સાચા ખ્રિસ્તીઓ બાઇબલને માન આપે છે
‘તમારું વચન સત્ય છે.’—યોહા. ૧૭:૧૭.
૧. યહોવાના સાક્ષીઓ કઈ રીતે બીજાઓ કરતાં અલગ છે? એ પોતાના અનુભવમાંથી જણાવો.
એ સમયને યાદ કરો જ્યારે પહેલી વાર તમે યહોવાના સાક્ષીઓ સાથે ચર્ચા કરી હતી. એમાંથી તમને શું યાદ છે? તમે કદાચ કહેશો: ‘મારા બધા સવાલોના જવાબ સાક્ષીઓએ બાઇબલમાંથી આપ્યા હતા.’ આપણે કેટલા ખુશ થયા હતા જ્યારે જાણ્યું કે પૃથ્વી વિષે ઈશ્વરનો મકસદ શું છે; ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે; આપણાં ગુજરી ગયેલાં પ્રિયજનો માટે કેવું ભાવિ રહેલું છે.
૨. તમે બાઇબલની કદર કરો છો એનાં અમુક કારણો કયાં છે?
૨ બાઇબલનો વધુ અભ્યાસ કરવાથી આપણે જાણ્યું કે એમાં જીવન-મરણ અને ભાવિની માહિતી કરતાં કંઈક વિશેષ છે. એટલે બાઇબલ માટે આપણી કદર વધી. બાઇબલની સલાહ કદી જૂની થતી નથી. જેઓ એ પ્રમાણે જીવે છે તેઓ સુખી થાય છે અને જીવનમાં સફળ થાય છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.) સાચા ખ્રિસ્તીઓએ હંમેશા બાઇબલને ‘માણસોના વચન જેવું નહિ, પણ ખરેખર ઈશ્વરનું વચન છે એમ સ્વીકાર્યું.’ (૧ થેસ્સા. ૨:૧૩) હવે આપણે ઇતિહાસ તપાસીશું, જેનાથી જાણવા મળશે કે કોણે ખરેખર ઈશ્વર તરફથી મળેલા શાસ્ત્રને સ્વીકાર્યું છે.
મુશ્કેલ સમસ્યાનો હલ
૩. કઈ સમસ્યાને લીધે ખ્રિસ્તી મંડળની એકતા જોખમમાં મૂકાઈ? શા માટે એ સમસ્યા હલ કરવી સહેલી ન હતી?
૩ બીજી પ્રજામાંથી સુન્નત કર્યા વગર ખ્રિસ્તી બન્યા હોય તેવા પ્રથમ ભક્ત કરનેલ્યસ હતા, જે ઈશ્વરની શક્તિથી અભિષિક્ત થયા હતા. આ બનાવ પછીનાં ૧૩ વર્ષોમાં ઘણા બિનયહુદીઓ ખ્રિસ્તી બન્યા હતા. એ સમયમાં એક સમસ્યા ઊભી થઈ, જેના લીધે ખ્રિસ્તી મંડળની એકતા જોખમમાં આવી પડી. સવાલ ઊભો થયો કે શું બિનયહુદી વ્યક્તિએ, યહુદી રિવાજ પ્રમાણે પહેલા સુન્નત કરવી અને પછી બાપ્તિસ્મા લેવું જોઈએ? યહુદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો માટે એનો જવાબ આપવો સહેલું ન હતું. એનું કારણ એ હતું કે મુસાનો નિયમ પાળતા યહુદીઓ, સુન્નત કરેલી ન હોય એવા લોકોના ઘરમાં જતા નહિ. અરે, યહુદીઓ તેઓ સાથે કોઈ સંગત પણ કરતા નહિ! એટલે એ ખ્રિસ્તીઓ માટે એ વિષય એક મોટી સમસ્યા હતી. એક તો વ્યક્તિ ખ્રિસ્તી બનતી ત્યારે ચુસ્ત યહુદીઓ તેને સતાવતા. વધુમાં, જો યહુદી બનેલા ખ્રિસ્તીઓ સુન્નત વગરના ખ્રિસ્તીઓને મંડળમાં સ્વીકાર્યા હોત, તો ચુસ્ત યહુદી લોકો હજી વધારે તેઓ પર બગડ્યા હોત!—ગલા. ૨:૧૧-૧૪.
૪. સુન્નત વિષેની સમસ્યાનો હલ લાવવા કોણ ભેગા થયા? આ ચર્ચા વિષે અમુકના મનમાં કેવા પ્રશ્નો ઊભા થયા હશે?
૪ યરુશાલેમના પ્રેરિતો અને બીજા વડીલો સુન્નત પામેલા યહુદીઓ હતા. તેઓ ઈસવીસન ૪૯માં ઊભી થયેલી એ સમસ્યા વિષે “વિચાર કરવાને એકઠા થયા.” (પ્રે.કૃ. ૧૫:૬) તેઓની સભામાં બાઇબલના મહત્ત્વના શિક્ષણ પર ઘણી મોટી ચર્ચા થઈ. એમાં દરેકે મક્કમ રીતે પોતાના મંતવ્ય જણાવ્યા. શું તેઓએ કોઈ પૂર્વગ્રહ કે અણગમાને આધારે નિર્ણય લીધો? શું વડીલોએ એ નિર્ણયને મુલતવી રાખ્યો કે ઈસ્રાએલમાં ખ્રિસ્તીઓ માટેનું વલણ સારું બને એની રાહ જોઈ? કે પછી એ ચર્ચાને જલદી ખતમ કરવા તેઓએ ગમે તે નિર્ણય લઈ લીધો?
૫. યરુશાલેમમાં ઈસવીસન ૪૯માં થયેલી સભા કઈ રીતે આજનાં ચર્ચોમાં થતી સભા કરતા અલગ હતી?
૫ આજના ચર્ચના આગેવાનો પણ નિર્ણયો લેવા સભા ભરે છે. જોકે તેઓ બધા સહમત થતા ન હોય, તોય જલદી નિર્ણય લેવા તડજોડ કરી લે છે. અરે, તેઓમાંના અમુક પોતાના વિચારો સાથે બીજા આગેવાનોને સહમત કરવા પ્રયત્ન કરતા હોય છે. જોકે યરુશાલેમમાં થયેલી સભામાં એવું કંઈ જ થયું નહિ. તેઓએ જે નિર્ણય લીધો એનાથી બધા જ સહમત હતા. એવું કઈ રીતે શક્ય બન્યું? ભેગા મળેલા ભાઈઓ અલગ વિચારો ધરાવતા હતા. છતાં, તેઓ બધાને શાસ્ત્ર માટે ઘણું માન હતું. ઊભી થયેલી સમસ્યા હલ કરવા તેઓએ શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૧ વાંચો.
૬, ૭. સુન્નતની સમસ્યાનો હલ લાવવા કઈ રીતે શાસ્ત્રનો ઉપયોગ થયો?
૬ તેઓએ એ સમસ્યાનો હલ લાવવા આમોસ ૯:૧૧, ૧૨નો ઉપયોગ કર્યો. પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૬, ૧૭માં યહોવા કહે છે, ‘હું પાછો આવીશ અને દાઊદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ; હું તેનાં ખંડિયેર સમારીશ અને તેને પાછો ઊભો કરીશ; જેથી બાકી રહેલા લોક તથા સઘળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ મને શોધે.’
૭ પણ કદાચ કોઈ સવાલ ઊઠાવી શકે, ‘એ કલમમાં બિનયહુદીઓ માટે સુન્નત કરાવવી જરૂરી નથી એવું લખેલું નથી.’ હા, વાત સાચી, પણ યહુદી ખ્રિસ્તીઓ એમાંનો વિચાર સમજી ગયા હશે. તેઓએ સુન્નત કરેલા વિદેશીઓને ‘સઘળા વિદેશીઓʼના લોકો તરીકે ગણ્યા નહિ પણ પોતાના ભાઈઓ ગણ્યા. (નિર્ગ. ૧૨:૪૮, ૪૯) દાખલા તરીકે, બૅગસ્ટરના સેપ્ટુઆજીંટ બાઇબલના અનુવાદ મુજબ, એસ્તેર ૮:૧૭નું આ રીતે ભાષાંતર થયું છે: “ઘણા વિદેશીઓએ સુન્નત કરાવી અને યહુદીઓ બન્યા.” તેથી, શાસ્ત્ર જણાવે છે કે ઈસ્રાએલના વંશના બાકી રહેલા લોકો (યહૂદી અને યહૂદી બનેલા લોકો), ‘સઘળા વિદેશીઓ’ (સુન્નત ન કરેલા વિદેશીઓ) સાથે હશે. તેઓ ઈશ્વરના નામ માટે એક લોકો બનશે. એના પરથી સાફ સમજી શકાય છે કે જે વિદેશીઓ ખ્રિસ્તી બનવા માગતા, તેઓને સુન્નત કરવાની જરૂર ન હતી.
૮. શા માટે યહુદી ખ્રિસ્તી ભાઈઓને નિર્ણય લેવા ઘણી હિંમતની જરૂર પડી?
૮ એ સમસ્યા હલ કરવા ભેગા મળેલા ભાઈઓને ઈશ્વરની શક્તિ અને શાસ્ત્ર દ્વારા વિચારોમાં એકમત થવા મદદ મળી. (પ્રે.કૃ. ૧૫:૨૫) તેઓના એ નિર્ણયથી યહુદી ખ્રિસ્તીઓ પર સતાવણી આવવાની શક્યતા વધી ગઈ. તેમ છતાં વિશ્વાસુ ભાઈ-બહેનોએ શાસ્ત્ર આધારિત નિર્ણયને પૂરો સાથ આપ્યો.—પ્રે.કૃ. ૧૬:૪, ૫.
ભેદ સાફ પારખી શકાય છે
૯. સાચી ભક્તિ ભ્રષ્ટ થવા પાછળનું એક મુખ્ય કારણ શું હતું? કયા મહત્ત્વના શિક્ષણને ભ્રષ્ટ કરવામાં આવ્યું?
૯ પાઊલે કહ્યું હતું કે પ્રેરિતોના ગુજરી ગયા પછી, ખોટું શિક્ષણ સાચી ભક્તિને ભ્રષ્ટ કરી દેશે. (૨ થેસ્સાલોનીકી ૨:૩, ૭ વાંચો.) જેઓ પાસે મંડળમાં ભારે જવાબદારી હતી તેઓમાંથી અમુક “શુદ્ધ ઉપદેશને” વળગી રહ્યા નહિ. (૨ તીમો. ૪:૩) પાઊલે એ સમયના વડીલોને ચેતવતા કહ્યું, “તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” (પ્રે.કૃ. ૨૦:૩૦) “અવળી વાતો” પાછળનું એક મુખ્ય કારણ આપતા ન્યૂ એન્સાઇક્લોપીડિયા જણાવે છે, ‘અમુકે ખ્રિસ્તી બન્યા પહેલાં ગ્રીક ફિલસૂફીની તાલીમ લીધી હતી. તેઓએ પોતાની ખ્રિસ્તી માન્યતા સમજાવવા એ ફિલસૂફીનો ઉપયોગ કર્યો. તેઓ પાસે એ જ્ઞાન હતું, એના લીધે તેઓ ખુશ થવા લાગ્યા. તેમ જ માનવા લાગ્યા કે એના દ્વારા તેઓ બીજા ધર્મોના વિદ્વાનોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા મદદ કરશે.’ તેઓએ બીજા ધર્મના લોકોને ખ્રિસ્તી માન્યતા વિષે જે શિક્ષણ આપ્યું, એમાં ઈસુની ઓળખને બદલી નાખી. બાઇબલ ઈસુને ઈશ્વરના દીકરા કહે છે, જ્યારે કે ગ્રીક ફિલસૂફીને પસંદ કરતા લોકોએ ઈસુને જ ઈશ્વર બનાવી દીધા.
૧૦. ખ્રિસ્તની ઓળખ વિષે ચર્ચના આગેવાનો ક્યાંથી જવાબ મેળવી શક્યા હોત?
૧૦ આ શિક્ષણને લઈને ઘણાં ચર્ચોમાં આગેવાનોએ સભા ભરી. ઈસુની ઓળખ વિષે તેઓ સહેલાઈથી શાસ્ત્રમાંથી જવાબ મેળવી શક્યા હોત. પરંતુ, મોટા ભાગના આગેવાનોએ શાસ્ત્ર પર વિચાર ન કર્યો. હકીકતમાં તો સભા શરૂ થઈ એ પહેલાં જ ઘણાએ મનમાં નિર્ણય લઈ લીધા હતા. તેઓ પોતાના વિચારો બદલવા માટે તૈયાર ન હતા. તેઓની સભામાં જે નિર્ણય લેવામાં આવ્યો, તે બાઇબલ આધારિત ન હતો.
૧૧. ચર્ચના આગેવાનો નિર્ણય લેતી વખતે શાને મહત્ત્વ આપે છે? તેઓ શા માટે એમ કરે છે?
૧૧ શા માટે એ આગેવાનોએ શાસ્ત્ર પર વિચાર કર્યો નહિ? એનું કારણ આપતા નિષ્ણાત ચાર્લ્સ ફ્રીમેન સમજાવે છે, ‘ઈસુ જ ઈશ્વર છે એ વિચાર બાઇબલ સાથે મેળ ખાતો નથી, કેમ કે ઈસુના શબ્દો જ બતાવે છે કે ઈશ્વર તેમનાથી મોટા છે.’ આ આગેવાનો સુવાર્તામાં જણાવેલા ઈસુના શબ્દોને ખોટા સાબિત કરી શકતા ન હતા. પરંતુ, તેઓને મન ચર્ચના રિવાજો અને બીજા લોકોનાં મંતવ્યો વધારે મહત્ત્વના હતા. તેઓ બાઇબલને મહત્ત્વ આપતા ન હતા. આજે પણ ચર્ચના આગેવાનો એવા લોકોને વધુ મહત્ત્વ આપે છે જેઓ તેમને ફાધર કે પાદરી સાહેબ કહીને બોલાવે છે. જો તમે પાદરી બનવા માટે શિક્ષણ લેતી કોઈ વ્યક્તિ સાથે ત્રૈક્ય પર ચર્ચા કરી હોય, તો તમે કદાચ આવા વિચારો નોંધ્યા હશે.
૧૨. રોમન શાસક કોન્સ્ટન્ટાઈનની ચર્ચો પર શું અસર થઈ?
૧૨ પહેલાંના સમયમાં ચર્ચોના બિશપોની ખાસ સભાઓમાં રોમન શાસકોનું ઘણું પ્રભુત્વ હતું. આ વિષે પ્રોફેસર રીચર્ડ ઈ. રૂબનસ્ટાઈને માહિતી આપી. નાઇસીયામાં થયેલી સભા વિષે તેમણે લખ્યું: ‘નવા બનેલા શાસક કોન્સ્ટન્ટાઈને બિશપોને ઘણા અમીર બનાવી દીધા. તેણે મોટા ભાગના ચર્ચોનું સમારકામ કરી આપ્યું. અરે, તેઓનું કામ અને પદવી પણ પાછા આપ્યાં. પોતાના ધર્મગુરુઓને જે ખાસ સારવાર મળતી હતી તે આ બિશપોને પણ આપી. પરિણામે, નાઇસીયાની સભામાં જે નિર્ણયો લેવામાં આવ્યા એમાં કોન્સ્ટન્ટાઈનનો ઘણો પ્રભાવ હતો. અરે, તે બિશપોના વિચારો પણ બદલી શકતો હતો.’ ચાર્લ્સ ફ્રીમેન જણાવે છે, “એ સભા પછી કોન્સ્ટન્ટાઈનની અસર ચર્ચો પર વધારેને વધારે થવા લાગી. ભલે શાસકોએ ચર્ચોને સદ્ધર કર્યાં, પણ તેઓએ ચર્ચના મૂળ વિચારોમાં ભેળસેળ કરી.”—યાકૂબ ૪:૪ વાંચો.
૧૩. શા માટે ચર્ચના આગેવાનોએ બાઇબલનું શિક્ષણ સ્વીકાર્યું નહિ?
૧૩ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા છે, એ સામાન્ય લોકોએ સહેલાઈથી સ્વીકારી લીધું. એનું કારણ એ હતું કે તેઓ શાસ્ત્રમાં જે વાંચતા એ સહેલાઈથી સમજી જતાં. પરંતુ, ચર્ચના આગેવાનો ઈસુ વિષેની એ હકીકત સ્વીકારી શકતા ન હતા. તેઓએ બાઇબલની અવગણના કરી, કેમ કે તેઓને તો રોમન શાસકો પાસેથી પૈસો અને સત્તા જોઈતા હતા. નાયસા વિસ્તારનો ગ્રેગરી, એ સમયનો ધર્મગુરુ હતો. કપડાંના વેપારીઓ, નાણાવટીઓ, કરિયાણું વેચનારા અને નોકરો જેવા સામાન્ય લોકો ધર્મ વિષે વાત કરતા, એ તેને જરાય ગમતું નહિ. તેને એ પણ ગમતું નહિ કે લોકો આ બાબતો સમજાવી શકતા: દીકરો પિતાથી અલગ છે, પિતા દીકરાથી મહાન છે અને દીકરાનું શૂન્યમાંથી સર્જન કર્યું છે. સામાન્ય લોકો એ સત્યને સહેલાઈથી બાઇબલમાંથી સમજાવી શકતા જ્યારે કે ગ્રેગરી અને બીજા આગેવાનોને એમ કરવું ન હતું. કાશ, તેઓએ એ સામાન્ય લોકોનું સાંભળ્યું હોત!
“ઘઉં” અને “કડવા દાણા”
૧૪. શાના આધારે કહી શકીએ કે પહેલી સદી પછી પણ હર સમયે અભિષિક્તો હતા જ?
૧૪ ઈસુએ “ઘઉં” અને “કડવા દાણા” દૃષ્ટાંતમાં જણાવ્યું કે પહેલી સદી પછી, પૃથ્વી પર દરેક સમયે ખરા અભિષિક્ત ખ્રિસ્તીઓ તો હશે જ. તેઓની સરખામણી તેમણે ‘ઘઉં’ સાથે કરી. (માથ. ૧૩:૩૦) આપણે પૂરી ખાતરીથી કહી શકતા નથી કે કઈ વ્યક્તિ અથવા કયો સમૂહ ઘઉં જેવા અભિષિક્તો હતા. પણ એક વાત ચોક્કસ છે ઇતિહાસમાં હર સમયે અભિષિક્તો હતાં. જેઓએ બાઇબલનો હિંમતથી બચાવ કર્યો અને ચર્ચના ખોટા શિક્ષણને ખુલ્લું પાડ્યું. ચાલો તેઓમાંથી અમુકના દાખલા જોઈએ.
૧૫, ૧૬. બાઇબલ સત્ય પર જેઓને ખૂબ જ પ્રેમ હતો, એવા કેટલાકનાં નામ આપો.
૧૫ ફ્રાન્સના લીઓન શહેરના પ્રમુખ બિશપ એગોબાર્ડ ઈ.સ. ૭૭૯-૮૪૦માં થઈ ગયા. તેમણે સંતો માટે ખાસ બનાવેલા ચર્ચ અને એમાં ચાલતી મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. તેમ જ બાઇબલથી અલગ રીત-રિવાજો અને ભક્તિનો પણ વિરોધ કર્યો. બિશપ ક્લોડિયસ પણ એગોબાર્ડના સમયમાં થઈ ગયા. તેમણે પણ ચર્ચોના રીત-રિવાજો તેમ જ સંતોને થતી પ્રાર્થના અને મૂર્તિપૂજાનો નકાર કર્યો. કૅથલિક ચર્ચની માન્યતા હતી કે પ્રભુભોજન વખતે રોટલી અને દ્રાક્ષારસ ઈસુના દેહ અને લોહીમાં પરિવર્તન થાય છે. પણ ૧૧મી સદીના પાદરી બેરેંગેરિયસ કે જે ફ્રાન્સના ટુર્સ શહેરના હતા, તેમણે એનો વિરોધ કર્યો. એટલે તેમને ચર્ચમાંથી કાઢી મૂકવામાં આવ્યા. વધુમાં, તેમણે શીખવ્યું કે ચર્ચના રિવાજોને બદલે બાઇબલનું વધારે માનવું જોઈએ.
૧૬ બ્રુ શહેરના પીટર અને લાઉસાન શહેરના હેન્રી ૧૨મી સદીમાં થઈ ગયા. આ બંનેને બાઇબલ સત્ય પર ખૂબ જ પ્રેમ હતો. પીટરે પાદરીના પદ પરથી રાજીનામું આપી દીધું, કારણ કે કૅથલિકોની માન્યતાઓ બાઇબલ આધારિત ન હતી. જેમ કે, નવાં જન્મેલાં બાળકોનું બાપ્તિસ્મા, પ્રભુભોજન વખતે રોટલી અને દ્રાક્ષારસનું ઈસુના દેહ અને લોહીમાં પરિવર્તન થવું, મરી ગયેલા લોકો માટે પ્રાર્થના કરવી અને ક્રોસની ઉપાસના કરવી. ચર્ચની વિરુદ્ધ જવાથી પીટરને ઈ.સ. ૧૧૪૦માં જીવતા સળગાવી દેવામાં આવ્યા. હેન્રી એક સંત હતા. ચર્ચમાં ચાલતી ભ્રષ્ટ અને ખોટી માન્યતાઓ સામે તેમણે અવાજ ઉઠાવ્યો. એટલે તેમને ઈ.સ. ૧૧૪૮માં પકડવામાં આવ્યા અને મરતા સુધી તે જેલમાં રહ્યા.
૧૭. વાલ્ડૉ અને તેના અનુયાયીઓએ શું કર્યું?
૧૭ જે સમયમાં બ્રુ શહેરના પીટરનું મોત થયું, આશરે એ જ સમયમાં બીજી એક વ્યક્તિનો જન્મ થયો. તેમણે બાઇબલ સત્યને ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો. તેમની અટક વાલ્ડેઝ અથવા વાલ્ડૉ હતી. * બ્રુ શહેરના પીટર અને લાઉસાન શહેરના હેન્રીની જેમ આ વ્યક્તિને ધાર્મિક તાલીમ મળી ન હતી. પણ તે બાઇબલ સત્યને ઘણું જ કીમતી ગણતા હતા. તેમણે પોતાની સંપત્તિ વેચી નાખી અને મળેલા પૈસાથી બાઇબલના અમુક ભાગોનું ભાષાંતર કરાવ્યું. આમ, દક્ષિણ ફ્રાન્સના સામાન્ય લોકો પોતાની ભાષામાં બાઇબલ સમજી શક્યા. અમુક લોકો પોતાની ભાષામાં બાઇબલનો સંદેશો વાંચીને એટલા ખુશ થયા કે તેઓએ પણ પોતાની ધન-સંપત્તિ વેચી નાંખી. તેઓએ પણ પોતાનું જીવન બીજાઓને બાઇબલનું સત્ય જણાવવામાં ગાળ્યું. ચર્ચના આગેવાનોને એ જરાય ગમ્યું નહિ. ૧૧૮૪માં પોપે તેઓને ચર્ચમાંથી કાઢી મૂક્યા અને બિશપે તેઓને પાછા ઘરે જતા અટકાવ્યા. જોકે આમ કરવાને લીધે બાઇબલનો સંદેશો બીજી જગ્યાએ ફેલાયો. આ ઉત્સાહી સ્ત્રી-પુરુષો વાલ્ડૅન્સીસ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં યુરોપના ઘણા ભાગોમાં વાલ્ડૉ, પીટર અને હેન્રીના અનુયાયીઓ ઊભા થયા. તેઓ સિવાય બીજાઓ પણ ચર્ચથી અલગ થઈ ગયા. પછીની સદીઓમાં પણ અમુકે બાઇબલ સત્યને જાળવી રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો. જેમ કે જોન વિકલીફ (આશરે ૧૩૩૦-૧૩૮૪), વિલિયમ ટિંડેલ (આશરે ૧૪૯૪-૧૫૩૬), હેન્રી ગ્રૂ (૧૭૮૧-૧૮૬૨) અને જ્યોર્જ સ્ટોર્સ (૧૭૯૬-૧૮૭૯).
‘ઈશ્વરનું વચન બંધાયેલું નથી’
૧૮. ઓગણીસમી સદીમાં અમુક બાઇબલ વિદ્યાર્થીઓએ શું કર્યું? શા માટે તેઓના અભ્યાસની રીત સારી હતી?
૧૮ બાઇબલ સત્યનો ફેલાવો થતો અટકાવવા દુશ્મનોએ ગમે એટલો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ થયા નહિ. બીજો તીમોથી ૨:૯ કહે છે, ‘ઈશ્વરનું વચન બંધાયેલું નથી.’ ૧૮૭૦માં એક નાના વૃંદે સત્ય શોધવા માટે બાઇબલનો ખંતથી અભ્યાસ શરૂ કર્યો. તેઓ કઈ રીતે અભ્યાસ કરતા? એ વૃંદમાંથી કોઈ એક વ્યક્તિ સવાલ ઉઠાવતી, પછી તેઓ એના પર ચર્ચા કરતા. એ વિષયને લગતી બધી જ કલમો તપાસતા. પછી તેઓ નક્કી કરતા કે એ કલમો કઈ રીતે એકબીજા સાથે મેળ ખાય છે. છેવટે તેઓ જે તારણ પર આવતા એની નોંધ કરતા. આ અભ્યાસ કરવાની સારી રીત હતી, કેમ કે પહેલી સદીના પ્રેરિતો અને વડીલોએ પણ એ જ પ્રમાણે કર્યું હતું. આ વૃંદે યહોવાના સાક્ષીઓનો પાયો નાખ્યો. આ લોકોએ ખાતરી રાખી કે તેઓની માન્યતાનો પાયો બાઇબલ આધારિત હોય.
૧૯. ૨૦૧૨નું વાર્ષિક વચન શું છે? એ કેમ યોગ્ય છે?
૧૯ આજે પણ આપણી માન્યતાનો આધાર બાઇબલ છે. એ ધ્યાનમાં રાખીને યહોવાના સાક્ષીઓના નિયામક જૂથે ૨૦૧૨ માટે યોહાન ૧૭:૧૭ની કલમ પસંદ કરી છે. એમાં ઈસુએ પૂરા ભરોસાથી કહ્યું: ‘તમારું વચન સત્ય છે.’ જે લોકો ઈશ્વરની કૃપા મેળવવા માંગે છે તેઓએ સત્યના માર્ગે ચાલવું જોઈએ. તેથી ચાલો, આપણે ઈશ્વરના વચન બાઇબલની દોરવણી પ્રમાણે ચાલીએ. (w12-E 01/15)
[ફુટનોટ]
^ વાલ્ડેઝ અમુક વખતે પિએર વાલ્ડેઝ અથવા પીટર વાલ્ડૉ તરીકે ઓળખાતા. પરંતુ તેમનું પૂરું નામ શું હતું એ આપણે જાણતા નથી.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૨ પર બ્લર્બ]
૨૦૧૨નું વાર્ષિક વચન: ‘તમારું વચન સત્ય છે.’—યોહાન ૧૭:૧૭
[પાન ૧૧ પર ચિત્ર]
વાલ્ડૉ
[પાન ૧૧ પર ચિત્ર]
વિકલીફ
[પાન ૧૧ પર ચિત્ર]
ટિંડેલ
[પાન ૧૧ પર ચિત્ર]
ગ્રૂ
[પાન ૧૧ પર ચિત્ર]
સ્ટોર્સ