સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર’

‘હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર’

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

‘હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર’

એક બહેન પોતાને સાવ નકામી ગણે છે. તે કહે છે, ‘યહોવાહ મને બહુ સારી રીતે જાણે છે, એટલે તે મને પ્રેમ નહિ કરે કે તેમની કૃપા મારા પર નહિ વરસાવે.’ શું તમને કદી આ બહેન જેવું લાગ્યું છે? ઈશ્વર તમારો સ્વીકાર નહિ કરે એવી લાગણી થઈ છે? જો એમ હોય તો નહેમ્યાહ ૧૩:૩૧ના શબ્દો તમને ઘણું ઉત્તેજન આપી શકે.

ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં નહેમ્યાહ યહુદાહના સરદાર હતા. ઈશ્વરને ખુશ કરવા તેમણે બનતું બધું જ કર્યું. દુશ્મનોનો સખત વિરોધ છતાં તેમણે યરૂશાલેમની દીવાલ બાંધવા આગેવાની લીધી. તેમણે લોકોને ઈશ્વરના નિયમો લાગુ પાડવાનો હુકમ આપ્યો. કચડાઈ ગયેલા અને અન્યાય ભોગવી રહેલા ઈસ્રાએલીઓને મદદ કરી. લોકોનો વિશ્વાસ મજબૂત કરવા પ્રયત્ન કર્યો. નહેમ્યાહે આ બધાં કામ કર્યા એની શું ઈશ્વરે નોંધ લીધી? શું યહોવાહે તેમનો સ્વીકાર કર્યો? એનો જવાબ આપણને તેમના પુસ્તકની છેલ્લી કલમમાં જોવા મળે છે.

નહેમ્યાહ પ્રાર્થના કરે છે કે ‘હે ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર.’ * શું નહેમ્યાહને એવો ડર હતો કે તેમના સારા કામોને ઈશ્વર ધ્યાન નહિ આપે, કે એને ભૂલી જશે? ના એવું નથી. યહોવાહ પોતાના વિશ્વાસુ સેવકોના સારા કાર્યોને ભૂલી જતા નથી. આ વિષે શાસ્ત્રમાં જે લખેલું હતું, એનાથી નહેમ્યાહ જાણકાર હતા. (નિર્ગમન ૩૨:૩૨, ૩૩; ગીતશાસ્ત્ર ૫૬:૮) તો પછી તે શું માગતા હતા? એક સ્કૉલર જણાવે છે કે હેબ્રી ભાષામાં ‘સ્મરણ કરવાનો’ અર્થ થાય કે ‘તમને કોઈ વ્યક્તિ માટે લાગણી છે એ તમે યાદ રાખો, અને કોઈ કાર્ય કરીને તેને બતાવો.’ નહેમ્યાહને યહોવાહમાં પૂરો ભરોસો હતો. તે ચાહતા હતા કે ઈશ્વર તેમને યાદ રાખે અને આશીર્વાદ આપે.​—નહેમ્યાહ ૨:૪.

શું નહેમ્યાહની પ્રાર્થનાનો ઈશ્વરે જવાબ આપ્યો? એક રીતે તેમણે જવાબ આપી દીધો છે. નહેમ્યાહની પ્રાર્થના બાઇબલમાં છે, એ જ સાબિતી આપે છે કે ઈશ્વરે તેમનો સ્વીકાર કર્યો છે. આ એક રીતે આપણને ખાતરી મળે છે કે યહોવાહે તેમને યાદ રાખ્યા છે. “પ્રાર્થનાના સાંભળનાર” ઈશ્વર, નહેમ્યાહની પ્રાર્થનાનો હજુ વધારે કંઈક કરીને જવાબ આપશે.​—ગીતશાસ્ત્ર ૬૫:૨.

નહેમ્યાહે સાચી ભક્તિ માટે જે પણ કર્યું એનો બદલો ઈશ્વર જરૂર આપશે. (હેબ્રી ૧૧:૬) આવનાર નવી દુનિયામાં નહેમ્યાહને સજીવન કરીને તે આશીર્વાદ આપશે. * (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ત્યાં નહેમ્યાહને હંમેશ માટે જીવવાની આશા હશે. એ સમયે તે જોઈ શકશે કે ઈશ્વર તેમના સારાં કાર્યોને ભૂલી ગયા નથી.

નહેમ્યાહે જે પ્રાર્થના કરી એ રાજા દાઊદના શબ્દો સાથે પૂરી રીતે બંધબેસે છે: ‘તું ન્યાયીને આશીર્વાદ આપશે; હે યહોવાહ, જાણે ઢાલથી તેમ કૃપાથી તું તેને ઘેરી લેશે.’ (ગીતશાસ્ત્ર ૫:૧૨) યહોવાહને ખુશ કરવા આપણે જે પ્રયત્નો કરીએ છીએ, એને તે ધ્યાનમાં લે છે અને એની કદર કરે છે. એટલે જો તમે ભક્તિમાં લાગુ રહો, તો ખાતરી રાખી શકો કે તે તમને યાદ રાખશે અને અઢળક આશીર્વાદો આપશે. (w11-E 02/01)

[ફુટનોટ્‌સ]

^ નહેમ્યાહ પોતાના પુસ્તકમાં તેમના સારા કામોનો બદલો આપે એ માટે ઈશ્વરને ચાર વખત પ્રાર્થના કરે છે. અહીં છેલ્લા બનાવની વાત થયેલી છે.​—નહેમ્યાહ ૫:૧૯; ૧૩:૧૪, ૨૨, ૩૧.

^ ઈશ્વરે માણસો માટે ધરતી કેમ બનાવી? એ વિષે વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૩ અને ૭ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.