સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એલીશાએ અગ્‍નિ-રથો જોયા—શું તમે જુઓ છો?

એલીશાએ અગ્‍નિ-રથો જોયા—શું તમે જુઓ છો?

અરામનો રાજા ઈશ્વરના પ્રબોધક એલીશાની શોધમાં હતો. તેને જાણવા મળ્યું કે પ્રબોધક પહાડોમાં આવેલા દીવાલોવાળા શહેર દોથાનમાં છે. રાતે ને રાતે અરામના રાજાએ ઘોડાઓ, યુદ્ધના રથો અને લશ્કરને દોથાન મોકલ્યા. વહેલી સવાર થતા તેના લશ્કરે શહેરને ઘેરી લીધું.—૨ રાજા. ૬:૧૩, ૧૪.

એલીશાનો ચાકર વહેલી સવારે ઊઠીને બહાર ગયો. પ્રબોધકને પકડવા આવેલા દુશ્મનના લશ્કરને જોઈને તે પોકારી ઊઠ્યો: “હાય હાય, મારા શેઠ! આપણે શું કરીશું?” એલીશાએ કહ્યું: “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.” પછી, પ્રબોધકે પ્રાર્થના કરી: “હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ.” અહેવાલ આગળ જણાવે છે કે “ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી. અને તેણે જોયું, તો જુઓ, એલીશાની આસપાસ અગ્‍નિઘોડાઓથી તથા અગ્‍નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો.” (૨ રાજા. ૬:૧૫-૧૭) એલીશાના જીવનમાં બનેલા આ અને બીજા બનાવોમાંથી આપણે શું શીખી શકીએ?

અરામનું લશ્કર ચડી આવ્યું છતાં પણ એલીશા ગભરાયા નહિ. તેમને યહોવામાં પૂરો ભરોસો હતો અને તેમણે જોયું કે ઈશ્વર રક્ષણ કરતા હતા. આજે આપણે ચમત્કારોની આશા નથી રાખતા, પણ પારખી શકીએ છીએ કે યહોવા પોતાના લોકોનું એક સંગઠન તરીકે રક્ષણ કરે છે. એ એના જેવું છે કે જાણે અગ્‍નિ-ઘોડાઓ અને રથો આપણી ફરતે રહીને આપણું પણ રક્ષણ કરે છે. જો આપણે શ્રદ્ધાની નજરે તેઓને “જોઈ” શકીએ અને હંમેશાં ઈશ્વર પર ભરોસો રાખીએ, તો આપણે “સલામત” રહીશું અને યહોવાના આશીર્વાદો અનુભવીશું. (ગીત. ૪:૮) ચાલો આપણે જોઈએ કે એલીશાના જીવનમાં બનેલા બીજા બનાવોમાંથી કેવા લાભ મેળવી શકીએ.

એલીશા એલીયાના સેવક બને છે

એક વખત એલીશા ખેતર ખેડતા હતા. એવામાં પ્રબોધક એલીયા તેમની પાસે આવ્યા અને પોતાનો ઝભ્ભો તેમના પર નાખ્યો. એલીશાને ખબર હતી કે એનો શું અર્થ થાય. તેમણે મિજબાની કરી, પોતાનાં માબાપને આવજો કહ્યું. પછી, એલીયાની સેવા કરવા ઘર છોડીને ચાલી નીકળ્યા. (૧ રાજા. ૧૯:૧૬, ૧૯-૨૧) એલીશા પોતાનાથી બનતી બધી રીતે ઈશ્વરની ભક્તિ કરવા તૈયાર હતા. એટલે, યહોવાએ તેમને ઘણું કામ સોંપ્યું અને આખરે તે એલીયાની જગ્યાએ પ્રબોધક બન્યા.

એલીશાએ છએક વર્ષ સુધી એલીયાની સેવા કરી હોય શકે. એ સમય દરમિયાન, એલીશા ‘એલીયાના હાથ પર પાણી રેડનારા હતા.’ (૨ રાજા. ૩:૧૧) એ દિવસોમાં લોકો હાથથી જમતા. તેઓ ખાવા માટે કાંટા-છૂરી કે બીજા કશાનો ઉપયોગ કરતા નહિ. માલિક જમી લે ત્યાર બાદ, તેના હાથ ધોવા સેવક હાથ પર પાણી નાખતો. આમ, એલીશાના અમુક કામ સાવ સામાન્ય હતાં. તેમ છતાં, એલીયાના સેવક હોવાને એલીશા એક લહાવો ગણતા.

આજે ઘણા ઈશ્વરભક્તો જુદી જુદી રીતે પૂરા સમયની સેવા કરે છે. શા માટે? તેઓ પોતાની શ્રદ્ધાથી પ્રેરાઈને એમ કરે છે. તેમ જ, તેઓ પોતાની શક્તિ યહોવાની ભક્તિમાં બને એટલી વધારે વાપરવા માગે છે. બેથેલ, બાંધકામની યોજનાઓ, વગેરે અમુક એવાં કામો છે જેના માટે ઘર છોડવું પડે. વળી, એમાં એવાં કામ કરવા પડે જેને કદાચ ઘણા લોકો સામાન્ય ગણી લે. યહોવાના કોઈ પણ ભક્તે આવી સેવાને મામૂલી કે નીચી ગણવી નહિ; યહોવાની નજરે એવી સેવા બહુ કીમતી છે.—હિબ્રૂ ૬:૧૦.

એલીશા પોતાના કામને વળગી રહ્યા

ઈશ્વરે ‘એલીયાને વંટોળિયા મારફત આકાશમાં લઈ લીધા’ એ પહેલાં, તેમણે પ્રબોધકને ગિલગાલથી બેથેલ મોકલ્યા. એલીયાએ પોતાના સાથી એલીશાને જણાવ્યું કે તે પોતાની સાથે ન આવે. પણ તેમણે કહ્યું, “હું તને છોડીશ નહિ.” આગળ મુસાફરી કરતા ગયા તેમ, એલીયાએ બીજી બે વાર તેમને અરજ કરી કે પોતાની સાથે ન આવે. પણ એલીશા એકના બે ન થયા. (૨ રાજા. ૨:૧-૬) જેમ રૂથે નાઓમીનો સાથ ન છોડ્યો, તેમ એલીશાએ એલીયાનો સાથ ન છોડ્યો. (રૂથ ૧:૮, ૧૬, ૧૭) કેમ નહિ? એલીયાની સેવા કરવાનો જે લહાવો યહોવા તરફથી મળ્યો હતો, એની એલીશા બહુ કદર કરતા હતા.

એલીશાએ આપણા માટે કેવો સરસ દાખલો બેસાડ્યો! આપણે યહોવાને ભજીએ છીએ એ યાદ રાખતા હોઈશું તો, તેમના સંગઠનમાં મળેલા કોઈ પણ કામને કીમતી ગણીશું. એનાથી મોટો આદર બીજો કયો હોય શકે!—ગીત. ૬૫:૪; ૮૪:૧૦.

“માગ કે હું તારે માટે શું કરું”

એલીયા અને એલીશા મુસાફરી કરતા હતા તેમ એલીયાએ પૂછ્યું, “તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માગ કે હું તારે માટે શું કરું.” વર્ષો અગાઉ જેમ સુલેમાને યહોવાની ભક્તિને લગતી માંગ કરી હતી, તેમ એલીશાએ પણ કર્યું. એલીશાએ માંગ્યું કે એલીયા પરની યહોવાની શક્તિનો ‘બમણો હિસ્સો તેમના પર આવે.’ (૧ રાજા. ૩:૫, ૯; ૨ રાજા. ૨:૯) ઈસ્રાએલમાં કુટુંબના મોટા દીકરાને વારસાનો બમણો ભાગ મળતો હતો. (પુન. ૨૧:૧૫-૧૭) આ રીતે એલીશાએ માંગ કરી કે પોતે એલીયાના વારસ તરીકે ઓળખાય. તેમ જ, એલીશા ભક્તિમાં પ્રબોધક એલીયા જેવી જ હિંમત બતાવવા માંગતા હતા, જેમને ‘યહોવાને માટે ઘણો જ ઉત્સાહ હતો.’—૧ રાજા. ૧૯:૧૩, ૧૪.

એલીયાએ પોતાના સેવકની માંગનો કેવો જવાબ આપ્યો? પ્રબોધકે કહ્યું, “તેં જે માગણી કરી છે તે ભારે છે. તોપણ જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે, તો તને એ પ્રમાણે થશે; પણ જો તું નહિ જોશે, તો એમ નહિ બનશે.” (૨ રાજા. ૨:૧૦) એલીયાના જવાબમાં બે મહત્ત્વની બાબતો જોવા મળે છે. પહેલી, એલીશાની માંગ પૂરી થશે કે નહિ એ ફક્ત યહોવા જ નક્કી કરી શકે. બીજી, એલીશાએ જે માંગ્યું એ જોઈતું હોય તો, ગમે એ થાય તેમણે એલીયાનો સાથ ન છોડવો.

એલીશાએ શું જોયું?

એલીયા પરની પવિત્ર શક્તિનો બમણો ભાગ એલીશાએ માંગ્યો. એના વિશે યહોવાને કેવું લાગ્યું? બાઇબલ જણાવે છે: “તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે જુઓ, અગ્‍નિરથ તથા અગ્‍નિઘોડા દેખાયા, ને તેઓએ તે બેને જુદા પાડી દીધા; અને એલીયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો. એલીશાએ તે જોયું.” a એલીશાએ કરેલી વિનંતીનો યહોવા તરફથી એ જવાબ હતો. એલીશાએ એલીયાને પોતાની પાસેથી લઈ લેવાતા જોયા; એલીયા પરની શક્તિનો બમણો ભાગ મેળવ્યો; અને પ્રબોધક તરીકેનો વારસો લીધો.—૨ રાજા. ૨:૧૧-૧૪.

એલીયા પાસેથી નીચે પડેલો ઝભ્ભો એલીશાએ ઉઠાવી લીધો અને પહેરી લીધો. એ ઝભ્ભો હવે એલીશાને ઈશ્વરના પ્રબોધક તરીકે ઓળખાવતો હતો. પછીથી, તેમણે યરદન નદીના પાણીના બે ભાગ કર્યા ત્યારે, પ્રબોધક થવાની વધારે સાબિતી તેમને મળી.

એલીયાને વંટોળિયામાં ચઢી જતા નજરે જોવાથી એલીશાના દિલોદિમાગ પર ઊંડી છાપ પડી, એમાં કોઈ શંકા નથી. કોઈ વ્યક્તિને અગ્‍નિ-રથ ને અગ્‍નિ-ઘોડા કંઈ દરરોજ થોડા જોવા મળે છે! એલીશાની વિનંતી યહોવાએ સ્વીકારી, એની એ સાબિતી હતી. ખરું કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે ત્યારે, આગ ઝરતા રથો અને અગ્‍નિ-ઘોડા જોવા નથી મળતા. પણ આપણે પારખી શકીએ છીએ કે ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા અપાર શક્તિ વાપરી રહ્યા છે. યહોવાના પૃથ્વી પરના સંગઠન ઉપર તેમના આશીર્વાદો અનુભવીએ ત્યારે, આપણે જાણે તેમનો ભવ્ય રથ દોડતા ‘જોઈએ’ છીએ.—હઝકી. ૧૦:૯-૧૩.

એલીશાને ઘણા અનુભવો થયા હતા, જેનાથી તેમને યહોવાની અજોડ શક્તિની પૂરેપૂરી ખાતરી મળી હતી. હકીકતમાં, ઈશ્વરની શક્તિથી પ્રબોધક ૧૬ ચમત્કારો કરી શક્યા, જે એલીયાએ કરેલા ચમત્કારોથી બમણા હતા. b આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, દોથાનમાં ઊભી થયેલી આફત સમયે એલીશાએ બીજી વખત અગ્‍નિ-ઘોડા ને અગ્‍નિ-રથો જોયા.

એલીશાએ યહોવામાં ભરોસો મૂક્યો

દોથાનમાં દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં, એલીશા જરાય ગભરાયા નહિ. શા માટે? કારણ કે યહોવામાં તેમની શ્રદ્ધા અડગ હતી. આપણને પણ એવી જ શ્રદ્ધાની જરૂર છે. એટલે, ચાલો આપણે ઈશ્વરની શક્તિને માટે પ્રાર્થના કરીએ, જેથી એની મદદથી શ્રદ્ધા અને એના જેવા ગુણો કેળવી શકીએ.—લુક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩.

દોથાનમાં બનેલા બનાવે એલીશાને યહોવામાં અને રક્ષણ કરતા તેમના અદૃશ્ય સૈન્યોમાં ભરોસો મૂકવાનું હજુ વધારે કારણ આપ્યું. પ્રબોધકે પારખ્યું કે ઈશ્વરે પોતાના સ્વર્ગદૂતોનાં ટોળાંને મોકલ્યાં હતાં, જેથી તેઓ શહેર અને એને ઘેરો ઘાલનારાથી તેમનું રક્ષણ કરે. ઈશ્વરે ચમત્કાર કરીને દુશ્મનોને આંધળા કરી નાખ્યા. આમ, એલીશા અને તેમના સેવકને બચાવી લીધા. (૨ રાજા. ૬:૧૭-૨૩) બીજા બનાવોની જેમ, એ મુશ્કેલ સંજોગમાં પણ એલીશાએ શ્રદ્ધા રાખી અને યહોવામાં પૂરો ભરોસો મૂક્યો.

એલીશાની જેમ, ચાલો આપણે પણ યહોવા ઈશ્વરમાં ભરોસો રાખીએ. (નીતિ. ૩:૫, ૬) એમ કરીશું તો, ‘ઈશ્વર આપણા પર કૃપા કરીને આશીર્વાદ આપશે.’ (ગીત. ૬૭:૧) ખરું કે આપણે કંઈ અગ્‍નિ-ઘોડા ને અગ્‍નિ-રથોથી ઘેરાયેલા નથી. તોપણ, આવનાર “મોટી વિપત્તિ” વખતે યહોવા દુનિયા ફરતે આવેલા એક સંગઠન તરીકે આપણું રક્ષણ કરશે. (માથ. ૨૪:૨૧; પ્રકટી. ૭:૯, ૧૪) ત્યાં સુધી, ચાલો હંમેશાં યાદ રાખીએ કે “ઈશ્વર આપણો આશ્રય છે.”—ગીત. ૬૨:૮.

a યહોવા અને તેમના સ્વર્ગદૂતો જ્યાં રહે છે એ સ્વર્ગમાં એલીયા ચઢી ગયા ન હતા. ચોકીબુરજ સપ્ટેમ્બર ૧૫, ૧૯૯૭, પાન ૧૫ જુઓ.