સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સૃષ્ટિમાં યહોવાહનું જ્ઞાન દેખાઈ આવે છે

સૃષ્ટિમાં યહોવાહનું જ્ઞાન દેખાઈ આવે છે

સૃષ્ટિમાં યહોવાહનું જ્ઞાન દેખાઈ આવે છે

‘તેના અદૃશ્ય ગુણો, સૃજેલી વસ્તુઓથી સ્પષ્ટ જણાય છે.’—રૂમી ૧:૨૦.

૧. ભણેલા-ગણેલા લોકો પર ભરોસો રાખે છે તેઓની હાલત કેવી હોય છે?

 આજે દુનિયા ભણેલા-ગણેલા લોકોને જ્ઞાની સમજે છે. શું એ ખરું છે? ના, કેમ કે આ ભણેલા લોકો કોઈને ખરું સુખ મેળવવાનું માર્ગદર્શન આપી શકતા નથી. અરે, તેઓનું સાંભળે છે, એ લોકોનું મન જાણે ‘પવનમાં ડોલાં ખાય’ છે.—એફે. ૪:૧૪.

૨, ૩. (ક) કેમ યહોવાહ જ્ઞાની કહેવાય? (ખ) યહોવાહ અને માણસોના જ્ઞાનમાં શું ફરક છે?

યહોવાહ તો પરમેશ્વર છે. વિશ્વના માલિક છે. (રૂમી ૧૬:૨૭) વિશ્વ તેમણે બનાવ્યું છે. વિશ્વમાં એવું કંઈ નથી જેની યહોવાહને ખબર ન હોય. તેમના જ વિશ્વમાં માણસો અનેક જુદી બાબતોમાં શોધખોળ કરી શકે છે. ભલે માણસો ગમે એવી શોધ કરે, ગમે એટલું જ્ઞાન ભેગું કરે, એમાં ઈશ્વરને કંઈ નવાઈ લાગતી નથી. ઈશ્વરની નજરે ‘આ જગતનું જ્ઞાન મૂર્ખતારૂપ છે.’—૧ કોરીં. ૩:૧૯.

બાઇબલ જણાવે છે કે ખુદ યહોવાહ પોતાના સેવકોને “જ્ઞાન આપે છે.” (નીતિ. ૨:૬) આ દુનિયાના જ્ઞાન પર આપણે ભરોસો રાખી શકતા નથી. જ્યારે કે યહોવાહનું જ્ઞાન સમજણ ને માર્ગદર્શન આપે છે. એના આધારે આપણે સારા નિર્ણય લઈ શકીએ છીએ. (યાકૂબ ૩:૧૭ વાંચો.) યહોવાહે આપણને જે નિયમો આપ્યા છે એનાથી જ ખરું સુખ મળે છે. (નીતિ. ૩:૫, ૬) પાઊલે યહોવાહના જ્ઞાનથી નવાઈ પામીને કહ્યું: ‘આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી પાર વિનાની છે!’ ઈશ્વરના નિયમો કોણ સમજાવી શકે, ને તેમના માર્ગો કોણ સમજી શકે!—રૂમી ૧૧:૩૩.

ઈસુ, “કુશળ કારીગર”

૪. યહોવાહ વિષે આપણે કેવી રીતે શીખી શકીએ?

ઈશ્વરે નાની-મોટી દરેક વસ્તુ બનાવી છે. એમાંથી આપણે ઈશ્વર વિષે, તેમના સ્વભાવ વિષે ઘણું શીખી શકીએ છીએ. (રૂમી ૧:૨૦ વાંચો.) આપણે આકાશના તારા જોઈએ કે ધરતી પરનાં ફૂલ જોઈએ, એ સર્વ એના રચનારની વાહ વાહ કરે છે!—ગીત. ૧૯:૧; યશા. ૪૦:૨૬.

૫, ૬. (ક) યહોવાહ સિવાય સૃષ્ટિની રચનામાં કોનો હાથ હતો? (ખ) આપણે હવે શાની ચર્ચા કરીશું અને શા માટે?

યહોવાહે એકલા હાથે ‘આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યા’ ન હતા. (ઉત. ૧:૧) યહોવાહે સૃષ્ટિનું સર્જન કરતા પહેલાં, ઈસુનું સર્જન કર્યું. પછી તેઓએ બીજા સ્વર્ગદૂતો અને ‘સર્વ સૃષ્ટિ’ ઉત્પન્‍ન કરી. ઈસુ “સર્વ સૃષ્ટિના પ્રથમજનિત” છે. (કોલો. ૧:૧૫-૧૭) નીતિવચનોનો આઠમો અધ્યાય જ્ઞાન, બુદ્ધિ કે ડહાપણ વિષે જણાવીને, ખુદ ઈસુની વાત કરે છે. તેમને “કુશળ કારીગર” પણ કહે છે.—નીતિ. ૮:૧૨, ૨૨-૩૧.

આખી સૃષ્ટિ પાછળ યહોવાહ અને ઈસુનો હાથ છે. સૃષ્ટિમાંથી આપણને ઘણું શીખવા મળે છે. નીતિવચનો ૩૦:૨૪-૨૮ ચાર જીવજંતુ અને પ્રાણીઓ વિષે જણાવે છે. ચાલો તેઓ પાસેથી શીખીએ. *

મહેનતુ કીડીઓ પાસેથી શીખો

૭, ૮. કીડી વિષે તમને શું ગમ્યું?

‘પૃથ્વી પરનાં નાનાં’ જીવજંતુની રચના અને એના જીવનનો અભ્યાસ કરવાથી ઘણું શીખવા મળે છે. દાખલા તરીકે, કીડીઓનો વિચાર કરો.—નીતિવચનો ૩૦:૨૪, ૨૫ વાંચો.

સંશોધન કરનારા માને છે કે ધરતી પર દર માણસે આશરે બે લાખ જેટલી કીડીઓ છે. તેઓ દરમાં દોડાદોડ કરીને સખત કામ કરે છે. કીડીઓ કૉલોની બનાવીને રહે છે. મોટે ભાગે ત્રણ જાતની કીડીઓ હોય છે. જેમ કે રાણી, નર અને મજૂર કીડીઓ. એ દરેક પોતપોતાનું કામ કરે છે. દક્ષિણ અમેરિકામાં એક પ્રકારની કીડીઓના દરમાં જાણે કે ખેતર છે. એમાં તેઓ ખાતર નાખે છે, બી વાવે છે, ખોરાક મેળવે છે. સંશોધન કરનારા એમ પણ કહે છે કે આ કીડીઓ કૉલોની માટે જરૂર પૂરતો જ ખોરાક ઉગાડે છે. તેઓ નકામી વધારે મહેનત કરતી નથી. *

૯, ૧૦. કીડીની જેમ મહેનતુ બનવા આપણે શું કરવું જોઈએ?

કીડી પાસેથી આપણે ઘણું શીખી શકીએ. એક તો એ કે મહેનતનાં ફળ મીઠાં. બાઇબલ કહે છે: “હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા: તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્‍નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.” (નીતિ. ૬:૬-૮) કીડીને એ બધું યહોવાહે જ શીખવ્યું છે, કેમ કે તે પોતે હંમેશાં કામ કરે છે. એટલે ઈસુએ કહ્યું: ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરૂં છું.’—યોહા. ૫:૧૭.

૧૦ આપણે પણ કામ કરવું જોઈએ. મહેનતુ બનવું જોઈએ. મંડળમાં કોઈ જવાબદારી હોય તો, એમાં મન લગાડીને કામ કરવું જોઈએ. આપણે ‘પ્રભુના કામથી’ જીવન ભરી દેવું જોઈએ. (૧ કોરીં. ૧૫:૫૮) પાઊલે રૂમી મંડળને આપેલી સલાહ આપણે પણ દિલમાં ઉતારવી જોઈએ: ‘મહેનત કરવામાં આળસુ ન થાઓ. ઉત્સાહથી પ્રભુની સેવા કરો.’ (રૂમી ૧૨:૧૧) આપણે યહોવાહની સેવા કરીએ, એ કદી ભૂલશે નહિ. શાસ્ત્ર જણાવે છે કે ‘યહોવાહ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને વિસરે એવા અન્યાયી નથી.’—હેબ્રી ૬:૧૦.

ઈશ્વરનો સાથ લઈને રક્ષણ મેળવો

૧૧. રોક બેજર વિષે જણાવો.

૧૧ રોક બેજર રણમાં રહેતું સસલા જેવું પ્રાણી છે. એની પાસેથી ઘણું શીખવા મળે છે. (નીતિવચનો ૩૦:૨૬ વાંચો.) * આ પ્રાણીના કાન ગોળ અને ટૂંકા હોય છે. એના પગ પણ ટૂંકા હોય છે. એની નજર તેજ હોય છે. તેઓ પહાડીમાં રહેતા હોય છે. કોઈ પ્રાણી શિકાર કરવા આવે ત્યારે, તેઓ બખોલમાં ભરાઈ જાય છે. આમ તેઓનું રક્ષણ થાય છે. આ પ્રાણીઓ ટોળાંમાં રહે છે, જેથી તેઓને રક્ષણ અને ઠંડીમાં હૂંફ મળે છે. *

૧૨, ૧૩. રોક બેજરના દાખલામાંથી તમે શું શીખ્યા?

૧૨ રોક બેજર પાસેથી ઘણું શીખવા મળે છે. એક તો, એ બેફિકર નથી. તે બીજા શિકારી પ્રાણીઓથી બચવા પોતાની તેજદાર આંખનો ઉપયોગ કરે છે અને હંમેશાં બખોલ પાસે રહે છે. આજે શેતાનની દુનિયામાં પણ ઘણાં જોખમો રહેલાં છે. આપણે પણ પોતાનું રક્ષણ કરવા તેજ નજર રાખવી જોઈએ. પીતરે સલાહ આપી: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમકે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીત. ૫:૮) શેતાન શિકારી પ્રાણી જેવો છે. ઈસુ ધરતી પર હતા ત્યારે, તે યહોવાહનો સાથ છોડી દે માટે શેતાને ઘણી કોશિશ કરી. પણ ઈસુએ પોતાની નજર તેજ રાખી અને શેતાનની ચાલમાં ફસાયા નહિ. (માથ. ૪:૧-૧૧) ઈસુએ આપણા માટે કેવો સરસ દાખલો બેસાડ્યો!

૧૩ આપણે તેજ નજર રાખી શકીએ માટે યહોવાહની સંસ્થા આપણને મદદ કરે છે. રોજ બાઇબલ વાંચીએ. કદી મિટિંગ ન ચૂકીએ. એમ કરવાથી આપણે પણ શેતાનના ફાંદામાં નહિ ફસાઈએ. (લુક ૪:૪; હેબ્રી ૧૦:૨૪, ૨૫) રોક બેજરને ટોળાં સાથે રહેવાથી રક્ષણ મળે છે. એ જ રીતે આપણે પણ ઈશ્વરના બીજા ભક્તો સાથે સંપથી રહેવું જોઈએ. આમ આપણને “એકબીજાના વિશ્વાસથી” ઉત્તેજન મળશે. (રૂમી ૧:૧૨) યહોવાહ પાસેથી રક્ષણ મેળવવા આપણે બધું જ કરવું જોઈએ. એમ કરીશું તો આપણે પણ દાઊદની જેમ કહી શકીશું: “યહોવાહ મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે; મારો દેવ, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ.”—ગીત. ૧૮:૨.

સતાવણીમાં પણ સહન કરો

૧૪. ટોળાબંધ તીડો વિષે આપણે શું કહી શકીએ?

૧૪ તીડ પાસેથી પણ ઘણું શીખી શકીએ છીએ. એની લંબાઈ માંડ એક-બે ઇંચ હોય છે. એકાદ-બે તીડ જોઈને આપણને કંઈ ન થાય. પણ તીડોનાં ટોળાં જોઈને, આપણને જરૂર ડર લાગશે. (નીતિવચનો ૩૦:૨૭ વાંચો.) તીડો ખાઉધરાં હોય છે. તીડોનાં ટોળાં લીલાછમ ખેતરને થોડી વારમાં જ સાફ કરી નાખે. ઊડતાં તીડોના અવાજને બાઇબલ રથોના ગડગડાટ અને બળતા ઘાસના તડ-તડ અવાજ સાથે સરખાવે છે. (યોએ. ૨:૩,) વાવાઝોડાની માફક આવતાં તીડોને આગ પણ રોકી શકતી નથી. આગમાં ઘણાંય તીડો બળી મરે છે. આગ પર જ એના ઢગલા પડે છે, જેનાથી આગ બુઝાઈ જાય છે. બીજાં ટોળાબંધ તીડો તો આવ્યાં જ કરે. તેઓનો કોઈ રાજા નથી તોય, તેઓ સંપીને લશ્કરની જેમ આગળ વધ્યા કરે છે. કોઈ પણ નડતરો સામે ઝૂકતાં નથી. *યોએ. ૨:૨૫.

૧૫, ૧૬. યહોવાહના ભક્તો આજે કઈ રીતે તીડો જેવા છે?

૧૫ યોએલે યહોવાહના સેવકોના કાર્યને તીડોના કામ સાથે સરખાવ્યા. તેમણે લખ્યું: ‘તેઓ યોદ્ધાઓની જેમ દોડે છે; લડવૈયાઓની જેમ કોટ પર ચઢે છે; તેઓ સર્વ પોતપોતાને માર્ગે ચાલે છે, ને હાર તોડતા નથી. વળી એકબીજાને ધક્કાધક્કી કરતા નથી; તેઓ સીધે માર્ગે જાય છે; શસ્ત્રોની મધ્યે થઈને પાર ધસી જાય છે, તેઓ પોતાનો માર્ગ બદલતા નથી.’—યોએ. ૨:૭, ૮.

૧૬ જેમ કોઈ પણ નડતર તીડોને રોકી શકતું નથી, તેમ યહોવાહના ભક્તોને સંદેશો ફેલાવતા કોઈ રોકી શકતું નથી. લોકોએ ઈસુનો સખત વિરોધ કર્યો તોપણ, તેમણે ઈશ્વરનો સંદેશો ફેલાવ્યો. યહોવાહના ભક્તો પણ ઈસુને પગલે ચાલે છે. (યશા. ૫૩:૩) ખરું કે યહોવાહના અમુક સેવકોએ સતાવણીને લીધે જીવ ગુમાવ્યો છે. તોપણ આખી દુનિયામાં ઈશ્વરનો સંદેશો ફેલાતો રહે છે. સતાવણીને કારણે ઘણા લોકોને ઈશ્વરનો સંદેશો સાંભળવા મળ્યો છે. આવો વિરોધ ન થાત તો તેઓને સંદેશો સાંભળવા મળ્યો ન હોત. (પ્રે.કૃ. ૮:૧,) લોકો સાંભળે નહિ અને વિરોધ કરે તોપણ, શું તમે સંદેશો ફેલાવતા રહો છો?—હેબ્રી ૧૦:૩૯.

“જે સારૂં છે તેને વળગી રહો”

૧૭. ગરોળી લીસી સપાટીને કઈ રીતે ચોંટી રહે છે?

૧૭ ગેકો નામે એક ગરોળી છે. તે છતને આરામથી ચોંટી રહે છે, એને પડવાની કોઈ બીક નથી. બાઇબલ પણ કહે છે કે “ગરોળી તો ગમે ત્યાં ચઢી શકે છે. એ તો રાજાના મહેલમાં પણ હોય છે.” (નીતિ. ૩૦:૨૮, NW) વૈજ્ઞાનિકોને પણ સમજાતું નથી કે નાનકડી ગરોળી દીવાલ પર આટલી આસાનીથી કઈ રીતે સરકે છે. શું એના પગમાં કોઈ ગુંદર છે? ના, પણ હજારો ઝીણા ઝીણા વાળ હોય છે. દરેક વાળમાં રકાબી જેવા આકારની બે હજાર જેટલી ગાદીઓ હોય છે. એના આધારે ગરોળી લીસી છતને આસાનીથી ચોંટી રહે છે! વૈજ્ઞાનિકો આ ગરોળીના પગ પરથી શીખીને, સારી રીતે ચોંટી શકે એવી અનેક ચીજો બનાવી શકે છે. *

૧૮. ‘જે સારૂં છે તેને વળગી રહેવા’ આપણે શું કરવું જોઈએ?

૧૮ ગરોળીના પગ પરથી વૈજ્ઞાનિકોને તો ઠીક, પણ આપણને શું શીખવા મળે છે? પવિત્ર શાસ્ત્ર કહે છે: “જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારૂં છે તેને વળગી રહો.” (રૂમી ૧૨:૯) આપણે ધ્યાન ન રાખીએ તો, શેતાન આપણને યહોવાહથી છૂટા પાડી નાખશે. જો આપણે સ્કૂલે કે નોકરીધંધે મિત્રો સાથે અથવા ટીવી-ફિલ્મો જોવામાં વધારે સમય કાઢીએ, તો યહોવાહની ભક્તિમાં ઢીલા પડી જઈશું. કદાચ આપણને લાગે કે ‘મને કંઈ અસર નહિ થાય.’ બાઇબલ ચેતવે છે: “તું પોતાની નજરમાં જ્ઞાની ન થા.” (નીતિ. ૩:૭) ઈસ્રાએલીઓને આપેલી મુસાની આ સલાહ ધ્યાનમાં રાખીએ: “તું યહોવાહ તારા દેવનો ડર રાખ; તેની જ સેવા તું કર; અને તેને જ તું વળગી રહે.” (પુન. ૧૦:૨૦) યહોવાહને વળગી રહેવા ચાલો આપણે ઈસુના પગલે ચાલીએ. તેમના વિષે કહેવામાં આવ્યું કે “તેં ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે.”—હેબ્રી ૧:૯.

સૃષ્ટિમાંથી ઘણું શીખવા મળે છે

૧૯. (ક) સૃષ્ટિમાંથી તમે યહોવાહના કયા ગુણો જોઈ શકો છો? (ખ) યહોવાહના જ્ઞાન અને તેમની બુદ્ધિથી આપણને કયો ફાયદો થાય છે?

૧૯ યહોવાહની રચનામાંથી આપણને તેમના ગુણો જોવા મળે છે. તેમની કરામતમાંથી પણ ઘણું શીખવા મળે છે. આપણે તેમની રચના વિષે શીખીશું તેમ, તેમના જ્ઞાન અને બુદ્ધિની વધારે ને વધારે કદર કરીશું. એનાથી આપણું જીવન સુખી થશે અને આપણને રક્ષણ મળશે. (સભા. ૭:૧૨) આપણે પોતે નીતિવચનો ૩:૧૩, ૧૮ના શબ્દો અનુભવીશું: “જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.” (w09 4/15)

[ફુટનોટ્‌સ]

^ યુવાનો, આ લેખની ફૂટનોટમાં આપેલા લેખો વાંચો. લેખની ચર્ચા વખતે તમારી રિસર્ચમાંથી કૉમેન્ટ આપો.

^ કીડી વિષે વધુ જાણવા અવેક! માર્ચ ૨૨, ૧૯૯૭, પાન ૩૧ અને મે ૨૨, ૨૦૦૨, પાન ૩૧ જુઓ.

^ આ કલમમાં રોક બેજરને સસલું કહેવામાં આવ્યું છે. પણ એ સસલું નથી.

^ રોક બેજર વિષે વધુ જાણવા અવેક! સપ્ટેમ્બર ૮, ૧૯૯૦, પાન ૧૫-૧૬ જુઓ.

^ તીડ વિષે વધુ માહિતી માટે અવેક! ઑક્ટોબર ૨૨, ૧૯૭૬, પાન ૧૧ જુઓ.

^ ગરોળીના પગની વધુ માહિતી માટે સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૬, પાન ૫ અને ૬ જુઓ.

તમને યાદ છે?

• કીડી પાસેથી શું શીખવા મળે છે?

• રોક બેજર પાસેથી શું શીખવા મળે છે?

• તીડ પાસેથી શું શીખવા મળે છે?

• ગરોળી પાસેથી શું શીખવા મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્ર]

શું આપણે કીડીની જેમ મહેનતુ છીએ?

[પાન ૨૧ પર ચિત્ર]

રોક બેજર ટોળાંમાં રહીને રક્ષણ મેળવે છે. શું તમે ભાઈ-બહેનોની સંગતમાં રહો છો?

[પાન ૨૨ પર ચિત્ર]

તીડોની જેમ, યહોવાહના ભક્તોને પણ સંદેશો ફેલાવતા કોઈ રોકી નથી શકતું

[પાન ૨૨ પર ચિત્ર]

ગરોળી દીવાલને ચોંટી રહે છે તેમ, યહોવાહના ભક્તો ‘જે સારૂં છે તેને વળગી રહે’ છે

[પાન ૨૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Stockbyte/Getty Images