સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દારૂ વિષે ઈશ્વર શું સલાહ આપે છે?

દારૂ વિષે ઈશ્વર શું સલાહ આપે છે?

દારૂ વિષે ઈશ્વર શું સલાહ આપે છે?

ઈશ્વર આપણી ખુશી ચાહે છે. તે આપણને ‘હૃદયને આનંદ આપનાર દ્રાક્ષદારૂ, મોઢાને તેજસ્વી કરનાર તેલ, અને બળ આપનાર રોટલી આપે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫) ઈશ્વર આપણને શરાબ પીવાથી રોકતા નથી. * એક વખતે ઈસુએ લગ્‍ન પ્રસંગમાં ચમત્કાર કરીને પાણીમાંથી ‘સારો દ્રાક્ષદારૂ’ બનાવ્યો હતો. (યોહાન ૨:૩-૧૦) એનાથી લગ્‍ન પ્રસંગમાં આવેલા લોકો પણ ખુશ થયા હતા.

ઈશ્વર આપણા સરજનહાર છે. તે જાણે છે કે આપણા શરીર અને મગજ પર શરાબની કેવી અસર થાય છે. એટલે તે આપણને ઘણો દારૂ ન પીવા ચેતવે છે. ઈશ્વર બાઇબલ દ્વારા આપણા ‘લાભને અર્થે શીખવે છે.’ (યશાયાહ ૪૮:૧૭) બાઇબલમાં ઈશ્વરે શરાબ વિષે આજ્ઞાઓ આપી છે. ચાલો અમુક જોઈએ:

“દારૂ પીને છાકટા ન બનો.” (એફેસી ૫:૧૮, કોમન લેંગ્વેજ) ‘દારૂડિયાને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીંથી ૬:૯-૧૧) બાઇબલ જણાવે છે કે ‘છાકટાઈ, ભોગવિલાસ અને એના જેવાં કામોને’ ઈશ્વર ધિક્કારે છે.—ગલાતી ૫:૧૯-૨૧.

ચાલો જોઈએ કે વધારે પડતો દારૂ પીવામાં શું જોખમ રહેલું છે.

વધુ પીવાનું જોખમ

ખરું કે દારૂ પીવાથી થોડો લાભ થાય છે. પણ એનાથી શરીર અને મગજ પર ખરાબ અસર થઈ શકે. વધારે પડતો દારૂ પીવાથી આવું કંઈક થઈ શકે:

વ્યક્તિનું મગજ બરાબર કામ નહિ કરે. પરિણામે તે ‘મૂર્ખતાભર્યો બડબડાટ કરશે.’ (નીતિવચનો ૨૩:૩૩, IBSI) એલનનો અનુભવ જોઈએ. એક સમયે તે ઘણો દારૂ પીતા હતા. તે કહે છે: ‘ઘણો દારૂ પીવાથી વ્યક્તિ પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. સાથે સાથે તેના વિચારો અને સંસ્કાર ભ્રષ્ટ થઈ જાય છે. ઘણું પીવાથી બીજાને કેટલું દુઃખ થાય છે, એ વ્યક્તિ સમજી શકતી નથી.’

વ્યક્તિ પોતા પરનો કાબૂ ગુમાવી દે છે. બાઇબલ જણાવે છે, ‘દ્રાક્ષદારૂ બુદ્ધિનું હરણ કરે છે.’ (હોશીઆ ૪:૧૧) કેમ એવું કહેવાય છે? વ્યક્તિ હોશમાં હશે ત્યારે ખોટા વિચારો કે કામો કરવાનું ટાળશે. પણ દારૂના નશામાં તેને એવા વિચારો કે કામો કરવામાં કંઈ વાંધો નહિ લાગે. દારૂના નશામાં વ્યક્તિ પોતા પરનો કાબૂ ગુમાવે છે. તેના સારા સંસ્કાર ભૂલી જઈ શકે. પરિણામે, તે ઈશ્વરથી દૂર થઈ શકે છે.

જોનનો વિચાર કરીએ. તેનો પત્ની સાથે ઝઘડો થયો. ગુસ્સો ઉતારવા તે બારમાં દારૂ પીવા ગયો અને બે-ત્રણ પેગ પીધા. પછી એક સ્ત્રી તેની પાસે આવી. તેઓએ વાત-વાતમાં બીજા ત્રણેક પેગ પીધા. એ પછી સ્ત્રીએ જોનને પોતાની સાથે આવવા કહ્યું. પરિણામે તેઓએ વ્યભિચાર કર્યો. જોનનો નશો ઉતરી ગયો ત્યારે તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો. તેને થયું કે જો મેં ઘણો દારૂ પીધો ન હોત, તો આવી ભૂલ ન કરી હોત.

વ્યક્તિને બોલવા-ચાલવાનું કોઈ ભાન રહેતું નથી. બાઇબલ જણાવે છે: ‘કોને મુશ્કેલી છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? જેઓ દ્રાક્ષદારૂ જ પીયા કરે છે.’ (સુભાષિતસંગ્રહ [નીતિવચનો] ૨૩:૨૯, ૩૦, કોમન લેંગ્વેજ) વધારે પડતું પીવાથી વ્યક્તિને ‘સમુદ્રમાં કોઈ વહાણના ડોલની ટોચ પર આડો પડેલો હોય, એના જેવું લાગશે.’ (નીતિવચનો ૨૩:૩૪) નશો ઊતરી જાય પછી તે કહેશે કે ‘મને વાગ્યું છે પણ ક્યારે થયું એ માલૂમ નથી.’—નીતિવચનો ૨૩:૩૫.

શરીરને નુકસાન થાય છે. હજારો વર્ષો પહેલાં બાઇબલમાં આમ લખ્યું છે: ‘દારૂ સાપની જેમ કરડે છે, અને નાગની પેઠે ડસે છે.’ (નીતિવચનો ૨૩:૩૨) આ વિચાર સાથે ડૉક્ટરો પણ સહમત થાય છે. ઘણો દારૂ પીવો શરીર માટે ઝેર છે. એનાથી આવી બીમારી થઈ શકે: અનેક જાતના કૅન્સર, શરાબમાંથી થતો હૅપટાઇટિસ, કલેજાનું સિરોહસિસ્‌, પેંક્રિયેટાઈટીસ, સ્ટ્રોક, હાર્ટ ઍટેક, ડાયાબીટીસના દર્દીઓને લૉ બ્લડ સુગર અને ગર્ભાશયમાં બાળકનો પૂરતો વિકાસ ન થવો. દારૂ પીવાથી બીજી ઘણી બીમારી થઈ શકે. જો વ્યક્તિ એક સાથે ઘણો દારૂ પીવે તો, તે કોમામાં જઈ શકે અથવા તેનું મોત પણ થઈ શકે. પણ આ બધાં જોખમો કરતાં, હજી એક વધારે ગંભીર જોખમ છે. ચાલો જોઈએ કે એ શું છે?

સૌથી મોટું જોખમ. જો વ્યક્તિ લિમિટ કરતાં વધારે પીવે તો તેનો ઈશ્વર સાથેનો નાતો નબળો પડી શકે. બાઇબલ સાફ જણાવે છે: “જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ!” શા માટે? ઈશ્વરભક્ત યશાયાહ સમજાવે છે કે વધારે શરાબ પીવાથી આમ થઈ શકે: ‘યહોવાહના કામ પર લક્ષ આપશે નહિ, અને તેમના હાથનાં કાર્યો ધ્યાનમાં લેશે નહિ.’—યશાયાહ ૫:૧૧, ૧૨.

‘દારૂડિયાની સોબત ન રાખવા’ વિષે બાઇબલ સલાહ આપે છે. (સુભાષિતસંગ્રહ ૨૩:૨૦, કોમન લેંગ્વેજ) તેમ જ, સ્ત્રીઓને ‘ઘણો દ્રાક્ષદારૂ નહિ પીવાની’ સલાહ આપે છે. (તીતસ ૨:૩) બાઇબલમાં કેમ આવી સલાહ આપવામાં આવી છે? કેમ કે વ્યક્તિ ખ્યાલ નહિ રાખે તો તે દિવસે ને દિવસે વધારે દારૂ પીવા માંડશે. છેવટે તે આવું કાંઈ કહેશે: ‘હું કયારે જાગીશ? ચાલ ફરી એકવાર પી નાખું.’ (નીતિવચનો ૨૩:૩૫, ઈઝી ટુ રીડ) આગલી રાતે ઘણું પીધું હોવાથી સવાર થતા વ્યક્તિ થાક ઉતારવા બીજો એક પેગ પીવા તરસે છે. જો વ્યક્તિ આમ કરતી રહેશે તો તે શરાબી બની શકે.

બાઇબલ ચેતવે છે કે જેઓ ‘દારૂ પીવામાં, મોજશોખમાં મગ્‍ન છે તેઓએ જીવતાઓનો અને મૂએલાંઓનો ન્યાય કરનાર ઈશ્વરને હિસાબ આપવો પડશે.’ (૧ પીતર ૪:૩,) આપણે મુશ્કેલ સમયમાં જીવતા હોવાથી ઈસુએ કહ્યું: ‘સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા જીવનની ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, અને યહોવાહના ન્યાયનો દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.’—લુક ૨૧:૩૪, ૩૫.

જેઓ કોઈ વાર લિમિટ બહાર પીવે છે, તેઓ ‘અતિશય પીનાર’ કે દારૂડિયા ન બની જાય એ માટે શું કરી શકે? (w10-E 01/01)

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં “શરાબ” અને “દારૂ” એ આલ્કોહોલવાળા કોઈ પણ પીણાંને રજૂ કરી શકે. જેમ કે બીયર, વાઈન અને વ્હીસ્કી. ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. ઈશ્વરભક્તો આવા નિયમોને માન આપીને પાળશે.

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

ઘણું પીવાથી અનેક મુશ્કેલીઓ આવે છે