જીવન સફર
રાજ્યની સેવામાં યાદગાર બનાવો
વર્ષ ૧૯૪૭માં અલ સાલ્વાડોર, સાંતા આનામાં એક બનાવ બન્યો. ત્યાંના કૅથલિક ચર્ચના પાદરીઓએ સાક્ષીઓ માટે મુશ્કેલી ઊભી કરી. એક મિશનરી ઘરમાં ચોકીબુરજની સભા ચાલી રહી હતી, ત્યારે અચાનક અમુક યુવાનોએ ઘર પર પથ્થરમારો કર્યો. કૅથલિક પાદરીઓએ તેઓને એમ કરવા માટે ઉશ્કેર્યા હતા. થોડીક વારમાં જ, એ પાદરીઓ પણ ગુસ્સે ભરાયેલા ટોળાને લઈને મિશનરી ઘર નજીક આવી પહોંચ્યા. એ ટોળામાંના કેટલાકની પાસે મશાલો અને બીજા અમુકની પાસે મૂર્તિઓ હતી. બે કલાક સુધી તેઓએ મિશનરી ઘર પર પથ્થરમારો કર્યો અને મોટે અવાજે બૂમો પાડી કે “કુંવારી મરિયમનો જય હો!” અને “યહોવા મુર્દાબાદ!” તેઓ મિશનરીઓને ડરાવીને ભગાડવા માંગતા હતા. આજથી ૬૭ વર્ષો પહેલાં બનેલા એ બનાવ વિશે મને સારી રીતે ખબર છે, કેમ કે હું પણ એ સભામાં હાજર હતી. *
એ બનાવનાં બે વર્ષ પહેલાં, ગિલયડ શાળાના ચોથા વર્ગમાં એવલિન ટ્રાબર્ટ અને મેં તાલીમ લીધી હતી. એ સમયે ગિલયડ શાળા ન્યૂ યૉર્કના ઇથાકા વિસ્તારમાં યોજાતી. અમને અલ સાલ્વાડોરમાં મિશનરી તરીકે સોંપણી મળી, જ્યાં મેં ૨૯ વર્ષો સુધી સેવા આપી. મારા મિશનરી જીવન વિશે વધુ જણાવું એ પહેલા, ચાલો તમને કહું કે હું શા માટે એ સેવામાં જોડાઈ.
અમારું કુટુંબ સત્યમાં કઈ રીતે આવ્યું
મારો જન્મ ૧૯૨૩માં સ્પોકેઇન શહેરમાં થયો હતો, જે અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલું છે. મારાં માતા-પિતાનું નામ જોન અને ઈવા ઑલસન છે. તેઓ લુથરન પંથનાં હતાં, તોપણ નરક વિશેનું ચર્ચનું શિક્ષણ સ્વીકારતાં ન હતાં. એક પ્રેમાળ ઈશ્વર લોકોને નરકમાં રિબાવે, એવું તેઓ માની જ ન શકતાં. (૧ યોહા. ૪:૮) મારા પિતા એક બેકરીમાં કામ કરતા. તેમની સાથે કામ કરનાર વ્યક્તિએ તેમને એક રાતે સમજાવ્યું કે નરકમાં લોકોને રિબાવવામાં આવવું, એ બાઇબલનું શિક્ષણ નથી. એના થોડાક સમય પછી મારાં માતા-પિતાએ યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલ શીખવાનું શરૂ કર્યું. વ્યક્તિના મરણ પછી તેનું શું થાય છે, એ વિશેની હકીકત તેઓ બાઇબલમાંથી શીખ્યાં.
મારાં માતા-પિતા બાઇબલમાંથી શીખી રહ્યાં હતાં ત્યારે હું ફક્ત ૯ વર્ષની હતી. તોપણ મને હજુય યાદ છે કે તેઓ સત્ય શીખીને ખૂબ ખુશ થતાં. ઈશ્વરનું નામ યહોવા છે, એ જાણીને તેઓની ખુશીનો કોઈ પાર રહ્યો નહિ. તેઓ એમ પણ શીખ્યાં કે ત્રૈક્ય જેવું કંઈ નથી. (યોહા. ૮:૩૨) પોતે શીખેલું સત્ય, તેઓ મને પણ શીખવતાં, જે મારા દિલમાં ઊતરી જતું. મને બાઇબલ વાંચવામાં ક્યારેય કંટાળો ન આવતો. ઈશ્વરનાં વચનોનો અભ્યાસ કરવાથી મને આનંદ મળતો. હું શરમાળ હતી તોપણ મારાં માતા-પિતા જોડે સાક્ષીકાર્ય માટે જતી. તેઓ ૧૯૩૪માં બાપ્તિસ્મા પામ્યાં અને મેં ૧૬ વર્ષની ઉંમરે, ૧૯૩૯માં બાપ્તિસ્મા લીધું.
જુલાઈ ૧૯૪૦માં, મારાં માતા-પિતાએ તેઓનું ઘર વેચી દીધું અને અમે આઇડહો ગયાં. એ રાજ્યના કોએર દે-ઍલીન નામના વિસ્તારમાં પાયોનિયર તરીકે અમે પૂરા સમયની સેવા શરૂ કરી. ત્યાં અમે ભાડાના ઘરમાં રહેતાં, જે કાર રીપેરીંગની દુકાનના ઉપરના માળે હતું. અમારા ઘરે મંડળની સભાઓ પણ થતી. એ સમયે અમુક જ મંડળો પાસે પોતાનાં રાજ્યગૃહો હતાં. મોટા ભાગનાં મંડળો ભાડાની જગ્યાએ અથવા ભાઈ-બહેનોના ઘરે સભાઓ ભરતા.
૧૯૪૧માં હું, મારાં માતા-પિતા જોડે સેંટ લુઈસ, મિઝૂરીમાં યોજાયેલા એક સંમેલનમાં ગઈ હતી. એ સંમેલનના છેલ્લા દિવસે બાળકો માટે ખાસ કાર્યક્રમો હતા, તેથી એ દિવસને “બાળકોનો દિવસ” કહેવામાં આવ્યો. એ દિવસે, ૫ વર્ષથી લઈને ૧૮ વર્ષ સુધીનાં બાળકોને સ્ટેજની નજીકની હરોળમાં બેસવા કહ્યું હતું, જેમાં હું પણ હતી. એક ટૉકના અંતે ભાઈ જોસેફ ઍફ રધરફર્ડે અમને કહ્યું, ‘બાળકો, જો તમે, ઈશ્વર અને તેમણે પસંદ કરેલા રાજાનું કહેવું માનવા તૈયાર હો, તો કૃપા કરીને ઊભા થાઓ!’ અમે બધાં ઊભાં થઈ ગયાં. એ પછી, ભાઈ રધરફર્ડ બોલ્યા, ‘જુઓ, ૧૫,૦૦૦ કરતાં પણ વધુ, રાજ્યના નવા સાક્ષીઓ!’ એ ઘડીએ મેં નિર્ણય લીધો કે આખું જીવન હું પાયોનિયર તરીકે સેવા આપીશ.
અમારા કુટુંબને મળેલી સોંપણીઓ
એ સંમેલનના થોડાક મહિના પછી અમને દક્ષિણ કૅલિફૉર્નિયાના ઑક્સનાર્ડ શહેરમાં સોંપણી મળી. ત્યાં અમારે નવું મંડળ શરૂ કરવાનું હતું. પૈડાંવાળા એક નાનકડા ઘરમાં અમે રહેતાં, જેમાં સૂવા માટે ફક્ત એક પલંગ હતો. તેથી, દરરોજ રાતે, હું મારી પથારી એક ટેબલ પર કરતી. મારા માટે એ મોટો ફેરફાર હતો કેમ કે, એક સમયે મારી પાસે પોતાની રૂમ હતી.
ડિસેમ્બર ૭, ૧૯૪૧માં જાપાને હવાઇ ટાપુના પર્લ હાર્બર પર હુમલો કર્યો. બીજા જ, દિવસે અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાયું. એ દરમિયાન અમે કૅલિફૉર્નિયા પહોંચ્યાં હતાં. એ યુદ્ધમાં જાપાની પાણડૂબીઓ (સબમરીન) નજીકના દરિયામાં ફરતી હતી, જેથી લાગ મળતા હુમલો કરી શકે. તેઓ વસ્તીવાળા વિસ્તાર પર હુમલો ન કરે માટે અમેરિકાના અધિકારીઓએ રાતના સમયે પૂરેપૂરું અંધારું રાખવાનો આદેશ આપ્યો હતો.
અમુક મહિનાઓ પછી, સપ્ટેમ્બર ૧૯૪૨માં અમે ક્લીવલૅન્ડ, ઓહાયોમાં યોજાયેલા એક સંમેલનમાં ગયાં હતાં. ત્યાં અમે ભાઈ નાથાન ઍચ નૉરની ટૉક સાંભળી, જેનો વિષય હતો: ‘શાંતિ-શું એ કાયમ રહી શકે?’ ભાઈએ એમાં પ્રકટીકરણ ૧૭મા અધ્યાયમાંથી ચર્ચા કરી, જે “શ્વાપદ” એટલે કે જંગલી પ્રાણી વિશે જણાવે છે. એ પ્રાણી વિશે કહેવામાં આવ્યું છે, ‘જે પ્રાણી હતું ને નથી; તે ઊંડાણમાંથી નીકળવાનું છે.’ (પ્રકટી. ૧૭:૮, ૧૧) ભાઈ નૉરે સમજાવ્યું કે ‘જંગલી પ્રાણી’ એ લીગ ઓફ નેશન્સને રજૂ કરે છે, જેના બધાં કામકાજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંધ થઈ ગયાં. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ શાંતિ માટેનું સંઘ ફરી ઊભું થશે, જે પહેલાં કરતાં વધુ શાંતિ લાવશે. એવું જ બન્યું! ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. એ પછી, લીગ ઓફ નેશન્સની જગ્યા યુનાઈટેડ નેશન્સે લીધી. એ સમયથી યહોવાના સાક્ષીઓ દુનિયા ફરતે બધા દેશોમાં રાજ્ય સંદેશો જોશથી ફેલાવવા લાગ્યા. પરિણામે, આપણે અઢળક વધારો જોઈએ છીએ!
ભવિષ્યવાણીની સમજણ પરથી હું જોઈ શકી કે રાજ્યનું ઘણું કામ હજી બાકી છે. તેથી, ગિલયડ શાળા આવતા વર્ષે શરૂ થવાની જાહેરાત સાંભળીને, એમાં જોડાવાની અને મિશનરી બનવાની મને ઇચ્છા થઈ. દરમિયાન, મને વર્ષ ૧૯૪૩માં ઑરેગોન, પોર્ટલૅન્ડમાં પાયોનિયર સેવા આપવાની સોંપણી મળી. એ દિવસોમાં, ઘરમાલિકના દરવાજાની આગળ ફોનોગ્રાફ વગાડીને અમે સંદેશો સંભળાવતા. પછી, તેઓને રાજ્ય વિશે આપણું બાઇબલ સાહિત્ય આપતા. એ આખું વર્ષ હું મિશનરી સેવામાં જોડાવવા વિશે વિચારતી રહી.
વર્ષ ૧૯૪૪માં, મને ગિલયડ શાળા માટે આમંત્રણ મળ્યું ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. મારી ગાઢ મિત્ર એવલિન ટ્રાબર્ટને પણ આમંત્રણ મળ્યું હતું. તાલીમના પાંચ મહિનાઓ દરમિયાન અમે, બાઇબલનો ઊંડો અભ્યાસ આનંદથી કરવા વિશે શીખ્યા. શિક્ષક ભાઈઓની નમ્રતા જોઈને અમે ઘણું શીખ્યાં. કેટલીક વાર, અમે વિદ્યાર્થીઓ જમતાં હોઈએ ને જમવાનું ટેબલ પર લાવી આપવાનું કામ શિક્ષકો કરતા. અમે ગિલયડની તાલીમ જાન્યુઆરી ૨૨, ૧૯૪૫માં પૂરી કરી.
મિશનરી તરીકે મળેલી સોંપણી
જૂન ૧૯૪૬માં લીઓ અને એસ્તેર માહન સાથે એવલિન અને હું અલ સાલ્વાડોરના સાંતા આના શહેરમાં આવ્યાં. ત્યાંનો વિસ્તાર ‘કાપણી માટે પાકી ચૂક્યો’ હતો. (યોહા. ૪:૩૫) અમે સાંતા આના પહોંચ્યા એના થોડાક મહિનાઓ પછી ત્યાં પહેલી વાર સરકીટ સંમેલન યોજાયું હતું. અમે ઘણા લોકોને આમંત્રણ આપ્યું હતું, જેને સ્વીકારીને આશરે ૫૦૦ લોકો આવ્યા. તેઓને જોઈને અમે બહુ ખુશ થયાં. અમારું સાક્ષી કામ કરવું ચર્ચના આગેવાનોને જરાય ગમ્યું નહિ, તેઓ ગુસ્સે થયા. અરે, એ સંમેલનના અઠવાડિયા પછી તેઓએ અમારા પર હુમલો કરાવ્યો, જેના વિશે આ લેખની શરૂઆતમાં જણાવ્યું હતું. તેઓ અમને ડરાવવા માંગતા હતા, જેથી અમે જતાં રહીએ. પરંતુ, એ બનાવ પછી ત્યાં રહીને લોકોને મદદ કરવાનો અમારો નિર્ણય વધુ દૃઢ બન્યો. લોકોએ બાઇબલ વાંચવું નહિ એવી ત્યાંના ચર્ચના આગેવાનોએ ચેતવણી આપી હતી. મોટા ભાગના લોકો પાસે બાઇબલ ખરીદવાના પૈસા પણ ન હતા. પરંતુ, ઘણા લોકોને સત્ય શીખવાની ઇચ્છા હતી. તેઓને, યહોવા વિશે અને મનુષ્યો માટે તેમના હેતુ વિશે જણાવવા, અમે સ્પેનિશ ભાષા શીખ્યા. એની તેઓએ ખૂબ કદર કરી.
રોઝા એસેન્સેઓ મારા સૌથી પહેલા વિદ્યાર્થીઓમાંની એક હતી. તે લગ્ન કર્યા વગર એક પુરુષ સાથે રહેતી હતી. પરંતુ, બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યા પછી, તે એ પુરુષથી જુદી રહેવા ગઈ. એ પુરુષે પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. સમય જતાં, તેઓએ લગ્ન કર્યા, બાપ્તિસ્મા લીધું અને ઉત્સાહી સાક્ષીઓ બન્યાં. સાંતા આનાની પહેલી નિયમિત પાયોનિયર, રોઝા બની. *
રોઝાની એક કરિયાણાની દુકાન હતી. સાક્ષીકાર્યમાં જાય ત્યારે તે દુકાન બંધ રાખતી. તેને ભરોસો હતો કે યહોવા તેની જરૂરિયાત પૂરી કરશે. માથ્થી ૬:૩૩માં આપેલા વચન પ્રમાણે તે યહોવાની કાળજી અનુભવી શકી. તેની દુકાનમાં નિયમિત રીતે ઘરાકો આવતા રહ્યા અને તેનું ગુજરાન ચાલતું રહ્યું. રોઝા જીવનની છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહી.
અમે ૬ મિશનરીઓ, એક જાણીતા વેપારીના ઘરમાં ભાડેથી રહેતા. એક દિવસે, એ વેપારીના ઘરે પાદરી આવ્યો. તેણે વેપારીને ચેતવણી આપી કે જો તે અમને ઘરમાં રહેવા દેશે, તો તેને અને તેના કુટુંબને ચર્ચમાંથી કાઢી મૂકવામાં આવશે. પાદરીઓના ખોટાં કામને લીધે એ વેપારી તેઓને ધિક્કારતો હતો. પાદરીની ધમકીઓથી તે જરાય ડર્યો નહિ. અરે, એના બદલે તેણે અમને ખાતરી આપી કે અમે ચાહીએ ત્યાં સુધી તેના ઘરમાં રહી શકીએ છીએ.
એક પ્રખ્યાત વ્યક્તિ સાક્ષી બની
પાટનગર સાન સાલ્વાડોરમાં બીજાં એક મિશનરી બહેન કામ કરતા હતાં. તે એક સ્ત્રીનો અભ્યાસ ચલાવતાં, જે બેલ્ટાસાર પેરલા નામના એક એંજિનિયરની પત્ની હતી. એ એંજિનિયરે ઢોંગી ધર્મગુરુઓના કારણે ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી હતી. પરંતુ, દિલથી તે સારી વ્યક્તિ હતા. સાક્ષી ન હોવા છતાં, તેમણે વિનામૂલ્યે અલ સાલ્વાડોરની શાખા કચેરીના બાંધકામમાં અને એની રૂપરેખા બનાવવામાં મદદ કરી.
બાંધકામ દરમિયાન પેરલાને ઘણા સાક્ષીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ સંગતના લીધે તેમને ખાતરી થઈ કે તેમને સાચો ધર્મ જડ્યો છે. જુલાઈ ૨૨, ૧૯૫૫માં તેમણે બાપ્તિસ્મા લીધું અને થોડા સમય પછી તેમની પત્ની પૌલીનાએ પણ બાપ્તિસ્મા લીધું. તેમને એક દીકરો અને દીકરી છે, જેઓ આજે યહોવાની સેવા વફાદારીથી કરી રહ્યાં છે. તેમનો દીકરો ૪૯ વર્ષોથી બ્રુકલિન બેથેલમાં સેવા આપે છે. ત્યાં તે દુનિયા ફરતે ચાલી રહેલાં સાક્ષીકાર્યને ટેકો આપે છે અને અમેરિકાની શાખા સમિતિના સભ્ય છે. *
ભાઈ પેરલાએ સાન સાલ્વાડોરમાં સંમેલન માટે એક મોટી જગ્યા મેળવવા મદદ કરી હતી. એ જગ્યાએ પહેલી વાર સંમેલન યોજાયું ત્યારે, બહુ ઓછા લોકો આવ્યા હતા. જોકે, દર વર્ષે સંખ્યા વધતી ગઈ. અરે, એવો સમય પણ આવ્યો જ્યારે એટલી મોટી જગ્યા ઓછી પડવા લાગી. યહોવા અમારી મહેનત પર આશીર્વાદ આપી રહ્યા છે એ અમે જોઈ શક્યા. એ સંમેલનોમાં હું એવા લોકોને પણ મળી, જેઓ મારા બાઇબલ વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. એ વિદ્યાર્થીઓના બાઇબલ વિદ્યાર્થીઓએ પણ બાપ્તિસ્મા લીધું! એનાથી મને ખૂબ ખુશી થઈ, મને એવું લાગ્યું જાણે મારાં બાળકોનાં બાળકોએ બાપ્તિસ્મા લીધું છે.
એક સંમેલનમાં, એક ભાઈએ આવીને મને કહ્યું, ‘હું માફી માંગવા ચાહું છું!’ તેમને હું ઓળખી શકી નહિ અને સમજી નહિ કે શા માટે તે એમ કહે છે. તેમણે કહ્યું, ‘સાંતા આનામાં તમારા પર જે છોકરાઓએ પથ્થરમારો કર્યો હતો તેઓમાં હું પણ હતો.’ એ ભાઈ આજે યહોવાની સેવા કરે છે એ જાણીને મને સંતોષ મળ્યો અને મારું દિલ આનંદથી છલકાઈ ગયું. મને ફરી એકવાર ખાતરી થઈ કે, પૂરા સમયની સેવાનું જીવન સૌથી વધારે સંતોષ આપનારું છે.
સંતોષ આપતી પસંદગીઓ
અલ સાલ્વાડોરમાં મેં લગભગ ૨૯ વર્ષો સુધી મિશનરી કામ કર્યું. ત્યાં સાંતા આના, સનસોનાટે, સાંતા તેકલા અને છેલ્લે સાન સાલ્વાડોરમાં મેં સેવા આપી. એ વર્ષો દરમિયાન મારાં માબાપ વૃદ્ધ થઈ રહ્યાં હતાં. તેથી, તેઓને મારી મદદની જરૂર પડી. ઘણી પ્રાર્થનાઓ પછી, મેં મિશનરી કામ છોડીને તેઓ પાસે જવાનો નિર્ણય લીધો. વર્ષ ૧૯૭૫માં હું તેઓ પાસે, સ્પોકેઇન શહેરમાં ગઈ.
વર્ષ ૧૯૭૯માં મારા પિતાનું અવસાન થયું. એ પછીનાં આઠ વર્ષો સુધી મેં મારી માતાની સંભાળ લીધી. તે ઘણાં નબળાં પડી ગયાં હતાં. મારી મદદ વિના તે જાતે ખાસ કંઈ કરી ન શકતાં. તે ૯૪ વર્ષની ઉંમરે ગુજરી ગયાં. મારા માટે એ સમય ખૂબ જ અઘરો હતો. હું માનસિક રીતે સાવ પડી ભાંગી હતી. અધૂરામાં પૂરું, મને ચામડીનો પીડાદાયક રોગ થયો. જોકે, મેં એવા સંજોગોમાં પણ યહોવાની કાળજીનો અનુભવ કર્યો. તેમણે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો અને એ કપરા સમયનો સામનો કરવા મદદ કરી. મારા ઘડપણમાં પણ યહોવાએ તેમના વચન પ્રમાણે મને સંભાળી, જાણે તેમણે મને પોતાના પ્રેમાળ હાથોમાં સાચવી રાખી છે.—યશા. ૪૬:૪.
વર્ષ ૧૯૯૦માં હું વૉશિંગ્ટનના ઓમાક શહેરમાં ગઈ. એ શહેરમાં હું સ્પેનિશ ભાષા બોલતા લોકોને પ્રચાર કરી શકી, જેના લીધે મને લાગ્યું કે હજુ પણ હું ઉપયોગી છું. એ શહેરના મારા કેટલાક વિદ્યાર્થીઓ બાપ્તિસ્મા પામ્યા. સમય જતાં, મારી ઉંમરને લીધે ઓમાકના અમારા ઘરની સાફ-સફાઈ અને દેખરેખ રાખવી મુશ્કેલ પડવા લાગી. તેથી, નવેમ્બર ૨૦૦૭માં હું ઓમાકની નજીક આવેલાં એક નાના શહેર ચેલાનમાં રહેવા આવી. અહીં, સ્પેનિશ ભાષાનું મારું મંડળ મારી ખૂબ કાળજી રાખે છે, જેની હું દિલથી કદર કરું છું. મારા જેટલી મોટી ઉંમરનું અહીં કોઈ નથી, માટે બધાં મને પોતાની દાદીમા ગણીને પ્રેમ કરે છે.
હું યહોવાની વધુ સેવા ‘એકાગ્ર મને’ કરી શકું માટે કુંવારી રહી. (૧ કોરીં. ૭:૩૪, ૩૫) મેં કુટુંબ અને બાળકોનું સુખ જતું કર્યું. હું માનું છું કે આ જીવનમાં બધું જ મેળવી ન શકાય. તેથી, મેં પૂરા દિલથી યહોવાની સેવા કરવા પર ધ્યાન આપ્યું, જે સૌથી મહત્ત્વનું છે. મેં ઘણા લોકોને સત્ય શીખવા મદદ કરી છે અને તેઓ જ મારાં બાળકો છે. મને આશા છે કે મેં જે જતું કર્યું છે એ બધું નવી દુનિયામાં મેળવવાનો મારી પાસે પૂરતો સમય હશે. ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬ મારી મનગમતી કલમ છે, જેમાં યહોવા ‘સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરવાનું’ વચન આપે છે.
આજે હું ૯૧ વર્ષની છું. મારી તંદુરસ્તી સારી હોવાને લીધે હજુ પણ પાયોનિયરીંગ કરું છું. એ સેવાને લીધે મારામાં સ્ફૂર્તિ રહે છે અને મને જીવનમાં હેતુ મળ્યો છે. હું અલ સાલ્વાડોરમાં પહેલી વાર આવી ત્યારે સાક્ષીકાર્ય હજુ શરૂ જ થયું હતું. પરંતુ, આજે ત્યાં ૩૯ હજારથી વધુ પ્રકાશકો છે. હું જાણું છું કે શેતાન ગમે તેટલો પ્રયત્ન કરે પણ આપણું કામ રોકી શકતો નથી. એ વૃદ્ધિ જોઈને મારી શ્રદ્ધા બહુ મજબૂત બની છે. એમાં કોઈ શંકા નથી કે યહોવાની પવિત્ર શક્તિ તેમના લોકોને સહાય કરે છે.
^ ફકરો. 4 યહોવાના સાક્ષીઓની ૧૯૮૧ની યરબુકમાં પાન ૪૫થી ૪૬ જુઓ.
^ ફકરો. 19 ૧૯૮૧ યરબુક, પાન ૪૧-૪૨ જુઓ.
^ ફકરો. 24 ૧૯૮૧ યરબુક, પાન ૬૬-૬૭, ૭૪-૭૫ જુઓ.