આપણો ઇતિહાસ
“યુરેકા ડ્રામા”થી ઘણાને સત્ય જડ્યું
“યુરેકા” શબ્દનો અર્થ થાય “મને જડ્યું.” ૧૯મી સદી દરમિયાન કૅલિફૉર્નિયા, અમેરિકામાં સોનું શોધવાની લોકો પર એક ધૂન સવાર હતી. ખાણમાં કોઈને સોનું હાથ લાગતું ત્યારે તે “યુરેકા!” પોકારી ઊઠતો. જોકે, ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલ અને એ સમયના બાઇબલ વિદ્યાર્થીઓને સોના કરતાં પણ ઘણું કીમતી કંઈક જડ્યું. તેઓને બાઇબલના સત્યનો ખજાનો મળ્યો, જેને તેઓ બીજાઓને પણ આપવા આતુર હતા.
બાઇબલ વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય સંગઠન (આઈ. બી. એસ. એ.) દ્વારા ૮ કલાકનો “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” બહાર પાડવામાં આવ્યો. ૧૯૧૪ના ઉનાળા સુધીમાં તો એ ડ્રામા મોટા શહેરોના લાખો લોકોએ જોયો. એમાં ચલચિત્રો, રંગીન ફોટાવાળી સ્લાઈડ્સ, જોરદાર વર્ણનનું રેકોર્ડિંગ અને મધુર સંગીત પણ હતું. બાઇબલ આધારે બનાવેલો એ ડ્રામા દર્શકોને માણસના સર્જન અને તેના ઇતિહાસની મહત્ત્વની માહિતી આપતો. તેમ જ, ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના રાજના અંત સુધીની ઝલક આપતો.—પ્રકટી. ૨૦:૪. *
પરંતુ, નાનાં શહેરોમાં કે ગામડામાં રહેતા લોકો વિશે શું? તેઓ માટે, ઑગસ્ટ ૧૯૧૪માં આઈ. બી. એસ. એ. દ્વારા “ફોટો ડ્રામા”ની ટૂંકી આવૃત્તિ બહાર પાડવામાં આવી. ચલચિત્રો વગરની એ આવૃત્તિ “યુરેકા ડ્રામા” નામથી ઓળખાઈ. એ ડ્રામા કેટલીક ભાષામાં પ્રાપ્ય હતો. ઉપરાંત, એના ત્રણ પ્રકાર હતા: “યુરેકા એક્સ,” “યુરેકા વાય” અને “યુરેકા ફૅમિલી ડ્રામા.” “યુરેકા એક્સ”માં સંગીત અને રેકોર્ડ કરેલું વર્ણન સાંભળી શકાતું. “યુરેકા વાય”માં બધી સુંદર રંગીન સ્લાઈડ્સ અને રેકોર્ડિંગ હતાં. તેમ જ, “યુરેકા ફૅમિલી ડ્રામા”માં રાજ્ય ગીતો અને કેટલાક રેકોર્ડિંગ હતાં. એ બધા ડ્રામા માટે જરૂરી વસ્તુઓ જેમ કે, ફોનોગ્રાફ, પ્રોજેક્ટર અને એનાં સાધનો પણ સસ્તામાં મેળવી શકાતાં.
નવી આવૃત્તિઓના લીધે, ડ્રામા બતાવવા મોટા પડદાની કે ફિલ્મ પ્રોજેક્ટરની જરૂર પડતી નહિ. બાઇબલ વિદ્યાર્થીઓ વિના મૂલ્યે ડ્રામા બતાવીને ગામડાઓમાં અને નવા વિસ્તારોમાં રાજ્યનો સંદેશો આપતા. “યુરેકા એક્સ”માં ફક્ત અવાજ જ હોવાથી એને દિવસે કે રાતે ગમે ત્યારે વગાડી શકાતો. “યુરેકા વાય”ને જોવા ગેસથી ચાલતાં પ્રોજેક્ટર પણ વાપરી શકાતાં. ફિન્નિશ ભાષાના ચોકીબુરજમાં આવેલા અહેવાલમાં એક ભાઈએ કહ્યું: ‘અમે આ સ્લાઈડ્સ કોઈ પણ જગ્યાએ સહેલાઈથી બતાવી શકીએ છીએ.’ એ કેટલું સાચું હતું!
બાઇબલ વિદ્યાર્થીઓ મોંઘા હૉલ ભાડે રાખવાના બદલે, વિના મૂલ્યે મળી રહેતી જગ્યાઓએ ડ્રામા ગોઠવતા. જેમ કે, સ્કૂલ, ન્યાયાલય કે રેલવે સ્ટેશનના ગૃહો અને જ્યાં બેઠક રૂમ મોટા હોય એવાં ઘરો. મોટા ભાગે તબેલા કે વખારની દીવાલ પર સફેદ પડદો લગાવીને ડ્રામા બતાવવામાં આવતો અને દર્શકો સામેની ખુલ્લી જગ્યામાં બેસીને એ જોઈ શકતા. ભાઈ એંથોની હેમબક લખે છે: ‘ખેડૂતો પોતાની વાડીને જાણે એક નાના સ્ટેડિયમમાં બદલી દેતા, જ્યાં લાકડા પર બેસીને દર્શકો કાર્યક્રમનો આનંદ માણતા.’ “યુરેકા” ડ્રામા બતાવનાર ભાઈઓનું નાનું જૂથ એક ગાડી વાપરતું, જેમાં તેઓ સાધનો, સામાન, તંબુઓ અને રાંધવાનાં વાસણો વગેરે લઈને નીકળતા.
એ ડ્રામા જોવા કેટલીક વાર દર્શકો મુઠ્ઠીભર તો કેટલીક વાર સેંકડોની સંખ્યામાં આવતા. એક વાર તો અમેરિકામાં, ૧૫૦ની વસ્તીવાળા એક ગામમાં એક સ્કૂલના રૂમમાં ૪ વખત એ ડ્રામા બતાવવામાં આવ્યો. એની કુલ હાજરી લગભગ ૪૦૦ થઈ હતી. કેટલીક જગ્યાએ તો એ ડ્રામા જોવા લોકો લગભગ ૮ કિ.મી. દૂરથી ચાલીને આવતા. સ્વીડનમાં રહેતાં બહેન આહલબર્ગ શાર્લોટના નાના ઘરમાં પણ એ ડ્રામા રાખવામાં આવ્યો હતો. ડ્રામાનું રેકોર્ડિંગ સાંભળવા આવેલા પડોશીઓના ‘દિલ પર ઊંડી અસર’ થઈ. ઑસ્ટ્રેલિયાના એક છેવાડાના શહેરમાં જ્યાં ખાણ આવેલી છે, ત્યાં લગભગ ૧૫૦૦ લોકો ડ્રામા જોવા આવ્યા હતા. વૉચ ટાવરમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે શાળા અને કૉલેજના ‘ઘણા પ્રોફેસર અને વિદ્યાર્થીઓ આપણા ડ્રામાનાં ચિત્રો જોઈને અને ફોનોગ્રાફ રેકોર્ડિંગ સાંભળીને બહુ નવાઈ પામ્યા છે.’ “યુરેકા ડ્રામા” તો સીનેમા ઘરોમાં પણ છવાયેલો રહેતો.
સત્યના બીજનો ઉછેર
એ સમયમાં નવાં મંડળો ઊભાં કરવાં માટે અમુક બાઇબલ વિદ્યાર્થીઓને જાહેર પ્રવચનો આપવાં મોકલવામાં આવતા. એ કામને “ક્લાસ એક્સટેન્શન વર્ક” કહેવામાં આવતું. એ કામમાં પણ “યુરેકા ડ્રામા” ખૂબ ઉપયોગી સાધન બન્યો. “યુરેકા ડ્રામા” કુલ કેટલા લોકોએ જોયો એ જાણવું અઘરું છે. ડ્રામાની આવૃત્તિઓનો સતત ઉપયોગ થઈ રહ્યો હતો. ૧૯૧૫માં ડ્રામા બતાવતા ભાઈઓની ૮૬ ટીમમાંથી ફક્ત ૧૪ ટીમે નિયમિત અહેવાલો આપ્યા. અફસોસની વાત છે કે કુલ સંખ્યાથી આપણે માહિતગાર નથી. તોપણ એ વર્ષનો અહેવાલ બતાવે છે કે દસ લાખથી વધુ લોકોએ ડ્રામા જોયો હતો. એમાંના લગભગ ૩૦ હજાર લોકોએ બાઇબલ સાહિત્ય મંગાવ્યું.
ભલે “યુરેકા ડ્રામા” હવે વીતી ગયેલો ઇતિહાસ બની ગયો છે. છતાં, એ અજોડ ડ્રામા દુનિયાના ચારેય ખૂણે છવાઈ ગયો હતો. ઑસ્ટ્રેલિયાથી લઈને આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકાથી લઈને બ્રિટિશ આયેલ્સ સુધી, ભારત તેમ જ કૅરિબિયન દેશોમાં લાખો લોકોએ એ ડ્રામા જોયો. તેઓમાંના ઘણાઓને સત્યનો ખજાનો જડ્યો, જે સોના કરતાં ઘણો કીમતી છે. તેઓ ચોક્કસ બોલી ઊઠ્યા હશે, “યુરેકા!”
^ ફકરો. 4 ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૪ના પાન ૩૦-૩૨ પરનો લેખ “આપણો ઇતિહાસ—શ્રદ્ધા મજબૂત કરતો ૧૦૦ વર્ષ જૂનો અજોડ બનાવ” જુઓ.