ઈશ્વરે ધરતી કેમ બનાવી?
બાઇબલમાંથી શીખો
ઈશ્વરે ધરતી કેમ બનાવી?
આ લેખમાં જે સવાલો છે એ કદાચ તમને પણ થયા હશે. એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાહના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.
૧. ઈશ્વરે ધરતી કેમ બનાવી?
ઈશ્વરે સ્વર્ગદૂતોને બનાવ્યા પછી માણસો માટે સુંદર પૃથ્વી બનાવી. (અયૂબ ૩૮:૪, ૭) યહોવાહે પૃથ્વી પર એદન નામનો સુંદર બગીચો બનાવ્યો, અને એ પ્રથમ મનુષ્યને રહેવા આપ્યો. તેને અને તેના સંતાનોએ આ સુંદર પૃથ્વી પર કોઈ પણ જાતની દુઃખ-તકલીફો વગર જીવવાનું હતું.—ઉત્પત્તિ ૨:૧૫-૧૭; ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬ વાંચો.
પૃથ્વીના એક નાના જ ભાગમાં એદન બાગ હતો. પ્રથમ યુગલ આદમ-હવાએ એમાં રહીને પોતાનો પરિવાર વધારવાનો હતો. પરિવાર વધે એમ તેઓએ પૃથ્વીના બાકીના વિસ્તારને એદન બાગ જેવો બનાવવાનો હતો. (ઉત્પત્તિ ૧:૨૮) પરમેશ્વરે પૃથ્વીને એવી રીતે બનાવી કે કાયમ માટે ટકી રહે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૫ વાંચો.
૨. પૃથ્વી કેમ બગીચા જેવી સુંદર રહી નહિ?
આદમ-હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી એટલે તેઓને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પછી એ સુંદર બગીચો રહ્યો નહિ. અરે, કોઈ મનુષ્ય ફરીથી પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવી શક્યો નથી. બાઇબલ કહે છે: “પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાએલી છે.”—અયૂબ ૯:૨૪; ઉત્પત્તિ ૩:૨૩, ૨૪ વાંચો.
ઈશ્વર યહોવાહનો મનુષ્ય માટે જે હેતુ હતો એ હજુ પણ બદલાયો નથી. તે કદી પણ પોતાનો હેતુ પૂરો કરવામાં નિષ્ફળ ગયા નથી. (યશાયાહ ૪૫:૧૮) તેમણે માણસ માટે જે હેતુ રાખ્યો હતો એને ચોક્કસ પૂરો કરશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧ વાંચો.
૩. ઈશ્વર કેવી રીતે પૃથ્વી પર શાંતિ લાવશે?
પૃથ્વી પર શાંતિ લાવતા પહેલાં ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે. આર્માગેદ્દોનની લડાઈમાં ઈશ્વરના સ્વર્ગદૂતો દુષ્ટોનો નાશ કરશે. શેતાનને ૧,૦૦૦ વર્ષ માટે બંદી બનાવવામાં આવશે. પણ જેઓ ઈશ્વરના માર્ગે ચાલે છે તેઓ બચી જશે, અને નવી દુનિયામાં કાયમ માટે જીવવાનો આનંદ માણશે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૨૦:૧-૩; ૨૧:૩, ૪ વાંચો.
૪. દુઃખ-તકલીફોનો અંત ક્યારે આવશે?
ઈસુ સ્વર્ગમાંથી ૧,૦૦૦ વર્ષ માટે પૃથ્વી પર રાજ કરશે. એ સમય દરમિયાન તે પૃથ્વીને પાછી સુંદર બગીચા જેવી બનાવી દેશે. જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓમાંથી ઈસુ પાપની અસર દૂર કરશે. બીમારી, ઘડપણ અને મરણને પણ કાયમ માટે મિટાવી દેશે.—યશાયાહ ૧૧:૯; ૨૫:૮; ૩૩:૨૪; ૩૫:૧ વાંચો.
પણ સવાલ થાય કે ઈશ્વર ક્યારે દુષ્ટતાનો અંત લાવશે? અંત આવશે એ પહેલાં શું બનશે એ વિષે ઈસુએ “નિશાની” આપી હતી. એ નિશાનીઓ પરથી પારખી શકીએ છીએ કે આપણે આ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ.—માત્થી ૨૪:૩, ૭-૧૪, ૨૧, ૨૨; ૨ તીમોથી ૩:૧-૫ વાંચો.
૫. બગીચા જેવી સુંદર પૃથ્વીમાં કોણ રહેશે?
ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે લોકોને શિષ્ય બનાવે અને ઈશ્વરના પ્રેમના માર્ગો વિષે શીખવે. (માત્થી ૨૮:૧૯, ૨૦) યહોવાહ આજે આખી દુનિયામાંથી લાખો લોકોને સુંદર પૃથ્વી માટે તૈયાર કરી રહ્યા છે. (સફાન્યાહ ૨:૩) ઈશ્વર તરફથી શિક્ષણ લેવા યહોવાહના સાક્ષીઓ સભાઓમાં ભેગાં મળે છે. ત્યાં તેઓ સારા પતિ-પત્ની અને સારા માતા-પિતા કેવી રીતે બનવું એ વિષે શીખે છે. ઉપરાંત માબાપ અને બાળકો ભેગાં મળીને આવનાર સુંદર ભાવિમાં ભરોસો મજબૂત કરવાનું શિક્ષણ લઈ રહ્યા છે.—મીખાહ ૪:૧-૪ વાંચો.
યહોવાહના સાક્ષીઓની સભામાં તમને એવા લોકો મળશે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમને ખુશ કરવા ચાહે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫ વાંચો. (w11-E 04/01)
વધારે માહિતી માટે, આ પુસ્તકનું, પવિત્ર બાઇબલ શું શીખવે છે? ત્રીજું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.