સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના પરથી શીખીએ
‘તમારું બુલંદ નામ ધન્ય હો!’—નહે. ૯:૫.
૧. આપણે આ લેખમાં કયા બનાવ વિશે જોઈશું? અને આપણે કેવા સવાલોનો વિચાર કરવો જોઈએ?
‘ઊભા થાઓ અને આપણાં ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો.’ (નહે. ૯:૪, ૫) એ ઉત્તેજનભર્યા શબ્દો સાથે ઈશ્વરના લોકો પ્રાર્થના કરવા યરુશાલેમમાં એક ખાસ સભામાં ભેગા થયા હતા. ઈસવીસન પૂર્વે ૪૫૫મા, તીશરી તરીકે ઓળખાતા યહુદીઓના સાતમા મહિનાનો એ ૨૪મો દિવસ હતો. એ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના બાઇબલ ઇતિહાસમાં સૌથી લાંબી પ્રાર્થના છે. એ સમયે બનેલા બનાવો વિશે આ લેખમાં જોઈએ ત્યારે, આ સવાલો પર વિચાર કરો: ‘એ પ્રસંગને સફળ બનાવવા કઈ સારી આદતોએ ભાગ ભજવ્યો? સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના પરથી હું શું શીખી શકું?’—ગીત. ૧૪૧:૨.
એક ખાસ મહિનો
૨. દીવાલનું સમારકામ કર્યા પછી ઈસ્રાએલીઓ ભેગા મળ્યા ત્યારે તેઓએ શું કર્યું?
૨ એ ખાસ સભામાં યહુદીઓ ભેગા મળ્યા એના એક મહિના પહેલાં તેઓએ યરુશાલેમની દીવાલનું સમારકામ પૂરું કર્યું હતું. (નહે. ૬:૧૫) તેઓએ સમારકામ ફક્ત બાવન દિવસમાં પૂરું કર્યું. ત્યાર બાદ તરત તેઓએ ઈશ્વર સાથે પોતાનો સંબંધ મજબૂત કરવા પર ધ્યાન આપ્યું. એના માટે તેઓ શરૂ થનાર નવા મહિના એટલે કે તીશરીના પહેલા દિવસે ભેગા મળ્યા. તેઓ એઝરા પ્રબોધક અને બીજા લેવીઓ પાસેથી ઈશ્વરનાં વચનો સાંભળવાં અને સમજવાં જાહેર સ્થળે એકઠા થયા. બધા કુટુંબોના સભ્યો “જેઓ સાંભળીને સમજી શકે એવાં હતાં” તેઓએ “પરોઢિયાથી બપોર સુધી” ઊભા રહીને ધ્યાનથી એ વચનો સાંભળ્યાં. આરામદાયક રાજ્યગૃહમાં હાજરી આપતાં ભાઈ-બહેનો માટે એ કેટલો સારો દાખલો છે! શું કોઈક વાર સભાઓ દરમિયાન તમારું મન ભટકીને ઓછા મહત્ત્વની બાબતો પર વિચારે છે? જો એમ હોય તો, એ પ્રાચીન ઈસ્રાએલીઓના દાખલા પર ફરી વિચાર કરીએ. તેઓએ પ્રવચનો સાંભળવાની સાથે સાથે એને દિલમાં ઉતાર્યાં. અરે, એક પ્રજા તરીકે પોતે ઈશ્વરની આજ્ઞા પાળવામાં નિષ્ફળ ગયા છે, એવો ખ્યાલ આવવાથી તેઓ રડી પડ્યા!—નહે. ૮:૧-૯.
૩. ઈસ્રાએલીઓએ કયા માર્ગદર્શન પ્રમાણે કર્યું?
૩ જોકે, એ સમય જાહેરમાં પાપની કબૂલાત કરવાનો ન હતો. કારણ કે, તહેવારનો દિવસ હોવાથી એ યહોવાની ભક્તિમાં ઉજાણી કરવાનો સમય હતો. (ગણ. ૨૯:૧) તેથી, નહેમ્યાએ લોકોને કહ્યું: “હવે જાઓ, સ્વાદિષ્ટ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું; કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.” વખાણવા જેવું છે કે લોકોએ તરત એ માર્ગદર્શન પ્રમાણે કર્યું અને એ દિવસ ‘મોટા આનંદમાં’ ફેરવાઈ ગયો.—નહે. ૮:૧૦-૧૨.
૪. બધાં કુટુંબના શિરે શું કર્યું, અને માંડવા પર્વનાં કયાં મહત્ત્વનાં પાસાં વિશે તેઓને જાણવા મળ્યું?
૪ બીજા જ દિવસે બધાં કુટુંબના શિર એ જોવા ભેગા થયા કે આખી પ્રજા ઈશ્વરના દરેક નિયમને કઈ રીતે પાળી શકે. શાસ્ત્રવચનના અભ્યાસ પરથી તેઓને જાણવા મળ્યું કે, તીશરી મહિનાની ૧૫થી ૨૨ તારીખમાં તેઓએ માંડવા પર્વની ઉજવણી અને અંતે સભા ગોઠવવી જોઈએ. તેથી, તેઓ એની તૈયારી કરવા લાગ્યા. યહોશુઆના સમયથી લઈને એ સમય સુધીમાં એટલો સફળ પર્વ ક્યારેય થયો ન હતો. એને લીધે “મહા આનંદ થઈ રહ્યો.” એ પર્વનું મહત્ત્વનું પાસું હતું કે ‘પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી દરરોજ ઈશ્વરના નિયમશાસ્ત્રને’ જાહેરમાં વાંચવામાં આવતું હતું.—નહે. ૮:૧૩-૧૮.
કબૂલાતનો દિવસ
૫. લેવીઓએ પ્રાર્થના કરી એ પહેલાં લોકોએ શું કર્યું?
૫ એના બે દિવસ પછી, પાપની કબૂલાત કરવાનો યહોવાના લોકો માટે યોગ્ય સમય હતો. એ ઉજવણીનો દિવસ ન હતો. એને બદલે તેઓએ ઉપવાસ કરીને અને તાટ પહેરીને શોક જાહેર કર્યો. કારણ કે, ઈશ્વરના નિયમ પાળવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. હવે ફરીથી સવારના ત્રણ કલાક ઈશ્વરના નિયમો વાંચવામાં આવ્યા અને બપોરે “તેઓએ પાપ કબૂલ કરીને પોતાના ઈશ્વર યહોવાનું ભજન કર્યું.” પછી, લેવીઓએ લોકો વતી સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના કરી. —નહે. ૯:૧-૪.
૬. લેવીઓને સારી પ્રાર્થના કરવા ક્યાંથી મદદ મળી અને એમાંથી આપણને શું શીખવા મળે છે?
૬ ઈશ્વરના નિયમો વારંવાર વાંચવાથી લેવીઓ એ સારી પ્રાર્થના તૈયાર કરી શક્યા. એમાં પહેલી દસ કલમો યહોવાનાં કાર્યો અને ગુણો વિશે વર્ણન કરે છે. પ્રાર્થનાનો પછીનો ભાગ ઈશ્વરને “પુષ્કળ દયાળુ” દર્શાવે છે. તેમ જ, લેવીઓ જણાવે છે કે ઈસ્રાએલીઓ પોતાનાં ઘણાં પાપને લીધે એ દયાને લાયક ન હતા. (નહે. ૯:૧૯, ૨૭, ૨૮, ૩૧) લેવીઓની પ્રાર્થનામાંથી આપણને શીખવા મળે છે કે બાઇબલ દરરોજ વાંચીને એના પર મનન કરવું જોઈએ. એમ કરવાથી આપણે યહોવાના વિચારો જાણી શકીએ છીએ. એ પછી પ્રાર્થના કરીશું તો, ખુલ્લા મને યહોવા સાથે વાત કરી શકીશું.—ગીત. ૧:૧, ૨.
૭. લેવીઓએ કઈ અરજ કરી અને આપણને એમાંથી શું શીખવા મળે છે?
૭ એ પ્રાર્થનામાં તેઓએ એક જ નાની અરજ કરી હતી જે ૯મા અધ્યાયની કલમ ૩૨ના બીજા ભાગમાં જોવા મળે છે. કલમ જણાવે છે: ‘હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર, આશ્શૂરના રાજાઓના વખતથી આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર અને તમારા સર્વ લોકો પર પડ્યાં છે, એ સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.’ આમ, લેવીઓના સરસ દાખલા પરથી શીખવા મળે છે કે, પ્રાર્થનામાં પોતાની જરૂરિયાતો જણાવતા પહેલા યહોવાને મહિમા આપીને આભાર માનવો જોઈએ.
ઈશ્વરના મહિમાવંત નામની સ્તુતિ કરીએ
૮, ૯. (ક) લેવીઓએ પ્રાર્થનાની શરૂઆત કઈ રીતે નમ્રતાથી કરી? (ખ) લેવીઓએ કયા બે સ્વર્ગીય સૈન્ય વિશે વાત કરી?
૮ લેવીઓએ પ્રાર્થના સારી રીતે તૈયાર કરી હતી છતાં, સ્વીકાર્યું કે યહોવાનો મહિમા દર્શાવી શકે એવા શબ્દો તેઓ પાસે નથી. એમાં તેઓની નમ્રતા દેખાઈ આવે છે. તેઓએ ઈસ્રાએલીઓ વતી યહોવાને અરજ કરતા કહ્યું: ‘તમારા મહિમાવંત નામની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.’—નહે. ૯:૫, સંપૂર્ણ.
૯ પ્રાર્થના આગળ જણાવે છે, ‘તમે એકલા, હા, તમે એકલા જ યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણી-પદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યાં છે, તમે તે સર્વનું રક્ષણ કરો છો અને આકાશનું સૈન્ય તમને ભજે છે.’ (નહે. ૯:૬) સાચે જ, યહોવા ઈશ્વરે આખા વિશ્વની રચના કરી જેમાં અસંખ્ય તારામંડળનું “સૈન્ય” પણ છે. એવી જ અદ્ભુત રીતે તેમણે સુંદર પૃથ્વી બનાવી, જેમાં જાત જાતની જીવ સૃષ્ટિ વસે છે અને પોતાની જાત પ્રમાણે જન્મ આપે છે. એ સર્જનના સાક્ષી ઈશ્વરના પવિત્ર દૂતો છે. તેઓને પણ “આકાશનું સર્વ સૈન્ય” કહેવામાં આવે છે. (૧ રાજા. ૨૨:૧૯; અયૂ. ૩૮:૪, ૭) એ દૂતો ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા માટે “તારણનો વારસો પામનારા” પાપી માણસોની નમ્રભાવે સેવા કરે છે. (હિબ્રૂ ૧:૧૪) નમ્રતા બતાવવામાં દૂતોએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. તાલીમ પામેલા સૈન્ય તરીકે આપણે પણ યહોવાની સેવા ભેગા મળીને કરતા રહીએ.—૧ કોરીં. ૧૪:૩૩, ૪૦.
૧૦. ઈબ્રાહીમ સાથે ઈશ્વર જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૦ પછી લેવીઓએ લોકોનું ધ્યાન, ઈબ્રામ સાથે ઈશ્વર જે રીતે વર્ત્યા એ તરફ દોર્યું. ઈબ્રામ ૯૯ વર્ષના થયા ત્યાં સુધી તેમની પત્ની સારાયને બાળક ન હતું. તોપણ, યહોવાએ તેમનું નામ ઈબ્રાહીમ એટલે કે “ઘણી દેશજાતિઓનો પૂર્વજ” પાડ્યું. (ઉત. ૧૭:૧-૬, ૧૫, ૧૬) ઈશ્વરે ઈબ્રાહીમને વચન આપ્યું કે તેમના વંશજોને વારસામાં કનાન દેશ આપશે. માણસો પોતાનું વચન ભૂલી શકે પણ યહોવા કદી આપેલાં વચન ભૂલતા નથી. લેવીઓની પ્રાર્થનામાં આગળ જણાવ્યું છે, ‘તમે તે જ યહોવા ઈશ્વર છો કે જેમણે ઈબ્રામને પસંદ કરીને કાસ્દીઓના ઉરમાંથી કાઢી લાવ્યા, ને તેમનું નામ ઈબ્રાહીમ પાડ્યું. તેમનું અંતઃકરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડ્યું. કનાનીઓનો દેશ તેમનાં સંતાનને આપવાનો કરાર તમે તેમની સાથે કર્યો. અને તમે ન્યાયી હોવાથી તમારું વચન પાળ્યું છે.’ (નહે. ૯:૭, ૮) આપણે પણ ન્યાયી ઈશ્વરની જેમ વચન પાળનારા બનીએ.—માથ. ૫:૩૭.
યહોવાએ પોતાના લોકો માટે કરેલાં અદ્ભુત કામ
૧૧, ૧૨. યહોવા નામનો શો અર્થ થાય છે? એ નામ તેમને જ શોભે છે, એમ સાબિત કરવા યહોવાએ પોતાના લોકો માટે શું કર્યું?
૧૧ યહોવા નામનો અર્થ “તે ચાહે તે બને છે” એવો થાય છે. ઈશ્વર પોતાનાં વચનો પૂરાં કરવાં સતત કામ કરતા રહે છે. એ બાબત ઈબ્રાહીમના વંશજો સાથે ઈશ્વર જે રીતે વર્ત્યા એ પરથી જોઈ શકાય છે. ઈસ્રાએલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા ત્યારે માનવું અઘરું હતું કે તેઓ આઝાદ થઈને વચનના દેશમાં જશે. પોતાનાં વચનો પૂરાં કરવાં ઈશ્વરે સતત પગલાં લીધાં. આમ, પોતાના અજોડ અને મહાન નામ પ્રમાણે તેમણે કરી બતાવ્યું.
૧૨ નહેમ્યાએ નોંધેલી પ્રાર્થના યહોવા વિશે આમ કહે છે: ‘તમે મિસરમાં અમારા પિતૃઓનું દુઃખ જોયું અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. તમે ફારૂન પર, તેના સર્વ ચાકરો પર અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યાં. કારણ કે, તમે જાણતા હતા કે તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા. અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું. તમે સમુદ્રના બે ભાગ કરી નાખ્યા, જેથી તેઓ સમુદ્રમાં કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ગયા. અને જેમ પથ્થરને મહા જળમાં ફેંકવામાં આવે તેમ, તેઓનો પીછો કરનારાઓને તમે ઊંડાણમાં ફેંકી દીધા.’ એ પ્રાર્થના આગળ જણાવે છે કે યહોવાએ તેઓ માટે બીજું શું કર્યું: ‘તમે તેઓની સામે એ દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા. તેઓએ કિલ્લાવાળાં શહેરો અને રસાળ ભૂમિ લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતુનવાડીઓ અને પુષ્કળ ફળ-ઝાડ તેઓનાં કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા અને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.’—નહે. ૯:૯-૧૧, ૨૪, ૨૫.
૧૩. ઈસ્રાએલીઓએ ઇજિપ્ત છોડ્યું એના તરત પછી યહોવાએ તેઓ માટે શું કર્યું? પરંતુ, સમય જતા ઈસ્રાએલીઓ કઈ રીતે વર્ત્યા?
૧૩ ઈશ્વર પોતાનાં વચનો પૂરાં કરવાં માટે બીજી ઘણી બાબતો કરતા રહ્યા. દાખલા તરીકે, ઇજિપ્ત છોડીને ઈસ્રાએલીઓ નીકળ્યા ત્યારે યહોવાએ તેઓને નિયમો આપ્યા અને શીખવ્યું કે કઈ રીતે ભક્તિ કરવી. ઈશ્વરને પ્રાર્થના કરતા લેવીઓએ કહ્યું: ‘સિનાય પર્વત પર પણ તમે ઊતરી આવ્યા. આકાશમાંથી તમે તેઓની સાથે બોલ્યા. તમે તેઓને વાસ્તવિક હુકમો અને સત્ય નિયમો, સારા વિધિઓ અને આજ્ઞાઓ આપ્યાં.’ (નહે. ૯:૧૩) યહોવાએ ઈસ્રાએલીઓને પોતાની પ્રજા તરીકે પસંદ કરી હતી. અને તેઓને વચનનો દેશ આપવાના હતા. તેથી, તેઓને શીખવ્યું કે યહોવાના પવિત્ર નામથી ઓળખાતી પ્રજાએ કઈ રીતે વર્તવું જોઈએ. પરંતુ, થોડા જ સમય પછી ઈસ્રાએલીઓએ યહોવાની આજ્ઞા પાળવાનું છોડી દીધું.—નહેમ્યા ૯:૧૬-૧૮ વાંચો.
ઈસ્રાએલીઓને શિસ્તની જરૂર હતી
૧૪, ૧૫. (ક) ઈસ્રાએલીઓ માટે યહોવાએ કઈ રીતે દયા બતાવી? (ખ) ઈસ્રાએલીઓ સાથે યહોવાનું વર્તન આપણને શું શીખવે છે?
૧૪ સિનાયના પહાડ પર ઈસ્રાએલીઓએ વચન આપ્યું કે ઈશ્વરના નિયમ હંમેશાં પાળશે. પરંતુ, થોડા જ સમય બાદ તેઓએ બે ગંભીર પાપ કર્યાં. એ વિશે પ્રાર્થનામાં લેવીઓએ ઉલ્લેખ કર્યો. એ ગંભીર પાપને લીધે ઈસ્રાએલીઓ અરણ્યમાં મરવાને ત્યજી દેવા લાયક હતા. પરંતુ, પ્રાર્થનામાં યહોવાને મહિમા આપતા લેવીઓએ કહ્યું, ‘તોપણ પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં ત્યજી દીધા નહિ. તમે ચાળીસ વર્ષ સુધી તેઓનું પાલનપોષણ કર્યું. તેઓને કશાની ખોટ પડી નહિ. તેઓનાં વસ્ત્રો જૂનાં થયાં નહિ અને તેઓના પગ સૂજ્યા નહિ.’ (નહે. ૯:૧૯, ૨૧) આજે પણ યહોવા આપણને દરેક વસ્તુઓ આપે છે, જેથી આપણે વફાદારીથી તેમની સેવા કરી શકીએ. ઈશ્વરની આજ્ઞા ન પાળવાથી અને શ્રદ્ધાની ખામી હોવાથી હજારો ઈસ્રાએલીઓ અરણ્યમાં નાશ પામ્યા હતા. આપણે તેઓ જેવા ન બનીએ. અરે, તેઓનો એ દાખલો આપણા ચેતવણી માટે લખવામાં આવ્યો છે.—૧ કોરીં. ૧૦:૧-૧૧.
૧૫ દુઃખની વાત છે કે વચનના દેશમાં પ્રવેશ કર્યા પછી, ઈસ્રાએલીઓ કનાની દેવોની ઉપાસના કરવા લાગ્યા હતા. તેઓ અશ્લીલ કામો કરતા અને પોતાનાં બાળકોની બલિ ચઢાવવા લાગ્યા હતા. એટલે યહોવાએ પોતાની પસંદ કરેલી પ્રજા પર પડોશી રાષ્ટ્રો દ્વારા ચઢાઈ થવા દીધી. ઈસ્રાએલીઓએ પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ દયા બતાવીને તેઓને માફ કર્યા અને દુશ્મનોથી તેઓને છોડાવ્યા. એવું “વારંવાર” થયું. (નહેમ્યા ૯:૨૬-૨૮, ૩૧ વાંચો.) લેવીઓએ કબૂલ કર્યું કે, “ઘણાં વરસો સુધી તમે તેઓ માટે ધીરજ રાખી. તેઓનાં પાપો સંબંધી તેઓને ચેતવણી આપવા માટે તમે તમારા પ્રબોધકોને મોકલ્યા. તેમ છતાં તેઓએ સાંભળ્યું નહિ. તેથી ફરીથી એક વખત વિદેશીઓને હાથે તમે તેઓને હાર અપાવી.”—નહે. ૯:૩૦, IBSI.
૧૬, ૧૭. (ક) બાબેલોનની ગુલામી પછી ઈસ્રાએલીઓની સ્થિતિ વચનના દેશમાં પહોંચેલા પૂર્વજો કરતાં કઈ રીતે જુદી હતી? (ખ) ઈસ્રાએલીઓએ શું કબૂલ કર્યું અને કયું વચન આપ્યું?
૧૬ બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યા પછી પણ ઈસ્રાએલીઓ વારંવાર આજ્ઞા તોડતા રહ્યા. એનું શું પરિણામ આવ્યું? લેવીઓ પ્રાર્થનામાં આગળ કહે છે, ‘જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો કે તેનું ફળ તથા તેની ઉત્તમ ઊપજ તેઓ ખાય, તે દેશમાં અમે આજે દાસ છીએ. અમારાં પાપને લીધે જે રાજાઓ તમે અમારા ઉપર ઠરાવ્યા છે, તેઓને તે દેશમાંથી બહુ ઊપજ પ્રાપ્ત થાય છે. અને અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ.’—નહે. ૯:૩૬, ૩૭.
૧૭ શું લેવીઓ એમ કહેવા માંગતા હતા કે ઈશ્વર પોતાના લોકો પ્રત્યે અન્યાયી છે? ના. જરાય નહિ! તેઓએ તો કબૂલ્યું: ‘અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.’ (નહે. ૯:૩૩) એ સ્વાર્થ વગરની પ્રાર્થનાના અંતે તેઓએ વચન આપ્યું કે હવેથી આખું રાષ્ટ્ર ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલશે. (નહેમ્યા ૯:૩૮ વાંચો; નહે. ૧૦:૨૯) એ વચન તેઓએ લખી લીધું અને ૮૪ યહૂદી આગેવાનોએ એના પર મહોર કરી.—નહે. ૧૦:૧-૨૭.
૧૮, ૧૯. (ક) ઈશ્વરની નવી દુનિયામાં જવા માટે આપણે શું કરવું જોઈએ? (ખ) આપણે શાના વિશે પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને શા માટે?
૧૮ આપણે યહોવાની નવી દુનિયામાં જવા માંગતા હોઈએ તો, તેમના તરફથી મળતી શિસ્ત સ્વીકારવી જોઈએ. પ્રેરિત પાઊલે પૂછ્યું, “એવો કયો દીકરો છે, કે જેને બાપ શિક્ષા કરતો નથી?” (હિબ્રૂ ૧૨:૭) ઈશ્વરની શિસ્ત સ્વીકારી અને તેમની સેવા વફાદારીથી કરીને આપણે બતાવીએ છીએ કે તેમના હાથે ઘડાવવા માંગીએ છીએ. જો આપણે ગંભીર પાપ કરી બેસીએ, તો ખરા દિલથી પસ્તાવો કરીએ અને નમ્રતાથી તેમની શિસ્ત સ્વીકારીએ. એમ કરવાથી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને માફ કરશે.
૧૯ યહોવાએ ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી છોડાવતી વખતે ઘણી અદ્ભુત બાબતો કરી હતી. જોકે, એનાથી વધુ અદ્ભુત બાબતો તે જલદી જ કરવાના છે. આમ, બધા લોકો જાણશે કે તે જ મહાન ઈશ્વર છે. (હઝકી. ૩૮:૨૩) એ સમયે જેમ ઈસ્રાએલીઓને વચનના દેશનો વારસો આપ્યો હતો, તેમ બધા વફાદાર ભક્તોને યહોવા ન્યાયી નવી દુનિયાનો વારસો આપશે. (૨ પીત. ૩:૧૩) તેથી, ચાલો આપણે ઈશ્વરના નામને પવિત્ર મનાવવા પ્રાર્થના કરતા રહીએ. આવતા લેખમાં આપણે બીજી એક પ્રાર્થના વિશે ચર્ચા કરીશું. એ બતાવશે કે ઈશ્વરનો આશીર્વાદ આજે અને સદા મેળવતા રહેવા આપણે શું કરવું જોઈએ.