સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પિતા યહોવા કઈ રીતોએ આપણને પ્રેમ બતાવે છે?

પિતા યહોવા કઈ રીતોએ આપણને પ્રેમ બતાવે છે?

“જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે.”—૧ યોહા. ૩:૧.

ગીતો: ૨૦ (162), ૫ (45)

૧. યોહાને શાના પર મનન કરવાનું ઉત્તેજન આપ્યું અને શા માટે?

પ્રેરિત યોહાને યહોવાના મહાન પ્રેમ પર મનન કરવાનું ઉત્તેજન આપ્યું હતું. પહેલો યોહાન ૩:૧માં તેમણે જણાવ્યું, “જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે.” યહોવાએ આપણને અલગ અલગ રીતે અને અઢળક પ્રમાણમાં પ્રેમ બતાવ્યો છે. એના પર મનન કરવાથી તેમની સાથે આપણો સંબંધ ગાઢ બને છે અને તેમને વધુ પ્રેમ કરવા આપણે પ્રેરાઈએ છીએ.

૨. અમુક લોકો કેમ સમજી નથી શકતા કે ઈશ્વર તેઓને પ્રેમ કરી શકે?

અમુક લોકો સમજી નથી શકતા કે ઈશ્વર તેઓને કઈ રીતે પ્રેમ કરી શકે. એ કેટલાં દુઃખની વાત છે! તેઓને લાગે છે કે ઈશ્વરને લોકોની કંઈ પડી નથી. તેઓ કદાચ માને છે કે ઈશ્વર ફક્ત નિયમો બનાવે છે અને તેમને આધીન નહિ રહેનારને સજા આપે છે. દુનિયામાં ફેલાયેલાં જૂઠાં શિક્ષણને લીધે, કેટલાક માને છે કે ઈશ્વર ખૂબ ક્રૂર છે અને તેમને પ્રેમ કરવો અશક્ય છે. જ્યારે કે અમુકનું માનવું છે કે લોકો ગમે તે કરે તોપણ ઈશ્વર તેઓને પ્રેમ કરશે. પરંતુ, બાઇબલમાંથી અભ્યાસ કરીને તમે યહોવા વિશેનું સત્ય જાણ્યું છે. એના લીધે તમે જાણો છો કે યહોવાનો સૌથી આગવો ગુણ પ્રેમ છે. તેમજ, તમારા માટે તેમણે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપ્યું છે. (યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૮) છતાં, જીવનના કડવા અનુભવોને લીધે, તમારા માટે એ સમજવું અઘરું બની શકે કે યહોવા તમને કેટલો બધો પ્રેમ કરે છે.

૩. યહોવાનો પ્રેમ સમજવા આપણને શામાંથી મદદ મળશે?

યહોવાના પ્રેમને સમજવા સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે તે આપણા સરજનહાર છે. તેમણે આપણને જીવન આપ્યું છે. (ગીતશાસ્ત્ર ૧૦૦:૩-૫ વાંચો.) એટલે જ, સૌથી પ્રથમ માનવ, આદમને બાઇબલમાં “ઈશ્વરનો દીકરો” કહેવામાં આવ્યો છે. (લુક ૩:૩૮) ઉપરાંત, ઈસુએ શીખવ્યું કે આપણે યહોવાને ‘આકાશમાંના અમારા પિતા’ કહીને બોલાવવા જોઈએ. (માથ. ૬:૯) હા, યહોવા આપણા પિતા છે. જેમ એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોને ચાહે છે, તેમ યહોવા આપણને ખૂબ ચાહે છે.

૪. (ક) યહોવા કેવા પિતા છે? (ખ) આ અને આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

અમુક લોકો માટે એમ માનવું ખૂબ મુશ્કેલ છે કે પિતા પ્રેમાળ હોય શકે. બની શકે કે તેઓ નાનપણમાં પોતાના પિતાની ક્રૂરતાનો ભોગ બન્યા છે અને એ દુઃખદ યાદો હજીયે ભૂલાવી શકતા નથી. પરંતુ, યહોવા ક્યારેય પોતાનાં બાળકો સાથે એમ નહિ કરે. તેમના જેવા પિતા મળવા અશક્ય છે! (ગીત. ૨૭:૧૦) તે આપણને ખૂબ ચાહે છે અને ઘણી બધી રીતે આપણી કાળજી લે છે. યહોવાના પ્રેમને આપણે જેટલો વધારે સમજીશું, એટલો વધારે આપણે તેમને પ્રેમ કરીશું. (યાકૂ. ૪:૮) આ લેખમાં આપણે એવી ચાર રીતોની ચર્ચા કરીશું, જેના દ્વારા યહોવા આપણને પ્રેમ બતાવે છે. આવતા લેખમાં આપણે એવી ચાર રીતો જોઈશું, જેના દ્વારા આપણે યહોવા માટે પ્રેમ બતાવી શકીએ.

યહોવા પ્રેમાળ અને ઉદાર છે

૫. યહોવાએ બધા લોકોને શું આપ્યું છે?

એક વાર પ્રેરિત પાઊલ ગ્રીસના એથેન્સ શહેરમાં હતા. ત્યાં તેમણે ઘણી મૂર્તિઓ જોઈ. ત્યાંના લોકો માનતા હતા કે તેઓના દેવોએ તેઓને જીવન આપ્યું છે. એટલે, પાઊલે તેઓને સાચા ઈશ્વર વિશે જણાવ્યું, જેમણે ‘જગત અને એમાંનું સઘળું ઉત્પન્ન કર્યું છે.’ એ લોકોને તેમણે કહ્યું: ‘જીવન, શ્વાસ અને સર્વ વસ્તુઓ ઈશ્વર પોતે સર્વને આપે છે અને તેમના લીધે આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ.’ (પ્રે.કૃ. ૧૭:૨૪, ૨૫, ૨૮) જીવન જીવવા અને એનો આનંદ માણવા યહોવા દરેક જરૂરી બાબતો પૂરી પાડે છે. પ્રેમથી પ્રેરાઈને તેમણે આપણને જે આશીર્વાદો આપ્યા છે એનો વિચાર કરો.

૬. યહોવાએ આપણને રહેવા માટે કેવું ઘર આપ્યું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

દાખલા તરીકે, યહોવાએ આપણને રહેવા માટે સુંદર પૃથ્વી આપી છે. (ગીત. ૧૧૫:૧૫, ૧૬) તેમણે બનાવેલા બધા ગ્રહોમાં પૃથ્વી સૌથી અજોડ છે. વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં ઘણી શોધખોળ કરી છે અને ઘણા ગ્રહો શોધી કાઢ્યા છે. પરંતુ, આજ સુધી તેઓને એવો એક પણ ગ્રહ મળ્યો નથી, જ્યાં મનુષ્યોનું જીવન શક્ય હોય. જ્યારે કે પૃથ્વીની રચના યહોવાએ અદ્ભુત રીતે કરી છે. પૃથ્વી પર મનુષ્યોનું જીવન શક્ય છે એટલું જ નહિ, તેઓ એમાં જીવનનો આનંદ પણ માણી શકે છે. તેમણે પૃથ્વીને સુંદર, આરામદાયક અને સુરક્ષિત ઘર જેવી બનાવી છે. (યશા. ૪૫:૧૮) યહોવા પિતાએ આપેલા એ ઘરનો વિચાર કરીએ છીએ ત્યારે, આપણા માટે તેમનો અપાર પ્રેમ દેખાઈ આવે છે.—અયૂબ ૩૮:૪, ૭; ગીતશાસ્ત્ર ૮:૩-૫ વાંચો.

૭. આપણી રચનામાં કઈ રીતે યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે?

આપણી રચનામાં પણ યહોવાનો અપાર પ્રેમ દેખાઈ આવે છે. આપણે તેમને અનુસરી શકીએ એવી ક્ષમતા તેમણે આપણમાં મૂકી છે. (ઉત. ૧:૨૭) એટલે જ આપણે તેમનો પ્રેમ અનુભવી શકીએ છીએ અને તેમના માટે આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ. તેમને ખબર છે કે એનાથી જ આપણને સાચી ખુશી મળે છે. એમ પણ, જ્યારે બાળકો માતા-પિતાના પ્રેમનો અનુભવ કરે છે, ત્યારે તેઓનું દિલ ખુશીથી છલકાઈ ઊઠે છે. ઉપરાંત, યાદ કરો ઈસુએ શું કહ્યું હતું? તેમણે જણાવ્યું હતું કે “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.” ઈસુ કહેવા માંગતા હતા કે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવામાં ખરેખરું સુખ રહેલું છે. (માથ. ૫:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાએ આપણા ‘આનંદ માટે ઉદારતાથી સર્વ આપ્યું છે.’ ખરેખર, યહોવા ખૂબ જ પ્રેમાળ અને ઉદાર છે!—૧ તીમો. ૬:૧૭; ગીત. ૧૪૫:૧૬.

યહોવા આપણને સત્ય શીખવે છે

૮. યહોવા આપણને માર્ગદર્શન આપે એવું આપણે શા માટે ચાહીએ છીએ?

એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોનું રક્ષણ કરે છે. તે બાળકોને ખોટા માર્ગે જવાથી અને છેતરાઈ જવાથી બચાવે છે. પરંતુ, ઘણાં માબાપ બાઇબલમાં આપેલાં ખરાં-ખોટાંનાં ધોરણોને સ્વીકારતાં નથી. એટલે જ, તેઓ પોતાનાં બાળકોને સારું માર્ગદર્શન આપી શકતાં નથી. પરિણામે, બાળકો દુઃખી થાય છે અને મૂંઝવણમાં મુકાય છે. (નીતિ. ૧૪:૧૨) જ્યારે કે, યહોવા પોતાનાં બાળકોને સૌથી સારું માર્ગદર્શન આપે છે. કારણ કે તે પોતે “સત્યના ઈશ્વર” છે. (ગીત. ૩૧:૫) પોતાના વિશેનું સત્ય અને તેમની ઉપાસના કરવાની રીત શીખવવામાં તેમને ખુશી થાય છે. તે આપણને જીવનના સૌથી સારા માર્ગ પર દોરે છે. (ગીતશાસ્ત્ર ૪૩:૩ વાંચો.) પણ, સવાલ થાય કે એ કયું સત્ય છે, જે શીખવીને યહોવા આપણા પર પ્રેમ બતાવે છે?

યહોવાને અનુસરીને પ્રેમાળ પિતાઓ, પોતાનાં બાળકોને સત્ય શીખવે છે અને યહોવા સાથે તેઓનો સંબંધ ગાઢ બનાવવા મદદ કરે છે (ફકરા ૮-૧૦ જુઓ)

૯, ૧૦. (ક) શા માટે યહોવાએ પોતાના વિશે આપણને જણાવ્યું છે? (ખ) આપણા માટે યહોવાનો જે હેતુ છે એ વિશે તેમણે આપણને શું જણાવ્યું છે?

સૌ પ્રથમ તો યહોવાએ આપણને પોતાના વિશે જણાવ્યું છે. તે ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ. (યાકૂ. ૪:૮) એટલે, તેમણે આપણને પોતાનું નામ જણાવ્યું છે. અરે, બાઇબલમાં સૌથી વધારે વખત તેમના નામનો ઉલ્લેખ થયો છે! યહોવા આપણને જણાવે છે કે તે કેવા છે. તેમણે રચેલી સૃષ્ટિ નિહાળવાથી પણ આપણને તેમની શક્તિ અને બુદ્ધિ વિશે શીખવા મળે છે. (રોમ. ૧:૨૦) તેમજ, બાઇબલ વાંચવાથી આપણે જાણી શકીએ છીએ કે તે કેટલા પ્રેમાળ અને ન્યાયી ઈશ્વર છે. આપણા પિતા યહોવાના સુંદર ગુણો વિશે શીખતા રહીશું તેમ, આપણે તેમની નજીક જવા પ્રેરાઈશું.

૧૦ યહોવા આપણને તેમના હેતુ વિશે પણ શીખવે છે. તે જણાવે છે કે આપણે તેમના કુટુંબનો ભાગ છીએ. આપણે તેમના કુટુંબમાં દરેક સાથે એકતા અને શાંતિ જાળવવા શું કરવું જોઈએ એ વિશે પણ તે સમજાવે છે. ઉપરાંત, બાઇબલમાં યહોવાએ સાફ જણાવ્યું છે કે મનુષ્યોને પોતાના માટે ખરું-ખોટું નક્કી કરવાનો હક્ક આપવામાં આવ્યો નથી. (યિર્મે. ૧૦:૨૩) ફક્ત યહોવા જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. તેમનો અધિકાર સ્વીકારવાથી અને તેમનું કહ્યું માનવાથી જ આપણે સુખી થઈશું. આ મહત્ત્વનું સત્ય યહોવાએ આપણને એટલા માટે શીખવ્યું છે, કારણ કે તે આપણને પ્રેમ કરે છે.

૧૧. યહોવાએ કઈ રીતે બતાવ્યું છે કે તેમને આપણી ઘણી ચિંતા છે?

૧૧ એક પ્રેમાળ પિતાને બાળકોનાં ભાવિની ઘણી ચિંતા હોય છે. તે પોતાનાં બાળકો માટે સુખી અને સંતોષભર્યું જીવન ચાહે છે. જોકે, આજે મોટા ભાગના લોકો પોતાના ભાવિને લઈને ઘણા તણાવમાં રહે છે. અથવા એવી બાબતો પાછળ જીવન બરબાદ કરે છે, જે ક્ષણિક છે. એ કેટલાં દુઃખની વાત છે! (ગીત. ૯૦:૧૦) જ્યારે કે યહોવા પિતાએ આપણને જીવન સુખી બનાવવાની ચાવી આપી છે. એટલું જ નહિ, તેમણે એક સુંદર ભાવિનું વચન પણ આપ્યું છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!

યહોવા માર્ગદર્શન અને શિસ્ત આપે છે

૧૨. યહોવાએ કાઈનને અને બારૂખને કઈ રીતે મદદ આપી?

૧૨ જ્યારે યહોવાએ જોયું કે કાઈન પાપ કરી બેસવાના જોખમમાં છે, ત્યારે યહોવાએ તેને મદદ કરવાની કોશિશ કરી. તેમણે કાઈનને પૂછ્યું, ‘તને કેમ ગુસ્સો ચઢ્યો છે? અને તારું મોં કેમ ઊતરી ગયું છે? જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું?’ (ઉત. ૪:૬, ૭) કાઈને યહોવાની મદદ સ્વીકારી નહિ અને એનાં ખરાબ પરિણામો તેને ભોગવવાં પડ્યાં. (ઉત. ૪:૧૧-૧૩) બારૂખનો વિચાર કરો. યહોવાએ જોયું કે તેનું ખોટું વલણ તેને નિરાશ અને નિરુત્સાહ કરી રહ્યું છે. તેથી, યહોવાએ બારૂખને જણાવ્યું કે તેણે પોતાનું વલણ સુધારવાની જરૂર છે. બારૂખે યહોવાની મદદ સ્વીકારી અને તેનું જીવન બચી ગયું.—યિર્મે. ૪૫:૨-૫.

૧૩. યહોવાના વફાદાર ભક્તો કસોટીમાંથી શું શીખી શક્યા?

૧૩ યહોવા આપણને પ્રેમ કરે છે એટલે જ તે આપણને માર્ગદર્શન અને શિસ્ત આપે છે. તે આપણામાં જરૂરી સુધારો કરવા માટે મદદની સાથે સાથે તાલીમ પણ આપે છે. (હિબ્રૂ ૧૨:૬) બાઇબલમાં એવા વફાદાર ભક્તોનાં ઉદાહરણ જોવાં મળે છે, જેઓને વધુ સારી વ્યક્તિ બનવા યહોવાએ તાલીમ આપી હતી. જેમ કે, યુસફ, મુસા અને દાઊદ. તેઓ અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે, યહોવાએ તેઓને સાથ આપ્યો. તેઓ એ મુશ્કેલીઓ દરમિયાન ઘણું શીખી શક્યા અને તાલીમ મેળવી. આમ, યહોવા તરફથી મળતી વધુ જવાબદારીઓ ઉપાડવા તેઓ તૈયાર થયા. આપણે બાઇબલ અહેવાલો પરથી જોઈ શકીએ કે યહોવા પોતાના ભક્તોને કઈ રીતે મદદ અને તાલીમ આપે છે. એ અહેવાલો વાંચવાથી આપણને ખાતરી થશે કે તે ખરેખર આપણને પ્રેમ કરે છે.—નીતિવચનો ૩:૧૧, ૧૨ વાંચો.

૧૪. આપણાથી ભૂલ થઈ જાય છે ત્યારે યહોવા કઈ રીતે પ્રેમ બતાવે છે?

૧૪ આપણાથી કોઈ ભૂલ થઈ જાય તોપણ યહોવા આપણને પ્રેમ બતાવતા રહે છે. તેમની શિસ્ત સ્વીકારીને જો આપણે પસ્તાવો કરીએ, તો “તે સંપૂર્ણ ક્ષમા કરશે.” (યશા. ૫૫:૭) એનો શો અર્થ થાય? યહોવા માફી આપવા તૈયાર રહે છે. દાઊદના શબ્દો પરથી સાફ દેખાઈ આવે છે કે આપણા પિતા યહોવા કેટલા દયાળુ છે. દાઊદે લખ્યું: “તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે.” (ગીત. ૧૦૩:૩, ૪, ૧૨) યહોવા આપણને અલગ અલગ રીતે શિસ્ત અને માર્ગદર્શન આપે છે. શું તમે એને તરત સ્વીકારો છો? હંમેશાં યાદ રાખો કે યહોવા પ્રેમને લીધે આપણને શિસ્ત આપે છે.—ગીત. ૩૦:૫.

યહોવા આપણું રક્ષણ કરે છે

૧૫. શું બતાવે છે કે યહોવા આપણને કીમતી ગણે છે?

૧૫ એક પ્રેમાળ પિતા પોતાના કુટુંબને દરેક જોખમોથી બચાવે છે. આપણા પ્રેમાળ પિતા યહોવા પણ એવું જ કરે છે. એક ઈશ્વરભક્તે યહોવા વિશે કહ્યું, “તે પોતાના ભક્તોના આત્માઓનું [“જીવોનું,” NW] રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.” (ગીત. ૯૭:૧૦) હવે જરા આનો વિચાર કરો: તમારા માટે તમારી આંખો ખૂબ કીમતી છે, ખરું ને? એનું રક્ષણ કરવા તમે તરત જ પગલાં ભરશો. એવી જ રીતે, યહોવા માટે તેમના લોકો ખૂબ કીમતી છે. એટલા માટે તેઓનું રક્ષણ કરવા તે તરત જ પગલાં ભરે છે.—ઝખાર્યા ૨:૮ વાંચો.

૧૬, ૧૭. યહોવાએ અગાઉના ભક્તોનું રક્ષણ કઈ રીતે કર્યું છે? આજે તે પોતાના ભક્તોનું રક્ષણ કઈ રીતે કરે છે?

૧૬ યહોવા પોતાના લોકોનું રક્ષણ કરવા દૂતોનો પણ ઉપયોગ કરે છે. (ગીત. ૯૧:૧૧) એક સ્વર્ગદૂતે ઈશ્વરના લોકોને બચાવવા એક જ રાતમાં આશ્શૂરના ૧ લાખ ૮૫ હજાર સૈનિકોનો નાશ કર્યો. (૨ રાજા. ૧૯:૩૫) પ્રથમ સદીમાં સ્વર્ગદૂતોએ પ્રેરિત પીતર, પાઊલ અને બીજાઓને કેદમાંથી છોડાવ્યા હતા. (પ્રે.કૃ. ૫:૧૮-૨૦; ૧૨:૬-૧૧) આપણા સમયમાં પણ યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે. ચાલો, એનો એક દાખલો જોઈએ. આફ્રિકાના એક દેશમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. લડાઈ-ઝઘડા, લૂંટફાટ, બળાત્કાર અને હત્યાઓને લીધે આખા દેશમાં અફરાતફરી મચી ગઈ. ખરું કે આપણાં ભાઈ-બહેનોમાંથી ઘણાએ બધું જ ગુમાવી દીધું હતું. છતાં, કોઈને જાનહાનિ થઈ નહિ. એવા સંજોગમાં પણ તેઓએ યહોવાનો પ્રેમ અનુભવ્યો અને જોઈ શક્યા કે તે તેઓની કાળજી લઈ રહ્યા છે. તેઓએ આટલું બધું સહન કર્યું તોપણ તેઓ ખુશ હતા. શાખા કચેરીના એક પ્રતિનિધિએ એ ભાઈ-બહેનોના હાલચાલ જાણવા તેઓની મુલાકાત લીધી. તેઓને મળ્યા ત્યારે ભાઈ-બહેનોએ કહ્યું: ‘યહોવાની કૃપાથી બધું બરાબર છે!’

૧૭ ખરું કે, યહોવાના અમુક સેવકોએ પોતાની વફાદારી જાળવી રાખવા પોતાનો જીવ ગુમાવ્યો છે. દાખલા તરીકે, સ્તેફન અને તેમના જેવા બીજા ઈશ્વરભક્તો. યહોવા અમુક વાર એવા બનાવો બનતા રોકતા નથી. પરંતુ, શેતાનની ચાલાકીઓ વિશે ચેતવીને યહોવા પોતાના લોકોનું એક સમૂહ તરીકે રક્ષણ જરૂર કરે છે. (એફે. ૬:૧૦-૧૨) યહોવા આપણને એ ચેતવણીઓ બાઇબલ અને આપણા સાહિત્ય દ્વારા આપે છે. દાખલા તરીકે, ઇન્ટરનેટનાં જોખમોથી અને પૈસાના મોહથી દૂર રહેવા આપણને ચેતવણી મળે છે. તેમજ, અનૈતિકતા કે હિંસાથી ભરેલી ફિલ્મો, પુસ્તકો કે રમતોથી દૂર રહેવા ચેતવણી મળે છે. એ પરથી સાફ દેખાઈ આવે છે કે યહોવા પોતાના લોકોને પ્રેમ કરે છે અને તેઓનું રક્ષણ કરે છે.

યહોવાનો પ્રેમ—એક મોટું સન્માન

૧૮. યહોવાના પ્રેમ વિશે તમને કેવું લાગે છે?

૧૮ દાયકાઓ સુધી મુસાએ યહોવાની સેવા કરી. તેમણે એના પર મનન કર્યું ત્યારે તેમને પૂરી ખાતરી થઈ ગઈ કે યહોવા તેમને ખૂબ ચાહે છે. એટલે મુસાએ કહ્યું, “સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.” (ગીત. ૯૦:૧૪) યહોવાનો પ્રેમ સમજવો અને એનો અનુભવ કરવો સાચે જ એક મોટો આશીર્વાદ છે. યહોવાનો પ્રેમ મેળવવો એક મોટું સન્માન છે! આપણને પણ પ્રેરિત યોહાન જેવું લાગે છે, જેમણે કહ્યું હતું: “જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે”!—૧ યોહા. ૩:૧.