યહોવાહ ઘરડા ભાઈ-બહેનોને ભૂલશે નહિ
યહોવાહ ઘરડા ભાઈ-બહેનોને ભૂલશે નહિ
‘ઈશ્વર તમારા કામને અને તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને ભૂલે એવા અન્યાયી નથી.’—હેબ્રી ૬:૧૦.
૧, ૨. (ક) મંડળમાં સફેદ વાળવાળા વ્યક્તિ તમને શાની યાદ અપાવે છે? (ખ) યહોવાહને મોટી ઉંમરના ભક્તો વિષે કેવું લાગે છે?
દાનીયેલે લખ્યું કે “હું જોયાં કરતો હતો એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં, ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો; તેનો પોષાક બરફના જેવો શ્વેત, ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા હતા.” (દાની. ૭:૯) શું તમે મંડળમાં કોઈ સફેદ વાળવાળા ભાઈ કે બહેનને જુઓ ત્યારે, આ બનાવ યાદ આવે છે?
૨ એ સંદર્શનમાં ઊન જેવા સફેદ વાળવાળા, “વયોવૃદ્ધ પુરુષ” યહોવાહ પોતે છે. તેમનામાં અપાર જ્ઞાન અને ડહાપણ છે. આપણે તેમને દિલથી માન આપીએ છીએ. શું આપણે મોટી ઉંમરના ભક્તોને પણ દિલથી માન આપીએ છીએ? તેઓ વિષે યહોવાહને કેવું લાગે છે? તે કહે છે, “માથે પળિયાં [ધોળા વાળ] એ ગૌરવનો તાજ છે; સાચને રસ્તે ચાલનારને એ મળે છે.” (સુભાષિતો [નીતિ.] ૧૬:૩૧, સંપૂર્ણ) આ બતાવે છે કે વૃદ્ધ ભાઈ-બહેનો યહોવાહને ઘણા વહાલા છે.
તેઓ આપણને વહાલા છે
૩. ઘરડા ભાઈ-બહેનો કેમ આપણને બધાને વહાલા છે?
૩ ઘણા ઘરડા ભાઈ-બહેનો વર્ષોથી યહોવાહની દિલથી ભક્તિ કરી રહ્યા છે. અમુક ભાઈઓ ગવર્નિંગ બોડીમાં છે. કેટલાક ભાઈ-બહેનોએ સરકીટ કે ડિસ્ટ્રીક્ટ ઓવરસીયર તરીકે સેવા આપી છે. ઘણાએ પાયોનિયરીંગ કર્યું છે કે વર્ષોથી પ્રચાર કર્યો છે. અમુકને તમે પોતે ઓળખતા હશો. કેટલાકના દાખલાથી યુવાનોને પણ વધારે સેવા કરવાનું ઉત્તેજન મળ્યું છે. ઘણા ભાઈઓએ મંડળમાં ભારે જવાબદારીઓ ઉપાડી છે. ઘણાએ સત્યને લીધે સતાવણી સહી છે. એ બધાએ જે કંઈ કર્યું છે, એની યહોવાહ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ખૂબ કદર કરે છે.—માથ. ૨૪:૪૫.
૪. ઘરડા ભાઈ-બહેનોને માન આપવા વિષે બાઇબલ શું કહે છે?
૪ આપણે પણ મોટી ઉંમરના ભાઈ-બહેનોને માન આપીએ. તેઓની કદર કરીએ. તેઓ માટે પ્રાર્થના કરીએ. મુસાને આપેલા નિયમ પ્રમાણે જેઓ યહોવાહનો ડર રાખતા, તેઓ ઘરડા લોકોની કદર કરતા. (લેવી. ૧૯:૩૨) ઈશ્વરભક્ત પાઊલે પણ નાના-મોટા બધા માટે પ્રાર્થના કરી.—૧ થેસ્સાલોનીકી ૧:૨, ૩ વાંચો.
૫. મોટી ઉંમરના સાથે હળવા-મળવાથી શું ફાયદો થશે?
૫ વૃદ્ધ ભાઈ-બહેનો યહોવાહની ભક્તિમાં ઘણું શીખ્યા છે. તેઓને ઘણો અનુભવ છે. તેઓએ ધીરજ, હમદર્દી જેવા ગુણો કેળવ્યા છે. યુવાનિયાઓને શીખવવાનું તેઓને ગમે છે. (ગીત. ૭૧:૧૮) જેમ કૂવામાં ઘણું પાણી હોય છે, તેમ ઘરડા ભાઈ-બહેનોનું જીવન અનુભવોથી ભરપૂર હોય છે. આપણે એનો લાભ ઉઠાવીએ.—નીતિ. ૨૦:૫.
૬. વૃદ્ધ ભાઈ-બહેનોની કદર કઈ રીતે કરી શકીએ?
૬ મોટી ઉંમરના ભક્તો યહોવાહની નજરમાં અમૂલ્ય છે. આપણે તેઓની કદર કઈ રીતે કરી શકીએ? તેઓને જણાવીએ કે તેઓ આપણને કેટલા વહાલા છે. તેઓની અતૂટ શ્રદ્ધા માટે શાબાશી આપીએ. તેઓના કહેવા પ્રમાણે કરીએ. ઘણા વૃદ્ધ ભાઈ-બહેનોને હજુ પણ યાદ છે કે યુવાનીમાં બીજા ઘરડા ભાઈ-બહેનોએ કેવી સલાહ આપી હતી, એનાથી શું ફાયદો થયો હતો. *
તેઓને પ્રેમ બતાવીએ
૭. યહોવાહે ઘરડાં માબાપની સંભાળ રાખવાનું કોને સોંપ્યું છે?
૭ યહોવાહે દરેક કુટુંબને પોતાનાં ઘરડાં માબાપ, દાદા-દાદીની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. (૧ તીમોથી ૫:૪, ૮ વાંચો.) ખરું કે એમ કરવું સહેલું નથી. પણ એનાથી કુટુંબ તેઓને પ્રેમ બતાવે છે. યહોવાહ આવાં કુટુંબોને સાથ આપશે. તેઓને આશીર્વાદ આપશે. *
૮. મંડળે કેમ ઘરડા ભાઈ-બહેનોની સંભાળ રાખવી જોઈએ?
૮ આપણા મંડળમાં કદાચ એવા ઘરડા ભાઈ-બહેન હોય, જેઓનું કુટુંબ યહોવાહને ભજતું ન હોય. અથવા તો તેમની સંભાળ રાખવા તૈયાર ન હોય. તેઓની સંભાળ મંડળ રાખે ત્યારે, યહોવાહને ખૂબ જ આનંદ થાય છે. (૧ તીમો. ૫:૩, ૫, ૯, ૧૦) પાઊલે કહ્યું કે મંડળ એક શરીર જેવું છે. જો એક ભાગ દુઃખે તો “સર્વ અવયવો દુઃખી થાય.” (૧ કોરીં. ૧૨:૨૬) આમ આપણે એકબીજાના “સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ” બનીએ છીએ. (૧ પીત. ૩:૮) આ સલાહ પાળીએ છીએ: “તમે એકબીજાના ભાર ઊંચકો, અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો.”—ગલા. ૬:૨.
૯. ઘડપણમાં કેવી કેવી મુશ્કેલીઓ સહેવી પડે છે?
૯ ઘરડા ભાઈ-બહેનો કેવી કેવી મુશ્કેલીઓનો ભાર સહે છે? ઘણાને થાક લાગે છે. ઘણાને અમુક કામ કરતા તકલીફ પડે છે. જેમ કે ડૉક્ટર પાસે જવું, રસોઈ કરવી, સાફસૂફી કરવી, બીલ ભરવા, ફોર્મ ભરવા વગેરે. ઉંમર વધતા તેઓ પૂરતું ખાતા-પીતા નથી. તેમ જ, આંખે ઓછું દેખાય છે. કાને ઓછું સંભળાય છે. બાઇબલ સ્ટડી કરવી, મિટિંગમાં સાંભળવું મુશ્કેલ બને છે. અરે મિટિંગમાં જવા પણ માંડ માંડ તૈયાર થઈ શકે છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?
તેઓને મદદ કરવાની અમુક રીતો
૧૦. ઘરડા ભાઈ-બહેનોને જોઈતી મદદ મળે માટે વડીલો શું કરી શકે?
૧૦ મંડળમાં વૃદ્ધ ભાઈ-બહેનોની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. ભાઈ-બહેનો તેઓને શોપીંગ કરવા, રસોઈ કરવા, સાફસૂફી કરવા, સ્ટડી કરવા પણ મદદ કરે છે. * તેઓને તૈયાર કરીને મિટિંગ-પ્રચારમાં લઈ જાય છે. યુવાનો પણ આમાં મદદ કરે છે. જોકે અમુક ઘરડા ભાઈ-બહેનો ઘર-બહાર નીકળી જ શકતા નથી. એટલે વડીલો બને એટલી ગોઠવણ કરશે, જેથી તેઓ મિટિંગનો પ્રોગ્રામ ટેલિફોન પર સાંભળી શકે. ક્યાં તો એનું રેકોર્ડિંગ સાંભળી શકે.
૧૧. એક કુટુંબે વૃદ્ધ ભાઈને કઈ રીતે મદદ કરી?
૧૧ મંડળના દરેક જણ ઘરડા ભાઈ-બહેનોને અનેક રીતે મદદ કરી શકે. એક વૃદ્ધ પતિ-પત્નીનો અનુભવ લઈએ. તેઓએ એક કુટુંબ સાથે સ્ટડી કરી. એ કુટુંબમાં પતિ-પત્ની અને બે યુવાન દીકરીઓ હતી. તેઓ બધાય યહોવાહના ભક્તો બન્યા. સમય જતાં, વૃદ્ધ ભાઈની પત્ની ગુજરી ગયાં. તે ભાઈ હવે ફક્ત તેમના પેન્શનથી ઘરનું ભાડું ચૂકવી શકતા ન હતા. એટલે પેલા કુટુંબે વૃદ્ધ ભાઈને પોતાના ઘરે રાખ્યા. રહેવા માટે બે રૂમ આપી. ખાવા-પીવા કે કોઈ પણ રીતે તેમને ખોટ આવવા ન દીધી. તેઓએ ભાઈને કુટુંબ જેવો પ્રેમ આપ્યો. કુટુંબને એ ભાઈના અનુભવ અને શ્રદ્ધામાંથી ઘણું શીખવા મળ્યું. એ માટે તેઓ યહોવાહનો આભાર માને છે. તે ભાઈ ૮૯ વર્ષના થયા ત્યારે ગુજરી ગયા. પંદર વર્ષ સુધી એ કુટુંબે ભાઈની સંભાળ રાખી. બાઇબલ કહે છે કે એવા ઈશ્વરભક્તોની મદદ કરનાર “તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.”—માથ. ૧૦:૪૨. *
૧૨. વૃદ્ધ ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા શું કરવું જોઈએ?
૧૨ કદાચ આપણે આ કુટુંબની જેમ ન પણ કરી શકીએ. તોપણ બીજી અનેક રીતે મદદ કરી શકીએ. જેમ કે, ઘરડા ભાઈ-બહેનોને મિટિંગ-પ્રચારમાં આવવા-જવા મદદ કરીએ. ચા-પાણી માટે બોલાવીએ. ફરવા લઈ જઈએ. ખાસ કરીને તેઓ બીમાર હોય કે ઘર-બહાર નીકળી નહિ શકતા હોય ત્યારે જરૂર મળવા જઈએ. તેઓ સાથે માનથી, પ્રેમભાવથી વાત કરીએ. સમજી શકતા હોય ત્યાં સુધી તેમને લગતા કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, તેઓ સાથે વાત કરીએ. અરે તેઓ સમજી ન શકતા હોય તોપણ, પ્રેમથી વર્તીએ.
યહોવાહ તમારાં કામ ભૂલશે નહિ
૧૩. આપણે કેમ વૃદ્ધ ભાઈ-બહેનોની લાગણી સમજવી જોઈએ?
૧૩ આપણે વૃદ્ધ ભાઈ-બહેનોની લાગણી સમજવાની જરૂર છે. તેઓ પહેલાંના જેટલું કરી શકતા નથી, એટલે મનમાં ને મનમાં દુઃખી થાય છે. એક બહેન પચાસ વર્ષથી યહોવાહના ભક્ત છે. એક જમાનામાં તે પાયોનિયર પણ હતાં. હવે તેમને એવી બીમારી થઈ છે, જે દિવસે દિવસે નબળા બનાવે છે. તે માંડ માંડ મિટિંગમાં જઈ શકે છે. તે કહે છે કે ‘પહેલાંની જેમ હું હવે કંઈ કરી શકતી નથી. હું કંઈ જ કામની નથી.’ એટલું કહેતા તેમની આંખો છલકાવા લાગી.
૧૪. બાઇબલ મોટી ઉંમરના ભક્તોને કયું ઉત્તેજન આપે છે?
૧૪ કદાચ તમને પણ એવું થાય. એવું પણ લાગે કે હવે યહોવાહ તમને ભૂલી ગયા છે. એક ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી: ‘વૃદ્ધ થાઉં ત્યારે મને તજી ન દે; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર. હે ઈશ્વર, હું ઘરડો થાઉં ત્યારે પણ તું મને મૂકી દેતો નહિ.’ (ગીત. ૭૧:૯, ૧૮) દાઊદને પણ અતૂટ ભરોસો હતો કે યહોવાહ તેમને કદી છોડી દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૬૮:૧૯ વાંચો.) તમે પણ પૂરો ભરોસો રાખી શકો કે યહોવાહ તમને રોજ સાથ આપશે. ઘડપણમાં પણ તે તમને છોડી દેશે નહિ.
૧૫. ઘરડા ભાઈ-બહેનોને કેવા વિચારો મદદ કરશે?
૧૫ પ્યારા ઘરડા ભાઈ-બહેનો, તમારી ભક્તિ યહોવાહ કદી ભૂલશે નહિ. બાઇબલ કહે છે, ‘ઈશ્વર તમારા કામને અને તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, તેને ભૂલે એવા અન્યાયી નથી.’ (હેબ્રી ૬:૧૦) એવું ન વિચારો કે હવે તમે યહોવાહની નજરમાં નકામા છો. એવા વિચારો તમને નિરાશ કરશે. એને બદલે, ઉત્તેજન આપતા વિચારોથી દિલ ભરી દો. મન અને દિલથી યુવાન રહો. ભૂલશો નહિ કે મંડળમાં તમે અમૂલ્ય છો. હજુ તમે ઘણું કરી શકો છો. * તમને મળેલા આશીર્વાદો યાદ કરો. આવનાર આશીર્વાદો પર મનન કરો. એ આશીર્વાદો યહોવાહની ગૅરંટી છે.—યિર્મે. ૨૯:૧૧, ૧૨; પ્રે.કૃ. ૧૭:૩૧; ૧ તીમો. ૬:૧૯.
૧૬. એક દાદાને જવાબદારી ઉપાડવા વિષે કેવું લાગ્યું? વડીલોએ તેમને કેવું ઉત્તેજન આપ્યું?
૧૬ એક દાદા-દાદીનો વિચાર કરો. ૮૦ વર્ષના દાદા મંડળમાં વડીલ છે. તોયે તે રાત-દિવસ અપંગ દાદીની પ્રેમથી સંભાળ રાખે છે. મંડળની બહેનો પણ દાદીની સંભાળ રાખે છે. આ રીતે દાદા પ્રચાર-મિટિંગમાં જઈ શકે છે. થોડા ટાઈમ પહેલાં, તે હિંમત હારી ગયા. તેમણે બીજા વડીલોને કહ્યું, ‘મંડળમાં હું બહુ કંઈ કરી શકતો નથી. તો પછી વડીલ રહીને શું કરું?’ એટલું બોલતા બોલતા તેમની આંખો ભરાઈ આવી. ભાઈઓએ કહ્યું કે ‘તમારો અનુભવ અને સમજણ અમારા માટે બહુ જ કીમતી છે.’ એનાથી દાદાને બહુ ઉત્તેજન મળ્યું. મંડળને પણ એનો ઘણો લાભ થયો.
યહોવાહ કદી ભૂલશે નહિ
૧૭. ઘરડા ભાઈ-બહેનો વિષે બાઇબલ શું કહે છે?
૧૭ ઘડપણમાં બધાને દુઃખ-તકલીફ આવે છે. તોયે તેઓ યહોવાહની ભક્તિમાં બનતું બધું કરે છે. એક ઈશ્વરભક્તે કહ્યું, ‘જેઓને યહોવાહના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.’ (ગીત. ૯૨:૧૩, ૧૪) ઈશ્વરભક્ત પાઊલે પણ દુઃખ-તકલીફો સહી. છતાં તે ‘નાહિંમત થયા નહિ.’—૨ કોરીંથી ૪:૧૬-૧૮ વાંચો.
૧૮. મોટી ઉંમરના ભક્તો અને તેઓની સંભાળ રાખનારાને કેમ મદદ કરવી જોઈએ?
૧૮ આજે મોટી ઉંમરના ઘણા ભક્તો પોતાની શક્તિ પ્રમાણે યહોવાહને ભજે છે. ઘડપણમાં એ સહેલું નથી. ભલે કુટુંબ પ્રેમથી તેઓની સંભાળ રાખે, છતાંયે સંભાળ રાખનારને પણ મદદની જરૂર છે. તેઓનો અને ઘરડા ભાઈ-બહેનોનો વિચાર કરીએ. (ગલા. ૬:૧૦) ફક્ત એટલું જ કહેવું પૂરતું નથી કે “તાપો, અને તૃપ્ત થાઓ.” પણ સંજોગ પ્રમાણે મદદ કરીને, મંડળ ખરો પ્રેમ બતાવે છે.—યાકૂ. ૨:૧૫-૧૭.
૧૯. વૃદ્ધ ભાઈ-બહેનોએ શું ન ભૂલવું જોઈએ?
૧૯ પ્યારા ઘરડા ભાઈ-બહેનો, તમને યહોવાહ કદી ભૂલશે નહિ. તમે તેમની નજરમાં અમૂલ્ય છો. (ગીત. ૩૭:૨૮; યશા. ૪૬:૪) યહોવાહ તમને સાથ આપશે અને ટકાવી રાખશે.—ગીત. ૪૮:૧૪. (w 08 8/15)
[Footnotes]
^ જૂન ૧, ૨૦૦૭ ચોકીબુરજનો આ લેખ જુઓ: “તમે ઘડપણમાં પણ યુવાનો માટે આશીર્વાદ છો.”
^ ફેબ્રુઆરી ૮, ૧૯૯૪નું અવૅક! પાન ૩-૧૦ અને જુલાઈ ૮, ૧૯૯૫નું સજાગ બનો! પાન ૩-૧૧ જુઓ.
^ અમુક દેશોમાં ઘરડા લોકોને સરકાર મદદ કરે છે. આપણા ભાઈ-બહેનોને એનો લાભ લેવા, વડીલો મદદ કરી શકે. યહોવાહ બીજી કઈ કઈ રીતે તેઓની સંભાળ રાખે છે, એના વિષે જૂન ૧, ૨૦૦૬, વૉચટાવર જુઓ.
^ સપ્ટેમ્બર ૧, ૨૦૦૩ના ચોકીબુરજમાં આ લેખ જુઓ: “યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખે છે.”
^ ઘડપણમાં પણ યહોવાહની ભક્તિ માટે ઉત્તેજન આપતો લેખ વૉચટાવર માર્ચ ૧૫, ૧૯૯૩માં અને “યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી” લેખ મે ૧૫, ૨૦૦૪ના ચોકીબુરજ માં જુઓ.
આપણે શું શીખ્યા?
• મોટી ઉંમરના ભાઈ-બહેનો તમને કેમ વહાલા છે?
• વૃદ્ધ ભાઈ-બહેનોને કઈ રીતે પ્રેમ બતાવીએ?
• ઘરડા ભાઈ-બહેનો પોતે શું કરી શકે?
[Study Questions]