સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે ખોટાં કામોને ધિક્કારીએ છીએ?

શું આપણે ખોટાં કામોને ધિક્કારીએ છીએ?

શું આપણે ખોટાં કામોને ધિક્કારીએ છીએ?

‘ઈસુએ અન્યાય પર દ્વેષ કર્યો છે.’—હેબ્રી ૧:૯.

૧. ઈસુએ પ્રેમ બતાવવા વિષે શું શીખવ્યું?

 પ્રેમ બતાવવું ઘણું મહત્ત્વનું છે. એ વિષે ઈસુએ શિષ્યોને આમ કહ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) ઈસુએ આજ્ઞા કરી કે એકબીજાને સ્વાર્થ વિનાનો પ્રેમ બતાવવો જોઈએ. એનાથી તેઓ ઈસુના શિષ્યો તરીકે ઓળખાઈ આવશે. તેમણે આમ પણ ઉત્તેજન આપ્યું: ‘તમારા દુશ્મનો પર પ્રીતિ કરો, ને જેઓ તમારી સતાવણી કરે છે તેઓને માટે પ્રાર્થના કરો.’—માથ. ૫:૪૪.

૨. ઈસુના શિષ્યોએ શાને ધિક્કારવું જોઈએ?

ઈસુએ શિષ્યોને પ્રેમ કરવાનું શીખવ્યું. તેમ જ, કેવી બાબતો ધિક્કારવી જોઈએ એ પણ શીખવ્યું. ઈસુ વિષે કહેવામાં આવ્યું કે તેમણે “ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે, અને અન્યાય [દુષ્ટ કામો] પર દ્વેષ કર્યો છે.” (હેબ્રી ૧:૯; ગીત. ૪૫:૭) આ બતાવે છે કે ન્યાયીપણા માટે પ્રેમ રાખવો જ પૂરતો નથી, પણ પાપ અને દુષ્ટ કામોને ધિક્કારવા જોઈએ. એના વિષે પ્રેરિત યોહાને આમ લખ્યું: “જે પાપ કરે છે, તે દરેક નિયમભંગ પણ કરે છે; અને પાપ એ જ નિયમભંગ છે.”—૧ યોહા. ૩:૪.

૩. આ લેખમાં કયા કામો ધિક્કારવા વિષે આપણે ચર્ચા કરીશું?

આપણે યહોવાહના ભક્તો હોવાથી આ સવાલ વિચારવા જોઈએ: ‘શું હું દુષ્ટ કામોને ધિક્કારું છું?’ આવી બાબતો વિષે મને કેવું લાગે છે? જેમ કે, વધારે પડતો દારૂ પીવો, મેલીવિદ્યા, વ્યભિચાર જેવા કામ અને જેઓ દુષ્ટ કામો કરે છે. ચાલો જોઈએ કે આ ચાર બાબતોને ધિક્કારવા આપણે શું કરી શકીએ?

દારૂના ગુલામ ન બનીએ

૪. વધારે પડતું પીનારાઓને ઈસુ કેમ અચકાયા વગર ઠપકો આપી શક્યા?

ઈસુએ અમુક પ્રસંગે વાઈન પીધો હતો. તે જાણતા હતા કે એ તો ઈશ્વર તરફથી છે. (ગીત. ૧૦૪:૧૪, ૧૫) તોપણ તેમણે કદીએ વધારે પડતું પીધું ન હતું. (નીતિ. ૨૩:૨૯-૩૩) તેથી જ, વધારે પડતું પીનારાઓને ઈસુ અચકાયા વગર ઠપકો આપી શક્યા. (લુક ૨૧:૩૪ વાંચો.) વધુ પડતો દારૂ ખોટા કામો કરવા દોરી જાય છે. પ્રેરિત પાઊલે એના વિષે ચેતવતા આમ લખ્યું: ‘દારૂ પીને મસ્ત ન થાઓ, એ બરબાદી છે, પણ ઈશ્વરની શક્તિથી ભરપૂર થાઓ.’ (એફે. ૫:૧૮) એ જ રીતે તેમણે મંડળમાં વૃદ્ધ સ્ત્રીઓને ઉત્તેજન આપ્યું કે તેઓએ ‘દારૂના ગુલામ ન બનવું.’—તીત. ૨:૩, પ્રેમસંદેશ.

૫. આપણે દારૂ પીતા હોઈએ તો, કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?

જો તમે દારૂ પીતા હોવ, તો આ સવાલો વિચારવા જોઈએ: * ‘શું હું પણ ઈસુની જેમ વધુ પડતું દારૂ પીવાને ધિક્કારું છું? શું હું બીજાઓને અચકાયા વગર સલાહ આપી શકું છું? શું હું ચિંતાઓ ભૂલી જવા દારૂ પીવું છું? અઠવાડિયામાં કેટલો દારૂ પીવું છું? એ વિષે કોઈ સલાહ આપે તો મને કેવું લાગે છે? શું એમ કહું છું કે “હું વધારે નથી પીતો?” કે પછી મને ખોટું લાગે છે?’ આપણે જો દારૂના ગુલામ બની જઈશું, તો મગજ પર એની ખરાબ અસર થશે અને સારા નિર્ણયો નહિ લઈ શકીએ. આપણે ઈસુના શિષ્યો હોવાથી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એવું ન થાય.—નીતિ. ૩:૨૧, ૨૨.

મેલીવિદ્યાથી દૂર રહીએ

૬, ૭. (ક) શેતાન અને દુષ્ટ દૂતો સાથે ઈસુ કેવી રીતે વર્ત્યા? (ખ) આજે કેમ મેલીવિદ્યા ફેલાઈ રહી છે?

ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે શેતાન અને દુષ્ટ દૂતોનો વિરોધ કર્યો હતો. ઈસુને વાતમાં ફસાવવાનો શેતાને પ્રયત્ન કર્યો પણ તે ફસાયા નહિ. (લુક ૪:૧-૧૩) એક સમયે ઈસુના શિષ્યએ તેમને દિલાસો આપ્યો ત્યારે, તે પારખી ગયા કે એ યોગ્ય નથી. તેથી ઈસુએ તેની વાત માની નહિ. (માથ. ૧૬:૨૧-૨૩) ઈસુએ અમુક નમ્ર લોકોને દુષ્ટ દૂતોથી આઝાદ થવા મદદ કરી.—માર્ક ૫:૨, ૮, ૧૨-૧૫; ૯:૨૦, ૨૫-૨૭.

ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા. પછી તેમણે શેતાન અને દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા, જેથી બીજા દૂતો પર તેઓની ખરાબ અસર ન પડે. એ કારણથી શેતાન આજે પહેલા કરતાં વધારે ‘આખા જગતને ભમાવી’ રહ્યો છે. (પ્રકટી. ૧૨:૯, ૧૦) એટલે તે મેલીવિદ્યા દ્વારા લોકોને આકર્ષે છે અને એ ચારેબાજુ ફેલાઈ રહી છે એમાં કંઈ નવાઈ નથી. એમાંથી બચવા આપણે શું કરવું જોઈએ?

૮. મનોરંજનની પસંદગી કરીએ ત્યારે કેવા સવાલો વિચારવા જોઈએ?

મેલીવિદ્યાના જોખમ વિષે બાઇબલ સ્પષ્ટ ચેતવણી આપે છે. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨ વાંચો.) આજે શેતાન અને દુષ્ટ દૂતો અનેક રીતોથી લોકોને મેલીવિદ્યામાં ભાગ લેવા ઉત્તેજન આપે છે. જેમ કે ફિલ્મો, પુસ્તકો અને વિડીયો ગેમ્સ. તેથી મનોરંજનની પસંદગી કરીએ ત્યારે આ સવાલો વિચારવા જોઈએ: ‘ગયા મહિનાઓમાં મેં એવો કોઈ ટીવી પ્રોગ્રામ કે ફિલ્મો જોયા હતા જેમાં મેલીવિદ્યા જેવું કંઈ હોય? એવા કોઈ પુસ્તકો કે કૉમિક્સ વાંચ્યા હતા? કે પછી એવી કોઈ વિડીયો ગેમ્સ રમ્યો હતો? શું હું સમજું છું કે મેલીવિદ્યાથી દૂર રહેવું કેમ મહત્ત્વનું છે? કે પછી એવું માનું છું કે એમાં કોઈ ખતરો નથી? શું મેં કદી એવું વિચાર્યું છે કે મારી મનોરંજનની પસંદગી વિષે યહોવાહને કેવું લાગે છે? જો મેં શેતાનના વિચારોને મનમાં જરા પણ આવવા દીધા હોય, તો હવે શું કરીશ? યહોવાહ અને તેમના ન્યાયી સિદ્ધાંતો માટેનો પ્રેમ શું મને શેતાનના વિચારોને મનમાંથી તરત જ કાઢી નાખવા પ્રેરે છે?’—પ્રે.કૃ. ૧૯:૧૯, ૨૦.

અનૈતિકતા વિષે ઈસુની ચેતવણી પાળીએ

૯. શું કરવાથી વ્યક્તિ દિલમાં ખોટાં કામોને પાંગરવા દે છે?

યહોવાહે આપેલા નૈતિક ધોરણો પ્રમાણે ઈસુ જીવ્યા. તેમણે કહ્યું: ‘શું તમે એમ નથી વાંચ્યું, કે જેણે તેઓને ઉત્પન્‍ન કર્યાં તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્‍ન કર્યાં, અને કહ્યું કે તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નહિ, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ (માથ. ૧૯:૪-૬) ઈસુ જાણતા હતા કે આપણે જે જોઈએ એની દિલ પર અસર થાય છે. એટલે તેમણે પહાડ પરના પ્રવચનમાં આમ કહ્યું: “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માથ. ૫:૨૭, ૨૮) એ ચેતવણીને જેઓ ગણકારતા નથી તેઓ પોતાના દિલમાં ખોટા કામોને પાંગરવા દે છે.

૧૦. પોર્નોગ્રાફીની ગુલામીમાંથી કોઈ આઝાદ થયું હોય એવો અનુભવ જણાવો.

૧૦ શેતાન આજે પોર્નોગ્રાફી દ્વારા અનૈતિકતા ફેલાવે છે. એટલે જ દુનિયામાં એ ચારેબાજુ જોવા મળે છે. પોર્નોગ્રાફી જોનાર એના ગુલામ બની જાય છે. તેઓને મનમાંથી એ ચિત્રો કાઢવા અઘરા લાગે છે. એક ભાઈના કિસ્સામાં શું બન્યું એનો વિચાર કરો. તે કહે છે: “હું ચોરીછૂપીથી પોર્નોગ્રાફી જોતો. હું યહોવાહની ભક્તિ પણ કરતો અને સાથે સાથે જાણે મારી પોતાની દુનિયામાં ખોવાઈ જતો. હું જાણતો હતો કે જે કરી રહ્યો છું એ ખોટું છે. તોપણ મનને મનાવતો હતો કે યહોવાહ મારી ભક્તિ સ્વીકારશે.” આ ભાઈના વિચારો શાનાથી બદલાયા? તે જણાવે છે: “હું જે કરી રહ્યો હતો એ વડીલોને કહેવું ખૂબ જ અઘરું હતું. તોપણ મેં હિંમત કરીને તેઓને જણાવ્યું.” સમય જતા આ ભાઈ એ ખરાબ આદતમાંથી આઝાદ થયા. તે સ્વીકારે છે કે “આ પાપી જીવન છોડવાથી હવે મારું અંતર ડંખતું નથી, શુદ્ધ થયું છે.” જેઓ ખોટાં કામોને નફરત કરે છે, તેઓએ પોર્નોગ્રાફીને પણ ધિક્કારવી જોઈએ.

૧૧, ૧૨. ખોટાં કામોને ધિક્કારીએ છીએ એ ગીત-સંગીતની પસંદગીથી કઈ રીતે બતાવી શકીએ?

૧૧ ગીત-સંગીત એ તો ઈશ્વરે આપેલી ભેટ છે. એની આપણી લાગણીઓ અને દિલ પર ઊંડી અસર થાય છે. સદીઓથી એ તેમની ભક્તિમાં વપરાય છે. (નિર્ગ. ૧૫:૨૦, ૨૧; એફે. ૫:૧૯) પણ શેતાનનું જગત તો ગીત-સંગીત દ્વારા અનૈતિક કામોને પ્રોત્સાહન આપે છે. (૧ યોહા. ૫:૧૯) આપણે કઈ રીતે કહી શકીએ કે ગીત-સંગીતની આપણા પર ખોટી અસર થશે કે કેમ?

૧૨ એ નક્કી કરવા આ સવાલો પર વિચાર કરો: ‘હું જે ગીત-સંગીત સાંભળું છું એ કેવું હોય છે? શું એ ખૂન-ખરાબી, વ્યભિચાર અને ઈશ્વરની નિંદા કરવા વિષે ઉત્તેજન આપે છે? જો કોઈને ગીતના શબ્દો વાંચી આપું, તો એનાથી તેને કેવું લાગશે? શું તે એવું સમજશે કે ખોટાં કામો કે વિચારોને હું નફરત કરું છું? કે પછી એવું સમજશે કે મારા દિલમાં પણ એવાં જ વિચારો છે?’ જો આપણે એવા ગીતો સાંભળતા હોઈશું, તો કેવી રીતે કહી શકીએ કે ખોટાં કામોને ધિક્કારીએ છીએ! ઈસુએ કહ્યું હતું: ‘જે મોંમાંથી નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, ને તે જ માણસને વટાળે છે. કેમ કે ભૂંડી કલ્પના હત્યા, વ્યભિચાર, લંપટતા, ચોરી, જૂઠી સાક્ષી, તથા નિંદા હૃદયમાંથી નીકળે છે.’—માથ. ૧૫:૧૮, ૧૯; વધુ માહિતી: યાકૂ. ૩:૧૦, ૧૧.

ખોટાં કામો કરનારને ઈસુની નજરે જોઈએ

૧૩. જેઓ પાપમાં ડૂબેલા હતા તેઓ વિષે ઈસુને કેવું લાગ્યું?

૧૩ ઈસુએ કહ્યું કે ખોટાં કામ કરનારાઓ અને પાપીઓને પાછા ફરવા તે મદદ કરવા આવ્યા હતા. (લુક ૫:૩૦-૩૨) જેઓ પાપમાં ડૂબેલા હતા તેઓ વિષે ઈસુને કેવું લાગ્યું? તેઓની અસરમાં ન આવીએ માટે ઈસુએ કડક ચેતવણી આપી. (માથ. ૨૩:૧૫, ૨૩-૨૬) તેમણે કહ્યું: “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. તે દહાડે [ઈશ્વરના ન્યાયચુકાદાના દિવસે] ઘણા મને કહેશે, કે પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે ભૂતોને કાઢ્યાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?” જેઓ ખોટાં કામો છોડીને પસ્તાવો કરતાં નથી તેઓને ઈસુ કહેશે કે “મારી પાસેથી દૂર જાઓ.” (માથ. ૭:૨૧-૨૩) તેઓનો કેમ એવો ન્યાય કરવામાં આવે છે? કેમ કે, તેઓ ખોટાં કામો કરીને ઈશ્વરની નિંદા કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે.

૧૪. પાપ કર્યા કરે તેને મંડળમાંથી કેમ કાઢી મૂકવામાં આવે છે?

૧૪ બાઇબલમાં આજ્ઞા છે કે કોઈ વ્યક્તિ પસ્તાવો ન બતાવે અને પાપ કર્યા રાખે તો, તેને મંડળમાંથી કાઢી મૂકવી જોઈએ. (૧ કોરીંથી ૫:૯-૧૩ વાંચો.) એમ કરવું જરૂરી છે અને એની પાછળ ત્રણ કારણ રહેલાં છે: (૧) યહોવાહનું નામ બદનામ ન થાય. (૨) મંડળને એની અસર ન થાય. (૩) બની શકે તો પાપી વ્યક્તિ પસ્તાવો કરે અને મંડળમાં પાછી આવે.

૧૫. યહોવાહને વફાદાર રહેવા આપણે કયા સવાલો વિચારવા જોઈએ?

૧૫ શું આપણે પણ ખોટાં કામો કરનારને ઈસુની જેમ ધિક્કારીએ છીએ? આપણે આ સવાલો વિચારવા જોઈએ: ‘કોઈ વ્યક્તિ મંડળને છોડીને ચાલી જાય કે પછી મંડળે તેને કાઢી મૂકી હોય, તેની શું હું સંગત રાખીશ? કદાચ એવી વ્યક્તિ આપણા કુટુંબની હોય જે આપણી સાથે રહેતી નથી, શું તોપણ હું તેની સંગત રાખીશ?’ આવા સંજોગોમાં યહોવાહ પ્રત્યેની આપણી વફાદારીની ખરી કસોટી થાય છે.

૧૬, ૧૭. એક બહેન પર કેવી મુશ્કેલી આવી પડી? મંડળે લીધેલા નિર્ણયને વળગી રહેવા તેમને ક્યાંથી મદદ મળી?

૧૬ એક બહેનનો વિચાર કરો. તેમના દીકરાને એક સમયે યહોવાહ માટે પ્રેમ હતો. સમય જતા, ખોટાં કામ કરવા લાગ્યો એનો તેને કોઈ પસ્તાવો ન હતો. તેથી મંડળમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો. એ બહેનને યહોવાહ માટે ખૂબ પ્રેમ હતો. તેમને પોતાનો દીકરો પણ વહાલો હતો. આ સમયે બાઇબલની આજ્ઞા પ્રમાણે પોતાના દીકરા સાથે સંબંધ કાપી નાખવો તેમના માટે ખૂબ અઘરું હતું.

૧૭ આ બહેનને તમે કેવી સલાહ આપી હોત? એક વડીલે તેમને એ સમજવા મદદ કરી કે યહોવાહ તેમનું દુઃખ સારી રીતે જાણે છે. પછી એ ભાઈએ તેમને કહ્યું કે ‘યહોવાહના અમુક સ્વર્ગદૂતો બેવફા બન્યા ત્યારે, તેમને કેટલું દુઃખ થયું હશે એનો વિચાર કર.’ ભાઈએ સમજાવ્યું કે કોઈ વ્યક્તિ પસ્તાવો ન કરે તો, તેને મંડળમાંથી કાઢી મૂકવાથી ખૂબ દુઃખ થાય છે એ યહોવાહ જાણે છે. તોપણ એમ કરવાની તે આજ્ઞા આપે છે. એ બહેને સલાહ દિલમાં ઉતારી અને યહોવાહની દોરવણીથી મંડળે જે નિર્ણય લીધો એને વળગી રહી. * આવા સંજોગોમાં પણ યહોવાહને વળગી રહેવાથી તેમને ખૂબ આનંદ થાય છે.—નીતિ. ૨૭:૧૧.

૧૮, ૧૯. (ક) પાપી વ્યક્તિ સાથે સંબંધ કાપી નાખીને આપણે શાને નફરત બતાવીએ છીએ? (ખ) યહોવાહની ગોઠવણને દિલથી ટેકો આપવાથી કેવા પરિણામ આવી શકે?

૧૮ તમે એવા સંજોગોમાં હોવ તો, યાદ રાખો કે યહોવાહ તમારું દુઃખ સારી રીતે જાણે છે. કોઈ વ્યક્તિ મંડળને છોડીને ચાલી જાય કે પછી મંડળે તેને કાઢી મૂકી હોય તો, તેની સાથે સંબંધ ન રાખવો જોઈએ. એનાથી તમે બતાવો છો કે વ્યક્તિના વર્તન અને કામોને નફરત કરો છો. તેમ જ, તે પાછી ફરે તો તમને એ ગમશે અને મદદ કરવા તૈયાર છો. તમે યહોવાહના ધોરણોને વળગી રહેશો તો, પાપી વ્યક્તિને પસ્તાવો કરીને પાછા ફરવા કદાચ પ્રેરણા મળશે.

૧૯ મંડળે એક બહેનને કાઢી મૂક્યા હતા. સમય જતા, તે પાછા આવ્યા. પછી તેમણે લખ્યું: “મને જોવા મળ્યું કે યહોવાહ પોતાના ભક્તોને ખૂબ જ ચાહે છે. તેથી તે પોતાની સંસ્થાને શુદ્ધ રાખે છે. જ્યારે કોઈને કાઢી મૂકવામાં આવે છે ત્યારે બહારના લોકો એ સમજી નથી શકતા. પણ એમ કરવું ખૂબ જરૂરી છે, એનાથી યહોવાહ પોતાના ભક્તોને પ્રેમ બતાવે છે.” હવે વિચારો કે જો આ બહેનના કુટુંબે અને મંડળના ભાઈબહેનોએ તેમની સાથે દોસ્તી રાખી હોત તો, શું તે પાછા આવ્યા હોત? બાઇબલના માર્ગદર્શન પ્રમાણે આ ગોઠવણને ટેકો આપવાથી આપણે સ્વીકારીએ છીએ કે યહોવાહને જ ન્યાયી ધોરણો નક્કી કરવાનો હક્ક છે. તેમના કહેવા પ્રમાણે કરવામાં આપણને ખુશી મળે છે.

‘દુષ્ટતાને ધિક્કારીએ’

૨૦, ૨૧. દુષ્ટ કામોને ધિક્કારવું કેમ મહત્ત્વનું છે?

૨૦ પ્રેરિત પીતરે ચેતવણી આપી: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીત. ૫:૮) શું એ શિકાર તમે હશો? એ તમારા પર આધારિત છે કે તમે દુષ્ટ કામોને ધિક્કારો છો કે નહિ.

૨૧ આપણને વારસામાં પાપ મળ્યું છે. તેમ જ, દુનિયા આપણને ખોટાં કામો કરવા દોરે છે એટલે એ ધિક્કારવા સહેલા નથી. (૧ યોહા. ૨:૧૫-૧૭) ઈસુના પગલે ચાલવાથી અને યહોવાહ માટે પ્રેમ કેળવવાથી આપણે દુષ્ટોને ધિક્કારતા શીખી શકીશું. ચાલો દિલમાં ગાંઠ વાળીએ કે દુષ્ટ કામોને ધિક્કારીશું. આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ ‘પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.’—ગીત. ૯૭:૧૦. (w11-E 02/15)

[ફુટનોટ્‌સ]

^ નોંધ: અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. ઈશ્વરભક્તો આવા નિયમોને માન આપીને પાળશે.

^ વધુ માહિતી માટે ઑગસ્ટ ૨૦૦૨ની આપણી રાજ્ય સેવાના પાન ૩-૪ જુઓ.

તમે શું કહેશો?

• દારૂ પીવા વિષે આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

• મેલીવિદ્યાથી દૂર રહેવા શું કરવું જોઈએ?

• પોર્નોગ્રાફી કેમ એક ફાંદો છે?

• કુટુંબની વ્યક્તિને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે ત્યારે, કઈ રીતે બતાવી શકીએ કે ખોટાં કામોને ધિક્કારીએ છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્ર]

તમે દારૂ પીતા હોવ તો, શું ધ્યાનમાં રાખવું જોઈએ?

[પાન ૨૭ પર ચિત્ર]

મનોરંજનમાં શેતાનની અસરથી સાવચેત રહો

[પાન ૨૮ પર ચિત્ર]

પોર્નોગ્રાફી જોનાર શેના માટે પોતાના દિલમાં પ્રેમ કેળવે છે?