સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમયના પાબંદ યહોવામાં પૂરો ભરોસો રાખીએ

સમયના પાબંદ યહોવામાં પૂરો ભરોસો રાખીએ

સમયના પાબંદ યહોવામાં પૂરો ભરોસો રાખીએ

‘ઈશ્વર સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને ઉતારી પાડે છે અને રાજાઓને ગાદીએ બેસાડે છે.’—દાની. ૨:૨૧.

તમે કેવો જવાબ આપશો?

સૃષ્ટિ અને ભવિષ્યવાણીઓ કઈ રીતે બતાવે છે કે યહોવા સમયના પાબંદ છે?

યહોવા ‘સમયો અને ઋતુઓʼના ઈશ્વર છે, એ જાણવાથી આપણને શું કરવા પ્રેરણા મળે છે?

શા માટે દુનિયાના સંજોગો અને લોકોથી યહોવાના હેતુ બંધાયેલા નથી?

૧, ૨. કેમ કહી શકાય કે યહોવા પૂરી રીતે સમયને સમજે છે?

 યહોવાએ પ્રથમ પુરુષ બનાવ્યો એના લાંબા સમય પહેલાં, તેમણે સમયની ગણતરી કરવી શક્ય બનાવ્યું. સરજન કાર્યના ચોથા દિવસે યહોવાએ કહ્યું: ‘રાત અને દિવસ જુદાં કરવા માટે અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ; અને તેઓ ચિહ્‍નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને માટે થાઓ.’ (ઉત. ૧:૧૪, ૧૯, ૨૬) એ બધું યહોવાની ઇચ્છા પ્રમાણે જ થયું.

જોકે, વિજ્ઞાનીઓ ખરેખર સમયને સમજાવી શકતા નથી. એક જ્ઞાનકોશ જણાવે છે કે ‘કોઈ પણ સચોટ રીતે ન કહી શકે કે સમય શું છે.’ પણ યહોવા સમયને પૂરી રીત સમજી શકે છે, કેમ કે તે ‘આકાશો ઉત્પન્‍ન કરનારા છે. પૃથ્વીના બનાવનારા અને એના કર્તા છે.’ તેમ જ, તે ‘શરૂઆતથી પરિણામ જાહેર કરનારા અને જે થયું નથી એની પુરાતન કાળથી ખબર આપનારા છે.’ (યશા. ૪૫:૧૮; ૪૬:૧૦) ચાલો, જોઈએ કે સૃષ્ટિ અને પૂરી થયેલી ભવિષ્યવાણીઓ કઈ રીતે બતાવે છે કે યહોવા સમયના પાબંદ છે. આની ચર્ચા કરવાથી યહોવામાં અને બાઇબલમાં આપણી શ્રદ્ધા મજબૂત થશે.

સૃષ્ટિ જોઈને યહોવામાં આપણી શ્રદ્ધા વધે છે

૩. સૃષ્ટિમાં કઈ બાબતો નક્કી કરેલા સમય પ્રમાણે ચાલે છે? એનાથી શું શક્ય બને છે?

સૃષ્ટિમાં બનાવેલી ઝીણામાં ઝીણી વસ્તુઓ અને વિશાળકાય વસ્તુઓ પોતાના નક્કી કરેલા સમય પ્રમાણે ચાલે છે. દાખલા તરીકે, તારા અને ગ્રહો એકદમ સચોટ રીતે ફરે છે. એના આધારે મોસમનો સમયગાળો નક્કી કરી શકાય છે. અરે, આકાશના તારાઓ વડે લાંબી મુસાફરી પણ કરી શકાય છે. યહોવાએ આ અદ્‍ભુત બાબતો બનાવી છે. તે “મહા સમર્થ” છે અને એટલે જ આપણે તેમની ઉપાસના કરવી જોઈએ.—યશાયા ૪૦:૨૬ વાંચો.

૪. કઈ રીતે જીવંત વસ્તુઓ ઈશ્વરના જ્ઞાનનો પુરાવો આપે છે?

જીવંત વસ્તુઓ પણ પોતાના નક્કી કરેલા સમય પ્રમાણે ચાલે છે. જેમ કે, ઘણા ઝાડ-પાન અને જાનવરોમાં જાણે એક ઘડિયાળ બેસાડેલી છે. તમને ખબર હશે કે ઘણાં પક્ષીઓ કુદરતી રીતે અને યોગ્ય સમયે એક દેશથી બીજા દેશ ઊડી જાય છે. (યિર્મે. ૮:૭) આપણી અંદર પણ એવી એક ઘડિયાળ બેસાડેલી છે. એનાથી આપણને ખબર પડે છે કે રાત અને દિવસ ક્યારે થાય છે. જો તમે વિમાન દ્વારા પૃથ્વીના એક છેડાએથી બીજા છેડાએ મુસાફરી કરો, તો તમારા માટે દિવસના કલાકો આગળ કે પાછળ થઈ જાય. એના લીધે, તમારા શરીરમાં રહેલી ઘડિયાળને નવા સમયમાં સેટ થતાં અમુક દિવસો લાગી શકે. સૃષ્ટિના આ અમુક દાખલાઓ સાબિત કરે છે કે યહોવા ‘સમયો અને ઋતુઓʼના ઈશ્વર છે. તેમની પાસે અપાર શક્તિ અને જ્ઞાન છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ વાંચો.) ખરેખર, યહોવા સમયના પાબંદ છે. તેથી, આપણે ભરોસો રાખી શકીએ કે તે જે ચાહે છે એ પૂરું કરશે જ.

સમય પર પૂરી થયેલી ભવિષ્યવાણીઓ આપણો વિશ્વાસ વધારે છે

૫. (ક) મનુષ્યોનું ભાવિ જાણવાની ફક્ત એક રીત કઈ છે? (ખ) યહોવા કેમ ભાવિ વિષે જણાવી શકે છે?

ઉત્પત્તિનું પુસ્તક આપણને યહોવાના ઘણા “અદૃશ્ય ગુણો” વિષે શીખવે છે. (રોમ. ૧:૨૦) પરંતુ, એનાથી આપણને ઘણા મહત્ત્વના સવાલોના જવાબો મળતા નથી. જેમ કે, મનુષ્યનું ભાવિ શું છે? એનો જવાબ મેળવવા આપણે જોવું પડે કે ઈશ્વરે બાઇબલમાં શું જણાવ્યું છે. એની તપાસ કરવાથી આપણે જોઈ શકીશું કે ઈશ્વરે આપેલી ભવિષ્યવાણીઓ એના નક્કી કરેલા સમયે જ પૂરી થાય છે! કારણ કે યહોવા અગાઉથી સચોટ રીતે જણાવે છે કે ભાવિમાં શું થશે. બીજું કે તે પોતાના સમય અને ઇચ્છા પ્રમાણે બનાવો ઘડે છે.

૬. આપણે શાના પરથી કહી શકીએ કે યહોવા ચાહે છે કે તેમના ભક્તો બાઇબલની ભવિષ્યવાણીઓ સમજે?

યહોવા ચાહે છે કે તેમના ભક્તો બાઇબલની ભવિષ્યવાણીઓ સમજે અને એમાંથી લાભ મેળવે. ખરું કે યહોવાની સમય ગણતરી આપણા કરતાં સાવ અલગ છે. પરંતુ, ભવિષ્યવાણી આપતી વખતે યહોવા સમય વિષે એવા શબ્દો વાપરે છે, જે આપણે સહેલાઈથી સમજી શકીએ. (ગીતશાસ્ત્ર ૯૦:૪ વાંચો.) દાખલા તરીકે, પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે ‘ચાર દૂતોને ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા છે.’ આ ભવિષ્યવાણીમાં જણાવેલી સમયની માહિતી આપણે સારી રીતે સમજી શકીએ છીએ. (પ્રકટી. ૯:૧૪, ૧૫) જ્યારે આપણે જોઈએ કે ભવિષ્યવાણીઓ કઈ રીતે ચોક્કસ સમયે પૂરી થઈ છે, ત્યારે ‘સમયો તથા ઋતુઓʼના ઈશ્વરમાં અને બાઇબલમાં આપણો વિશ્વાસ વધે છે. ચાલો આપણે અમુક દાખલાઓ જોઈએ.

૭. યરૂશાલેમ અને યહુદાહ વિષેની યિર્મેયાની ભવિષ્યવાણી કઈ રીતે સાબિત કરે છે કે યહોવા સમયના પાબંદ છે?

ચાલો પ્રથમ જોઈએ કે ઈસુના જન્મના લગભગ ૭૦૦ વર્ષો પહેલાં શું થયું હતું. બાઇબલ જણાવે છે કે ‘યહુદાહના રાજા યોશીયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં, યહુદાહના સર્વ લોક વિષે’ યિર્મેયાની પાસે સમયના પાબંદ યહોવાનું ‘વચન આવ્યું.’ (યિર્મે. ૨૫:૧) ત્યારે યહોવાએ જણાવ્યું હતું કે યરૂશાલેમનો વિનાશ થશે અને યહુદી લોકોને બાબેલોનમાં લઈ જવામાં આવશે. ત્યાં એ યહુદી લોકો “સિત્તેર વર્ષ સુધી બાબેલના રાજાની સેવા કરશે.” ભવિષ્યવાણી પ્રમાણે જ બાબેલોનના લશ્કરે ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ કર્યો. પછી તેઓ યહુદીઓને યહુદાહમાંથી બાબેલોન લઈ ગયા. પરંતુ, ૭૦ વર્ષની ગુલામી પછી શું થવાનું હતું? એ વિષે યિર્મેયા પ્રબોધકે આ ભવિષ્યવાણી કરી હતી: ‘યહોવા કહે છે કે બાબેલોનમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી તરફ મારું ધ્યાન ફેરવીશ. હું તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ.’ (યિર્મે. ૨૫:૧૧, ૧૨; ૨૯:૧૦) આ ભવિષ્યવાણી એના નક્કી કરેલા સમયે જ પૂરી થઈ. ઈ.સ. પૂર્વે ૫૩૭માં માદી-ઈરાનના લશ્કરે બાબેલોનમાંથી યહુદી લોકોને આઝાદ કર્યાં.

૮, ૯. મસીહ અને ઈશ્વરના રાજ્યની સ્થાપના વિષે દાનીયેલની ભવિષ્યવાણી કઈ રીતે બતાવે છે કે યહોવા ‘સમય અને ઋતુઓના’ ઈશ્વર છે?

ચાલો પ્રાચીન સમયના ઈશ્વરના લોકો વિષે બીજી એક ભવિષ્યવાણી જોઈએ. યહુદીઓ બાબેલોનમાંથી આઝાદ થયા એના આશરે બે વર્ષ પહેલાં, ઈશ્વરે પ્રબોધક દાનીયેલ દ્વારા એક ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું કે યરૂશાલેમને ફરી બાંધવાનો હુકમ આપવામાં આવે એના ૪૮૩ વર્ષ પછી મસીહ દેખાશે. માદી-ઈરાનના રાજાએ ઈ.સ. પૂર્વે ૪૫૫માં યરુશાલેમ ફરી બાંધવાનો હુકમ આપ્યો. એના બરાબર ૪૮૩ વર્ષ પછી, એટલે કે ઈ.સ. ૨૯માં નાઝરેથના ઈસુ બાપ્તિસ્મા પામ્યા. એ સમયે તે મસીહ તરીકે યહોવાની શક્તિથી પસંદ થયા. *નહે. ૨:૧, ૫-૮; દાની. ૯:૨૪, ૨૫; લુક ૩:૧, ૨, ૨૧, ૨૨.

હવે જરા નોંધ કરો કે ઈશ્વરના રાજ્ય વિષે બાઇબલમાં શું જણાવ્યું છે. ભવિષ્યવાણીએ જણાવ્યું છે કે ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજા બનશે. બાઇબલે અમુક ‘નિશાનીઓ’ પણ આપી, જેના પરથી પારખી શકાય કે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા છે. એ ભવિષ્યવાણી ૧૯૧૪માં પૂરી થઈ. એ સમયે શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો અને પૃથ્વી પર દુઃખ-તકલીફો ઘણી વધી ગઈ. (માથ. ૨૪:૩-૧૪; પ્રકટી. ૧૨:૯, ૧૨) બાઇબલની બીજી એક ભવિષ્યવાણીએ જણાવ્યું કે જ્યારે “વિદેશીઓના સમયો પૂરા” થશે ત્યારે, ઈસુ સ્વર્ગમાં રાજ શરૂ કરશે.—લુક ૨૧:૨૪; દાની. ૪:૧૦-૧૭. *

૧૦. ભાવિમાં કયા બનાવો એના બરાબર સમયે જ બનશે?

૧૦ ઈસુએ ભાખ્યું હતું કે આવનાર દિવસોમાં “મોટી વિપત્તિ” આવશે. એ પછી, તે હજાર વર્ષ રાજ કરશે. એમાં કોઈ જ શંકા નથી કે આ બધી બાબતો એના બરાબર સમયે જ થશે. અરે, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે જ યહોવાએ એ બનાવોનો ‘દિવસ અને ઘડી’ નક્કી કરી દીધાં હતા.—માથ. ૨૪:૨૧, ૩૬; પ્રકટી. ૨૦:૬.

‘સમયનો સદુપયોગ કરીએ’

૧૧. જો આપણે માનતા હોઈએ કે દુનિયાના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ, તો શું કરીશું?

૧૧ ઈશ્વરના રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે “અંતના સમય”માં જીવી રહ્યા છીએ. આ જાણીને આપણા પર કેવી અસર થવી જોઈએ? (દાની. ૧૨:૪) ઘણા લોકો દુનિયાની કથળતી હાલત જુએ છે, છતાં સમજતા નથી કે આ બધું તો છેલ્લા દિવસો વિષેની ભવિષ્યવાણી પૂરી કરે છે. કેટલાક લોકો ધારે છે કે ભાવિમાં દુનિયામાં અંધાધૂંધી ફેલાઈ જશે. જ્યારે બીજાઓ માને છે કે મનુષ્યો “શાંતિ તથા સલામતી” લાવશે. (૧ થેસ્સા. ૫:૩) પરંતુ, આપણા વિષે શું? શું એવું માનીએ છીએ કે આપણે શેતાનની દુનિયાના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ? જો એમ માનતા હોઈએ તો પાક્કો નિર્ણય કરીએ કે બાકીના દિવસોમાં ‘સમયો અને ઋતુઓʼના ઈશ્વરની ભક્તિ કરતા રહીશું. તેમ જ, બીજાઓને ઈશ્વર વિષે જાણવા મદદ કરીશું. (૨ તીમો. ૩:૧) ચાલો, આપણે બાકી રહેલા સમયનો સદુપયોગ કરવા સારા નિર્ણયો લઈએ.—એફેસી ૫:૧૫-૧૭ વાંચો.

૧૨. નુહના દિવસ વિષે ઈસુએ જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ આ દુનિયામાં એવી ઘણી બાબતો છે જે આપણું ધ્યાન ફંટાવી શકે. એટલે, “સમયનો સદુપયોગ” કરવો સહેલું નથી. ઈસુએ ચેતવણી આપી છે કે “જેમ નુહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.” નુહના દિવસો કેવા હતા? ઈશ્વરે કહ્યું હતું કે તે એ જમાનાના દુષ્ટ લોકોનો જળપ્રલયથી વિનાશ કરશે. “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે ઈશ્વરભક્ત નુહે લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો હતો. (માથ. ૨૪:૩૭; ૨ પીત. ૨:૫) પરંતુ, એ જમાનાના લોકો ‘ખાતાપીતા, ને પરણતા-પરણાવતા હતા; અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા.’ તેથી, ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે ‘તમે તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી એ જ ઘડીએ માણસનો દીકરો આવશે.’ (માથ. ૨૪:૩૮, ૩૯, ૪૪) આપણે નુહના સમયના લોકો જેવા નહિ, પણ નુહની જેમ તૈયાર રહીએ. તૈયાર રહેવા આપણને શું મદદ કરશે?

૧૩, ૧૪. માણસનો દીકરો આવે ત્યાં સુધી, આપણે યહોવા વિષે શું યાદ રાખવું જોઈએ, જેનાથી તેમની ભક્તિમાં લાગુ રહી શકીએ?

૧૩ ખરું કે આપણે જાણતા નથી કે માણસનો દીકરો કઈ ઘડીએ આવશે. પરંતુ, આપણે ભૂલીએ નહિ કે યહોવા સમયના પાબંદ છે. દુનિયાના સંજોગો અને લોકોથી યહોવાના હેતુ બંધાયેલાં નથી. (દાનીયેલ ૨:૨૧ વાંચો.) નીતિવચનો ૨૧:૧ જણાવે છે કે “પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.”

૧૪ યહોવા કોઈ પણ બનાવ પર કાબૂ રાખી શકે છે, જેથી તેમનો હેતુ એના યોગ્ય સમયે પૂરો થાય. દુનિયામાં થઈ રહેલા ઘણા મોટા બનાવો બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે. એમાંની એક છે, આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર. યાદ કરો કે સોવિયેટ સંઘના ભાગલા પડ્યા ત્યારે શું થયું હતું. ત્યાંની રાજનીતિમાં રાતોરાત મોટા ફેરફારો થયા હતા. એ સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે એવું કંઈક થશે. એ મોટા ફેરફારથી એવી ઘણી જગ્યાઓમાં રાજ્યનો પ્રચાર થઈ શક્યો, જ્યાં પહેલાં રોક હતી. તેથી, ચાલો આપણે સમય બગાડ્યા વગર ‘સમયો અને ઋતુઓʼના ઈશ્વરની ભક્તિમાં લાગુ રહીએ.

સમયના પાબંદ યહોવામાં પૂરો વિશ્વાસ બતાવીએ

૧૫. યહોવાની સંસ્થા કોઈ ફેરફાર કરે ત્યારે, આપણે કઈ રીતે શ્રદ્ધા બતાવી શકીએ?

૧૫ આ છેલ્લા દિવસોમાં પ્રચાર કરતા રહેવા આપણે વિશ્વાસ રાખીએ કે યહોવા પોતાના હેતુઓ બરાબર સમયે જ પૂરા કરશે. દુનિયાની બદલતી હાલતને લીધે કદાચ આપણે શિષ્ય બનાવવાના કામમાં થોડા ફેરફાર કરવા પડે. આપણું પ્રચારકાર્ય વધારે અસરકારક રીતે થાય, એ માટે કદાચ યહોવાની સંસ્થા અમુક ફેરફારો પણ કરે. એવા ફેરફારોને આપણે દિલથી કબૂલવા જોઈએ. એમ કરીને સાબિત કરીશું કે આપણને ‘સમયો અને ઋતુઓના’ ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા છે. તેમ જ, આપણે ‘મંડળના શિર’ ઈસુ ખ્રિસ્તને આધીન રહીએ છીએ.—એફે. ૫:૨૩.

૧૬. યહોવા વિષે આપણે કેવી ખાતરી રાખી શકીએ?

૧૬ યહોવા ચાહે છે કે આપણે જરા પણ અચકાયા વગર તેમને પ્રાર્થના કરીએ. તેમ જ, ભરોસો રાખીએ કે તે ‘યોગ્ય સમયે આપણને સહાય’ આપશે. (હિબ્રૂ ૪:૧૬) આ બતાવે છે કે યહોવા દરેકને બહુ ચાહે છે અને દરેકની સંભાળ રાખે છે. (માથ. ૬:૮; ૧૦:૨૯-૩૧) આપણે કેવી રીતે યહોવામાં પૂરો વિશ્વાસ બતાવી શકીએ? મદદ માટે આપણે તેમને નિયમિત રીતે પ્રાર્થના કરીએ. તેમ જ, તેમના માર્ગદર્શન પ્રમાણે કરીએ. વધુમાં, આપણે સાથી ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરીએ.

૧૭, ૧૮. (ક) દુશ્મનો વિરુદ્ધ યહોવા જલદી જ કેવાં પગલાં ભરશે? (ખ) આપણે શું વિચારવું ન જોઈએ?

૧૭ હવે વિશ્વાસમાં ઢીલા પડવાનો સમય નથી. બલ્કે, આપણો વિશ્વાસ મજબૂત કરવાનો સમય છે. (રોમ. ૪:૨૦) ઈસુએ સોંપેલું કામ, શેતાન અને તેના ચેલાઓ અટકાવવા માંગે છે. (માથ. ૨૮:૧૯, ૨૦) ખરું કે શેતાન આપણા પર હુમલાઓ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે યહોવા ‘જીવંત ઈશ્વર’ છે અને ‘સર્વ માણસોને અને ખાસ તો વિશ્વાસીઓને તે બચાવે છે.’ વળી, ‘જેઓ તેમના ઉપર આશા રાખે છે, તેઓને ઈશ્વર પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.’—૧ તીમો. ૪:૧૦; ૨ પીત. ૨:૯.

૧૮ યહોવા જલદી જ આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. ખરું કે એ દિવસ ક્યારે આવશે અને ત્યારે શું થશે એ બધું આપણે જાણતા નથી. છતાં, આપણને ખાતરી છે કે એ દિવસ બરાબર એના સમયે જ આવશે. તેમ જ, ઈસુ ખ્રિસ્ત ચોક્કસ દુશ્મનોનો નાશ કરશે. ત્યારે બધા જાણશે કે આખા વિશ્વ પર ફક્ત યહોવા જ સૌથી સારી રીતે રાજ કરી શકે છે. જો આપણે ભૂલી જઈશું કે કેવા ‘સમયો અને ઋતુઓમાં’ જીવી રહ્યા છીએ, તો જોખમમાં પડી જઈશું. તેથી, એવું કદી ન વિચારીએ કે ‘ઉત્પત્તિની શરૂઆતથી બધું જેવું હતું એવું જ ચાલે છે.’—૧ થેસ્સા. ૫:૧; ૨ પીત. ૩:૩, ૪.

‘ઈશ્વરની રાહ જોઈએ’

૧૯, ૨૦. શા માટે આપણે ‘ઈશ્વરની રાહ જોવી’ જોઈએ?

૧૯ યહોવાએ મનુષ્યોને બનાવ્યા ત્યારે એવું ચાહ્યું હતું કે તેઓ સદા જીવે. તેમ જ, તેમના વિષે અને સૃષ્ટિની અદ્‍ભુત બાબતો વિષે શીખતા રહે. સભાશિક્ષક ૩:૧૧ જણાવે છે કે ‘યહોવાએ દરેક વસ્તુને એના સમયે સુંદર બનાવી છે. વળી, તેમણે મનુષ્યના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે શરૂઆતથી લઈને અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે એનો તેઓ પાર પામી શકતા નહિ.’

૨૦ આપણે કેટલા ખુશ છીએ કે મનુષ્ય માટેનો યહોવાનો હેતુ કદી બદલાયો નથી. (માલા. ૩:૬) સમય પસાર થવાથી યહોવાને કોઈ અસર થતી નથી. તે તો ‘સનાતન યુગોના રાજા’ છે. (૧ તીમો. ૧:૧૭) તેથી, ચાલો આપણું ‘તારણ કરનાર ઈશ્વરની રાહ જોઈએ.’ (મીખા. ૭:૭) ‘હે યહોવાની આશા રાખનારાઓ, તમે સર્વ બળવાન થાઓ અને હિંમત રાખો!’—ગીત. ૩૧:૨૪. (w12-E 05/15)

[ફુટનોટ્‌સ]

^ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૧૯૮-૧૯૯ જુઓ.

^ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૨૧૫-૨૧૭ જુઓ.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

દાનીયેલને પૂરો ભરોસો હતો કે ઈશ્વરની ભવિષ્યવાણીઓ પૂરી થશે જ

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાની ઇચ્છા પૂરી કરવા શું તમે સમયનો સારો ઉપયોગ કરો છો?