તમે કેવું વલણ બતાવો છો?
“તમે જે વલણ બતાવો છો એના પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા હોજો.”—ફિલે. ૨૫, NW.
૧. સાથી ખ્રિસ્તીઓને લખતી વખતે પાઊલે કઈ આશા દર્શાવી?
પ્રેરિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને લખતી વખતે, ઘણી વાર એવી આશા દર્શાવી કે મંડળ જે વલણ બતાવે છે, એને ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત માન્ય કરે. દાખલા તરીકે, ગલાતી મંડળને તેમણે આમ લખ્યું: “ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમેન.” (ગલા. ૬:૧૮) * એ મંડળે બતાવેલા ‘વલણ’ વિશે પાઊલે લખ્યું ત્યારે તે શું કહેવા માંગતા હતા?
૨, ૩. (ક) અહીં પાઊલે વાપરેલો “આત્મા” શબ્દ શાને દર્શાવે છે? (ખ) પોતાના વલણ વિશે આપણે કેવા સવાલો પૂછવા જોઈએ?
૨ પાઊલે અહીં વાપરેલો “આત્મા” શબ્દ વલણને દર્શાવે છે. આપણું વલણ આપણને કંઈક કહેવા કે કરવા માટે પ્રેરે છે. કોઈ વ્યક્તિનું વલણ નમ્ર, લાગણીશીલ, શાંત, ઉદાર કે માફ કરવાનું હોઈ શકે. બાઇબલ “દીન તથા નમ્ર” સ્વભાવ અને ‘ઠંડા મિજાજʼને વખાણે છે. (૧ પીત. ૩:૪; નીતિ. ૧૭:૨૭) જ્યારે કે કોઈ વ્યક્તિનું વલણ કટાક્ષમાં બોલવાનું, પૈસાનો મોહ રાખવાનું, તરત માઠું લગાડવાનું કે સ્વચ્છંદી હોઈ શકે. એથીયે ખરાબ, અમુક લોકો ખોટાં કામો કરનારા, આજ્ઞા ન માનનારા અને બંડખોર હોય છે.
૩ એટલે, પાઊલે જ્યારે કહ્યું કે “પ્રભુ તારા આત્માની [વલણ] સાથે થાઓ,” ત્યારે તે ભાઈ-બહેનોને એવું વલણ બતાવવા ઉત્તેજન આપતા હતા, જે ઈશ્વરની ઇચ્છા અને ઈસુના સ્વભાવના સુમેળમાં હોય. (૨ તીમો. ૪:૨૨; કોલોસી ૩:૯-૧૨ વાંચો.) આપણે પોતાને પૂછવું જોઈએ: ‘હું કેવું વલણ બતાવું છું? ઈશ્વરને પસંદ પડે એવું વલણ બતાવવા હજી સુધારો કરી શકું? મંડળમાં બધાને ઉત્તેજન મળે એવું વલણ કેળવવા ક્યાં સુધારો કરી શકું?’ એ માટે સૂર્યમુખીના ખેતરનો વિચાર કરો. ખેતરમાંના એક એક ફૂલને લીધે આખું ખેતર સુંદર દેખાય છે. એ ફૂલોની જેમ શું આપણે પણ પોતાના વલણથી આખા મંડળનો માહોલ સુંદર બનાવીએ છીએ? સાચે જ, આપણે એમાંના એક બનવા ચાહીશું. ચાલો, હવે જોઈએ કે ઈશ્વરને પસંદ પડે એવું વલણ બતાવવા શું કરી શકીએ.
દુનિયાના વલણથી દૂર રહીએ
૪. ‘જગતનું વલણ’ શું છે?
૪ બાઇબલ જણાવે છે કે આપણે “જગતનો આત્મા [વલણ] નહિ, પણ જે આત્મા [શક્તિ] ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ.” (૧ કોરીં. ૨:૧૨) ‘જગતનું વલણ’ શું છે? એ એફેસી ૨:૨માં જણાવેલા વલણ જેવું જ છે: “તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા [વલણ] આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતા.” અહીંયા “વાયુ” દુનિયાનાં વલણ અને વિચારોને દર્શાવે છે. એ હવાની જેમ આપણી ચારેબાજુ ફેલાયેલાં છે. આવા શબ્દોમાં એ ઘણી વાર જોવા મળે છે: ‘હું મારી મરજીનો માલિક છું’ અથવા ‘પોતાના હક્ક માટે લડવું જ જોઈએ.’ આવું વલણ આજે ઘણા લોકોમાં જોવા મળે છે. એવા લોકો શેતાનની દુનિયાના ‘આજ્ઞાભંગના દીકરાઓ’ છે.
૫. અમુક ઈસ્રાએલીઓએ કેવું વલણ બતાવ્યું હતું?
૫ આવું વલણ કંઈ નવું નથી. મુસાના સમયમાં કોરાહ ઈસ્રાએલીઓની મંડળીના આગેવાનોની સામે થયા હતા. ખાસ તો, તેમણે યાજકો તરીકે સેવા આપનારા હારુન અને તેમના દીકરાઓ સામે ફરિયાદ કરી હતી. બની શકે કે તેમણે તેઓની અમુક નબળાઈઓ જોઈ હોય. અથવા મુસા સામે ઝઘડો કર્યો હશે કે ‘તું તારા સગાઓને જ લહવાઓ આપે છે.’ ભલે ગમે એ હોય, પણ એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કોરાહ મનુષ્યોની નજરે જોતા હતા. યહોવાએ પસંદ કરેલા આગેવાનોનું અપમાન કરતા, તેમણે કહ્યું કે તમે હવે હદ વટાવો છો. “તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?” (ગણ. ૧૬:૩) એવી જ રીતે, દાથાન અને અબીરામે મુસા સામે ફરિયાદ કરતા કહ્યું કે ‘તું અમારા પર સરદારી કરે છે?’ પછી, તેઓને મુસાની આગળ બોલાવવામાં આવ્યા ત્યારે, તેઓએ ઘમંડથી કહ્યું: ‘અમે ત્યાં આવવાના નથી.’ (ગણ. ૧૬:૧૨-૧૪) યહોવા તેઓના વલણથી જરાય ખુશ ન હતા. એટલે તેમણે બધા બંડખોરોનો નાશ કર્યો.—ગણ. ૧૬:૨૮-૩૫.
૬. પહેલી સદીમાં કઈ રીતે અમુક લોકોએ ખરાબ વલણ બતાવ્યું? એનું કારણ શું હોઈ શકે?
૬ પહેલી સદીમાં પણ અમુક લોકો જવાબદાર ભાઈઓની ટીકા કરનારા અને તેઓના ‘અધિકારને તુચ્છ ગણનારા હતા.’ (યહુ. ૮) બની શકે કે તેઓ મળેલા લહાવાઓથી સંતુષ્ટ ન હતા. તેમ જ, ઈશ્વરે આપેલી જવાબદારીઓ પૂરા દિલથી ઉપાડનારા ભાઈઓ સામે થવા, બીજાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા.—૩ યોહાન ૯, ૧૦ વાંચો.
૭. આજે કઈ રીતે મંડળમાં સાવધ રહેવાની જરૂર પડી શકે?
૭ એ સ્પષ્ટ છે કે મંડળમાં એવું વલણ જરાય શોભે નહિ. એટલે આપણામાં એવું વલણ ન આવી જાય, એ માટે સાવધ રહેવું જોઈએ. જેમ મુસા અને પ્રેરિત યોહાનના સમયના વડીલો સંપૂર્ણ ન હતા, તેમ આજે પણ નથી. કદાચ વડીલો અમુક ભૂલો કરે, જેનાથી આપણને વ્યક્તિગત રીતે અસર થાય. જો એવું બને અને મંડળના સભ્યો દુન્યવી રીતે ઇન્સાફ મેળવવા ગુસ્સાથી વર્તે અથવા એમ કહે ‘આ ભાઈનું કંઈ કરવું પડશે!’ તો શું એ યોગ્ય કહેવાશે? કદાચ યહોવા અમુક નાની ખામીઓ ચાલવા પણ દે. શું આપણે પણ એમ ન કરી શકીએ? કદાચ મંડળમાં ખોટા કામ કરનાર વ્યક્તિને મદદ આપવા વડીલો નીમવામાં આવે છે ત્યારે, એ વ્યક્તિ તેઓને મળવાનો ઇન્કાર કરે છે, કેમ કે તેને એ વડીલોમાં ખામીઓ દેખાય છે. આ તો એવું થયું કે ડૉક્ટર ન ગમવાને કારણે વ્યક્તિ તેમની સારવાર લેવાનો ઇન્કાર કરે અને સારવારથી મળતા લાભો પણ ગુમાવે.
૮. મંડળમાં આગેવાની લેનારા ભાઈઓને પૂરું માન આપવામાં આપણને કઈ કલમો મદદ કરી શકે?
૮ એવા વલણથી દૂર રહેવા યાદ રાખીએ કે ઈસુના “જમણા હાથમાં સાત તારા” છે. એ સાત “તારા” કોને દર્શાવે છે? પ્રથમ તો અભિષિક્ત વડીલોને અને પછી મંડળોના બધા વડીલોને. ઈસુ પોતાના હાથમાં રહેલા “તારા”ને પોતાની રીતે દોરી શકે છે. (પ્રકટી. ૧:૧૬, ૨૦) એટલે, ઈસુ મંડળના આગેવાન હોવાથી બધા જ વડીલો તેમના પૂરા નિયંત્રણમાં છે. મંડળના વડીલોમાંથી કોઈને સુધારાની જરૂર હોય તો, ઈસુ જેમની “આંખો અગ્નિની જ્વાળા જેવી” છે, તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે તેમને સુધારશે. (પ્રકટી. ૧:૧૪) એ દરમિયાન, જેઓ પવિત્ર શક્તિથી પસંદ થયા છે, તેઓને આપણે પૂરું માન આપવું જોઈએ. એ વિશે પાઊલે આમ લખ્યું: ‘તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારી ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમ કે એથી તમને ગેરલાભ થાય.’—હિબ્રૂ ૧૩:૧૭.
૯. (ક) મંડળમાં કોઈને સુધારવામાં આવે ત્યારે વ્યક્તિની કઈ કસોટી થઈ શકે? (ખ) આપણને સુધારવામાં આવે ત્યારે કેવું વલણ સારું ગણાશે?
૯ જ્યારે મંડળમાં કોઈને સુધારવામાં આવે અથવા કોઈના અમુક લહાવા લઈ લેવામાં આવે, ત્યારે તેમના વલણની કસોટી થઈ શકે. એક યુવાન ભાઈ હિંસક વિડીયો ગેઇમ રમતા હોવાથી, વડીલોએ તેમને પ્રેમથી સલાહ આપી. પણ દુઃખની વાત છે કે તેમણે એ સલાહ ન સ્વીકારી. તેમની સેવકાઈ ચાકરની જવાબદારી લઈ લેવામાં આવી, કેમ કે હવે તે શાસ્ત્રના ધોરણ પ્રમાણે જવાબદારી ઉપાડવા માટે યોગ્ય રહ્યા ન હતા. (ગીત. ૧૧:૫; ૧ તીમો. ૩:૮-૧૦) પછીથી, એ ભાઈ બધાને કહેતા ફર્યા કે વડીલોની સલાહથી તે સહમત નથી. તેમણે વારંવાર વડીલોના વાંક કાઢીને શાખા કચેરીને પત્રો લખ્યા અને મંડળમાં બીજા ભાઈ-બહેનોને પણ એમ કરવા ઉશ્કેર્યા. પોતાનાં કાર્યોને ન્યાયી સાબિત કરવાના પ્રયાસમાં, જો મંડળની શાંતિ છીનવાઈ જાય, તો એનાથી કોઈનું ભલું નહિ થાય. એટલે, જ્યારે પણ આપણને સુધારવામાં આવે, ત્યારે એમ ગણીએ કે આપણી નબળાઈઓ તરફ ધ્યાન દોરવામાં આવે છે. એ નબળાઈઓ આપણને દેખાતી ન હોય તોપણ, નમ્રતાથી સલાહ સ્વીકારી લેવી જોઈએ. એમાં આપણું જ ભલું છે.—યિર્મેયાનો વિલાપ ૩:૨૮, ૨૯ વાંચો.
૧૦. (ક) યાકૂબ ૩:૧૬-૧૮ની કલમોમાંથી સારાં અને ખરાબ વલણ વિશે શું શીખી શકીએ? (ખ) ‘ઉપરથી આવેલા જ્ઞાન’ પ્રમાણે વર્તવાથી શું પરિણામ આવે છે?
૧૦ મંડળમાં કેવું વલણ સારું કે ખરાબ કહેવાય, એનું માર્ગદર્શન આપણને યાકૂબ ૩:૧૬-૧૮ની કલમમાંથી મળે છે. એ આમ જણાવે છે: “જ્યાં અદેખાઈ તથા ચરસાચરસી છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.” જો આપણે ‘ઉપરથી આવેલા જ્ઞાન’ પ્રમાણે વર્તીશું, તો ઈશ્વરના જેવા ગુણો બતાવી શકીશું. આ રીતે, આપણે મંડળમાં એકબીજાને સારું વલણ બતાવવા અને શાંતિ જાળવવા ઉત્તેજન આપી શકીશું.
મંડળમાં માન આપવાનું વલણ બતાવીએ
૧૧. (ક) યોગ્ય વલણ જાળવવાથી શું કરવાનું ટાળી શકીશું? (ખ) દાઊદના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાએ ‘પોતાના ટોળાનું પ્રતિપાલન કરવાની’ સોંપણી વડીલોને આપી છે. (પ્રે.કૃ. ૨૦:૨૮; ૧ પીત. ૫:૨) તેથી, યહોવાએ કરેલી ગોઠવણને માન આપવું ડહાપણભર્યું છે, પછી ભલે આપણે વડીલ તરીકે સેવા આપતા હોઈએ કે નહિ. યોગ્ય વલણ જાળવી રાખવાથી, મળેલા લહાવાને વધારે પડતું મહત્ત્વ આપવાનું ટાળી શકીશું. ઈસ્રાએલના રાજા શાઊલને જ્યારે લાગ્યું કે દાઊદ તેમની રાજગાદી માટે ખતરો છે ત્યારથી, તે “દાઊદને નજરમાં” રાખવા લાગ્યા. (૧ શમૂ. ૧૮:૯) શાઊલે પોતાનામાં ખરાબ વલણ વિકસવા દીધું. અરે, એટલી હદે કે દાઊદને મારી નાખવાનું વિચાર્યું. શાઊલની જેમ હોદ્દાને વધારે મહત્ત્વ આપવાને બદલે, દાઊદના જેવું વલણ કેળવવું વધારે સારું ગણાશે. યુવાન દાઊદ સાથે ઘણો અન્યાય થયો હતો. તોપણ, ઈશ્વરે પસંદ કરેલા રાજાને દાઊદે માન બતાવ્યું.—૧ શમૂએલ ૨૬:૨૩ વાંચો.
૧૨. મંડળમાં સંપ વધારવા શું કરી શકીએ?
૧૨ જુદા જુદા મતને કારણે કદાચ મંડળનાં ભાઈ-બહેનો ચિડાઈ જઈ શકે. અરે વડીલોમાં પણ એવું થઈ શકે. આ વિશે મદદ આપતી બાઇબલની સલાહ આમ કહે છે: ‘માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણવામાં’ પહેલ કરો અને “પોતાને બુદ્ધિમાન ન સમજો.” (રોમ. ૧૨:૧૦, ૧૬) પોતે ખરા છીએ એવી જીદ કરવાને બદલે, એ સ્વીકારીએ કે કોઈ પણ સંજોગ તપાસવાની એકથી વધારે રીતો હોઈ શકે. જો આપણે બીજાના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીશું, તો મંડળમાં સંપ વધશે.—ફિલિ. ૪:૫.
૧૩. પોતાના મતને કેવી રીતે જોવા જોઈએ? બાઇબલનો કયો કિસ્સો એનો દાખલો આપે છે?
૧૩ એનો શું એવો અર્થ થાય કે મંડળમાં કંઈ સુધારો કરવાની જરૂર દેખાય ત્યારે એ વિશે કહેવું ખોટું છે? ના, એવું નથી. પહેલી સદીમાં, એક વિવાદને લીધે ઘણા મતભેદો ઊભા થયા. “પછી ભાઈઓએ ઠરાવ કર્યો કે પાઊલ તથા બાર્નાબાસ, અને પોતાનામાંના બીજા કેટલાએક એ વિવાદ સંબંધી યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.” (પ્રે.કૃ. ૧૫:૨) એમાં કોઈ શંકા નથી કે એ વિવાદ અને એને હલ કરવા માટે દરેક ભાઈના જુદા જુદા મતો હશે. પરંતુ, બધા ભાઈઓએ પોતાનો મત એક વાર જણાવી દીધો અને ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે નિર્ણય લઈ લીધો, પછી તેઓ પોતાના મતો ફરીથી સામે લાવ્યા નહિ. યરૂશાલેમના વડીલોએ લીધેલો નિર્ણય, પત્ર દ્વારા મંડળોને મોકલવામાં આવ્યો. ‘એ વાંચીને તેઓ એમાંના દિલાસાથી આનંદ પામ્યા’ અને “મંડળીઓનો વિશ્વાસ દૃઢ થતો ગયો.” (પ્રે.કૃ. ૧૫:૩૧; ૧૬:૪, ૫) એવી જ રીતે, આપણે અમુક બાબતો વડીલોના ધ્યાન પર એક વાર લાવી દઈએ પછી, એ તેઓના હાથમાં સોંપી દઈએ, જેથી તેઓ એના પર પ્રાર્થનાપૂર્વક વિચાર કરે.
બીજાઓ સાથેના વ્યવહારમાં સારું વલણ રાખીએ
૧૪. બીજાઓ સાથેના વ્યવહારમાં આપણે સારું વલણ કેવી રીતે બતાવી શકીએ?
૧૪ બીજાઓ સાથેના વ્યવહારમાં સારું વલણ બતાવવાની ઘણી તક રહેલી છે. કોઈ આપણને ખોટું લગાડે ત્યારે, તેમને માફ કરવાથી સારું પરિણામ આવશે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો,” જેમ યહોવાએ આપણને માફ કર્યા તેમ આપણે પણ કરીએ. (કોલો. ૩:૧૩) “જો કોઈને કોઈની સાથે કજિયો હોય,” આ શબ્દો બતાવે છે કે કદાચ કોઈના પર ગુસ્સે થવાનું યોગ્ય કારણ હોઈ શકે. તોપણ, બીજાની નબળાઈ વિશે કચકચ કરીને મંડળની શાંતિ ભંગ કરવાને બદલે, યહોવાની જેમ ઉદારતાથી તેમને માફ કરીએ અને ભક્તિમાં મંડ્યા રહીએ.
૧૫. (ક) માફી આપવા વિશે આપણને અયૂબ પાસેથી શું શીખવા મળે છે? (ખ) સારું વલણ કેળવવા પ્રાર્થના આપણને કેવી રીતે મદદ કરી શકે?
૧૫ માફી આપવા વિશે આપણે અયૂબ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. દિલાસો આપનારા તેમના ત્રણ કહેવાતા મિત્રોએ અયૂબને જેમ-તેમ બોલીને દુઃખી કર્યા. છતાં, અયૂબે તેઓને માફ કર્યા. કેવી રીતે? અયૂબે “પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી.” (અયૂ. ૧૬:૨; ૪૨:૧૦) બીજાઓ માટે પ્રાર્થના કરવાથી તેઓ માટેનું આપણું વલણ કદાચ બદલાઈ શકે. મંડળના સર્વ ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાથી, આપણને ઈસુ જેવું વલણ કેળવવા મદદ મળે છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાની સાથે સાથે, આપણે પવિત્ર શક્તિ મેળવવા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૧:૧૩) યહોવાની શક્તિ આપણને ખ્રિસ્ત જેવા ગુણો બતાવા અને બીજાઓ સાથે સારી રીતે વર્તવા મદદ કરશે.—ગલાતી ૫:૨૨, ૨૩ વાંચો.
તમારું સારું વલણ આખા મંડળને લાભ કરશે
૧૬, ૧૭. ‘પોતાના વલણ’ વિશે તમે શું નક્કી કર્યું છે?
૧૬ જો મંડળમાં દરેક જણ એકબીજાની સાથે સારું વલણ રાખવાનો ધ્યેય બાંધે, તો કેટલાં સારાં પરિણામો આવશે! આ બાબતોની ચર્ચા કર્યા પછી, આપણે પોતે નક્કી કરી શકીએ કે બીજાઓને ઉત્તેજન આપતું સારું વલણ બતાવવા મારે હજી ક્યાં સુધારો કરવો જોઈએ. એ માટે, બાઇબલ સત્યના પ્રકાશમાં પોતાને તપાસવા માટે અચકાઈએ નહિ. (હિબ્રૂ ૪:૧૨) મંડળમાં પોતાના વર્તનને લઈને, પાઊલ ઘણું વિચારતા હતા. એટલે તેમણે આમ કહ્યું: ‘જોકે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તોપણ તેથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનારા તો યહોવા છે.’—૧ કોરીં. ૪:૪.
૧૭ ઉપરથી આવતા જ્ઞાન પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીશું અને પોતા વિશે તેમ જ પોતાના હોદ્દા વિશે વધારે વિચારવાનું ટાળીશું તો, મંડળનાં સારાં વલણમાં ઉમેરો થશે. માફ કરવાનું વલણ રાખવાથી અને બીજાઓ વિશે સારું વિચારવાથી, ભાઈ-બહેનો સાથે પ્રેમાળ સંબંધોનો આનંદ માણી શકીશું. (ફિલિ. ૪:૮) એમ કરીશું તો, ખાતરી રાખી શકીએ કે યહોવા અને ઈસુ ‘આપણું વલણ’ જોઈને બહુ જ ખુશ થશે.—ફિલે. ૨૫. (w12-E 10/15)
^ મૂળ હિબ્રૂ અને ગ્રીકમાંથી ગુજરાતી બાઇબલમાં ભાષાંતર થયેલો “આત્મા” શબ્દ ખોટો અનુવાદ છે. આ લેખની કલમોમાં “આત્મા” શબ્દ રાખવામાં આવ્યો છે. પણ મૂળ ભાષા પ્રમાણે એનો આવો અર્થ થઈ શકે: શક્તિ, માર્ગદર્શન કે વલણ.