યહોવાની વફાદારીના અને માફી આપવાના ગુણોની કદર કરીએ
‘હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો.’—ગીત. ૮૬:૫.
૧, ૨. (ક) વફાદાર અને માફી આપનાર મિત્રો આપણને કેમ ગમે છે? (ખ) આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?
ખાસ મિત્ર તમે કોને કહેશો? એશ્લી નામનાં બહેન જણાવે છે, ‘ખાસ મિત્ર હું તેને કહીશ જે હંમેશાં મદદ કરવા તૈયાર હોય. અને મારી ભૂલોને માફ કરવા પણ તૈયાર હોય.’ વફાદાર અને માફી આપનાર મિત્રો બધાને ગમે. એવા મિત્રોની સંગતમાં આપણે સલામતી અને પ્રેમ અનુભવીએ છીએ.—નીતિ. ૧૭:૧૭ક.
૨ માફ કરવામાં અને વફાદારી બતાવવામાં યહોવા સૌથી ઉત્તમ મિત્ર છે. ગીતશાસ્ત્રના લેખકે લખ્યું, ‘હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો.’ (ગીત. ૮૬:૫) વફાદારી બતાવવાનો અને માફ કરવાનો અર્થ શું થાય? યહોવા કઈ રીતે એ અજોડ ગુણો બતાવે છે? આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ? એ સવાલોના જવાબથી યહોવા માટે આપણો પ્રેમ વધશે. તેમ જ, એકબીજા સાથેની મિત્રતા મજબૂત કરવા મદદ મળશે.—૧ યોહા. ૪:૭, ૮.
યહોવા વફાદારી બતાવે છે
૩. વફાદારી બતાવવાનો અર્થ શું થાય?
૩ વફાદાર વ્યક્તિ કોઈનો વિશ્વાસ તોડતી નથી. તે બીજાને સાથ-સહકાર આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ફક્ત સારા જ નહિ, અઘરા સંજોગોમાં પણ તે મદદ કરતી રહે છે. બાઇબલ જણાવે છે કે યહોવા સૌથી વફાદાર છે. સાચે જ, વફાદારી બતાવવામાં તેમણે ઉત્તમ દાખલો બેસાડ્યો છે!
૪, ૫. (ક) યહોવા કઈ રીતે વફાદારી બતાવે છે? (ખ) ભક્તો પ્રત્યે યહોવાની વફાદારી વિશે મનન કરવાથી આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે?
૪ યહોવા કઈ રીતે વફાદારી બતાવે છે? તે પોતાના વિશ્વાસુ ભક્તોને કદી ત્યજી દેતા નથી. એવા એક ભક્ત રાજા દાઊદ હતા. તેમણે યહોવાની વફાદારીના વખાણ કર્યા હતા. (ગીતશાસ્ત્ર ૧૮:૨૫ a વાંચો.) દાઊદ મુશ્કેલ સંજોગોમાં હતા ત્યારે, યહોવાએ તેમને માર્ગદર્શન અને રક્ષણ આપ્યું. તેમ જ, તેમને સંકટમાંથી બચાવ્યા. (૨ શમૂ. ૨૨:૧) દાઊદ પોતાના જીવનથી જોઈ શક્યા કે, યહોવા વફાદારી વિશે ફક્ત કહેતા જ નથી, વફાદારી બતાવે પણ છે. યહોવાએ દાઊદને શા માટે વફાદારી બતાવી? કારણ, દાઊદ પણ યહોવા પ્રત્યે વફાદાર હતા. જે ભક્ત વફાદારી બતાવે છે તેની યહોવા ખૂબ કદર કરે છે. બદલામાં, યહોવા તેને વફાદારી બતાવે છે.—નીતિ. ૨:૬-૮.
૫ ભક્તો પ્રત્યે યહોવાની વફાદારી વિશે મનન કરવાથી આપણને ઉત્તેજન મળે છે. રીડ નામના ભાઈ કહે છે, ‘દાઊદ મુશ્કેલ સંજોગોમાં હતા ત્યારે યહોવા જે રીતે વર્ત્યા, એ વિશે વાંચીને મને મદદ મળે છે. દાઊદ જ્યારે જીવ બચાવવા નાસતા ફરતા હતા અને ગુફાઓમાં રહેતા, ત્યારે યહોવાએ તેમને નિભાવી રાખ્યા. એ અહેવાલથી મને ખૂબ ઉત્તેજન મળે છે! એ મને યાદ રાખવા મદદ કરે છે કે, જ્યાં સુધી હું યહોવાને વફાદાર રહીશ ત્યાં સુધી તે મને વફાદાર રહેશે. પછી ભલે સંજોગો ગમે એટલા મુશ્કેલ હોય, તે મને સાથ આપશે.’ ચોક્કસ આપણે પણ એવું જ અનુભવીએ છીએ.—રોમ. ૮:૩૮, ૩૯.
૬. યહોવા બીજી કઈ રીતે વફાદારી બતાવે છે? એનાથી ભક્તોને કઈ રીતે લાભ થાય છે?
૬ યહોવા બીજી કઈ રીતે વફાદારી બતાવે છે? પોતાનાં ધોરણોને વળગી રહીને. તે ખાતરી આપે છે, “તમારા ઘડપણ સુધી હું તે જ છું.” (યશા. ૪૬:૪) તે હંમેશાં પોતાનાં ધોરણોનાં આધારે નિર્ણય લે છે. તેમનાં ધોરણો કદી બદલાતાં નથી. (માલા. ૩:૬) વધુમાં, પોતાનાં વચનો પ્રમાણે કરીને તે વફાદારી બતાવે છે. (યશા. ૫૫:૧૧) યહોવાની વફાદારીથી બધા જ વિશ્વાસુ ભક્તોને લાભ થાય છે. કઈ રીતે? તેમનાં ધોરણો પ્રમાણે બનતું બધું કરીએ છીએ ત્યારે, ખાતરી રાખી શકીએ કે, તે વચન પ્રમાણે આપણને આશીર્વાદ આપશે.—યશા. ૪૮:૧૭, ૧૮.
યહોવાની વફાદારીને અનુસરીએ
૭. યહોવાની વફાદારીને અનુસરવાની એક રીત કઈ છે?
૭ યહોવાના એ ગુણને આપણે કઈ રીતે અનુસરી શકીએ? એક રીત છે, જેઓ અઘરા સંજોગોમાં હોય તેઓને મદદ પૂરી પાડીએ. (નીતિ. ૩:૨૭) દાખલા તરીકે, શું તમે એવાં કોઈ ભાઈ કે બહેનને જાણો છો, જેઓ નિરાશ છે? કદાચ, પોતાની તબિયત, કુટુંબનો વિરોધ કે નબળાઈઓને લીધે તેઓ નિરાશ હશે. કેમ નહિ કે, તમે પહેલ કરો અને તેઓને “સારાં દિલાસાનાં વચનોથી” ઉત્તેજન આપો. (ઝખા. ૧:૧૩) b આમ, તમે વફાદાર અને ખાસ મિત્ર બનશો, “જે ભાઈના કરતાં નિકટનો સંબંધ” રાખે છે.—નીતિ. ૧૮:૨૪.
૮. લગ્નજીવનનો દાખલો આપી સમજાવો કે કઈ રીતે વફાદારી બતાવી શકીએ?
૮ પ્રેમ કરતા હોઈએ તેઓને વફાદારી બતાવવાની બીજી રીતો પણ છે. દાખલા તરીકે, જો આપણે પરિણીત હોઈએ તો પોતાના સાથીને વફાદાર રહેવું જરૂરી છે. (નીતિ. ૫:૧૫-૧૮) તેથી, વ્યભિચાર તરફ લઈ જતું પહેલું પગલું સુદ્ધાં નહિ ભરીએ. (માથ. ૫:૨૮) વધુમાં, સાથી ભાઈ-બહેનો પ્રત્યે પણ વફાદારી બતાવી શકીએ છીએ. કઈ રીતે? તેઓ વિશે ખોટી વાતો અથવા અફવાઓ ફેલાવવાનું ટાળીને. અરે, કોઈ એવું કરે તો એ વાત સાંભળીશું પણ નહિ!—નીતિ. ૧૨:૧૮.
૯, ૧૦. (ક) આપણે ખાસ કરીને કોને વફાદાર રહેવા માંગીએ છીએ? (ખ) અમુક વાર યહોવાની આજ્ઞા પાળવી કેમ સહેલી નથી?
૯ આપણે, ખાસ કરીને યહોવાને વફાદાર રહેવા માંગીએ છીએ. એમ કરવા આપણે શું કરી શકીએ? તે જે બાબતોને ચાહે છે એને ચાહીએ. તે જે બાબતોને નફરત કરે છે એને આપણે પણ નફરત કરીએ. યહોવાને ખુશ કરે એવું જીવન જીવીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો.) યહોવાના વિચારો પર મનન કરવાથી તેમની આજ્ઞા પાળવી આપણા માટે સહેલી બનશે.—ગીત. ૧૧૯:૧૦૪.
૧૦ ખરું કે, અમુક વાર યહોવાની આજ્ઞા પાળવી સહેલી નથી. વફાદાર રહેવા આપણે ઘણા પ્રયત્નો કરવા પડે. ધારો કે, કોઈ બહેન લગ્ન કરવા માંગે છે. પરંતુ, તેમને યહોવાના ભક્તોમાંથી યોગ્ય સાથી હજી મળ્યું નથી. (૧ કોરીં. ૭:૩૯) નોકરી પર એ બહેન સાથે કામ કરતા લોકો, કોઈ પુરુષ સાથે તેમની દોસ્તી કરાવવાની ગોઠવણ કરે છે. બની શકે કે, એ બહેન એકલતા અનુભવી રહ્યાં છે. છતાં, યહોવાના સાક્ષીને જ પરણવાનો તેમણે પાક્કો નિર્ણય કર્યો છે. આમ કરીને, તે યહોવાને વફાદાર રહેવા માંગે છે. આ બહેન જેવો નિર્ણય લઈને ઘણાં ભાઈ-બહેનોએ સારો દાખલો બેસાડ્યો છે. અઘરા સંજોગોમાં પણ જેઓ વફાદાર રહે છે, તેઓને યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.—હિબ્રૂ ૧૧:૬.
યહોવા માફી આપે છે
૧૧. માફી આપવાનો અર્થ શું થાય?
૧૧ માફી આપવી એ યહોવાના મહત્ત્વના ગુણોમાંનો એક છે. માફી આપવાનો અર્થ શું થાય? માફી આપનાર વ્યક્તિ દુઃખ પહોંચાડનારની સામે મનમાં નારાજગી ભરી નથી રાખતી. જોકે, એનો અર્થ એવો નથી કે ખોટી બાબતોને તે ચલાવી લે કે પછી એની અવગણના કરે. તે બદલાની ભાવના પણ નથી રાખતી. બાઇબલ જણાવે છે કે દિલથી પસ્તાવો બતાવનારને યહોવા “ક્ષમા કરવાને તત્પર” છે.—ગીત. ૮૬:૫.
૧૨. (ક) યહોવા કઈ રીતે માફી આપે છે? (ખ) વ્યક્તિના પાપ ‘ભૂંસી નાખવામાં’ આવશે એનો શું અર્થ થાય?
૧૨ યહોવા કઈ રીતે માફી આપે છે? તે માફી આપે ત્યારે “સંપૂર્ણ ક્ષમા” કરે છે. એટલે કે, યહોવા પૂરેપૂરી રીતે અને હંમેશ માટે માફ કરે છે. (યશા. ૫૫:૭) શાના પરથી કહી શકાય કે યહોવા પૂરેપૂરી રીતે માફ કરે છે? પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯ એની ખાતરી આપે છે. (વાંચો.) પ્રેરિત પીતરે પોતાના સાંભળનારાઓને અરજ કરી, “પસ્તાવો કરો, ને ફરો.” જ્યારે પાપ કરનાર વ્યક્તિ દિલથી પસ્તાવો કરે છે, ત્યારે એ ભૂલ ફરી ન કરવાનું નક્કી કરે છે. (૨ કોરીં. ૭:૧૦, ૧૧) ઉપરાંત, ખરા પસ્તાવાને લીધે તે ખોટાં કામોથી પાછો ‘ફરે’ છે. તેમ જ, યહોવાને પસંદ પડતું જીવન જીવે છે. પીતરના સાંભળનારાઓએ જો ખરો પસ્તાવો કર્યો હોત, તો શું પરિણામ આવ્યું હોત? પીતરે જણાવ્યું કે, તેઓનાં પાપ ‘ભૂંસી નાખવામાં આવત.’ એ શબ્દો પરથી કહી શકાય કે, યહોવા માફ કરે ત્યારે આપણાં પાપ સંપૂર્ણ રીતે ભૂંસી નાખે છે. આમ, તે પૂરેપૂરી માફી આપે છે.—હિબ્રૂ ૧૦:૨૨; ૧ યોહા. ૧:૭.
૧૩. ‘તેઓનાં પાપનું સ્મરણ ફરી કરીશ નહિ’ એ શબ્દો શું ખાતરી આપે છે?
૧૩ શાના પરથી કહી શકાય કે યહોવા હંમેશ માટે માફ કરે છે? યહોવાએ યિર્મેયાને અભિષિક્તો વિશે ભવિષ્યવાણી જણાવી. એના પર મનન કરીને તેમના એ ગુણને આપણે સમજી શકીએ છીએ. (યિર્મેયા ૩૧:૩૪ વાંચો.) યહોવા જણાવે છે, ‘હું તેઓના અન્યાયને માફ કરીશ અને તેઓનાં પાપનું સ્મરણ ફરી કરીશ નહિ.’ યહોવા ખાતરી આપે છે કે, માફ કરેલાં પાપને તે કદી યાદ નહિ કરે અથવા એના આધારે આપણને વારંવાર શિક્ષા નહિ કરે. તે આપણાં પાપ માફ કરીને એને જાણે હંમેશ માટે પીઠ પાછળ નાખી દે છે.—રોમ. ૪:૭, ૮.
૧૪. યહોવાના માફી આપવાના ગુણ પર મનન કરવાથી કઈ રીતે દિલાસો મળે છે? દાખલો આપી સમજાવો.
૧૪ યહોવાના માફી આપવાના ગુણ પર મનન કરવાથી ઘણો દિલાસો મળે છે! એ સમજવા, ચાલો એક કિસ્સો જોઈએ. ઘણાં વર્ષો પહેલાં એક બહેનને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. જોકે, એના અમુક વર્ષો પછી, તેમને મંડળમાં પાછા લેવામાં આવ્યાં. તે કબૂલે છે, ‘હું પોતાને અને બીજાઓને કહેતી તો હતી કે, યહોવાએ મને માફી આપી છે. છતાં, મને થતું કે યહોવા મારા કરતાં બીજાઓને વધારે ચાહે છે.’ યહોવા માફી આપે છે, એ વિશે બાઇબલમાંથી વાંચીને અને મનન કરીને એ બહેનને ઘણો દિલાસો મળ્યો. તે કહે છે, ‘મેં યહોવાનાં પ્રેમ અને દયાનો પહેલાં કદી આટલી હદે અનુભવ નહોતો કર્યો!’ તેમનાં દિલને ખાસ કરીને, આ વિચાર અસર કરી ગયો: ‘યહોવા પાપ ધોઈ નાખે એ પછી, આખી જિંદગી આપણે દિલમાં પાપનો ડાઘ લઈને ફરવું ન જોઈએ.’ c બહેન આગળ જણાવે છે, ‘મને સમજાયું કે યહોવા પૂરી રીતે માફ કરે છે એવું હું પહેલાં માનતી નહોતી. મને લાગતું કે મારે જિંદગીભર પાપનો બોજો લઈને ચાલવું પડશે. ખરું કે, સમય લાગ્યો પણ, હું હવે યહોવાની વધારે નજીક જઈ રહી છું. તેમ જ, મારો બોજો ઊંચકી લેવામાં આવ્યો છે.’ યહોવા સાચે જ પ્રેમાળ અને માફી આપનાર ઈશ્વર છે.—ગીત. ૧૦૩:૯.
યહોવાના માફી આપવાના ગુણને અનુસરીએ
૧૫. યહોવાના માફી આપવાના ગુણને આપણે કઈ રીતે અનુસરી શકીએ?
૧૫ બીજાઓને માફ કરીને આપણે યહોવાને અનુસરીએ છીએ. (લુક ૧૭:૩, ૪ વાંચો.) ભૂલશો નહિ કે યહોવા માફ કરે છે ત્યારે, તે આપણાં પાપને ફરી કદી યાદ કરતા નથી. તેથી, આપણે બીજાઓને માફ કરીએ ત્યારે તેઓની ભૂલોનો ફરી વિચાર ન કરીએ. ભવિષ્યમાં ફરી એનો ઉલ્લેખ પણ ન કરીએ.
૧૬. (ક) માફ કરવાનો અર્થ શું એમ થાય કે વ્યક્તિની ખોટી બાબતોની અવગણના કરીએ અથવા તેને આપણો ફાયદો ઉઠાવવા દઈએ? સમજાવો. (ખ) યહોવા પાસેથી માફી મેળવવા, આપણે શું કરવું જોઈએ?
૧૬ માફ કરવાનો અર્થ એમ નથી કે વ્યક્તિની ખોટી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરીએ અથવા તેને આપણો ફાયદો ઉઠાવવા દઈએ. હકીકતમાં એનો અર્થ થાય કે, આપણે એ વ્યક્તિ સામે ખાર ભરી ન રાખીએ. કાયમ યાદ રાખીએ કે, યહોવા પાસેથી માફી મેળવવા, આપણે બીજાઓને દિલથી માફ કરવા જરૂરી છે. (માથ. ૬:૧૪, ૧૫) “આપણે ધૂળનાં છીએ” એવું યહોવા ધ્યાનમાં રાખે છે. તે સમજે છે કે આપણાથી ભૂલો થઈ જાય છે. (ગીત. ૧૦૩:૧૪) તેથી, આપણે યાદ રાખવું જોઈએ કે બીજાઓ પણ આપણી જેમ ભૂલો કરી બેસે છે. આપણી વિરુદ્ધ કોઈ ખોટું કરે તો તેમને દિલથી માફ કરવા જોઈએ.—એફે. ૪:૩૨.
૧૭. દુઃખ પહોંચાડનાર વ્યક્તિને માફ કરવા આપણને શું મદદ કરશે?
૧૭ માફ કરવું હંમેશાં સહેલું નથી હોતું. અરે, પહેલી સદીના અમુક અભિષિક્તોને પણ મતભેદો થાળે પાડવા અઘરા લાગ્યા. (ફિલિ. ૪:૨) જો કોઈ ભાઈ કે બહેન દુઃખ પહોંચાડે તો શું કરીશું? ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરીએ. તેમના મિત્રો અલીફાઝ, બિલ્દાદ અને સોફારે ખોટા આરોપ મૂકીને તેમને દુઃખ પહોંચાડ્યું. (અયૂ. ૧૦:૧; ૧૯:૨) છેવટે, યહોવાએ તેઓને ઠપકો આપ્યો. યહોવાએ તેઓને અયૂબ પાસે જવા અને પાપનું બલિદાન ચઢાવવા કહ્યું. (અયૂ. ૪૨:૭-૯) યહોવાએ અયૂબને પણ કંઈક કરવાનું કહ્યું. તેમણે અયૂબને કહ્યું કે, આરોપ મૂકનારા માટે પ્રાર્થના કરે. અયૂબે યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. માફી આપવાનું વલણ બતાવવાને લીધે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યા. (અયૂબ ૪૨:૧૦, ૧૨, ૧૬, ૧૭ વાંચો.) એ અહેવાલ શું શીખવે છે? દુઃખ પહોંચાડનાર વ્યક્તિ માટે દિલથી પ્રાર્થના કરવાથી નફરત દૂર કરવા આપણને મદદ મળે છે.
યહોવાના ગુણોની કદર બતાવતા રહીએ
૧૮, ૧૯. યહોવાના અજોડ ગુણો માટે કદર વધારતા રહેવા શું કરીશું?
૧૮ યહોવાના અજોડ ગુણો વિશે શીખીને ઘણી તાજગી મળી! આપણે જોઈ ગયા કે યહોવા પાસે અચકાયા વગર જઈ શકાય છે. તે પક્ષપાત કરતા નથી. તે ઉદાર, વાજબી, વફાદાર અને માફી આપનાર છે. એ તો એક ઝલક હતી, યહોવા વિશે હજું ઘણું શીખવાનું બાકી છે. હંમેશ માટેના જીવન દરમિયાન, આપણે તેમના વિશે શીખતા રહેવાનો આનંદ માણીશું. (સભા. ૩:૧૧) પ્રેરિત પાઊલના આ શબ્દો સાથે આપણે સહમત થઈએ છીએ: “ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!” યહોવાનો પ્રેમ અને બીજા ૬ ગુણોની ચર્ચા કર્યા પછી, આપણે પણ એવું જ અનુભવીએ છીએ.—રોમ. ૧૧:૩૩.
૧૯ ચાલો, યહોવાના અજોડ ગુણો માટે કદર વધારતા રહીએ! એ માટે, તેમના ગુણો વિશે શીખીએ, એના પર મનન કરીએ અને જીવનમાં અનુસરીએ. (એફે. ૫:૧) એમ કરતા રહીશું તો, એક ઈશ્વરભક્તની જેમ કહી શકીશું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે.”—ગીત. ૭૩:૨૮.
a (ગીતશાસ્ત્ર ૧૮:૨૫ [કોમન લેંગ્વેજ]) “પ્રભુ તમે તો વફાદારોની સાથે વફાદાર, નિર્દોષોની સાથે નિર્દોષ.”
b એ વિશે સૂચનો જોવાં આ લેખ જુઓ: “હમણાં તમે કોઈને ઉત્તેજન આપ્યું છે?” જાન્યુઆરી ૧૫, ૧૯૯૫નું ચોકીબુરજ અને “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને ઉત્તેજન આપો—કઈ રીતે?” એપ્રિલ ૧, ૧૯૯૫નું ચોકીબુરજ.
c જુલાઈ ૧, ૨૦૦૩નું ચોકીબુરજ પાન ૧૭, ફકરો ૧૬ જુઓ.