મંડળમાં સંપ રાખવા બધું જ કરીએ
મંડળમાં સંપ રાખવા બધું જ કરીએ
નવો રોડ એકદમ મજબૂત હોય છે. જોકે સમય જતાં એમાં તીરાડ પડવા લાગે. ખાડા-ટેકરા થાય. એ જલદીથી રીપેર કરવામાં ન આવે તો, જોખમી બને છે.
એ જ રીતે આપણા સંબંધોમાં પણ તીરાડ પડી શકે છે. રોમ મંડળમાં એવું જ કંઈ બન્યું હતું. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ, એની પાછળ લાગુ રહીએ.’ (રૂમી ૧૪:૧૩, ૧૯) કેમ આપણે સુલેહશાંતિ કરાવનાર બનવું જોઈએ? એ હિંમતથી કરવા શું કરવું જોઈએ?
કેમ સુલેહશાંતિ કરવી જોઈએ?
રોડમાં પડેલી તીરાડો રીપેર કરવામાં ન આવે તો, ખાડા પડી જશે. જોખમી બનશે. એ જ રીતે, કોઈ પણ મતભેદો વિષે જલદીથી સુલેહ ન કરીએ તો, મોટી તકલીફો ઊભી થઈ શકે. ઈશ્વરભક્ત યોહાને કહ્યું, “જો કોઈ કહે, કે હું દેવ પર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈ પર દ્વેષ [નફરત] રાખે છે, તો તે જૂઠો છે; કેમકે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી.” (૧ યોહા. ૪:૨૦) કોઈ ભાઈ-બહેન સાથે મતભેદ થાય ને જલદીથી સુલેહશાંતિ કરવામાં ન આવે તો, રાઈનો પહાડ બની જઈ શકે.
એટલે જ ઈસુએ શિષ્યોને શીખવ્યું: “એ માટે જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ [સુલેહશાંતિ] કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.” (માથ. ૫:૨૩, ૨૪) જો કોઈની સાથે તકરાર હોય અને સુલેહશાંતિ ન કરીએ, તો યહોવાહ આપણી ભક્તિ સ્વીકારતા નથી. યહોવાહ સાથેના સંબંધમાં તીરાડ ન પડે, એ માટે આપણે જલદીથી સુલેહશાંતિ કરીએ. *
સુલેહશાંતિ કરવી કેટલી મહત્ત્વની છે, એ ફિલિપી મંડળના એક દાખલામાંથી જોવા મળે છે. મંડળમાં યુઓદિયા અને સુન્તુખે નામની બે બહેનો હતી. તેઓ વચ્ચેના મતભેદને લીધે, આખા મંડળની શાંતિ જોખમમાં હતી. (ફિલિ. ૪:૨, ૩) આપણે જો કોઈની સાથે જલદીથી સુલેહશાંતિ ન કરીએ, તો મંડળમાં બધાને એની અસર થશે. મંડળમાં પ્રેમ અને સંપ જાળવી રાખવા આપણે ઝડપથી પગલાં લેવા જોઈએ.
ઈસુએ કહ્યું, “સલાહ [સુલેહશાંતિ] કરાવનારાઓને ધન્ય છે.” (માથ. ૫:૯) એકબીજા સાથે હળી-મળીને રહેવું, આપણી તંદુરસ્તી માટે પણ સારું છે. બાઇબલ કહે છે: “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” (નીતિ. ૧૪:૩૦) જ્યારે કે મનમાં ગુસ્સો ભરી રાખવાથી તંદુરસ્તી બગડી શકે.
યહોવાહના ભક્તો તરીકે આપણે એકબીજા સાથે સારા સંબંધો રાખવા જોઈએ. પણ જો મતભેદો હોય તો શું કરીએ? ચાલો જોઈએ કે બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરશે.
શાંતિથી વાતચીત કરીએ
રોડ પર પડેલી તીરાડો સહેલાઈથી રીપેર થઈ શકે છે. એ જ રીતે ભાઈ-બહેનોને પ્રેમથી માફ કરીને, આપણા સંબંધોમાં પડેલી તીરાડ સાંધી શકીશું. ઈશ્વરભક્ત પીતરે લખ્યું કે ‘પ્રીતિ ઘણાં પાપને ઢાંકે છે.’—૧ પીત. ૪:૮.
પણ કોઈ વાર એવી મોટી મુશ્કેલી ઊભી થાય કે કંઈક કરવું જ પડે. ચાલો એક દાખલો લઈએ. ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચ્યા. યરદન નદી પાર કરવા પહેલાં, ‘રેઉબેન પુત્રો, ગાદ પુત્રો અને મનાશ્શેહનું અર્ધ કુળે દૂરથી દેખાય એવી મોટી વેદી બાંધી.’ ઈસ્રાએલનાં બીજાં કુળોને લાગ્યું કે એ તો મૂર્તિપૂજા કહેવાય. એટલે તેઓ લડવા તૈયાર થઈ ગયા.—યહો. ૨૨:૯-૧૨.
લડવા તૈયાર થનારાં કુળો માનતા હતા કે પાપનો પુરાવો નજર સામે જ હતો. તેઓએ ધાર્યું કે ચોરીછૂપીથી હુમલો કરે તો, પોતાના બહુ લોકો માર્યા નહિ જાય. તોપણ ઉતાવળે પગલું ભરવાને બદલે, પહેલાં તો તેઓએ માણસો મોકલીને પૂછાવ્યું: ‘તમે ઈસ્રાએલના ઈશ્વરની વિરૂદ્ધ આ કેવો અપરાધ કર્યો છે કે આજ તમે યહોવાહને અનુસરવાનું છોડી દીધું?’ જે કુળોએ વેદી બાંધી, તેઓએ એ આરોપ સાંભળીને શું કર્યું? શું તેઓ પણ લડવા ઊભા થઈ ગયા? શું તેઓએ વાત કરવાની ના પાડી? જરાય નહિ. તેઓએ તો શાંતિથી સમજાવ્યું કે યહોવાહની ભક્તિ કરવા એ વેદી બાંધી છે. પ્રેમથી વાતચીત કરવાથી ગેરસમજ દૂર થઈ. સંબંધો જાળવી રાખ્યા. યહોવાહ સાથેનો તેઓનો નાતો પાકો રહ્યો.—યહો. ૨૨:૧૩-૩૪.
રેઉબેન, ગાદ અને મનાશ્શેહના અર્ધ કુળ સાથે ઈસ્રાએલના બીજાં કુળોએ લડાઈ કરવા પહેલાં, વાતચીત કરી. એનાથી સુલેહશાંતિ થઈ. બાઇબલ કહે છે: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા; કેમકે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” (સભા. ૭:૯) જો કોઈની સાથે ગેરસમજ થઈ હોય કે ખોટું લાગ્યું હોય, તો શાંતિથી એનો ખુલાસો કરી લો. નહિ તો યહોવાહના આશીર્વાદ આપણા પર નહિ રહે.
પણ જો કોઈ આપણા પર ખોટો આરોપ મૂકે તો શું કરીશું? બાઇબલ કહે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.” (નીતિ. ૧૫:૧) જે કુળો પર આરોપ મૂકવામાં આવ્યો, તેઓએ પ્રેમથી અને શાંતિથી વાતનો ખુલાસો કર્યો. એનાથી આરોપ મૂકનારા ઠંડા પડ્યા. એ જ રીતે, કોઈ મુશ્કેલી વિષે વાત કરવા ભેગા થઈએ ત્યારે, પહેલાં વિચારીએ કે ‘કેવાં વાણી-વર્તનથી સારા સંબંધો જળવાઈ રહેશે?’
જીભ પર લગામ રાખીએ
યહોવાહ જાણે છે કે મનદુઃખ થાય ત્યારે આપણે એની વાત તો કરીશું જ. પણ જો જીભ પર લગામ નહિ રાખીએ, તો ચાડી-ચુગલી કરીને કોઈનું નામ બદનામ કરીશું. નીતિવચન ૧૧:૧૧ ચેતવે છે: ‘દુષ્ટનું મોં શહેર તોડી પાડે છે.’ મંડળ એક શહેર જેવું છે. જો જીભ પર લગામ નહિ રાખીએ, તો એકબીજાને તોડી પાડીશું ને મંડળમાં અશાંતિ ફેલાઈ જશે.
જોકે એવું નથી કે ભાઈ-બહેનો વિષે વાત ન કરીએ. પાઊલે કહ્યું, ‘તમારા મુખમાંથી કંઈ કડવાં વચન નહિ, પણ જે સારાં હોય તેજ નીકળે. એનાથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, એકબીજાને ક્ષમા કરો.’ (એફે. ૪:૨૯-૩૨) માનો કે કોઈ ભાઈ તમારા વિષે હંમેશાં સારું બોલતા હોય. પણ એક વાર તેમને ખોટું લાગવાથી, તમારી સાથે વાત કરવા આવે છે. એવા સંજોગોમાં માફી માગીને સુલેહશાંતિ કરવી સહેલી બનશે. એ જ રીતે આપણે પણ હંમેશાં ભાઈ-બહેનો વિષે સારું વિચારીએ, સારું બોલીએ. પછી કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે, એકબીજાને માફ કરવું અઘરું નહિ લાગે.—લુક ૬:૩૧.
‘એકમતે’ ભક્તિ કરીએ
બધાથી ડગલે ને પગલે ભૂલો થાય છે. કોઈ આપણને ખોટું લગાડે ત્યારે, તેઓ સાથે વાત કરવાનું જરાય ન ગમે. પણ આપણે એવું ન કરીએ. (નીતિ. ૧૮:૧) આપણે ‘એકમતે,’ સંપીને ભક્તિ કરીએ.—સફા. ૩:૯.
ઈસુના જમાનાનો વિચાર કરો. તેમણે ધર્મગુરુઓને દોષિત ઠરાવ્યા. ઈસુની કુરબાનીને લીધે જલદી જ મંદિર અને એમાં અપાતાં અર્પણોનો અંત આવવાનો હતો. તોપણ એક ગરીબ વિધવાએ ‘પોતાનું બધું જ’ દાનમાં નાખી દીધું. ઈસુએ તેને રોકી નહિ. એ વિધવાએ જે કર્યું, એના ઈસુએ વખાણ કર્યા. (લુક ૨૧:૧-૪) ભલે લોકો ખરાબ હતા, તોપણ તે વિધવા યહોવાહની ભક્તિને સાથ આપતી રહી.
એ જ રીતે, કોઈના ખરાબ વાણી-વર્તનને લીધે આપણે યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડીએ. જો કોઈ ભાઈ કે બહેન આપણી સાથે ખરાબ રીતે વર્તે, તો આપણે હિંમતથી સુલેહશાંતિ કરી લઈએ. એનાથી મંડળમાં પ્રેમ અને શાંતિ વધશે.
બાઇબલ કહે છે: “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.” (રૂમી ૧૨:૧૮) આપણે એ સલાહ દિલમાં ઉતારીને, યહોવાહના આશીર્વાદ મેળવીએ. (w08 11/15)
[Footnotes]
^ માત્થી ૧૮:૧૫-૧૭માં ઈસુએ આપેલી સલાહ વિષે વધુ જાણવા, ચોકીબુરજ ઑક્ટોબર ૧૫, ૧૯૯૯, પાન ૧૭-૨૨ જુઓ.
[Picture on page 12]
કેવાં વાણી-વર્તનથી સારા સંબંધો જળવાશે?