યહોવાહ જ વિશ્વના માલિક છે!
યહોવાહ જ વિશ્વના માલિક છે!
‘મેં સર્વોપરી પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.’—ગીત. ૭૩:૨૮.
૧. પહેલો કોરીંથી ૭:૩૧માં પાઊલ શાના વિષે વાત કરતા હતા?
પ્રેરિત પાઊલે કહ્યું કે “આ જગતનો ડોળદમાક જતો રહે છે.” (૧ કોરીં. ૭:૩૧) મૂળ ગ્રીક ભાષામાં પાઊલે જે શબ્દો વાપર્યા એમાં આ જગતને નાટકના મંચ સાથે સરખાવ્યું હતું. એ મંચ પર કલાકારો સીન બદલાય ત્યાં સુધી, પોતપોતાનો સારો કે ખરાબ ભાગ ભજવે છે.
૨, ૩. (ક) દાખલો આપીને સમજાવો કે કઈ રીતે યહોવાહના રાજ કરવાના હક્ક સામે વિરોધ થયો. (ખ) આ લેખમાં આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?
૨ આજની દુનિયાને એક મહત્ત્વના વિષય પર ચાલતા નાટક સાથે સરખાવી શકાય, જેમાં તમારો પણ સમાવેશ થાય છે. આ નાટક ખાસ કરીને એ વિષે છે કે વિશ્વ પર ફક્ત ઈશ્વર યહોવાહને જ રાજ કરવાનો હક્ક છે. તે જ વિશ્વના ખરા માલિક છે. એ સમજવા આજે અમુક દેશોમાં બની શકે છે એવી હાલતની કલ્પના કરો. કોઈ દેશમાં એક સરકાર ચૂંટાઈને આવે છે અને શાંતિ અને સલામતી જાળવવા માટે લોકો કાયદા-કાનૂન પાળે એની ખાતરી કરે છે. એ જ દેશમાં બીજો એક ગુંડાગીરી કરતો ખતરનાક રાજકીય પક્ષ છે, જે ધાંધલ મચાવે છે. એ કપટ, હિંસા અને ખૂનખરાબી કરીને બળજબરીથી રાજ ચલાવવા માંગે છે. એ વિરોધી પક્ષ કાયદેસરની સરકારનો રાજ કરવાનો હક્ક ઝૂંટવી લેવા માગે છે. એના લીધે પ્રજાની કસોટી થાય છે કે તેઓ કોના પક્ષે રહેશે.
૩ આજે આખા વિશ્વની એવી જ હાલત છે. એક તરફ ‘પ્રભુ યહોવાહની’ કાયદેસરની સરકાર છે. (ગીત. ૭૧:૫) બીજી તરફ ખતરનાક વિરોધી પક્ષ છે, જેનો નેતા ‘દુષ્ટ’ શેતાન છે. (૧ યોહા. ૫:૧૯) તે પરમેશ્વરની સરકારનો રાજ કરવાનો હક્ક ઝૂંટવી લેવા માંગે છે. તેમ જ, એનાથી યહોવાહના ભક્તોની કસોટી થાય છે કે તેઓ કોના પક્ષે રહેશે. આ ખતરનાક વિરોધી પક્ષ કેવી રીતે ઊભો થયો? યહોવાહે એના વિષે કેમ કંઈ કર્યું નહિ? એમાં આપણો કઈ રીતે સમાવેશ થાય છે?
નાટકના બે મહત્ત્વનાં પાસાં
૪. આખા વિશ્વને અસર કરતા નાટકમાં કયાં બે પાસાં એકબીજા સાથે જોડાયેલાં છે?
૪ આખા વિશ્વને અસર કરતા આ નાટકમાં બે પાસાં એકબીજા સાથે જોડાયેલાં છે. એક તો યહોવાહ જ વિશ્વના ખરા માલિક છે. બીજું કે મનુષ્ય યહોવાહને વળગી રહેશે કે નહિ. બાઇબલની મૂળ ભાષામાં યહોવાહને ઘણી વાર “સર્વોપરી” કે “સર્વોચ્ચ પ્રભુ” કહેવામાં આવ્યા છે. એક ઈશ્વરભક્તે પૂરા ભરોસાથી કહ્યું કે ‘મેં સર્વોપરી પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.’ (ગીત. ૭૩:૨૮) ‘સર્વોપરી’ કે ‘સર્વોચ્ચʼનો અર્થ થાય કે વિશ્વના માલિક, કે જેમને સર્વ પર અધિકાર છે. એટલે યોગ્ય રીતે જ યહોવાહને એ લાગુ પડે છે. (દાની. ૭:૨૧) ચાલો જોઈએ કે યહોવાહને સર્વોપરી કે પરાત્પર કહેવા પાછળ કયાં કારણો છે.
૫. આપણે કેમ યહોવાહની સત્તાને માન આપવું જોઈએ?
૫ યહોવાહે આખી સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી, તે પૃથ્વી અને આખા વિશ્વના માલિક છે. (પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.) તે આપણા ન્યાયાધીશ, નિયમ આપનાર અને રાજા પણ છે. (યશા. ૩૩:૨૨) તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને તેમના લીધે જ આપણે જીવીએ છીએ. એટલે તે જ આપણા માલિક છે. આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે ‘યહોવાહે પોતાની ગાદી સ્વર્ગમાં સ્થાપી છે; અને તેના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.’ (ગીત. ૧૦૩:૧૯; પ્રે.કૃ. ૪:૨૪) એ આપણે દિલથી સ્વીકારીશું તો, તેમની સત્તાને બધી જ રીતે માન આપીશું.
૬. યહોવાહને વળગી રહેવા આપણે શું કરવું જોઈએ?
૬ યહોવાહ જ વિશ્વના માલિક છે એમ માનતા હોઈશું તો આપણે તેમને જ વળગી રહીશું. એમ કરવા તેમની પૂરા દિલથી ભક્તિ કરીશું અને તેમના નીતિ-નિયમો પ્રમાણે જ ચાલીશું. પ્રમાણિકતા, સચ્ચાઈ અને ઇમાનદારીથી જીવીશું. અયૂબ એવા જ ઈશ્વરભક્ત હતા.—અયૂ. ૧:૧.
નાટકની શરૂઆત
૭, ૮. શેતાને કઈ રીતે યહોવાહના રાજનો વિરોધ કર્યો?
૭ છએક હજાર વર્ષ પહેલાં, એક સ્વર્ગદૂત યહોવાહની સામે થયો અને જાણે કહ્યું કે તેમના રાજમાં કોઈનું ભલું નથી. તેણે શા માટે એવું કહ્યું? તેના વાણી-વર્તનમાં દેખાઈ આવતું હતું કે તે પોતાની ભક્તિ થાય, એવી ઇચ્છા રાખતો હતો. તેણે આદમ અને હવાને છેતર્યા, જેથી તેઓ વિશ્વના માલિક યહોવાહને બેવફા બને. એટલું જ નહિ, તેણે દાવો કર્યો કે યહોવાહ જૂઠું બોલે છે. આમ તેણે યહોવાહને બદનામ કરવાનો પણ પ્રયત્ન કર્યો. (ઉત્પત્તિ ૩:૧-૫ વાંચો.) તે સ્વર્ગદૂત યહોવાહનો કટ્ટર દુશ્મન, વિરોધી એટલે શેતાન બન્યો. તે યહોવાહના ભક્તોને ભમાવવા અને તેઓને ગળી જવાનો ખૂબ પ્રયત્ન કરે છે.—પ્રકટી. ૧૨:૯.
૮ યહોવાહનો વિરોધ કરવા શેતાન પોતે પણ રાજા બની બેઠો. હવે વિશ્વના માલિક યહોવાહ શું કરશે? શું તે બળવો કરનાર ત્રણ વિરોધીઓ શેતાન, આદમ અને હવાનો તરત જ નાશ કરી નાખશે? એક તો તેમની પાસે એમ કરવાની શક્તિ હતી. બીજું કે એનાથી સાબિત પણ થઈ જાત કે કોણ શક્તિશાળી છે. તેમ જ, યહોવાહે પોતાના નિયમો તોડવાની સજા વિષે જે કહ્યું હતું એ સાચું સાબિત થાત. તો પછી યહોવાહે કેમ તેઓનો નાશ ન કર્યો?
૯. શેતાને કેવી શંકા ઉઠાવી?
૯ શેતાન જૂઠું બોલ્યો, જેથી આદમ અને હવા યહોવાહથી મોં ફેરવી લે. તેણે શંકા ઉઠાવી કે યહોવાહ પોતાની આજ્ઞાઓ પાળવાનું મનુષ્યને કહે, એવો તેમને હક્ક છે કે કેમ. તેમ જ, શેતાને આદમ અને હવા પાસે યહોવાહની આજ્ઞા તોડાવી. એમ કરીને તેણે આવી શંકા પણ ઉઠાવી કે બધા જ મનુષ્યો યહોવાહને વળગી રહેશે, એની શું ખાતરી? અયૂબની પણ કસોટી કરીને શેતાને દાવો કર્યો કે તે બધા મનુષ્યોને યહોવાહની ભક્તિમાંથી પોતાને પક્ષે લઈ જઈ શકે છે. પરંતુ અયૂબ યહોવાહને જ વળગી રહ્યા.—અયૂ. ૨:૧-૫.
૧૦. શેતાન અને મનુષ્યોને યહોવાહે શાનો સમય આપ્યો છે?
૧૦ પોતાને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે, એ સાબિત કરવા યહોવાહે તરત જ શેતાનનો નાશ ન કર્યો. આમ, શેતાનને સમય આપ્યો જેથી તેણે મૂકેલા આરોપ સાચા સાબિત કરી શકે. તેમ જ, મનુષ્યોને એ સાબિત કરવાનો મોકો આપ્યો કે તેઓ યહોવાહને જ પોતાના માલિક ગણે છે. એ વાતને સદીઓ વીતી તેમ શું સાબિત થયું છે? એ સમયમાં શેતાને ખતરનાક વિરોધી પક્ષ ઊભો કર્યો છે. યહોવાહ આખરે શેતાન અને તેના પક્ષનો નાશ કરશે. તે સાબિત કરી આપશે કે ફક્ત પોતાને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે. આખરે એમ જ બનશે એની યહોવાહને પૂરેપૂરી ખાતરી હતી. એટલે જ એદન બાગમાં જ્યારે તેમનો વિરોધ થયો, ત્યારે તેમણે એના વિષે ભવિષ્યવાણી કરી.—ઉત. ૩:૧૫.
૧૧. યહોવાહ વિશ્વના માલિક છે એ સાબિત કરવા ઘણા મનુષ્યોએ શું કર્યું છે?
૧૧ ઘણા મનુષ્યો યહોવાહમાં શ્રદ્ધા રાખીને તેમને જ વળગી રહ્યા છે. તેઓએ યહોવાહને જ વિશ્વના માલિક ગણીને તેમનું નામ રોશન કર્યું છે. જેમ કે હાબેલ, હનોખ, નુહ, ઈબ્રાહીમ, સારાહ, મુસા, રૂથ, દાઊદ, ઈસુ અને પહેલી સદીના તેમના શિષ્યો. આજે પણ યહોવાહના લાખો ભક્તો તેમને વળગી રહ્યા છે. આ બધાએ તેમને પોતાના માલિક ગણીને શેતાનને જૂઠો સાબિત કર્યો છે. યહોવાહનું નામ બદનામ કરવા શેતાને એમ પણ દાવો કર્યો હતો કે પોતે બધા મનુષ્યોની શ્રદ્ધા તોડી શકે છે. લાખો ભક્તોએ એ દાવો ખોટો સાબિત કરીને યહોવાહનું નામ રોશન કર્યું છે.—નીતિ. ૨૭:૧૧.
નાટકનો અંત
૧૨. આપણને કેમ ખાતરી છે કે યહોવાહ હંમેશ માટે દુષ્ટતા સહી લેશે નહિ?
૧૨ આપણે જાણીએ છીએ કે દુષ્ટ દુનિયાના આ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આપણને ખાતરી છે કે યહોવાહ જલદી જ સાબિત કરશે કે પોતે જ વિશ્વના માલિક છે. તે હંમેશ માટે દુષ્ટતા સહી લેશે નહિ. યહોવાહે નુહના સમયમાં જળપ્રલય લાવીને દુષ્ટ લોકોનો નાશ કર્યો હતો. તેમણે સદોમ-ગમોરાહ અને ફારૂન તથા તેના લશ્કરનો નાશ કર્યો હતો. સીસરા, તેનું લશ્કર અને સાન્હેરીબ તથા તેનું આશ્શૂરી લશ્કર પણ યહોવાહ આગળ ટકી શક્યાં નહિ. (ઉત. ૭:૧, ૨૩; ૧૯:૨૪, ૨૫; નિર્ગ. ૧૪:૩૦, ૩૧; ન્યા. ૪:૧૫, ૧૬; ૨ રાજા. ૧૯:૩૫, ૩૬) એટલે આપણને પૂરો ભરોસો છે કે યહોવાહ પોતાના નામ પર લાગેલા કલંકને જલદી જ દૂર કરશે. તેમ જ, પોતાના ભક્તો સાથે થતા ક્રૂર વર્તનને કાયમ સહી લેશે નહિ. એ ઉપરાંત આજે આપણને સાબિતી જોવા મળે છે કે ઈસુ રાજા બન્યા છે અને દુષ્ટ દુનિયાના આ છેલ્લા દિવસો છે.—માથ. ૨૪:૩.
૧૩. યહોવાહ પોતાના દુશ્મનોનો નાશ કરે ત્યારે, એમાંથી બચવા શું કરવું જોઈએ?
૧૩ યહોવાહ પોતાના દુશ્મનોનો નાશ કરે ત્યારે, એમાંથી બચવા શું કરવું જોઈએ? યહોવાહ જ વિશ્વના માલિક છે એ રીતે જીવીએ. શેતાનના ખતરનાક પક્ષને કોઈ પણ રીતે સાથ ન આપીએ અને તેના ચેલાઓની ધમકીઓથી ડરી ન જઈએ. (યશા. ૫૨:૧૧; યોહા. ૧૭:૧૬; પ્રે.કૃ. ૫:૨૯) એમ કરીને જ આપણે યહોવાહના રાજ કરવાના હક્કને ટેકો આપી શકીશું. યહોવાહ પોતાના નામ પર લાગેલું કલંક જલદી જ દૂર કરશે અને પોતે જ વિશ્વના માલિક છે એમ સાબિત કરશે. એમ બનશે ત્યારે તે આપણને પણ બચાવશે એવી આશા છે.
૧૪. બાઇબલ કેવી કેવી માહિતી જણાવે છે?
૧૪ યહોવાહ જ વિશ્વના માલિક છે એ વિષે અને મનુષ્ય વિષેની માહિતી આપણને આખા બાઇબલમાં જોવા મળે છે. બાઇબલના શરૂઆતના ત્રણ અધ્યાયો સૃષ્ટિનું સર્જન અને મનુષ્ય કઈ રીતે પાપમાં પડ્યો એ વિષે વાત કરે છે. બાઇબલના છેલ્લા ત્રણ અધ્યાયો મનુષ્યને મળનારા આશીર્વાદોનું વર્ણન કરે છે. એની વચ્ચેના અધ્યાયો મનુષ્ય, પૃથ્વી અને વિશ્વ માટેનો હેતુ યહોવાહ કેવી રીતે પૂરો કરશે, એ જણાવે છે. ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે કે એક સ્વર્ગદૂત કઈ રીતે શેતાન બન્યો અને કઈ રીતે દુષ્ટતાની શરૂઆત થઈ. પ્રકટીકરણના છેલ્લા અધ્યાયો જણાવે છે કે કઈ રીતે દુષ્ટતા અને શેતાનનું નામોનિશાન મિટાવી દેવાશે. તેમ જ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર કઈ રીતે યહોવાહની ઇચ્છા પૂરી કરાશે. સાચે જ બાઇબલ જણાવે છે કે પાપ અને મરણ કઈ રીતે આવ્યાં અને કઈ રીતે એને હંમેશાં માટે કાઢી નાખવામાં આવશે. એ પછી તો યહોવાહને વળગી રહેનારાઓ સુખચેનથી અમર જીવન જીવશે.
૧૫. યહોવાહના રાજમાંથી લાભ મેળવવા આપણે શું કરવું જોઈએ?
૧૫ બહુ જ જલદી દુનિયાના રંગરૂપ બદલાઈ જશે. પછી સાબિત થશે કે વિશ્વ પર રાજ કરવાનો કોને હક્ક છે. શેતાનને જાણે કે નાટકના સ્ટેજ પરથી ઉતારી મૂકવામાં આવશે અને આખરે તેનો નાશ થશે. યહોવાહની ચોક્કસ જીત થશે. તેમના રાજમાંથી લાભ મેળવવા અને બાઇબલમાં જણાવેલા આશીર્વાદોની મજા માણવા શું કરવું જોઈએ? આપણે હમણાં જ યહોવાહને વિશ્વના માલિક ગણીએ. કાં તો તેમની બાજુ જઈએ, અથવા શેતાનની બાજુ. એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. ‘યહોવાહ મારા પક્ષના છે’ એમ કહેવા માટે, આપણે તેમના પક્ષે જ રહેવું જોઈએ.—ગીત. ૧૧૮:૬, ૭.
યહોવાહને વળગી રહીએ
૧૬. આપણને કેમ ખાતરી છે કે યહોવાહને વળગી રહી શકીએ છીએ?
૧૬ આપણે યહોવાહને આપણા માલિક માનીને, તેમને જ વળગી રહી શકીએ છીએ. પાઊલે પણ લખ્યું હતું કે ‘માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.’ (૧ કોરીં. ૧૦:૧૩) પાઊલે જે પરીક્ષણની વાત કરી એ શાને લીધે આવે છે? યહોવાહ કઈ રીતે એમાંથી છૂટકાનો માર્ગ પણ રાખે છે?
૧૭-૧૯. (ક) ઈસ્રાએલીઓ કેવાં પરીક્ષણોમાં ફસાયા? (ખ) યહોવાહને વળગી રહેવું આપણા માટે કેમ શક્ય છે?
૧૭ ચાલો ઈસ્રાએલીઓના અનુભવમાંથી જોઈએ કે કઈ રીતે સંજોગોને લીધે “પરીક્ષણ” આવે છે અને એ ઈશ્વરના નિયમો તોડવા લલચાવી શકે છે. (૧ કોરીંથી ૧૦:૬-૧૦ વાંચો.) યહોવાહે ઈસ્રાએલીઓને લાવરીઓ પૂરી પાડી એ સમયનો વિચાર કરો. ખરું કે તેઓએ અમુક સમય સુધી માંસ ખાધું ન હતું પણ યહોવાહે ખાવા માટે પૂરતું માન્ના તો આપ્યું હતું. તોપણ, જ્યારે યહોવાહે તેઓને મહિનો ચાલે એટલી લાવરીઓ પૂરી પાડી, ત્યારે તેઓએ “ભૂંડી વસ્તુઓની” ઇચ્છા રાખી. તેઓએ લોભિયા બનીને ઢગલેબંધ લાવરીઓ ભેગી કરવાની લાલચમાં ફસાયા.—ગણ. ૧૧:૧૯, ૨૦, ૩૧-૩૫.
૧૮ એના થોડા સમય પહેલાં મુસા સિનાય પર્વત પર યહોવાહ પાસેથી નિયમો લેવા ગયા ત્યારે ઈસ્રાએલીઓએ શું કર્યું? તેઓ વાછરડાની પૂજા કરવા અને વ્યભિચાર કરવા લાગ્યા. પોતાના આગેવાન મુસા ત્યાં હાજર ન હોવાથી, તેઓ મન ફાવે એમ કરીને લાલચમાં પડી ગયા. (નિર્ગ. ૩૨:૧, ૬) બીજા એક બનાવ પર વિચાર કરો. યહોવાહે વચન આપેલા દેશમાં ગયા એ પહેલાં જ, ઘણા ઈસ્રાએલીઓ મોઆબી સ્ત્રીઓના મોહમાં ફસાયા અને વ્યભિચાર કર્યો. એ વખતે પણ હજારો ઈસ્રાએલીઓ પોતાના પાપને માટે માર્યા ગયા. (ગણ. ૨૫:૧, ૯) ઘણી વાર ઈસ્રાએલીઓ કચકચ કરવાના ફાંદામાં પડ્યા. અરે, એક વાર તો મુસા અને ખુદ યહોવાહની સામે કચકચ કરવા લાગ્યા! (ગણ. ૨૧:૫) હવે એ બનાવનો વિચાર કરો, જ્યારે યહોવાહે કોરાહ, દાથાન, અબીરામ અને તેઓના સાથીઓ જેવા દુષ્ટ લોકોનો નાશ કર્યો. ઈસ્રાએલીઓને લાગ્યું કે એ તો મોટો અન્યાય થયો. એટલે તેઓએ બબડાટ કર્યો. એ કારણે યહોવાહે મરકી મોકલી અને ૧૪,૭૦૦ ઈસ્રાએલીઓ માર્યા ગયા.—ગણ. ૧૬:૪૧, ૪૯.
૧૯ ઉપર જણાવેલાં બધાં જ પરીક્ષણો ઈસ્રાએલીઓ સહન કરી શક્યા હોત. તેઓ પરીક્ષણમાં ફસાયા, કેમ કે યહોવાહમાંથી તેઓની શ્રદ્ધા ડગી ગઈ. યહોવાહે પોતાના લોકોની જે રીતે સંભાળ રાખી એ તેઓ ભૂલી ગયા. તેમના જ માર્ગો સાચા છે એ પણ ભૂલી ગયા. ઈસ્રાએલીઓની જેમ આપણા બધા પર લાલચો આવે છે. તેમ છતાં, એ સહન કરવા સખત પ્રયત્ન કરીએ અને એમાં ટકી રહેવા યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખીએ. એમ કરીશું તો આપણને યહોવાહથી જુદા પાડવાની કોઈની તાકાત નથી. આપણને એવો ભરોસો છે, કેમ કે ‘ઈશ્વર વિશ્વાસુ છે.’ તેમ જ, ‘તે આપણી શક્તિ ઉપરાંત પરીક્ષણ આવવા દેશે નહિ.’ યહોવાહની ઇચ્છા પૂરી કરી ન શકીએ, એવા સંજોગો તે આવવા દેશે નહિ.—ગીત. ૯૪:૧૪.
૨૦, ૨૧. આપણા પર પરીક્ષણ આવે ત્યારે યહોવાહ કઈ રીતે “છૂટકાનો માર્ગ” ખોલે છે?
૨૦ આપણને પરીક્ષણ સહન કરવા હિંમત આપીને, યહોવાહ “છૂટકાનો માર્ગ” ખોલે છે. દાખલા તરીકે, સતાવણી કરનારાઓ યહોવાહમાં આપણી શ્રદ્ધા તોડવા મારઝૂડ કરે. એવા સંજોગોમાં કદાચ પડતું મૂકવાનું મન થાય, જેથી વધારે માર, દુઃખ કે મરણ સહેવા ન પડે. જોકે, પહેલો કોરીંથી ૧૦:૧૩માં પાઊલે યહોવાહની પ્રેરણાથી ખાતરી આપી કે આવાં પરીક્ષણો કાયમ નહિ રહે. યહોવાહ એવાં પરીક્ષણોને એ હદ સુધી ચાલવા નહિ દે, જેમાં આપણે તેમને વળગી રહી ન શકીએ. આપણી શ્રદ્ધા અડગ રાખવા યહોવાહ હિંમત આપશે અને મદદ કરશે, જેથી તેમનો સાથ છોડી ન દઈએ.
૨૧ યહોવાહ પોતાની શક્તિ આપીને આપણને ટકાવી રાખે છે. એ શક્તિ બાઇબલના વિચારો યાદ દેવડાવે છે, જેથી આપણે પરીક્ષણોમાં ટકી રહીએ. (યોહા. ૧૪:૨૬) એટલે આપણે છેતરાઈને ખોટા માર્ગે ચઢી જતા નથી. દાખલા તરીકે, એકબીજા સાથે જોડાયેલી આ બે બાબતો આપણે સારી રીતે સમજીએ છીએ: યહોવાહ જ વિશ્વના માલિક છે અને તેમને વળગી રહેવું બહુ મહત્ત્વનું છે. યહોવાહે એ જ્ઞાન પૂરું પાડ્યું હોવાથી, ઘણા ભક્તો મરણ સુધી તેમને જ વળગી રહ્યા છે. આ રીતે યહોવાહે તેઓને ટકાવી રાખ્યા છે. જોકે, મરણને લીધે તેઓનો છૂટકારો થયો એવું નથી. પરંતુ, યહોવાહની મદદથી તેઓએ મરણ સુધી પરીક્ષણ સહન કર્યું અને તેમનો સાથ ન છોડ્યો. યહોવાહ આપણને પણ એ જ રીતે ટકાવી રાખશે. તે મદદ કરવા પોતાના દૂતો પણ મોકલે છે. દૂતો “તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારૂ” હંમેશાં તૈયાર હોય છે. (હેબ્રી ૧:૧૪) હવે પછીનો લેખ બતાવશે કે વિશ્વના માલિક યહોવાહને વળગી રહેનારા જ તેમની હંમેશ માટે ભક્તિ કરવાની આશા રાખી શકે છે. યહોવાહને વિશ્વના માલિક માનીને તેમને વળગી રહીશું તો, આપણે પણ એવા લોકોમાંના એક હોઈશું. (w10-E 11/15)
તમે કેવો જવાબ આપશો?
• આપણા માટે કેમ યહોવાહ જ વિશ્વના માલિક છે?
• શું કરવાથી આપણે યહોવાહને વળગી રહી શકીએ?
• યહોવાહ પોતે જ વિશ્વના માલિક છે એવું જલદી સાબિત કરી આપશે, એના શું પુરાવા છે?
• પહેલો કોરીંથી ૧૦:૧૩ પ્રમાણે યહોવાહને વળગી રહેવું આપણા માટે કેમ શક્ય છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]
શેતાને આદમ-હવાને છેતર્યા અને તેઓ યહોવાહને બેવફા બન્યા
[પાન ૨૬ પર ચિત્રનું મથાળું]
યહોવાહને જ વિશ્વના માલિક માનો