યહોવાહ ‘શાંતિ આપનાર ઈશ્વર’ છે
યહોવાહ ‘શાંતિ આપનાર ઈશ્વર’ છે
‘શાંતિ આપનાર ઈશ્વર તમારા સર્વની સાથે હો.’—રૂમી ૧૫:૩૩.
૧, ૨. ઉત્પત્તિ ૩૨ અને ૩૩માં કેવી તણાવ ભરેલી પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે? છેવટે શું બન્યું?
યરદન નદીની પૂર્વમાં આવેલી યાબોકની ખીણ પાસે પનૂએલ આવેલું હતું. ત્યાં યાકૂબ અને એસાવ ઘણા વર્ષો પછી મળવાના હતા. યાકૂબ ઘરે પાછો ફરી રહ્યો હતો, એ જાણીને એસાવ ૪૦૦ માણસોને લઈને સામે મળવા ગયો. જ્યારે યાકૂબે એ સાંભળ્યું ત્યારે તે બહુ ડરી ગયો. તે વિચારવા લાગ્યો, ‘શું હજી પણ એસાવના મનમાં ખાર હશે?’ કેમ કે, વીસ વર્ષ પહેલાં એસાવે પ્રથમ દીકરાનો પોતાનો હક યાકૂબને વેચી દીધો હતો. તેથી યાકૂબે એસાવનો ગુસ્સો ઠંડો કરવા પોતાના ચાકરો દ્વારા પ્રાણીઓની ભેટ મોકલાવી. એક પછી એક એમ ૫૫૦ કરતાં વધારે પ્રાણીઓ ભેટમાં મોકલાવ્યા. દરેક વખતે ચાકરો એસાવને વધારે ભેટો ધરતા અને કહેતા કે આ તારા ભાઈએ મોકલાવી છે.
૨ જ્યારે તેઓ મળ્યા ત્યારે શું થયું? યાકૂબ હિંમતથી એસાવની સામે ગયો. તેણે નમ્રતાથી એક વખત નહિ, પણ સાત વખત માથું નમાવીને એસાવને માન આપ્યું. જોકે આ બધું કરતાં પહેલાં યાકૂબે એક સૌથી મહત્ત્વનું પગલું ભર્યું હતું. તેણે એસાવથી રક્ષણ મેળવવા પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માગી હતી. તેને પ્રાર્થનાનો જવાબ મળ્યો. બાઇબલ જણાવે છે, “એસાવ તેને મળવાને દોડ્યો, ને તેને ભેટ્યો, ને તેની કોટે વળગીને તેને ચૂમ્યો.”—ઉત. ૩૨:૧૧-૨૦; ૩૩:૧-૪.
૩. યાકૂબ અને એસાવના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?
૩ આ અહેવાલમાંથી શીખવા મળે છે કે ભાઈ-બહેનો સાથેની તકરારને થાળે પાડવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ. જો એમ નહિ કરીએ તો મંડળની શાંતિ જોખમાશે. એસાવનો વિચાર કરો. તેણે પ્રથમ દીકરાના હકની કદર ના કરી અને થોડાંક ખાવાના માટે એને વેચી દીધો. જ્યારે કે યાકૂબે કોઈ ભૂલ કરી ન હતી, એટલે તેને માફી માગવાની કોઈ જરૂર ન હતી. છતાં શાંતિ જાળવવા તેણે પહેલ કરી. (ઉત. ૨૫:૩૧-૩૪; હેબ્રી ૧૨:૧૬) યાકૂબે જે પગલાં ભર્યા, એમાંથી જોવા મળે છે કે મંડળમાં શાંતિ જાળવી રાખવા બનતો પ્રયત્ન કરવો જોઈએ. શાંતિ જાળવવા યહોવાહને પ્રાર્થના કરીશું તો તે ચોક્કસ મદદ કરશે. બાઇબલમાં આવા ઘણા દાખલા છે, જેમાંથી આપણને શાંતિ જાળવવા મદદ મળે છે.
આપણા માટે સૌથી ઉત્તમ દાખલો
૪. આપણને પાપ અને મરણમાંથી છોડાવવા યહોવાહે શું કર્યું?
૪ યહોવાહે શાંતિ કરનાર તરીકે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. એટલે તેમને ‘શાંતિ આપનાર ઈશ્વર’ કહેવામાં આવે છે. (રૂમી ૧૫:૩૩) યહોવાહે ઘણી બધી ગોઠવણ કરી છે, જેથી આપણે તેમની સાથે સંબંધ બાંધી શકીએ અને શાંતિ જાળવી રાખી શકીએ. આપણે આદમ અને હવાના વંશજો હોવાથી વારસામાં ‘પાપનું વેતન મરણ’ મળ્યું છે. (રૂમી ૬:૨૩) તેમ છતાં યહોવાહ આપણને ખૂબ જ ચાહે છે. તેમણે આપણને પાપ અને મરણમાંથી છોડાવવા ઈસુને મોકલ્યા. ઈસુએ પિતાની ઇચ્છા રાજી-ખુશીથી પૂરી કરી. અરે, તે ઈશ્વરના દુશ્મનોને હાથે મરવા તૈયાર થયા. (યોહા. ૧૦:૧૭, ૧૮) યહોવાહે તેમને સજીવન કર્યા અને સ્વર્ગમાં પાછા લઈ લીધા. ત્યાં ઈસુએ પોતાના વહેવડાવેલા લોહીની કિંમત યહોવાહ આગળ રજૂ કરી. એ કિંમતને આધારે મનુષ્ય પાપોનો પસ્તાવો કરીને મોતમાંથી છુટકારો મેળવી શકે છે.—હેબ્રી ૯:૧૪, ૨૪ વાંચો.
૫, ૬. ઈશ્વર સાથે સમાધાન કરવા ઈસુએ વહેવડાવેલા લોહીથી માણસજાતને કેવી મદદ મળી?
૫ પાપના લીધે સર્વ મનુષ્ય ઈશ્વરના દુશ્મન બન્યા, પણ ઈસુએ જીવન આપ્યું એનાથી શું ફાયદો થયો? યશાયાહ ૫૩:૫ કહે છે: “આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.” જે મનુષ્ય ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે, તેઓ ઈસુના બલિદાનને આધારે ઈશ્વર સાથે મિત્રતા બાંધી શકે છે. બાઇબલ એ પણ કહે છે: ‘ઈસુના લોહી દ્વારા આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.’—એફે. ૧:૭.
૬ બાઇબલ જણાવે છે કે ખ્રિસ્તમાં “સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એમ બાપને પસંદ પડ્યું” છે. એટલે ખ્રિસ્ત દ્વારા યહોવાહ પોતાનો હેતુ પૂરો કરે છે. ઈશ્વરનો હેતુ શું છે? તેમનો હેતુ ‘વહેવડાવેલા લોહીથી શાંતિ કરાવીને ઈસુની મારફતે પોતાની સાથે સઘળાંનું સમાધાન’ કરવાનો છે. ઈશ્વર “પૃથ્વી પરનાં” અને ‘સ્વર્ગમાંના’ વાનાં સાથે સમાધાન કરે છે. આ વાનાં શું છે?—કોલોસી ૧:૧૯, ૨૦ વાંચો.
૭. ‘સ્વર્ગમાંના’ અને “પૃથ્વી પરનાં” વાનાં કોને દર્શાવે છે?
૭ ઈસુએ આપેલા જીવનથી અભિષિક્ત લોકોને ઈશ્વરના પુત્રો તરીકે “ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.” આમ તેઓ ‘ઈશ્વરની સાથે સમાધાન’ કરી શકે છે. (રૂમી ૫:૧ વાંચો.) બાઇબલ તેઓને ‘સ્વર્ગમાંના’ વાનાં કહે છે, કેમ કે તેઓને સ્વર્ગીય જીવનની આશા છે. ત્યાંથી તેઓ ‘પૃથ્વી પર રાજ કરશે,’ અને યાજકો તરીકે સેવા કરશે. (પ્રકટી. ૫:૧૦) જ્યારે “પૃથ્વી પરનાં” વાનાં એવા લોકોને દર્શાવે છે જેઓ પાપોનો પસ્તાવો કરે છે અને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે.—ગીત. ૩૭:૨૯.
૮. મંડળમાં કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે યહોવાહના દાખલા પર મનન કરવાથી આપણને કઈ રીતે મદદ મળે છે?
૮ એફેસસના અભિષિક્તોને પાઊલે પત્ર લખ્યો હતો. એમાં તેમણે યહોવાહની ગોઠવણ માટે કદર વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈશ્વર “કરુણાથી ભરપૂર છે.” એટલે ‘આપણે પાપમાં મૂએલા હતા ત્યારે તેમણે આપણને સજીવન કર્યા’ અને ‘ખ્રિસ્ત સાથે’ એકતામાં લાવ્યા. તેમણે એ પણ કહ્યું હતું કે ઈશ્વરની “કૃપાથી” તમે તારણ પામ્યા છો. (એફે. ૨:૪, ૫) સ્વર્ગની કે પૃથ્વીની આશા રાખનાર આપણે બધાં જ ઈશ્વરે બતાવેલી દયા અને અપાર કૃપાના ઘણા આભારી છીએ. શાંતિ જાળવવા યહોવાહે મનુષ્યો સાથે તૂટી ગયેલો સંબંધ જોડવા જે પણ કર્યું છે, એની આપણે ઘણી કદર કરીએ છીએ. પણ અમુક વખતે કોઈ મુશ્કેલીના લીધે મંડળની શાંતિ જોખમમાં આવી શકે. એવા સમયે આપણે યહોવાહના દાખલાને અનુસરવું જોઈએ. એમ કરવાથી ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવી રાખી શકીશું.
ઈબ્રાહીમ અને ઈસ્હાક પાસેથી શીખીએ
૯, ૧૦. ઈબ્રાહીમે કેવી રીતે બતાવ્યું કે તે શાંતિ જાળવી રાખવા માગે છે?
૯ ઈબ્રાહીમ વિષે બાઇબલ જણાવે છે, ‘તેમણે યહોવાહ પર વિશ્વાસ કર્યો, એ માટે તેમને ન્યાયી ગણવામાં આવ્યા; અને ઈશ્વરના મિત્ર કહેવામાં આવ્યા.’ (યાકૂ. ૨:૨૩) ઈબ્રાહીમે બીજાઓ સાથે શાંતિ જાળવી રાખીને બતાવી આપ્યું કે તેમને યહોવાહમાં પૂરો ભરોસો છે. એક વખતે ઈબ્રાહીમના તથા ભત્રીજા લોટના ગોવાળિયાઓ વચ્ચે તકરાર થઈ, ત્યારે પણ ઈબ્રાહીમે શાંતિ જાળવી રાખી. (ઉત. ૧૨:૫; ૧૩:૭) તેઓએ છૂટા પડવાનું નક્કી કર્યું. આવા મુશ્કેલ સંજોગોમાં ઈબ્રાહીમે કેવું વલણ બતાવ્યું? તેમણે એવું ના વિચાર્યું કે ‘હું મોટો છું અને યહોવાહનો મિત્ર છું, એટલે પહેલો નિર્ણય હું લઈશ.’ એના બદલે તેમણે બતાવ્યું કે તે શાંતિ જાળવી રાખવા માગે છે.
૧૦ ઈબ્રાહીમે નમ્રતાથી લોટને કહ્યું, “હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ; કેમ કે આપણે ભાઈઓ છીએ. શું, તારી આગળ આખો દેશ નથી? તો મારાથી તું જુદો થા; જો તું ડાબી ગમ જશે, તો હું જમણી ગમ જઈશ; અને જો તું જમણી ગમ જશે, તો હું ડાબી ગમ જઈશ.” લોટે સૌથી સારો પ્રદેશ પસંદ કર્યો, તેમ છતાં ઈબ્રાહીમે તેના પર ખાર ના રાખ્યો. (ઉત. ૧૩:૮-૧૧) એટલે જ્યારે લોટને દુશ્મનો પકડી ગયા, ત્યારે ઈબ્રાહીમ તરત જ તેને બચાવવા દોડી ગયા.—ઉત. ૧૪:૧૪-૧૬.
૧૧. પલિસ્તીઓ સાથે શાંતિ જાળવી રાખવા ઈબ્રાહીમે શું કર્યું?
૧૧ શાંતિ જાળવી રાખવા ઈબ્રાહીમ પલિસ્તીઓ સાથે કેવી રીતે વર્ત્યા એનો પણ વિચાર કરો. પલિસ્તીઓ કનાન દેશમાં તેમના પડોશીઓ હતા. તેઓએ બેર-શેબામાં ઈબ્રાહીમના ચાકરોએ ખોદેલો કૂવો બળજબરીથી પડાવી લીધો હતો. એવા સમયે ઈબ્રાહીમે કોઈ માથાકૂટ કરી નહિ પણ શાંતિ જાળવી રાખી. અમુક સમય પછી પલિસ્તી રાજા ઈબ્રાહીમને શાંતિનો કરાર કરવા માટે મળ્યા. ત્યારે ઈબ્રાહીમે, રાજાના વંશજો સાથે દયા બતાવવાનું વચન આપ્યું. પછી ઈબ્રાહીમે પોતાનો કૂવો પડાવી લીધાની વાત રાજાને કરી. જ્યારે રાજાએ એ સાંભળ્યું ત્યારે તે ચોંકી ગયા. તેમણે ઈબ્રાહીમને કૂવો પાછો આપ્યો. પછી ઈબ્રાહીમ શાંતિથી પરદેશી તરીકે એ દેશમાં રહ્યા.—ઉત. ૨૧:૨૨-૩૧, ૩૪.
૧૨, ૧૩. (ક) ઈસ્હાક કઈ રીતે પોતાના પિતાને અનુસર્યા? (ખ) ઇસ્હાકે શાંતિ જાળવી રાખવા જે પ્રયત્ન કર્યા એને યહોવાહે કેવા આશીર્વાદ આપ્યા?
૧૨ ઈસ્હાક પોતાના પિતાની જેમ શાંતિચાહક હતા. તેમણે પણ પલિસ્તીઓ સાથે શાંતિ રાખવા બનતું બધું જ કર્યું. ઈસ્હાક અને તેમનું કુટુંબ જ્યાં રહેતા હતા ત્યાં દુકાળ પડ્યો. એટલે તેઓ નેગેબ દેશના બેરલાહાય-રોઈ વિસ્તારમાંથી, ઉત્તરમાં આવેલા ફળદ્રુપ પ્રદેશ ગેરારમાં રહેવા ગયા. એ પ્રદેશ પણ પલિસ્તીઓનો હતો. યહોવાહે ઈસ્હાકને મબલખ પાક અને ઢોરઢાંક વધારીને ભરપૂર આશીર્વાદ આપ્યો. એ જોઈને પલિસ્તીઓને ઈર્ષા થઈ. ઈસ્હાકની સંપત્તિ વધી ન જાય એટલે તેઓએ તેના કૂવા પૂરી દીધા. આખરે, પલિસ્તી રાજાએ ઈસ્હાકને કહેવું પડ્યું: “તું અમારી પાસેથી જા.” શાંતિ જાળવી રાખવા ઈસ્હાક, રાજાનું કહ્યું કરે છે.—ઉત. ૨૪:૬૨; ૨૬:૧, ૧૨-૧૭.
૧૩ ઈસ્હાક તેમના કુટુંબ-કબીલા સાથે થોડે દૂર રહેવા ગયા. ત્યાં તેમના ભરવાડોએ બીજો એક કૂવો ખોદ્યો. પલિસ્તીઓના ભરવાડો દાવો કરે છે કે એ પાણી તેઓનું છે. ઈસ્હાક પોતાના પિતાની જેમ શાંતિ જાળવી રાખવા માગતા હતા. એટલે તે પોતાના ચાકરોને બીજો કૂવો ખોદવા કહે છે. એ કૂવા માટે પણ પલિસ્તીઓ ઝઘડો કરે છે. ફરી એક વાર શાંતિ જાળવવા ઈસ્હાક પોતાનું આખું કુટુંબ લઈને બીજે રહેવા જાય છે. ત્યાં ગયા પછી ચાકરો ફરીથી એક કૂવો ખોદે છે, અને ઈસ્હાક એને રહોબોથ નામ આપે છે. અમુક સમય પછી તેઓ વધારે ફળદ્રુપ પ્રદેશ બેર-શેબામાં જાય છે. યહોવાહ ત્યાં પણ તેઓને ભરપૂર આશીર્વાદ આપે છે અને કહે છે: ‘ડરીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઈબ્રાહીમને લીધે હું તને આશીર્વાદ દઈશ, ને તારાં સંતાન વધારીશ.’—ઉત. ૨૬:૧૭-૨૫.
૧૪. રાજા જ્યારે મળવા આવ્યા ત્યારે ઈસ્હાકે કઈ રીતે બતાવ્યું કે તે શાંતિ ઇચ્છે છે?
૧૪ ખરું કે ઈસ્હાક પોતાના ચાકરોએ ખોદેલા કૂવા માટે લડી શક્યા હોત, પણ તેમણે એવું ના કર્યું. યહોવાહનો સાથ હોવા છતાં, ઈસ્હાકે શાંતિ જાળવી રાખવા અનેક વાર પોતાનું રહેઠાણ બદલ્યું. છેવટે પલિસ્તી રાજા પોતાના અધિકારીઓ સાથે બેર-શેબામાં ઈસ્હાક સાથે કરાર કરવા આવ્યા. રાજાએ કહ્યું: “અમે ખચીત જાણ્યું કે યહોવાહ તારી સાથે છે.” રાજા મળવા આવ્યા, ત્યારે પણ ઈસ્હાકે બતાવ્યું કે તે શાંતિ ઇચ્છે છે. બાઇબલ જણાવે છે: ‘ઈસ્હાકે મહેમાનોને સારુ મિજબાની કરી, ને તેઓએ ખાધું ને પીધું. અને તેઓએ મોટી સવારે ઊઠીને અરસપરસ સમ ખાધા; અને ઈસ્હાકે તેઓને વિદાય કર્યા, ને તેઓ શાંતિથી ગયા.’—ઉત. ૨૬:૨૬-૩૧.
યુસફ પાસેથી શીખીએ
૧૫. શા માટે યુસફના ભાઈઓ તેની સાથે શાંતિથી વાત કરી શકતા ન હતા?
૧૫ બાઇબલ કહે છે કે ઈસ્હાકનો પુત્ર યાકૂબ ‘શાંત પ્રકૃતિનો’ હતો. (ઉત. ૨૫:૨૭, IBSI) આપણે જોઈ ગયા કે યાકૂબે પોતાના ભાઈ એસાવ સાથે શાંતિ જાળવી રાખવા બનતું બધું જ કર્યું. ચોક્કસ યાકૂબ પોતાના પિતા પાસેથી શાંતિ જાળવી રાખવાનું શીખ્યા હશે. પણ યાકૂબના દીકરાઓ વિષે શું? ૧૨ દીકરાઓમાં યુસફ તેમને બહુ વહાલો હતો. તે તેમને ખૂબ જ માન આપતો અને કહ્યું કરતો. એટલે યાકૂબને યુસફ પર પૂરો ભરોસો હતો. (ઉત. ૩૭:૨, ૧૪) પણ મોટા ભાઈઓને યુસફની બહુ ઈર્ષા થતી હતી, એટલે તેની સાથે શાંતિથી વાત કરી શકતા ન હતા. આખરે યુસફને ગુલામ તરીકે વેચી દીધો. તેઓએ પોતાના પિતાને જૂઠું કહ્યું કે કોઈ જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધો છે.—ઉત. ૩૭:૪, ૨૮, ૩૧-૩૩.
૧૬, ૧૭. યુસફ પોતાના ભાઈઓ સાથે જે રીતે વર્ત્યો એમાંથી કેવી રીતે દેખાય આવ્યું કે તે શાંતિ ચાહે છે?
૧૬ પણ યહોવાહે યુસફને ત્યજી ન દીધો. સમય જતાં યુસફ મિસરમાં અધિપતિ બન્યો. તે રાજાની પદવી પછી બીજા સ્થાને હતો. જ્યારે કનાનમાં ભારે દુકાળ પડ્યો ત્યારે યુસફના ભાઈઓ અનાજ ખરીદવા મિસરમાં આવ્યા. તેઓ યુસફને ઓળખી ન શક્યા, કેમ કે તે એક અધિકારી તરીકે ત્યાં હતો. (ઉત. ૪૨:૫-૭) યુસફ પોતાની અને પિતા સાથે થયેલા અન્યાયનો બદલો લઈ શક્યો હોત, પણ એને બદલે તે ભાઈઓ સાથે શાંતિથી વર્ત્યો. જ્યારે તેઓએ પસ્તાવો કર્યો ત્યારે યુસફે કહ્યું, ‘તમે મને અહીં વેચી દીધો, એને લીધે દિલગીર ન થાઓ, ને પોતાને દોષ ન આપો. કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો હતો. યુસફે તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું, ને તેઓને ભેટીને રડ્યો.’—ઉત. ૪૫:૧, ૫, ૧૫.
૧૭ તેઓના પીતા યાકૂબના મરણ પછી યુસફના ભાઈઓને લાગ્યું કે કદાચ તે બદલો લેશે. એટલે તેઓએ એ વિષે યુસફ સાથે વાત કરી, ત્યારે તે “રડી પડ્યો.” તેણે કહ્યું, “બીહો મા; હું તમને તથા તમારાં છોકરાંને પાળીશ. એમ તેણે તેઓને દિલાસો આપીને તેઓની સાથે હેતથી વાત કરી.” આ રીતે તેણે બતાવ્યું કે તે શાંતિ ચાહે છે.—ઉત. ૫૦:૧૫-૨૧.
‘આપણને શિખામણ મળે માટે’ દાખલા
૧૮, ૧૯. (ક) આ લેખમાંના દાખલાઓમાંથી તમે શું શીખ્યા? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?
૧૮ પાઊલે લખ્યું: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) યહોવાહે આપણા માટે સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો. તેમની પાસેથી આપણે શું શીખી શકીએ? ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને યુસફ પાસેથી શું શીખી શકીએ?
૧૯ આપણે યહોવાહ સાથે મિત્રતા બાંધી શકીએ એ માટે તેમણે ઘણી બધી ગોઠવણ કરી છે. જો આપણે એ બાબતો પર મનન કરીશું તો બીજાઓ સાથે શાંતિ જાળવવા ઘણી જ મદદ મળશે. ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને યુસફનો દાખલો બતાવે છે કે માબાપ પોતાના બાળકોને શાંતિ જાળવતા શીખવી શકે. વધુમાં આ અહેવાલમાંથી જોવા મળે છે કે જેઓ શાંતિ જાળવવા કોશિશ કરે છે તેઓને યહોવાહ આશીર્વાદ આપે છે. એટલે જ પાઊલ યહોવાહને ‘શાંતિ આપનાર ઈશ્વર’ કહે છે! (રૂમી ૧૫:૩૩; ૧૬:૨૦ વાંચો.) હવે પછીનો લેખ જણાવશે કે કેમ પાઊલે શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો અને કેવી રીતે શાંતિ જાળવી શકીએ. (w11-E 08/15)
તમે શું શીખ્યા?
• એસાવને મળતા પહેલાં યાકૂબે શાંતિ જાળવવા શું કર્યું?
• યહોવાહે ઘણું બધું કર્યું છે જેથી મનુષ્ય તેમની સાથે શાંતિમાં રહી શકે. એ જાણીને તમને શું કરવાની પ્રેરણા મળે છે?
• શાંતિ જાળવવા વિષે ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને યુસફ પાસેથી તમને શું શીખવા મળ્યું?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૯ પર ચિત્રો]
એસાવ સાથે શાંતિ જાળવવા યાકૂબે કયું મહત્ત્વનું પગલું ભર્યું?