ઈસુના સાચા શિષ્યો બનીએ
ઈસુના સાચા શિષ્યો બનીએ
“હરેક સારૂં ઝાડ સારાં ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે.”—માથ. ૭:૧૭.
૧, ૨. દુનિયાના અંતના સમયમાં સાચા અને નામ પૂરતા શિષ્યો વચ્ચે કેવાં તફાવત દેખાય આવે છે?
ઈસુએ કહ્યું હતું કે સાચા અને નામ પૂરતા શિષ્યો વચ્ચે ફરક દેખાઈ આવશે. તેઓનાં વાણી-વર્તન અને શિક્ષણથી લોકો તફાવત જોઈ શકશે. (માથ. ૭:૧૫-૧૭, ૨૦) એટલા માટે લોકો જે સાંભળે છે અને વિચારે છે એની અસર તેઓના જીવન પર પડે છે. (માથ. ૧૫:૧૮, ૧૯) જેઓ માણસોનું ધાર્મિક શિક્ષણ શીખે છે તેઓ “નઠારાં ફળ” આપે છે. જ્યારે કે જેઓ ઈશ્વરનું સત્ય શીખે છે તેઓ “સારાં ફળ” આપે છે. આ ફળ તેઓના સારાં કે ખરાબ કાર્યોને બતાવે છે.
૨ દુનિયાના અંતના સમયમાં આપણે એવા બે પ્રકારના લોકો વચ્ચેનો તફાવત સહેલાઈથી જોઈ શકીએ છીએ. (દાનીયેલ ૧૨:૩, ૧૦ વાંચો.) કહેવાતા ખ્રિસ્તીઓ પાસે ઈશ્વર વિષે સાચી સમજણ નથી. તેઓ મોટે ભાગે ભક્તિ કરવાનો ઢોંગ કરતા હોય છે. જ્યારે કે જેઓ પાસે સાચી સમજણ છે તેઓ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે અને “સત્યતાથી” તેમની ભક્તિ કરે છે. (યોહા. ૪:૨૪; ૨ તીમો. ૩:૧-૫) ઈસુ જેવા ગુણો બતાવવા બનતી બધી કોશિશ કરે છે. આપણા વિષે શું? આપણે આ લેખમાં સાચા ખ્રિસ્તીઓની ઓળખ આપતી પાંચ બાબતો જોઈશું. એની ચર્ચા કરીએ તેમ વિચારીએ: ‘શું મારો સ્વભાવ બાઇબલના શિક્ષણ પ્રમાણે છે? શું હું બીજાઓને બાઇબલમાંથી શીખવું છું? શું લોકો મારા વર્તન અને શિક્ષણથી જોઈ શકે કે હું યહોવાહનું સત્ય કિંમતી ગણું છું?’
બાઇબલની સલાહ પ્રમાણે જીવીએ
૩. યહોવાહ શાનાથી ખુશ થાય છે? ખ્રિસ્તના પગલે ચાલવાનો અર્થ શું થાય?
૩ ઈસુએ કહ્યું હતું કે “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.” (માથ. ૭:૨૧) ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે એવા લોકોથી ઈશ્વર ખુશ થતા નથી. પણ જેઓ ખરેખર ઈસુના પગલે ચાલે છે એવા લોકોથી ખુશ થાય છે. ખ્રિસ્તી બનવાનો અર્થ થાય કે વ્યક્તિ જીવનના દરેક પાસામાં ઈસુને અનુસરે. તે વિચારશે કે ‘પૈસા, નોકરી, મોજશોખ, રીત-રિવાજો, તહેવારો અને લગ્નજીવન વિષે હું કઈ રીતે ઈસુ જેવું વલણ કેળવી શકું? ઈસુની જેમ શું હું બીજા લોકો સાથે સારી રીતે વર્તું છું?’ નામ પૂરતા ખ્રિસ્તીઓ આવું વિચારશે નહિ. તેઓ દુન્યવી વલણ અપનાવે છે, જે દિવસે દિવસે બગડી રહ્યું છે.—ગીત. ૯૨:૭.
૪, ૫. માલાખી ૩:૧૮ની સલાહ આપણે કેવી રીતે લાગુ પાડી શકીએ?
૪ પ્રબોધક માલાખીએ લખ્યું: “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.” (માલા. ૩:૧૮) આ શબ્દો પર વિચાર કરતા પોતાને પૂછો: ‘શું હું દુનિયાના લોક સાથે ભળી જઉં છું કે પછી તેઓથી અલગ તરી આવું છું? શું હું મારી સાથે ભણતા કે નોકરી કરતા લોકો સાથે ભળી જવું છું કે પછી બાઇબલના સિદ્ધાંતોને વળગી રહીને યોગ્ય સમયે એ વિષે તેઓને જણાવું છું?’ (૧ પીતર ૩:૧૬ વાંચો.) ખરું કે આપણે એવું બતાવવા માંગતા નથી કે આપણા જેટલું ધાર્મિક કોઈ નથી. પણ આપણે યહોવાહને પ્રેમ કરતા હોવાથી દુનિયાના લોકોથી અલગ હોવા જોઈએ.
૫ જો આપણને લાગે કે વલણમાં સુધારો કરવાની જરૂર છે તો એ માટે પ્રાર્થના કરીએ. નિયમિત રીતે બાઇબલ સ્ટડી કરીએ, મિટિંગમાં જઈએ અને પ્રાર્થનામાં લાગુ રહીએ. આ બધું કરવાથી આપણને સુધારો કરવાની શક્તિ મળશે. આપણે બાઇબલની સલાહને જીવનમાં લાગુ પાડીશું તેમ, વધારે “સારા ફળ” આપી શકીશું. એ ફળમાં ‘ઈશ્વરનું નામ કબૂલ કરવાનો’ પણ સમાવેશ થાય છે.—હેબ્રી ૧૩:૧૫.
ઈશ્વરના રાજ્યને જાહેર કરીએ
૬, ૭. ઈશ્વરનો સંદેશો જાહેર કરવાની વાત આવે ત્યારે કહેવાતા અને સાચા ખ્રિસ્તીઓ વચ્ચે શું ફરક છે?
૬ ઈસુએ કહ્યું: “મારે બીજા શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમકે એ સારૂ મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૪૩) ઈશ્વરના રાજ્યને જાહેર કરવાનું કામ ઈસુએ કેમ જીવનમાં પ્રથમ રાખ્યું? તે જાણતા હતા કે એ રાજ્ય માણસોમાંથી પાપ કાઢી નાખશે અને શેતાનનો નાશ કરશે. ઈસુ એ પણ જાણતા હતા કે પોતે એ રાજ્યના રાજા બનશે અને સજીવન થએલા શિષ્યો તેમને મદદ કરશે. (રૂમી ૫:૧૨; પ્રકટી. ૨૦:૧૦) એટલે જ તેમણે પોતાના શિષ્યોને આ દુષ્ટ જગતના અંત સુધી ઈશ્વરના રાજ્યને જાહેર કરવાનો હુકમ આપ્યો. (માથ. ૨૪:૧૪) કહેવાતા ખ્રિસ્તીઓ આ કામ કરતા નથી. અરે, તેઓએ કરવું હોય તોપણ કરી શકતા નથી. કેમ નહિ? એના ત્રણ કારણો છે. પહેલું, તેઓ જે સત્ય સમજતા નથી એ કઈ રીતે બીજાઓને સમજાવી શકે? બીજું, તેઓ પાસે નમ્રતા અને હિંમત નથી. એટલે ઈશ્વરનો સંદેશો ફેલાવવામાં લોકોની મજાક અને વિરોધ સહન કરી શકતા નથી. (માથ. ૨૪:૯; ૧ પીત. ૨:૨૩) ત્રીજું, કહેવાતા ખ્રિસ્તીઓ પાસે ઈશ્વરની શક્તિ નથી.—યોહા. ૧૪:૧૬, ૧૭.
૭ સાચા ખ્રિસ્તીઓ સમજે છે કે ઈશ્વરનું રાજ્ય શું છે અને એ શું કરશે. તેઓ ઈશ્વરના રાજ્યને જાહેર કરવાના કામને જીવનમાં પહેલું રાખે છે. તેઓ યહોવાહની શક્તિથી દુનિયાને ખૂણે ખૂણે એ રાજ્યને જાહેર કરે છે. (ઝખા. ૪:૬) શું તમે આ કામમાં નિયમિત રીતે ભાગ લો છો? એ કામમાં શું વધારે સમય આપી શકો છો? સારા શિક્ષક બનવા શું તમે સુધારો કરી શકો? નવી નવી રીતો અપનાવી શકો? પ્રેરિત પાઊલે લોકોને શીખવવા શાસ્ત્રનો સારો ઉપયોગ કર્યો, એટલે જ તેમણે લખ્યું: ‘ઈશ્વરનો શબ્દ જીવંત અને સમર્થ છે.’ (હેબ્રી ૪:૧૨; પ્રે.કૃ. ૧૭:૨, ૩) આજે પણ સાચા ખ્રિસ્તીઓ સેવાકાર્યમાં સુધારો કરવા બાઇબલનો વધારે ઉપયોગ કરે છે.
૮, ૯. (ક) અનુભવોથી જણાવો કે પ્રચાર કામમાં બાઇબલનો ઉપયોગ કરવો કેમ મહત્ત્વનું છે? (ખ) કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરવાની આદત પાળી શકીએ?
૮ ઘરઘરના પ્રચાર કામમાં એક ભાઈએ કૅથલિક માણસને દાનીયેલ ૨:૪૪ વાંચી સંભળાવી. પછી તેમણે સમજાવ્યું કે કઈ રીતે ઈશ્વરનું રાજ્ય શાંતિ અને સલામતી લાવશે ત્યારે માણસે કહ્યું: “તમે મને ફક્ત કહ્યું જ નહિ, પણ બાઇબલમાંથી બતાવ્યું એ માટે હું તમારી કદર કરું છું.” બીજો એક અનુભવ જોઈએ. એક યુગલે ગ્રીક ઑર્થોડૉક્સ સ્ત્રીને બાઇબલમાંથી કલમ વાંચી આપી. તે સ્ત્રીએ ઘણા સવાલો પૂછ્યા. યુગલે પણ બાઇબલમાંથી તેને જવાબો આપ્યા. થોડા સમય પછી સ્ત્રીએ તેઓને જણાવ્યું: “તમે મારા ઘરે આવીને બાઇબલમાંથી વાંચી સંભળાવ્યું એટલે હું તમારી સાથે વાત કરવા તૈયાર થઈ.”
૯ ખરું કે યહોવાહના સંગઠન તરફથી આવતું સાહિત્ય મહત્ત્વનું છે અને એ લોકોને આપવું જોઈએ. પણ આપણે સૌથી વધારે બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જો તમને પ્રચારમાં બાઇબલનો ઉપયોગ કરવાની આદત ન હોય તો શું કરી શકો? કદાચ પ્રચારમાં એનો સારો ઉપયોગ કરવાનો ધ્યેય બાંધી શકો. એવી એક-બે કલમ પસંદ કરી શકો, જે સમજાવે કે ઈશ્વરનું રાજ્ય શું છે અને કઈ રીતે એ સમાજની મુશ્કેલીઓ દૂર કરશે. એ પછી શક્ય હોય તેમ પ્રચારમાં લોકોને એ કલમો વાંચી સંભળાવો.
ગર્વથી ઈશ્વરનું નામ જાહેર કરીએ
૧૦, ૧૧. ઈશ્વરના નામનો ઉપયોગ કરવામાં ઈસુ અને કહેવાતા ખ્રિસ્તીઓમાં શું તફાવત છે?
૧૦ “યહોવાહ કહે છે, તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું.” (યશા. ૪૩:૧૨) યહોવાહના સૌથી મહત્ત્વના સાક્ષી ઈસુ હતા. ઈશ્વરનું નામ ધારણ કરવાને અને જાહેર કરવાને ઈસુ મોટો લહાવો ગણતા હતા. (નિર્ગમન ૩:૧૫; યોહાન ૧૭:૬; હેબ્રી ૨:૧૨ વાંચો.) ઈસુએ પિતાના નામને જાહેર કર્યું હોવાથી “વિશ્વાસુ શાહેદ” તરીકે ઓળખાયા.—પ્રકટી. ૧:૫; માથ. ૬:૯.
૧૧ મોટાભાગના કહેવાતા ખ્રિસ્તીઓ ઈશ્વરના પવિત્ર નામને જરાય માન આપતા નથી. અરે, ઘણા ચર્ચની સંસ્થાઓએ તો બાઇબલમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખ્યું છે. એક કૅથલિક સંસ્થાએ તેઓના પાદરીઓને જણાવ્યું કે ભક્તિ કરતી વખતે ‘હિબ્રૂ ભાષામાં ઈશ્વરનું મૂળ નામ યહવહનો કોઈએ ઉચ્ચાર કરવો નહિ.’ * ઈશ્વરનું કેવું અપમાન કહેવાય!
૧૨. યહોવાહના લોકો ૧૯૩૧થી કઈ રીતે ઓળખાવા લાગ્યા?
૧૨ ઈસુ પહેલાં ઘણા ઈશ્વરભક્તો થઈ ગયા જેઓને બાઇબલમાં ‘શાહેદોની ભીડ’ કહ્યાં છે. તેઓએ ઈશ્વરના નામનો ઉપયોગ કર્યો હતો. તેઓની જેમ આજે પણ ઈશ્વરભક્તો ઈશ્વરનું નામ ગર્વથી વાપરે છે. (હેબ્રી ૧૨:૧) એટલે જ તેઓએ ૧૯૩૧માં ‘યહોવાહના સાક્ષીઓ’ નામ સ્વીકાર્યું. (યશાયાહ ૪૩:૧૦-૧૨ વાંચો.) આમ ઈસુના ખરા શિષ્યો ‘પરમેશ્વરના નામથી ઓળખાવા લાગ્યા.’—પ્રે.કૃ. ૧૫:૧૪, ૧૭.
૧૩. યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાવાથી આપણા પર કેવી જવાબદારી આવે છે?
૧૩ યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાવાથી આપણા પર કેવી જવાબદારી આવે છે? એ જ કે આપણે બીજાઓને ઈશ્વર વિષે જાહેર કરીએ. પાઊલે લખ્યું: “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે?” (રૂમી ૧૦:૧૩-૧૫) એની સાથે બીજું શું કરી શકીએ? નરક જેવા ખોટા શિક્ષણને સમજી-વિચારીને ખુલ્લા પાડીએ. એવું શિક્ષણ ઈશ્વરનું નામ બદનામ કરે છે અને પ્રેમાળ ઈશ્વરને શેતાન જેવા ક્રૂર રજૂ કરે છે.—યિર્મે. ૭:૩૧; ૧ યોહા. ૪:૮; વધુ માહિતી: માર્ક ૯:૧૭-૨૭.
૧૪. ઈશ્વરનું નામ જાણ્યા પછી અમુકે શું કર્યું?
૧૪ યહોવાહના સાક્ષીઓ હોવાનો શું તમને ગર્વ છે? શું તમે બીજાઓને યહોવાહનું નામ જાણવા મદદ કરો છો? ફ્રાન્સમાં આવેલા પૅરિસ શહેરની એક સ્ત્રીને જાણવા મળ્યું કે યહોવાહના સાક્ષીઓને ઈશ્વરનું નામ ખબર છે. તેથી તે યહોવાહના સાક્ષીઓને મળી ત્યારે તેઓને ઈશ્વરનું નામ પોતાના બાઇબલમાંથી બતાવવા કહ્યું. સ્ત્રીએ ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચી ત્યારે તેના દિલ પર ઊંડી અસર પડી. તેણે બાઇબલ સ્ટડી શરૂ કરી. હવે તે યહોવાહની સાક્ષી છે અને બીજા દેશમાં ઈશ્વરનું નામ જાહેર કરે છે. ઑસ્ટ્રેલિયામાં રહેતી કૅથલિક સ્ત્રીનો વિચાર કરીએ. તેણે બાઇબલમાં પહેલી વાર ઈશ્વરનું નામ જોયું ત્યારે તેની આંખો ખુશીથી ભરાઈ આવી. એ પછી તે યહોવાહની સાક્ષી બની. તે ઘણા વર્ષોથી રેગ્યુલર પાયોનિયર છે. તાજેતરમાં, જમૈકામાં યહોવાહના સાક્ષીઓએ એક સ્ત્રીને તેના જ બાઇબલમાંથી ઈશ્વરનું નામ બતાવ્યું. એ જોઈને સ્ત્રીની આંખોમાં ખુશીના આંસુ આવ્યા. ચાલો આપણે ઈશ્વરના નામથી ઓળખાવવાનો ગર્વ માનીએ. ઈસુની જેમ ઈશ્વરનું પવિત્ર નામ સર્વને જણાવીએ.
‘જગત પર પ્રેમ ન રાખીએ’
૧૫, ૧૬. સાચા ખ્રિસ્તીઓ કેમ જગતને પ્રેમ કરતા નથી? આપણે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?
૧૫ “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી.” (૧ યોહા. ૨:૧૫) જગતના લોકો યહોવાહ અને તેમની શક્તિ વિરુદ્ધ છે. એટલે ઈસુના સાચા શિષ્યો જગતના વલણથી ફક્ત દૂર રહેતા નથી, પણ એવા વલણને સાવ ધિક્કારે છે. તેઓ યાકૂબના આ શબ્દો માને છે: “જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.”—યાકૂ. ૪:૪.
૧૬ જોકે યાકૂબના શબ્દો પાળવા સહેલા નથી, કેમ કે દુનિયા આપણી સામે અગણિત લાલચો મૂકે છે. (૨ તીમો. ૪:૧૦) એટલે જ ઈસુએ પોતાના શિષ્યો માટે ઈશ્વરને આવી પ્રાર્થના કરી: “તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરૂં છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહા. ૧૭:૧૫, ૧૬) તેથી પોતાને પૂછો: ‘શું હું જગતના વલણથી દૂર રહેવાની કોશિશ કરું છું? શું બીજાઓ જાણે છે કે બાઇબલની વિરુદ્ધ હોય કે જગતનું વલણ બતાવતા હોય એવા રીત-રિવાજો અને તહેવારોમાં હું ભાગ લેતો નથી?’—૨ કોરીં. ૬:૧૭; ૧ પીત. ૪:૩, ૪.
૧૭. નમ્ર લોકોને યહોવાહની ભક્તિ કરવા શામાંથી ઉત્તેજન મળી શકે?
૧૭ આપણે બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે ચાલીએ તો દુનિયાના લોકોને નહિ ગમે. પણ કદાચ નમ્ર લોકોને આપણું જીવન અને અડગ વિશ્વાસ જોઈને યહોવાહની ભક્તિ કરવાનું મન થાય. તેઓ જાણે ઈશ્વરે પસંદ કરેલા ખાસ ભક્તોને કહે છે: “અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.”—ઝખા. ૮:૨૩.
ઈસુની જેમ ખરો પ્રેમ બતાવીએ
૧૮. યહોવાહ અને પડોશીને કેવો પ્રેમ બતાવવો જોઈએ?
૧૮ ઈસુએ કહ્યું: ‘પ્રભુ તારા ઈશ્વર પર તું પૂરા હૃદયથી, ને પૂરા જીવથી, ને પૂરા મનથી પ્રેમ કર. અને જેમ પોતા પર તેમ પોતાના પડોશી પર તું પ્રેમ રાખ.’ (માથ. ૨૨:૩૭, ૩૯) આવો પ્રેમ (ગ્રીકમાં અગાપે) સિદ્ધાંતના આધારે હોય છે. જે ખરું છે એ કરે છે, ફરજ બજાવે છે, લોકોનું ભલું કરે છે. સાથે સાથે એમાં ગાઢ લાગણીઓ હોય છે. (૧ પીત. ૧:૨૨) અગાપે પ્રેમમાં વ્યક્તિ પોતાના કરતાં બીજાનો પહેલાં વિચાર કરે છે. આવા ખરા પ્રેમમાં જરાય સ્વાર્થ નથી.—૧ કોરીંથી ૧૩:૪-૭ વાંચો.
૧૯, ૨૦. પ્રેમમાં ઘણી શક્તિ છે એના એક-બે અનુભવો જણાવો.
૧૯ ઈશ્વરની શક્તિથી આપણે ખરો પ્રેમ બતાવી શકીએ. એનાથી આપણે નાતજાતનો ભેદભાવ જડમૂળથી કાઢી શકીએ છીએ, જે દુનિયાના લોકો માટે અશક્ય છે. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો; ગલા. ૫:૨૨) ખરો પ્રેમ જોઈને નમ્ર દિલના લોકો યહોવાહ તરફ ખેંચાય છે. ઇઝરાએલના એક યુવાનનો અનુભવ જોઈએ. તેણે ઇઝરાએલી અને અરબી ભાઈ-બહેનોને મંડળમાં એકસાથે ભક્તિ કરતા જોયા. એનાથી તેને બહુ નવાઈ લાગી. પછીથી તે નિયમિત મિટિંગમાં જવા લાગ્યો અને બાઇબલ વિષે વધુ શીખવા લાગ્યો. શું તમે મંડળના ભાઈ-બહેનોને દિલથી અને સ્વાર્થ વગરનો પ્રેમ બતાવો છો? મંડળમાં કોઈ પણ નાતજાત કે રંગની વ્યક્તિઓ આવે ત્યારે, શું તેઓનો દિલથી આવકાર કરો છો?
૨૦ ઈસુના પગલે ચાલવાથી આપણે બધાયને ખરો પ્રેમ બતાવીશું. એલ સાલ્વાડોરમાં રહેતા એક યુવાન બહેનનો અનુભવ જોઈએ. ૮૭ વર્ષના દાદીમાને તે બાઇબલમાંથી શીખવતી હતી. આ દાદીમા ધર્મચુસ્ત કૅથલિક હતા. એક દિવસે દાદીમા ઘણા બીમાર થઈ ગયા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. થોડા દિવસ પછી તે ઘરે પાછા આવ્યા. આપણી બહેન તેમને મળવા આવી અને સાથે જમવાનું લઈ આવી. એ પછી બહેને લગભગ મહિના સુધી તેમને જમવાનું આપ્યું. એ દરમિયાન દાદીમાના ચર્ચમાંથી કોઈ પણ તેમને મળવા આવ્યું નહિ. એ કારણે તેમણે પોતાના ઘરમાંથી ધાર્મિક મૂર્તિઓ અને ફોટા કાઢી નાખ્યા. ચર્ચમાંથી રાજીનામું આપ્યું અને બહેન સાથે ફરીથી બાઇબલમાંથી શીખવા લાગ્યા. આ અનુભવ બતાવે છે કે પ્રેમમાં ઘણી શક્તિ છે. આપણા શબ્દો કરતાં પ્રેમ વધારે અસરકારક છે, જે વ્યક્તિના દિલ સુધી પહોંચે છે.
૨૧. ભાવિની આપણી આશા કેવી રીતે મક્કમ બનશે?
૨૧ નામ પૂરતા ખ્રિસ્તીઓને ઈસુ જલદી જ કહેશે કે “મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.” (માથ. ૭:૨૩) તેથી મહત્ત્વનું છે કે આપણે સારાં કાર્યો કરતા રહીએ જેથી યહોવાહ અને ઈસુને માન-મહિમા મળે. ઈસુએ કહ્યું: “જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.” (માથ. ૭:૨૪) ચાલો આપણે ઈસુના સાચા શિષ્યો હોવાની સાબિતી આપીએ. આ બધું કરવાથી ઈશ્વરની કૃપા મળશે અને ભાવિની આપણી આશા મક્કમ થશે. (w10-E 01/15)
[ફુટનોટ્સ]
^ પણ અમુક કૅથલિક અંગ્રેજી પુસ્તકો અને યરૂશાલેમ બાઇબલમાં ઈશ્વરનું મૂળ નામ જે ચાર અક્ષરોમાં છે એ યાહવેહ તરીકે લખાયું છે.
શું તમને યાદ છે?
• ઈસુના સાચા શિષ્યો અને નામ પૂરતા શિષ્યો વચ્ચે કેવાં તફાવત છે?
• સાચા ખ્રિસ્તીઓની ઓળખ આપતી અમુક બાબતો જણાવો.
• સારાં કાર્યો અને ગુણો કેળવવામાં આપણે કેવા ધ્યેય બાંધી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૯ પર ચિત્ર]
ઈશ્વરનો સંદેશો જાહેર કરતી વખતે શું તમને બાઇબલ વાપરવાની આદત છે?
[પાન ૨૧ પર ચિત્ર]
શું બીજાઓ જાણે છે કે બાઇબલની વિરુદ્ધ હોય એવા તહેવારોમાં તમે ભાગ લેતા નથી?