલના રાજ્યો, ઈસુ ખ્રિસ્ત અને તેમના સ્વર્ગદૂતો સામે યુદ્ધ કરવા નીકળશે. એને ‘હિબ્રૂ ભાષામાં હાર-માગેદોનનું’ યુદ્ધ કહેવામાં આવે છે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૧-૧૬) યહોવાના હેતુ વિરુદ્ધ જતી માનવ સરકારોના પરિણામ વિશે, લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં ઈશ્વરની પ્રેરણાથી દાનીયેલ પ્રબોધકે ભવિષ્યવાણીમાં લખ્યું કે ‘તે રાજાઓની કારકિર્દીમાં સ્વર્ગના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ એ આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને એ સર્વકાળ ટકશે.’—દાની. ૨:૪૪.
૧૭ કલ્પના કરો કે આ ભવિષ્યવાણીની પરીપૂર્ણતાનો તમારા માટે શું અર્થ રહેલો છે? મનુષ્યે બનાવેલી સરહદોને લીધે આજે બધા જ અમુક અંશે પરદેશીઓ છે. પણ ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે કોઈ સરહદો નહિ હોય. ખરું કે દેખાવમાં બધા એક સરખા નહિ હોય, પણ એ બતાવશે કે ઈશ્વરની રચનામાં કેટલી વિવિધતા છે. આપણી આગળ અજોડ ભાવિ હોવાથી, આપણા સરજનહાર યહોવાની ભક્તિ કરવા અને તેમને મહિમા આપવા પોતાથી બનતું બધું જ કરવું જોઈએ.
શું તમે એવા સમયની રાહ જોઈ રહ્યા છો, જ્યારે કોઈ સરહદ કે ‘પરદેશી’ નહિ હોય?
૧૮. હાલના કયા બનાવો બતાવે છે કે ‘પરદેશી’ શબ્દનું કંઈ અગત્ય નથી?
૧૮ પૃથ્વી પર આવા મોટો ફેરફારો થશે, એ માનવું શું અશક્ય છે? ના, જરાય નહિ. હકીકતમાં તો એવું બને એ એકદમ વાજબી છે. આજે યહોવાના સાક્ષીઓ વચ્ચે ‘પરદેશી’ શબ્દનું કોઈ મહત્ત્વ નથી. તેમ જ, તેઓ મધ્યે કયા દેશ કે જાતિના લોકો છે, એ તેઓ માટે અગત્યનું નથી. દાખલા તરીકે, અમુક દેશોમાં નાની નાની શાખા કચેરીઓને ભેગી કરવામાં આવી છે, જેથી તેઓના કામની દેખરેખ રાખવી સહેલી બને અને વધુ સારી રીતે પ્રચારકાર્ય આગળ વધારી શકાય. (માથ. ૨૪:૧૪) એ નિર્ણયો કોઈ દેશની સરહદને આધારે લેવામાં આવ્યા ન હતા. સિવાય કે અમુક દેશના કાયદા એમ કરવાની પરવાનગી આપતા ન હોય. આ બીજી એક સાબિતી છે કે યહોવાએ પસંદ કરેલા રાજા ઈસુ ખ્રિસ્ત, માણસોએ રચેલાં નાતજાતના વાડા તોડી રહ્યા છે. તેમ જ, તે બહુ જલદીથી પોતાની ‘જીત’ પૂરી કરશે.—પ્રકટી. ૬:૨.
૧૯. યહોવાના સત્યની ભાષાને લીધે શું શક્ય બન્યું છે?
૧૯ યહોવાના સાક્ષીઓ અનેક દેશોમાંથી આવતા હોવાથી અલગ અલગ ભાષા બોલે છે. તેમ છતાં, તેઓ “શુદ્ધ હોઠો” એટલે કે યહોવાના સત્યની ભાષા બોલે છે. એનાથી તેઓ વચ્ચે અતૂટ સંબંધ બંધાય છે. (સફાન્યા ૩:૯ વાંચો.) ખરું કે આ વિશ્વવ્યાપી પરિવાર પૃથ્વી પર રહે છે. તોપણ, તેઓ આ દુષ્ટ દુનિયાનો કોઈ ભાગ નથી. આ કુટુંબ આજે સાબિતી આપે છે કે આવનાર નવી દુનિયામાં કોઈ પણ પરદેશીઓ જેવા નહિ હોય. શરૂઆતમાં જણાવેલા પુસ્તક પ્રમાણે, પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિ ખુશીથી જણાવશે: ‘બાઇબલ કહે છે, મનુષ્યની જુદીજુદી જાતિઓ ભાઈઓ છે.’—ધ રેઇસીસ ઓફ મેનકાઇન્ડ. (w12-E 12/15)