આપણો ઇતિહાસ
પ્રેમને લીધે ચાલતી કૅન્ટીન
યહોવાની મેજ પરથી પીરસાતું જ્ઞાન મેળવવાના અવસરો હંમેશાં આનંદનું કારણ બન્યા છે. ભક્તિની મિજબાની માણવા ભેગાં થયેલાં ભાઈ-બહેનોનો આનંદ એકબીજા સાથે જમવાનું વહેંચીને ખાવા-પીવાથી બમણો થાય છે.
સપ્ટેમ્બર, ૧૯૧૯માં બાઇબલ વિદ્યાર્થીઓએ સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં આઠ દિવસના મહાસંમેલનની ગોઠવણ કરી. સંમેલનોમાં આવનારાઓ માટે રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા હોટલોમાં કરવામાં આવી હતી. પરંતુ, લોકો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા, જે ધાર્યા કરતાં ઘણી વધારે હતી. લોકોનાં ટોળેટોળાં જોઈને ડરી ગયેલા ત્યાંના બધા વેઇટર કામ છોડીને જતા રહ્યા. ત્યાં ચિંતામાં પડી ગયેલા કૅન્ટીનના મેનેજરે સંમેલનમાં આવેલા લોકોમાંના યુવાનોને મદદ માટે પૂછ્યું. ઘણા યુવાનો મદદ માટે આગળ આવ્યા. સેડી ગ્રીન એમાંનાં એક હતાં. એ બહેન કહે છે, ‘વેઇટરનું કામ કરવાનો એ મારો પહેલો અનુભવ હતો. જોકે, અમને એમાં ખૂબ મજા આવી!’
એ પછીનાં વર્ષોમાં, સંમેલનો વખતે કૅન્ટીનની ગોઠવણ શરૂ કરવામાં આવી. એમાં ઘણા સ્વયંસેવકોને બીજાં ભાઈ-બહેનોની ખુશીથી સેવા કરવાની તક મળી. ભાઈ-બહેનો સાથે કામ કરવાથી ઘણા યુવાનોને ઈશ્વરની ભક્તિમાં ધ્યેયો બાંધવા મદદ મળી. ગ્લેડિસ બોલ્ટને ૧૯૩૭ના મહાસંમેલનમાં કૅન્ટીનમાં સેવા આપી હતી. તેમણે જણાવ્યું: ‘જુદી જુદી જગ્યાઓથી આવેલાં ભાઈ-બહેનોને મળવાનો મને મોકો મળ્યો. ઉપરાંત, તેઓ પોતાની મુશ્કેલીનો ઉકેલ કઈ રીતે લાવી શક્યાં એ જાણી શકી. એ પછી જ, પહેલી વાર મારામાં પાયોનિયરીંગ કરવાની ઇચ્છા જાગી.’
મહાસંમેલનમાં હાજર રહેનાર બહેન બેઉલા કોવે આમ જણાવે છે: ‘સ્વયંસેવકો કામ પ્રત્યે બહુ સમર્પિત હતા. તેથી જ આખી ગોઠવણ વ્યવસ્થિત રીતે પાર પડતી.’ જોકે, એમાં પણ કેટલાક પડકારો તો હતા. લૉસ ઍંજિલીઝ, કૅલિફૉર્નિયામાં આવેલા ડૉજ્જર સ્ટેડિયમમાં એક સંમેલન યોજાયું હતું. ભાઈ એન્જેલો મેનરા ત્યાં પહોંચ્યા ત્યારે જ તેમને ખબર પડી કે કૅન્ટીનની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. તે જણાવે છે: ‘મારી માટે એ જાણવું એકદમ ચોંકાવી નાંખે એવા બનાવોમાંનો એક હતો.’ એ મહાસંમેલનની તૈયારીઓમાં રસોડા માટે ગેસની પાઇપ નાંખવી પડી. એ માટે ૪૦૦ મીટરની લંબાઈમાં ખાડો ખોદવો પડ્યો.
વર્ષ ૧૯૮૨માં સિયેરા લિયોનમાં એક મહાસંમેલન યોજાયું હતું. ત્યાંના મહેનતુ સ્વયંસેવકોએ પહેલાં તો આખું મેદાન સાફ કરવું પડ્યું. એ પછી જેટલી સવલત હતી એમાં જ કૅન્ટીન ઊભું કરવું પડ્યું. વર્ષ ૧૯૫૧માં જર્મનીના ફ્રૅંક્ફુર્ટમાં, સદ્ધર ભાઈ-બહેનોની મદદથી એક એન્જિન ભાડે લેવામાં આવ્યું, જેથી વરાળથી ચાલતાં ૪૦ મોટાં કૂકરમાં રાંધી શકાય. એ સમયે સેવકો કલાકની ૩૦,૦૦૦ થાળીઓ પીરસતા. વાસણ ધોવાના વિભાગમાં
૫૭૬ સ્વયંસેવકો હતા. તેઓનું કામ ઓછું કરવા ભાઈ-બહેનો ઘરેથી છરી-કાંટા લઈને આવ્યાં. મ્યાનમાર, યાંગોનમાં બીજા દેશમાંથી આવેલાં ભાઈ-બહેનોનો ખાસ વિચાર કરીને રસોઇયાઓએ જમવામાં ઓછું મરચું વાપર્યું.‘તેઓ ઊભાં ઊભાં જમે છે’
વર્ષ ૧૯૫૦માં અમેરિકામાં એક મહાસંમેલન યોજાયું. એ વખતે સખત તાપમાં ભાઈ-બહેનો જમવાનું લેવા લાંબી લાઈનમાં ઊભાં હતાં. બહેન એન્ની પોજેન્સી પણ એ લાઈનમાં હતાં. તે જણાવે છે: ‘યુરોપથી જહાજમાં આવેલી બે બહેનો એકબીજા સાથે વાતો કરતી હતી. એ સાંભળવામાં હું સાવ ડૂબી ગઈ હતી.’ એ બંને બહેનો એકબીજાને જણાવતી હતી કે કઈ રીતે યહોવાએ તેઓને એ સંમેલનમાં આવવા મદદ કરી. એન્ની આગળ જણાવે છે, ‘એ બહેનો જેટલી ખુશ મેં બીજાં કોઈને જોયા નહિ. લાઈનમાં રાહ જોવાનો સમય અને ભારે તાપ તેઓ માટે કંઈ જ ન હતું.’
ઘણાં મહાસંમેલનોમાં મોટા તંબુઓમાં કૅન્ટીન રાખવામાં આવતી. ઊભાં ઊભાં જમી શકાય એવાં ટેબલને ત્યાં ઘણી હરોળમાં ગોઠવવામાં આવતાં, જેથી ભાઈ-બહેનો તરત જમી લે અને બીજાઓ માટે જગ્યા કરી શકે. એમ કરવામાં જ સમજદારી હતી, કારણ કે જમનારાઓ હજારોની સંખ્યામાં હતા. યહોવાની સાક્ષી ન હતી એવી એક વ્યક્તિએ કહ્યું: ‘આ એક અનોખા ધર્મના લોકો છે. તેઓ ઊભાં ઊભાં જમે છે.’
લશ્કરી અને બીજા સરકારી અધિકારીઓ, આપણાં સંમેલનોમાં વ્યવસ્થા અને કુશળતાથી થતાં કામને જોઈને આશ્ચર્ય પામતા. જેમ કે, અમેરિકાના ન્યૂ યૉર્કમાં યાંકી સ્ટેડિયમમાં સંમેલન રાખવામાં આવ્યું હતું. એ સમયે સંમેલનની કૅન્ટીનનું નિરીક્ષણ કર્યા પછી અમેરિકાની ફોજના અધિકારી ખુશ થઈ ગયા. તેમણે બ્રિટનના યુદ્ધ વિભાગના અધિકારી મેજર ફૉકનરને પણ આપણાં સંમેલનો વખતે મુલાકાત લેવા ભલામણ કરી. તેથી, મેજર તેમનાં પત્ની સાથે ૧૯૫૫માં ઇંગ્લૅન્ડના ટ્વીકનહમ સ્ટેડિયમમાં ગયા, જ્યાં “વિજયી રાજ્ય” સંમેલન યોજાયું હતું. તેમનું કહેવું હતું કે ત્યાં તેમણે પ્રેમને લીધે ચાલતી કૅન્ટીન જોઈ.
દાયકાઓ સુધી, મહાસંમેલનોમાં સ્વયંસેવકોએ ઓછા ખર્ચમાં પૌષ્ટિક ભોજન પ્રેમથી પીરસ્યું, જેથી હાજરી આપતા લોકોને સુવિધા મળે. પરંતુ, એ તોતિંગ કામ માટે અસંખ્ય સ્વયંસેવકોની કલાકોની મહેનત લાગતી. એ માટે તેઓને સંમેલનનો અમુક કે આખો કાર્યક્રમ જતો કરવો પડતો. તેથી, ૧૯૭૦ના દાયકાને અંતે ઘણી જગ્યાઓએ મહાસંમેલનો વખતે ભોજનની ગોઠવણ સાદી બનાવવામાં આવી. એ પછી, ૧૯૯૫ની શરૂઆતથી ભાઈ-બહેનોને કહેવામાં આવ્યું કે સંમેલનો વખતે તેઓ પોતાનું ભોજન સાથે લઈને આવે. આમ, ઘણા બધા સ્વયંસેવકો માટે સંમેલનનો કાર્યક્રમ અને ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણવો શક્ય બન્યું. *
સાથી ભક્તોની સેવામાં મહેનત કરતા સ્વયંસેવકોથી યહોવા કેટલા ખુશ થતા હશે! મહાસંમેલનો વખતે કૅન્ટીનમાં સેવા આપવાની એ સોનેરી યાદો આપણામાંના ઘણાને બહુ વહાલી હશે. જોકે, હજુય આપણા સંમેલનોમાં પ્રેમનો સ્વાદ ચાખવા મળે છે!—યોહા. ૧૩:૩૪, ૩૫.
^ ફકરો. 12 મહાસંમેલન વખતે બીજા વિભાગોમાં સ્વયંસેવકો તરીકે કામ કરવાની બીજી ઘણી તક રહેલી છે.