“એકબીજા પર પ્રેમ રાખો”
“એકબીજા પર પ્રેમ રાખો”
“હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૪, ૩૫.
એનો શું અર્થ થાય: ઈસુએ જેવો પ્રેમ બતાવ્યો હતો એવો જ પ્રેમ તેમણે પોતાના શિષ્યને બતાવવા કહ્યું. ઈસુએ કેવો પ્રેમ બતાવ્યો હતો? તેમના સમયમાં નાત-જાતનો ઘણો ભેદભાવ હતો. પરંતુ ઈસુએ એવો કોઈ ભેદભાવ રાખ્યો નહિ. તેમણે બધાને અઢળક પ્રેમ બતાવ્યો. (યોહાન ૪:૭-૧૦) પ્રેમના લીધે જ તેમણે પોતાના સમય-શક્તિ અને આરામ જતાં કરીને બીજાઓને મદદ કરી. (માર્ક ૬:૩૦-૩૪) છેવટે, તેમણે સૌથી મહાન પ્રેમ બતાવ્યો. તેમણે કહ્યું: “હું ઉત્તમ ઘેટાંપાળક છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.”—યોહાન ૧૦:૧૧.
પહેલાંના ખ્રિસ્તીઓએ એમ કઈ રીતે કર્યું હતું: પહેલી સદીમાં ખ્રિસ્તીઓ એકબીજાને ‘ભાઈઓ’ અને ‘બહેનો’ કહીને બોલાવતા. (ફિલેમોન ૧, ૨) ખ્રિસ્તી મંડળમાં દરેક નાત-જાતના લોકોને આવકાર મળતો. ખ્રિસ્તીઓ માનતા કે “યહુદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી; કેમ કે સર્વેનો પ્રભુ એક જ છે.” (રોમનો ૧૦:૧૧, ૧૨) પેન્તેકોસ્ત ૩૩ની સાલ પછી યરૂશાલેમમાં ઈસુના શિષ્યો ‘પોતાની મિલકત તથા સરસામાન વેચીને દરેકની જરૂરિયાત પ્રમાણે સર્વને વહેંચી આપતા.’ તેઓ શા માટે એમ કરતા? કારણ કે નવા બાપ્તિસ્મા પામેલા લોકો યરૂશાલેમમાં રહી શકે અને ‘પ્રેરિતોના બોધમાં દૃઢતાથી લાગુ રહી શકે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧-૪૫) પ્રેમને લીધે ઈસુના શિષ્યોએ એવું પગલું ભર્યું હતું. ઈસુના પ્રેરિતો ગુજરી ગયા એના આશરે ૨૦૦ વર્ષ પછી ખ્રિસ્તીઓ વિષે લોકો શું કહેતા હતા, એ ટર્ટુલિયને લખ્યું: ‘ખ્રિસ્તીઓ એકબીજાને ઘણો પ્રેમ કરે છે. અરે, તેઓ એકબીજા માટે પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર છે!’
આજે એ પ્રમાણે કોણ કરે છે? સદીઓથી જેઓ પોતાને ખ્રિસ્તીઓ કહેવડાવતા તેઓ વિષે ૧૮૩૭નું એક પુસ્તક આમ જણાવે છે: ‘બીજા ધર્મોના લોકોએ તેઓ પર જે ક્રૂરતા કરી હતી, એના કરતાં ઘણી વધારે તેઓએ પોતાના જ ધર્મના લોકો પર કરી હતી.’ (રોમન રાજની ચઢતી અને પડતીનો ઇતિહાસ, અંગ્રેજી પુસ્તક) હાલમાં અમેરિકામાં થયેલા એક અભ્યાસ પ્રમાણે, જેઓ પોતાને ખ્રિસ્તીઓ કહેવડાવે છે, તેઓમાં નાત-જાતનો ભેદભાવ જોવા મળ્યો છે. એક દેશમાં રહેતાં ખ્રિસ્તી પંથના લોકોને બીજા દેશમાં રહેતા પોતાના જ પંથના લોકો સાથે કોઈ લેવા-દેવી હોતી નથી. એ કારણે જરૂરના સમયે તેઓ એકબીજાને મદદ કરતા નથી.
૨૦૦૪માં બે મહિનાની અંદર જ ફ્લોરિડામાં ચાર મોટા વાવાઝોડાં આવ્યા હતા. ત્યારે બધી મદદ માટેની સાધન-સામગ્રીનો યોગ્ય રીતે ઉપયોગ થાય, એનું ધ્યાન તાત્કાલિક રાહત સમિતિના ચેરમેન રાખતા. તેમણે જણાવ્યું કે યહોવાના સાક્ષીઓ સૌથી વધારે વ્યવસ્થિત હતા. તેમણે સાક્ષીઓને કોઈ પણ ચીજવસ્તુ પૂરી પાડવાની ખાતરી આપી. ૧૯૯૭માં પણ યહોવાના સાક્ષીઓની રાહત સમિતિની ટૂકડી દવાઓ, ખાવાનું અને કપડાં લઈને કોંગો પ્રજાસત્તાકમાં ગઈ હતી. ત્યાંના સાક્ષીઓને તેઓએ મદદ પૂરી પાડી હતી. એ વખતે, યુરોપના સાક્ષીઓએ આશરે ૧૦ લાખ અમેરિકન ડૉલર જેટલી સાધન-સામગ્રી દાનમાં આપી હતી. (w12-E 03/01)