સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર ચાહે છે કે સ્ત્રીઓ સાથે માનથી વર્તવામાં આવે

ઈશ્વર ચાહે છે કે સ્ત્રીઓ સાથે માનથી વર્તવામાં આવે

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પૂરેપૂરી રીતે, ઈશ્વર જેવો સ્વભાવ બતાવ્યો. ઈશ્વર કેવી રીતે બાબતોને હાથ ધરે છે એ પણ બતાવ્યું. તેમણે કહ્યું: ‘હું મારી પોતાની મેળે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું. જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’ (યોહાન ૮:૨૮, ૨૯; કોલોસી ૧:૧૫) સ્ત્રીઓ સાથે ઈસુ જે રીતે વર્ત્યા અને જે વલણ રાખ્યું એને ધ્યાનમાં લેવાથી, આપણે સમજી શકીશું કે ઈશ્વર સ્ત્રીઓને કેવી રીતે જુએ છે અને તેઓ પાસેથી કેવી અપેક્ષા રાખે છે.

ઘણા નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે ઈસુ વિશેનો બાઇબલનો અહેવાલ લખાયો એ સમયે, સ્ત્રીઓને જે નજરથી જોવામાં આવતી, એના કરતાં ઈસુના વિચારો અલગ હતા. એમ કઈ રીતે કહી શકીએ? એથી પણ મહત્ત્વનું, શું તેમનું શિક્ષણ આજે પણ સ્ત્રીઓને સ્વતંત્રતા આપે છે?

ઈસુ સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્ત્યા

ઈસુ સ્ત્રીઓને વાસના સંતોષવાનું સાધન ન ગણતા. કેટલાક યહુદી ધર્મગુરુઓ માનતા કે વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે સંપર્ક રાખવાથી મનમાં ફક્ત વાસના જાગે છે. સ્ત્રીઓ લલચાવી શકે છે, એ ડરને લીધે તેઓને જાહેરમાં પુરુષો સાથે વાત કરવાની અથવા માથે ઓઢ્યા વગર બહાર નીકળવાની મનાઈ હતી. જ્યારે કે ઈસુએ પુરુષોને પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવાની સલાહ આપી. તેમ જ, સ્ત્રીઓને સામાજિક સંબંધોથી દૂર રાખવાને બદલે, તેઓ સાથે માનથી વર્તવા જણાવ્યું.—માથ્થી ૫:૨૮.

ઈસુએ એ પણ કહ્યું: “જે પુરુષ પોતાની પત્નીને છુટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે.” (માર્ક ૧૦:૧૧, ૧૨, IBSI) આમ કહીને ઈસુએ રાબ્બીઓના (ધર્મગુરુઓના) પ્રચલિત શિક્ષણને નકારી કાઢ્યું, જે પુરુષને પરવાનગી આપતું કે તે પોતાની પત્નીને “હરેક કારણને લીધે” છૂટાછેડા આપી શકે. (માથ્થી ૧૯:૩, ૯) ઘણા યહુદીઓ માટે પત્ની વિરુદ્ધ વ્યભિચાર કરવો, એ વિચાર નવો હતો. તેઓના રાબ્બીઓએ શીખવ્યું હતું કે પતિ કદી પણ વ્યભિચાર કરતો નથી, હંમેશાં સ્ત્રી જ બેવફા બને છે. બાઇબલ વિશે લખાયેલું એક પુસ્તક જણાવે છે કે ‘સ્ત્રીઓને જે નિયમો લાગુ પડતાં એ જ નિયમો પતિઓને પણ લાગુ પાડીને, ઈસુએ સ્ત્રીઓનો માનમોભો વધાર્યો.’

તેમના શિક્ષણની આજે થતી અસર: યહોવાના સાક્ષીઓની સભામાં સ્ત્રીઓ મુક્ત રીતે પુરુષો સાથે હળીમળી શકે છે. સ્ત્રીઓને એવો ડર નથી હોતો કે પુરુષો તેઓને ખોટી નજરે જોશે કે બિનજરૂરી રસ લેવાની કોશિશ કરશે. એનું કારણ છે કે યહોવાના સાક્ષીઓમાં પુરુષો “જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતાથી” જુએ છે.—૧ તીમોથી ૫:૨.

ઈસુએ સ્ત્રીઓને શીખવવામાં સમય કાઢ્યો. ઈસુના સમયમાં રાબ્બીઓના વિચારો પ્રમાણે સ્ત્રીઓને અભણ રાખવામાં આવતી. પણ, ઈસુએ સ્ત્રીઓને શીખવ્યું અને તેઓને પોતાના વિચારો જણાવવા ઉત્તેજન આપ્યું. મરિયમને શીખવાના આનંદથી બાકાત રાખવાને બદલે, ઈસુએ બતાવ્યું કે સ્ત્રીઓની જગ્યા ફક્ત રસોડામાં નથી. (લુક ૧૦:૩૮-૪૨) મરિયમની બહેન માર્થાએ પણ ઈસુના શિક્ષણમાંથી લાભ મેળવ્યો હતો. એ આપણને તેના બુદ્ધિશાળી જવાબમાંથી જોવા મળે છે, જે તેણે લાજરસના મૃત્યુ પછી ઈસુને આપ્યો હતો.—યોહાન ૧૧:૨૧-૨૭.

ઈસુએ સ્ત્રીઓના વિચારો ધ્યાનમાં લીધા હતા. એ સમયમાં ઘણી યહુદી સ્ત્રીઓ એવું માનતી કે સુખી થવાની ચાવી ફક્ત એ હતી કે પોતાનો દીકરો આગળ પડતી વ્યક્તિ બને, જેમ કે પ્રબોધક. એક સ્ત્રીએ ઈસુને કહ્યું કે “જે ઉદરમાં તું રહ્યો તેને ધન્ય છે!” ત્યારે, તે સ્ત્રીને કંઈક સારું કહેવાની તક ઈસુએ ઝડપી લીધી. (લુક ૧૧:૨૭, ૨૮) ઈસુએ જણાવ્યું કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી એ વધારે મહત્ત્વનું છે. આમ, તેમણે સ્ત્રીઓ પર લાદવામાં આવેલી સામાજિક જવાબદારીઓ કરતાં, વધારે મહત્ત્વની વાત પર તેઓનું ધ્યાન દોર્યું.—યોહાન ૮:૩૨.

તેમના શિક્ષણની આજે થતી અસર: ખ્રિસ્તી સભામાં શિક્ષણ આપતા ભાઈઓ સ્ત્રીઓના જવાબો આવકારે છે. તેઓ “સારી શિખામણ આપનારી” સ્ત્રીઓને માન આપે છે. કેમ કે, તેઓ એકલી હોય કે બીજા સાથે હોય ત્યારે સારો દાખલો બેસાડે છે. (તીતસ ૨:૩) તેઓ પ્રચારકાર્ય માટે પણ સ્ત્રીઓનો સાથ લે છે.—ગીતશાસ્ત્ર ૬૮:૧૧; “શું પ્રેરિત પાઊલે સ્ત્રીઓને બોલવાની મના કરી હતી?”  પાન ૯ પર બૉક્સ જુઓ.

ઈસુએ સ્ત્રીઓની કાળજી લીધી. બાઇબલના સમયમાં, દીકરાઓને દીકરીઓ કરતાં વધારે મહત્ત્વના ગણવામાં આવતા. એ વિચારને દર્શાવતાં તાલમુદનું લખાણ જણાવે છે: “જેઓને દીકરાઓ છે તે સુખી છે, અને જેને દીકરીઓ છે તેને અફસોસ.” કેટલાક માબાપ દીકરીને મોટો બોજ ગણતા, કેમ કે તેઓ માટે લગ્‍નસાથી શોધવો પડતો, દહેજ આપવું પડતું અને વૃદ્ધાવસ્થામાં તેમને દીકરીઓ તરફથી કોઈ સહાય મળતી નહિ.

ઈસુએ બતાવ્યું કે જેટલું છોકરાનું જીવન મહત્ત્વનું છે, એટલું જ છોકરીનું જીવન પણ મહત્ત્વનું છે. જેમ તેમણે નાઈનની વિધવાના દીકરાને સજીવન કર્યો, તેમ યાઐરસની દીકરીને પણ સજીવન કરી. (માર્ક ૫:૩૫, ૪૧, ૪૨; લુક ૭:૧૧-૧૫) એક સ્ત્રી ‘અઢાર વરસથી માંદી હતી.’ સાજી કર્યાં પછી ઈસુએ તેને “ઈબ્રાહીમની દીકરી” કહી. યહુદી લખાણમાં એવી રીતે ક્યારેય કોઈને કહેવામાં આવ્યું નહોતું. (લુક ૧૩:૧૦-૧૬) ઈસુએ માન અને પ્રેમથી કહેલાં એ શબ્દો બતાવે છે કે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ સમાજનો મહત્ત્વનો ભાગ છે. તેમ જ, તેઓની મક્કમ શ્રદ્ધાની પણ કદર કરી.—લુક ૧૯:૯; ગલાતી ૩:૭.

તેમના શિક્ષણની આજે થતી અસર: એશિયાની એક કહેવત આમ કહે છે: “દીકરી તો પારકી થાપણ કહેવાય.” પિતાઓએ પોતાની દીકરી સાથે એ રીતે વર્તવું ન જોઈએ, પણ પોતાનાં બધાં બાળકોનું પ્રેમથી પાલન પોષણ કરવું જોઈએ. ખ્રિસ્તી માબાપો, બાળકોને યોગ્ય ભણતર પૂરું પાડે છે અને તેઓની તંદુરસ્તીની સારી સંભાળ રાખે છે.

સ્ત્રીઓ પર ઈસુ ભરોસો રાખતા. યહુદી અદાલતમાં સ્ત્રીએ આપેલી સાક્ષીની બહુ કિંમત ન હતી. એ તો દાસે આપેલી સાક્ષીના જેવી ગણાતી. પહેલી સદીના ઇતિહાસકાર જોસેફસે સલાહ આપી કે ‘સ્ત્રીઓની સાક્ષી પર ભરોસા ન કરશો, કેમ કે તેઓ કોઈ પણ વાતને ગંભીરતાથી નથી લેતી.’

પણ ઈસુ એવું ન માનતા. સજીવન થયા પછી, તેમણે સ્ત્રીઓને પ્રથમ દેખાવાનું પસંદ કર્યું, જેથી તેઓ સાક્ષી આપી શકે. (માથ્થી ૨૮:૧, ૮-૧૦) એ ભરોસાપાત્ર સ્ત્રીઓની નજર સામે પ્રભુ ઈસુને વધસ્તંભે જડ્યા હતા અને દફન કર્યા હતા. તોપણ, ઈસુના પ્રેરિતોને સ્ત્રીઓની વાત માનવામાં ન આવી. (માથ્થી ૨૭:૫૫, ૫૬, ૬૧; લુક ૨૪:૧૦, ૧૧) ઈસુએ સૌથી પહેલું દર્શન સ્ત્રીઓને આપીને બતાવ્યું કે તેમના મને સ્ત્રીઓની સાક્ષી એટલી જ મહત્ત્વની હતી, જેટલી બીજા શિષ્યોની હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮, ૧૪.

તેમના શિક્ષણની આજે થતી અસર: યહોવાના સાક્ષીઓના મંડળમાં જવાબદારી ઉપાડતા ભાઈઓ, સ્ત્રીઓએ મંડળમાં જે જોયું હોય, એ વિશેના વિચારો ધ્યાનમાં લે છે. ખ્રિસ્તી પતિઓ પોતાની પત્નીની વાત ધ્યાનથી સાંભળે છે, આમ તેઓની સાથે ‘માનથી’ વર્તે છે.—૧ પીતર ૩:૭; ઉત્પત્તિ ૨૧:૧૨.

બાઇબલના સિદ્ધાંતોથી સ્ત્રીઓને મળતી ખુશી

પુરુષો ઈસુને પગલે ચાલે છે ત્યારે, તેઓ સ્ત્રીઓને માન અને સ્વતંત્રતા આપે છે. એ જ સ્ત્રી-પુરુષ માટેનો ઈશ્વરનો મૂળ હેતુ હતો. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) સ્ત્રીઓ કરતાં પુરુષો ચડિયાતા છે, એવા વિચારો સાથે સહમત થવાને બદલે, ખ્રિસ્તી પતિઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. એનાથી પત્નીની ખુશીમાં વધારો થાય છે.—એફેસી ૫:૨૮, ૨૯.

યેલેના નામની બહેને બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો, એ સમયે તે મૂંગા મોઢે પતિનો અત્યાચાર સહેતાં. તેમના પતિ એવા સમજમાં ઉછર્યા હતા, જ્યાં લગ્‍ન માટે છોકરીનું અપહરણ કરવું અને અત્યાચાર ગુજારવો એ સામાન્ય હતું. યેલેના જણાવે છે કે, ‘બાઇબલમાંથી હું જે શીખી એનાથી મને હિંમત મળી. મને ખબર પડી કે ઈશ્વર મને ખૂબ ચાહે છે, મારી કદર કરે છે અને સંભાળ પણ રાખે છે. હું એ પણ સમજી શકી કે જો મારા પતિ બાઇબલનો અભ્યાસ કરશે, તો મારા પ્રત્યેનો તેમનો સ્વભાવ બદલાશે.’ સમય જતાં, યેલેનાનું સપનું સાકાર થયું, તેમના પતિએ બાઇબલ અભ્યાસ કરવાનું સ્વીકાર્યું. પછી, તે સમર્પણ કરીને યહોવાના સાક્ષી બન્યા. યેલેના જણાવે છે કે ‘તેમનો સ્વભાવ ઠંડો થયો અને અમે એકબીજાને માફ કરવાનું શીખ્યા. તેમ જ, બાઇબલ સિદ્ધાંતોથી મને એ સ્વીકારવા મદદ મળી કે હું નકામી નથી અને લગ્‍નજીવનમાં હું સલામત છું.’—કોલોસી ૩:૧૩, ૧૮, ૧૯.

યેલેના એકલાને જ આવો અનુભવ થયો નથી. લાખો ખ્રિસ્તી સ્ત્રીઓ ખુશ છે, કેમ કે તેઓ અને તેમના પતિ બાઇબલમાં આપેલા સિદ્ધાંતો લગ્‍નજીવનમાં લાગુ પાડવા ખંતીલા પ્રયત્નો કરે છે. તેઓ સાથી ભાઈ-બહેનોની વચ્ચે માન, દિલાસો અને સ્વતંત્રતાનો અનુભવ કરે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.

યહોવાના દરેક ભક્તો સ્વીકારે છે કે તેઓ ઈશ્વરની સૃષ્ટિનો ભાગ છે કે જે પાપી અને અપૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં, તેઓની આશા છે કે પ્રેમાળ પિતા યહોવા સાથે ગાઢ સંબંધ બાંધીને “નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” પામવાનો લહાવો મળશે. ઈશ્વરના પ્રેમાળ હાથ નીચે સ્ત્રી-પુરુષો માટે એ કેટલો સુંદર લહાવો!—રોમનો ૮:૨૦, ૨૧. (w12-E 09/01)