ઈબ્રાહીમ હિંમતવાન હતા
ઈબ્રાહીમ હિંમતવાન હતા
ઈબ્રાહીમ કનાન જવા નીકળે છે ત્યારે, પોતાના કુટુંબ અને દાસો તરફ જુએ છે. (ઉત્પત્તિ ૧૨:૧-૫) તે જાણે છે કે તેઓ બધા રોજીરોટી માટે તેમના પર આધારિત છે અને એ ભારે જવાબદારી છે. સવાલ થાય કે અજાણ્યા દેશમાં તે બધાને રોજી-રોટી કેવી રીતે પૂરી પાડશે? કનાન જવાને બદલે જો તેઓ ઉર શહેરમાં રહ્યા હોત, તો શું તેઓની જરૂરિયાતો પૂરી પાડવી સહેલી ન બનત? એની જમીન કેટલી સરસ હતી, પુષ્કળ ચારણ હતું અને પાણી હતું? નવા દેશમાં જો તે બીમાર પડે તો બધાનું શું થશે? કુટુંબની કોણ સંભાળ રાખશે? ઈબ્રાહીમને એવી કોઈ ચિંતા હોય તોય એનો અણસાર આવવા દેતા નથી. જીવનમાં આવતી મુશ્કેલીઓમાં પણ તે ઈશ્વરની આજ્ઞા પાળવા તૈયાર હતા. તે હિંમતવાન હતા.
હિંમત શાને કહેવાય? જોશ, ધગશ અને બહાદુરીને હિંમત કહેવાય. જ્યારે કે ડરપોક કે બીકણ એનાથી સાવ વિરુદ્ધમાં છે. એવું નથી કે હિંમતવાન વ્યક્તિને કદી કશાનો ડર ન લાગે. પણ વ્યક્તિને જ્યારે ઈશ્વર પાસેથી હિંમત મળે છે, ત્યારે ડર હોવા છતાં તે પગલાં ભરે છે.
ઈબ્રાહીમે કઈ રીતે હિંમત બતાવી? ઈબ્રાહીમ સમાજને બદલે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા તૈયાર હતા. તે એવી સંસ્કૃતિમાં મોટા થયા જ્યાં લોકો અનેક દેવદેવીઓની મૂર્તિપૂજા કરતા હતા. તોપણ, તેમણે સમાજના પગલે ચાલવાને બદલે ‘પરાત્પર ઈશ્વર યહોવાને’ ભજવાનું પસંદ કર્યું. તેમને એવો જરાય ડર ન હતો કે સમાજના લોકો તેમના વિષે શું વિચારશે.—ઉત્પત્તિ ૧૪:૨૧, ૨૨.
ઈબ્રાહીમે ધનદોલત નહિ પણ યહોવાની ભક્તિ જીવનમાં પ્રથમ રાખી. ઉર શહેરમાં પોતાનું આરામદાયક ઘર છોડીને તે રણમાં રહેવા તૈયાર થયા. તેમને પૂરો ભરોસો હતો કે તેમની જરૂરિયાત યહોવા જરૂર પૂરી પાડશે. કદાચ વર્ષો વીત્યા તેમ ઈબ્રાહીમને ઉર શહેરમાં ગુજારેલું એશ-આરામનું જીવન યાદ આવ્યું હશે. તોપણ, તેમને પૂરો ભરોસો હતો કે યહોવા તેમની અને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડશે. તેમના માટે યહોવાને વળગી રહેવું જ જીવન હતું. એટલે યહોવાની આજ્ઞાઓ પાળવા ઈબ્રાહીમને હિંમત મળી.
એમાંથી આપણે શું શીખી શકીએ? ઈબ્રાહીમની જેમ આપણે હિંમતથી યહોવાની ભક્તિમાં મંડ્યા રહેવું જોઈએ. પછી ભલેને સમાજના લોકો એમ કરવા તૈયાર ન હોય. દાખલા તરીકે, બાઇબલ શીખવે છે કે જેઓ યહોવાની ભક્તિ કરશે, તેઓનો વિરોધ કદાચ કુટુંબ, દોસ્તો કે સંબંધીઓ કરશે. (યોહાન ૧૫:૨૦) યહોવા વિષે શીખ્યા પછી આપણને ભરોસો બેસે છે કે આ જ સત્ય છે. કોઈ આપણો વિરોધ કરે તો તેઓને પ્રેમથી સમજાવીશું.—૧ પીતર ૩:૧૫.
માત્થી ૬:૩૩) ચાલો જોઈએ કે એક કુટુંબે એવું કઈ રીતે કર્યું.
યહોવાએ આપેલા વચનોમાં પણ ભરોસો રાખી શકીએ કે તે પોતાના ભક્તોની જરૂરિયાતો પૂરી પાડશે. એવો ભરોસો રાખીશું તો ધનદોલતને બદલે યહોવાની ભક્તિ જીવનમાં પ્રથમ રાખવા હિંમત મળશે. (ડગભાઈ અને તેમની પત્ની બૅક્કીને બે અને પાંચ વર્ષના બે દીકરા છે. તેઓને એવા દેશમાં જવું હતું જ્યાં યહોવાના રાજ્યની ખુશખબર બહુ જણાવવામાં આવી ન હોય. ક્યાં જવું એ નક્કી કરવા તેઓએ ઘણી પ્રાર્થના કરી અને સંશોધન કર્યું. પછી નક્કી કરેલા દેશમાં જવાની તૈયારી કરવા લાગ્યા. ડગભાઈ કહે છે: “બાળકોને તૈયાર કરવા અને ઘરનો સામાન પેક કરવો સહેલું ન હતું. અમે એ પણ જાણતા ન હતા કે બધું બરાબર જશે કે કેમ. કદાચ સવાલ થાય કે એ માટે અમને ક્યાંથી હિંમત મળી? બીજા દેશમાં જવાનું વિચારવા લાગ્યા ત્યારે અમે ઈબ્રાહીમ અને સારાહના દાખલાની ઘણી ચર્ચા કરી હતી. જેમ કે, તેઓએ યહોવામાં કેવી રીતે ભરોસો બતાવ્યા હતો. તેમ જ, યહોવાએ કેવી રીતે તેઓને મદદ પૂરી પાડી.”
બીજા દેશમાં રહેવા વિષે ડગભાઈ કહે છે: “અમને અનેક આશીર્વાદો મળ્યા. અહીં સાદી રીતે જીવવાથી અમે કુટુંબ સાથે વધારે સમય વિતાવીએ છીએ. જેમ કે, પ્રચારમાં જઈએ, સાથે મળીને વાતો કરીએ અને છોકરાઓ સાથે રમીએ. આવી મજા હોય તો બીજું શું જોઈએ!”
ખરું કે આપણા બધાથી જીવનમાં એવા મોટા ફેરફારો ન થઈ શકે. તોપણ આપણે ઈબ્રાહીમની જેમ યહોવાની ભક્તિ જીવનમાં પ્રથમ રાખી શકીએ. એવો ભરોસો રાખી શકીએ કે તે આપણને સાથ આપવા સદા તૈયાર છે. એમ કરીશું તો બાઇબલની આ કલમ પ્રમાણે પૂરા દિલથી કહી શકીશું: ‘યહોવા મને સહાય કરનાર છે; હું બીશ નહિ.’—હિબ્રૂ ૧૩:૫, ૬. (w12-E 01/01)
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
ઈશ્વરને માર્ગે ચાલતી પત્ની
સારાહના લગ્ન યહોવાના એક ભક્ત, ઈબ્રાહીમ સાથે થયાં હતાં. સારાહ પણ યહોવાની ભક્તિ કરતી હતી. તેમની પાસેથી આપણે ઘણું શીખી શકીએ. હકીકતમાં બાઇબલમાં ફક્ત ત્રણ વખત સારાનો નામથી ઉલ્લેખ થયો છે. તેમના દાખલામાંથી આજે પત્નીઓ ઘણું જ શીખી શકે છે. (યશાયા ૫૧:૧, ૨; હિબ્રૂ ૧૧:૧૧; ૧ પીતર ૩:૩-૬) જોકે બાઇબલ સારાહ વિષે બહુ જણાવતું નથી. તોપણ જે જણાવે છે એમાંથી આપણને તેમના સુંદર ગુણો જોવા મળે છે.
કલ્પના કરો કે ઈબ્રાહીમે જ્યારે સારાને કહ્યું કે ‘ઈશ્વરે આપણને ઉર છોડીને બીજે જવા કહ્યું છે,’ ત્યારે સારાહને કેવું લાગ્યું હશે? શું તે આ બાબતોની ચિંતા કરવા લાગ્યા હશે: અમે ક્યાં જવાના? કેમ જવાના? રોજીરોટી ક્યાંથી મળશે? કુટુંબ અને મિત્રોને છોડીને જવાના વિચારથી શું તે ઉદાસ થઈ ગયા હશે કે ફરી ક્યાં અને ક્યારે મળીશું? તેમને આવા સવાલો થયા હશે એમાં કોઈ શંકા નથી. તોય યહોવાના કહેવા પ્રમાણે તેમણે રાજીખુશીથી કર્યું. યહોવા આશીર્વાદ આપશે એવો તેમને ભરોસો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૭:૨, ૩.
સારાહ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જીવતાં હતાં. એટલું નહિ તે એક સારાં પત્ની હતાં. ઈબ્રાહીમથી ચઢિયાતા બનવાને બદલે રાજીખુશીથી તેમનું કહેવું માનતાં. ઈબ્રાહીમ માટે તેમને ખૂબ જ માન અને પ્રેમ હતો. તે તેમને બધી જ રીતે સાથ-સહકાર આપતાં. આ રીતે અમૂલ્ય ગુણો કેળવીને તે ઈશ્વરની નજરે સુંદર બન્યાં.—૧ પીતર ૩:૧-૬.
શું એવા ગુણો કેળવવાથી આજે પત્નીઓને લાભ થઈ શકે? જિલબહેનનાં લગ્નને ૩૦થી વધારે વર્ષ થયાં છે અને તે સુખી છે. તે કહે છે: “સારાહના દાખલામાંથી મને શીખવા મળ્યું કે મારે કોઈ પણ બાબત વિષે ગભરાયા વગર પતિને મારા વિચારો જણાવવા જોઈએ. કુટુંબના વડા તરીકે નિર્ણય લેવો એ તેમની જવાબદારી છે. એક વાર તે નિર્ણય લે પછી તેમને બધી જ રીતે સાથ-સહકાર આપવો એ મારી જવાબદારી છે.”
સારાહ પાસેથી આપણે આ મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ: ખરું કે તે દેખાવમાં ખૂબ જ સુંદર હતા. પણ તેમનામાં પોતાની સુંદરતાનું અભિમાન ન હતું. (ઉત્પત્તિ ૧૨:૧૦-૧૩) જીવનમાં આવતી ચડતી-પડતીમાંય તેમણે નમ્રભાવે ઈબ્રાહીમને સાથ-સહકાર આપ્યો. એમાં કોઈ શંકા નથી કે ઈબ્રાહીમ અને સારાહ વફાદાર, પ્રેમાળ અને નમ્ર પતિ-પત્ની હતાં. એટલે જ તેઓ પર ઈશ્વરનો આશીર્વાદ હતો.