વિરોધાભાસ પારખીને લાભ મેળવો
તમે ચોક્કસ સહમત થશો કે પૃથ્વી પર જીવી ગયેલા સૌથી ઉત્તમ શિક્ષક ઈસુ હતા. લોકોને શીખવવા ઈસુએ જે રીતો વાપરી એમાંની અમુકને અનુસરવાના કદાચ તમે પણ પ્રયત્નો કરતા હશો. જેમ કે, તમે પણ સવાલો અને દૃષ્ટાંતોનો ઉપયોગ કરતા હશો. પરંતુ, શું તમે ધ્યાન આપ્યું કે ઈસુ શીખવતી વખતે વિરોધાભાસી વાક્યોનો પણ ઘણી વાર ઉપયોગ કરતા હતા?
ઘણા લોકો વાતચીતમાં વિરોધાભાસી વાક્યો કે તફાવતોનો ઉપયોગ કરે છે. અરે, તમે પણ અજાણતા એનો ઉપયોગ કરતા હશો. તમે કદાચ આવું કંઈક કહ્યું હશે, ‘તેઓએ જણાવ્યું કે બધાં ફળ પાકાં છે. પરંતુ, આ બધાં તો હજી કાચાં છે.’ અથવા તમે આમ કહ્યું હશે, ‘નાની હતી ત્યારે તે ખૂબ શરમાળ હતી. પણ, હવે તે ઘણી મળતાવડી બની ગઈ છે.’
આવા વાક્યમાં તમે પહેલા માહિતી જણાવો છો અને પછી વિરોધાભાસ લાવવા પણ, જોકે, જ્યારે કે, બીજી બાજુ જેવા શબ્દો વાપરો છો. અથવા ભેદ સ્પષ્ટ દેખાઈ આવે એ માટે વધુ માહિતી આપો છો. એ રીતે વાત કરવાથી લોકો તમારો મુદ્દો સારી રીતે સમજી શકે છે.
અમુક ભાષા કે સમાજમાં વિરોધાભાસી વાક્યો બહુ વપરાતાં નથી. છતાં, એનું મહત્ત્વ સમજવું જરૂરી છે. શા માટે? કારણ, ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા બાઇબલમાં એવાં ઘણાં વાક્યો જોવાં મળે છે. ઈસુએ પણ ઘણી વાર એવાં વાક્યો વાપર્યાં હતાં. આનો વિચાર કરો: “દીવો કરીને તેને માપ તળે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે.” “[નિયમશાસ્ત્રનો] હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.” “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે. . . ” ‘આંખને બદલે આંખ, ને દાંતને બદલે દાંત, એમ કહેલું હતું, પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ: પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.’—માથ. ૫:૧૫, ૧૭, ૨૭, ૨૮, ૩૮, ૩૯.
આવા જ તફાવતો બતાવતાં વાક્યો બાઇબલનાં બીજાં પુસ્તકોમાં પણ જોવાં મળે છે. એવાં વાક્યો મુદ્દાને સમજવા મદદ કરે છે અથવા કોઈ બાબત કરવાની વધુ સારી રીત પર ભાર મૂકે છે. જો તમે માબાપ હો, તો આ તફાવતનો વિચાર કરો: ‘પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ યહોવાના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.’ (એફે. ૬:૪) એ જ બાબતને પ્રેરિત પાઊલે જો સાદા શબ્દોમાં કહી હોત કે પિતાઓ તમારા બાળકને ઈશ્વરના જ્ઞાનમાં ઉછેરો, તોય ખરું હોત. છતાં, અહીંયા વિરોધાભાસ વાપરવાથી એ મુદ્દો વધુ સ્પષ્ટ થાય છે કે, બાળકને ‘ચીડવવું નહિ પણ યહોવાના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવું જોઈએ.’
એ જ અધ્યાયમાં પાઊલે આગળ લખ્યું, ‘આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ આકાશી સ્થાનોમાં દુષ્ટ દૂતોનાં લશ્કરોની સામે છે.’ (એફે. ૬:૧૨) વિરોધાભાસને લીધે સમજી શકાય છે કે, આપણે કોઈ સામાન્ય લડાઈનો ભાગ નથી. એ લડાઈ મનુષ્યો સામે નહિ, પણ દુષ્ટ દૂતો સામે છે.
વિરોધાભાસથી લાભ મેળવો
એફેસીઓના પુસ્તકમાં જ પાઊલનાં એવાં ઘણાં વાક્યો જોવાં મળે છે જેમાં વિરોધાભાસ વપરાયેલો છે. એના પર વિચાર કરવાથી પાઊલે જણાવેલો મુદ્દો સમજી શકીશું. તેમ જ, પારખી શકીશું કે આપણે શું કરવાની જરૂર છે.
એફેસીના અધ્યાય ચાર અને પાંચમાં નોંધાયેલાં વિરોધાભાસી વાક્યો ચાર્ટમાં આપેલાં છે. એના પર વિચાર કરવાથી તમને જરૂર મજા આવશે અને શીખવા પણ મળશે. એ વાંચો ત્યારે પોતા વિશે વિચારો કે મારું વલણ કેવું છે? એવા સંજોગો ઊભા થાય ત્યારે હું કઈ રીતે વર્તું છું? લોકોના મત પ્રમાણે એ તફાવતનું કયું પાસું મને લાગુ પડે છે? તમને જો કોઈ ફેરફાર કરવાની જરૂર જણાય, તો એમ કરવા પ્રયત્ન કરો. આમ, એ તફાવત પારખવાથી તમને મદદ મળશે.
તમે એ ચાર્ટનો ઉપયોગ કુટુંબ તરીકેની ભક્તિમાં કરી શકો. સૌપ્રથમ, કુટુંબના બધા સભ્યોને એ ચાર્ટ વાંચી લેવા દો. એ પછી એક સભ્ય તફાવતનું એક પાસું જણાવશે અને બીજાઓ ચાર્ટમાં જોયા વિના બીજા પાસાનો મુખ્ય મુદ્દો જણાવવાની કોશિશ કરશે. આમ, કુટુંબ આનંદથી ચર્ચા કરી શકશે કે કઈ રીતે કલમના બીજા પાસાને તેઓ જીવનમાં પૂરી રીતે લાગુ પાડી શકે. વિરોધાભાસી વાક્યોનો ઊંડો અભ્યાસ નાના-મોટા દરેક સભ્યને કુટુંબમાં ખ્રિસ્તી ગુણો બતાવવા મદદ કરશે. ઉપરાંત, બીજાઓની સાથે પણ એ પ્રમાણે વર્તવા મદદ આપશે.
તમે ભેદ પારખતા શીખશો તેમ જોઈ શકશો કે બાઇબલમાં ઘણી જગ્યાએ એનો ઉપયોગ થયો છે. પ્રચારકાર્યમાં પણ એવાં વાક્યો ઘણાં ઉપયોગી છે. તમે કદાચ ઘરમાલિકને કહી શકો, ‘ઘણા લોકો કહે છે કે વ્યક્તિઓમાં અમર આત્મા છે. પણ, ચાલો જોઈએ બાઇબલ શું કહે છે?’ બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે તમે કદાચ પૂછી શકો, ‘આ વિસ્તારમાં ઘણા લોકો માને છે કે ઈસુ અને ઈશ્વર એક જ છે. જ્યારે કે બાઇબલમાં આપણે શું જોઈ ગયા? અને તમે શું માનો છો?’
સાચે જ, બાઇબલમાં વિરોધાભાસ બતાવતાં ઘણાં વાક્યો જોવાં મળે છે. એ આપણને ઈશ્વરના માર્ગ પર ચાલતા રહેવા મદદ કરે છે. તેમ જ, એવાં વાક્યોનો ઉપયોગ કરીને લોકોને બાઇબલના સત્ય તરફ દોરી શકીએ છીએ.