સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હાગ્ગાય અને ઝખાર્યાહના મુખ્ય વિચારો

હાગ્ગાય અને ઝખાર્યાહના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

હાગ્ગાય અને ઝખાર્યાહના મુખ્ય વિચારો

યહુદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા પછી યરૂશાલેમ પાછા આવ્યા. તેઓએ યહોવાહના મંદિરનો પાયો નાખ્યો. એ વાતને પણ ઈ.સ. પૂર્વે ૫૨૦માં સોળ વર્ષ થયા. તોપણ મંદિર પૂરું બંધાયું ન હતું, કેમ કે અમુક અધિકારીઓએ એ બાંધકામ રોકયું હતું. યહોવાહ હાગ્ગાયને પ્રબોધક બનાવે છે. એના બે મહિના પછી તે ઝખાર્યાહને પણ પ્રબોધક બનાવે છે. તેઓ ઈસ્રાએલીઓને યહોવાહનો સંદેશો જણાવે છે.

યહોવાહે હાગ્ગાય અને ઝખાર્યાહને એક કામ સોંપ્યું: મંદિરનું બાંધકામ પૂરું કરવા લોકોના દિલમાં પ્રેમ જગાડવો. તેઓ એમાં સફળ થયા. પાંચ વર્ષ પછી મંદિરનું કામ પૂરું થયું. હાગ્ગાય ને ઝખાર્યાહે જે પ્રચાર કર્યો એ વિષે તેઓના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. હાગ્ગાયનું પુસ્તક ઈ.સ. પૂર્વે ૫૨૦માં અને ઝખાર્યાહનું ઈ.સ. પૂર્વે ૫૧૮માં લખાયું. એ પ્રબોધકોની જેમ યહોવાહે આપણને પણ કામ સોંપ્યું છે. એ શું છે? લોકોને યહોવાહના રાજ્ય વિષે જણાવવાનું. તેમ જ લોકોને યહોવાહના ભક્ત બનવા મદદ કરવી. દુષ્ટ જગતનો અંત આવે એ પહેલાં આ કામ પૂરું કરવાનું છે. ચાલો જોઈએ કે હાગ્ગાય ને ઝખાર્યાહના પુસ્તકમાંથી આપણને કેવું ઉત્તેજન મળે છે.

“તમારા માર્ગો વિષે વિચાર કરો”

(હાગ્ગાય ૧:૧–૨:૨૩)

હાગ્ગાયને કામ સોંપ્યું ત્યારથી ૧૧૨ દિવસમાં તેમણે ચાર સંદેશા લોકોને જણાવ્યા. પહેલો: ‘તમારા માર્ગો વિષે વિચાર કરો. પર્વત પર જાઓ, ને લાકડાં લાવીને મંદિર બાંધો; અને તેથી હું રાજી થઈશ, ને મારો મહિમા વધશે, એમ યહોવાહ કહે છે.’ (હાગ્ગાય ૧:૭, ૮) લોકોએ એ સંદેશો પ્રેમથી સાંભળ્યો. બીજા સંદેશામાં યહોવાહે વચન આપ્યું: “હું આ મંદિરને ગૌરવથી ભરીશ.”—હાગ્ગાય ૨:૭.

ત્રીજામાં જણાવ્યું: તેઓએ મંદિરનું બાંધકામ છોડી દીધું હોવાથી યહોવાહની નજરમાં ‘તેઓના હાથોનું દરેક કામ’ અશુદ્ધ છે. પણ તેઓએ બાંધકામ શરૂ કર્યું ત્યારથી યહોવાહે તેઓને ‘આશીર્વાદ આપ્યા.’ ચોથામાં યહોવાહે કહ્યું કે “હું રાજ્યાસનો ઊંધાં વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ.” અને ઝરૂબ્બાબેલને સરદાર તરીકે “મુદ્રારૂપ કરીશ.”—હાગ્ગાય ૨:૧૪, ૧૯, ૨૨, ૨૩.

સવાલ-જવાબ:

૨:૬, ૭, ૨૧, ૨૨—કોણ શું હલાવે છે અને એનું શું પરિણામ આવે છે? યહોવાહ આખી દુનિયામાં પોતાના રાજ્યનો પ્રચાર કરાવીને ‘સર્વ પ્રજાઓને હલાવે છે.’ પ્રચારથી તે “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” પોતાના મંદિરમાં ભેગી કરે છે. આમ એ મંદિર તેમના ગૌરવથી ભરાય છે. સમય જતાં ‘સૈન્યોનો ઈશ્વર યહોવાહ આકાશોને, પૃથ્વીને, સમુદ્રને તેમ જ કોરી ભૂમિને હલાવશે.’ ત્યારે શેતાનના દુષ્ટ જગતનું નામનિશાન નહિ હોય.—હેબ્રી ૧૨:૨૬, ૨૭.

૨:૯—કેટલી રીતોથી ‘પાછલા મંદિરનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે?’ ત્રણ રીતોથી: કેટલા વર્ષથી એ મંદિર હતું, એમાં કોણ શીખવતું અને યહોવાહની ભક્તિ કરવા કોણ જતું. ખરું કે સુલેમાને બાંધેલું મંદિર ઈ.સ. પૂર્વે ૧૦૨૭થી ઈ.સ. પૂર્વે ૬૦૭ એટલે ૪૨૦ વર્ષ ટક્યું. ‘પાછલું મંદિર’ ઈ.સ. પૂર્વે ૫૧૫માં બંધાયુ ને ઈ.સ. ૭૦માં નાશ પામ્યું. એટલે એ ૫૮૦થી પણ વધારે વર્ષ સુધી વપરાયું. મસીહ એટલે ઈસુ ખ્રિસ્તે ‘પાછલા મંદિરમાં’ શીખવ્યું. જેમાં “આગલાના કરતાં” વધારે લોકો યહોવાહને ભજવા આવ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૧૧.

આપણે શું શીખી શકીએ?

૧:૨-૪. લોકો આપણા પ્રચાર કામનો વિરોધ કરે ત્યારે, એ કામ પડતું મૂકીને મન-ગમતી બાબતોમાં ડૂબવું ન જોઈએ.—માત્થી ૬:૩૩.

૧:૫, ૭. દરેકે પોતાને પૂછવું જોઈએ: ‘હું જે રીતે જીવું છું એનાથી શું યહોવાહ સાથે મારો નાતો મજબૂત થાય છે?’

૧:૬, ૯-૧૧; ૨:૧૪-૧૭. હાગ્ગાયના જમાનામાં યહુદીઓએ યહોવાહનું મંદિર બાંધવાનું છોડી દીધું. તેઓ રોજિંદા જીવનમાં ડૂબી ગયા. તેઓને પોતાની મહેનતના ફળ મીઠાં લાગ્યાં નહિ. યહોવાહની ભક્તિ આપણા જીવનમાં પ્રથમ હોવી જોઈએ. આપણે તન-મન-ધનથી યહોવાહની ભક્તિ કરવી જોઈએ. આમ આપણે ‘યહોવાહના આશીર્વાદથી ધનવાન’ બનીશું.—નીતિવચનો ૧૦:૨૨.

૨:૧૫, ૧૮. યહોવાહે યહુદીઓને ઉત્તેજન આપ્યું કે હવેથી તમે શું નથી કર્યું એનો વિચાર ન કરો. પણ મંદિરનું બાંધકામ ને સમારકામ કરવામાં મશગૂલ થાઓ. એ જ રીતે આપણે પણ આજથી યહોવાહની ભક્તિમાં મશગૂલ થવું જોઈએ.

‘બળથી નહિ, પણ મારી શકિતથી’

(ઝખાર્યાહ ૧:૧–૧૪:૨૧)

ઝખાર્યાહે પ્રબોધક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું ત્યારે તેમણે યહુદીઓને ‘યહોવાહ ભણી પાછા’ ફરવાનું ઉત્તેજન આપ્યું. (ઝખાર્યાહ ૧:૩) યહોવાહે ઝખાર્યાહને આઠ સંદર્શન આપ્યાં. એનાથી યહોવાહે પુરાવો આપ્યો કે ખંડિયેર મંદિરને ફરીથી ઊભું કરવામાં, તે તેઓને સાથ આપશે. (“ઝખાર્યાહને થયેલાં આઠ સંદર્શન,” બૉક્સ જુઓ.) મંદિરનું બાંધકામ લશ્કરી ‘પરાક્રમથી નહિ, તેમ બળથી નહિ, પણ યહોવાહની શક્તિથી’ પૂરું થશે. (ઝખાર્યાહ ૪:૬) ‘અંકુર નામનો પુરુષ યહોવાહનું મંદિર બાંધશે અને તે પોતાના રાજ્યાસન પર બેસીને રાજ કરશે.’—ઝખાર્યાહ ૬:૧૨, ૧૩.

નાશ થયેલા યરૂશાલેમના શોક માટે ઉપવાસ ક્યારે કરવો? એ જાણવા બેથેલના લોકોએ યાજકો પાસે માણસો મોકલ્યા. યહોવાહે ઝખાર્યાહને કહ્યું કે ચોથા માસમાં શોકનો ઉપવાસ એ ‘આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે.’ (ઝખાર્યાહ ૭:૨, ૩; ૮:૧૯) પછી ઝખાર્યાહે ઈસ્રાએલની આજુબાજુના અમુક દેશો અને જૂઠા પ્રબોધકોને બે ન્યાયચુકાદા જણાવ્યા. એમાં મસીહની ભવિષ્યવાણી અને યહોવાહના ભક્તો પોતાના વતન પાછા ફરશે એ પણ જણાવ્યું.—ઝખાર્યાહ ૯:૧; ૧૨:૧.

સવાલ-જવાબ:

૨:૧—એક પુરુષ યરૂશાલેમને દોરીથી કેમ માપતો હતો? એ દર્શાવતું હતું કે યરૂશાલેમનું રક્ષણ કરવા ચારેબાજુ કોટ કે દીવાલ બાંધવામાં આવશે. સ્વર્ગદૂત તેને જણાવે છે કે યરૂશાલેમ શહેર મોટું થશે. યહોવાહ એનું રક્ષણ કરશે.—ઝખાર્યાહ ૨:૩-૫.

૬:૧૧-૧૩—પ્રમુખ યાજકે યહોશુઆને મુગટ પહેરાવ્યો એનાથી શું તે રાજા બન્યા કહેવાય? ના, જરાય નહિ. યહોશુઆ દાઊદના વંશના ન હતા. તેમને મુગટ પહેરાવ્યો એ દર્શાવતું હતું કે મસીહને રાજા બનાવવામાં આવશે. (હેબ્રી ૬:૨૦) ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે “અંકુર” વિષેની ભવિષ્યવાણી પૂરી થઈ. (યિર્મેયાહ ૨૩:૫) ગુલામીમાંથી પાછા ફરેલા યહુદીઓએ ફરીથી મંદિર બાંધ્યું એમાં યહોશુઆ પ્રમુખ યાજક તરીકે આપતા. એ જ રીતે ઈસુ પ્રમુખ યાજક તરીકે યહોવાહની ભક્તિ આગળ વધારવા આગેવાની લે છે.

૮:૧-૨૩—અહીં આપેલા દસ ચુકાદા ક્યારે પૂરા થયા? દરેક ચુકાદો ‘સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે’ એનાથી શરૂ થાય છે. પછી યહોવાહ પોતાના ભક્તોને કહે છે કે તેઓ પર શાંતિ આવશે. અમુક ચુકાદાઓ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં પૂરા થયા. બાકીના ૧૯૧૯ પછી પૂરા થયા અથવા થઈ રહ્યા છે. *

૮:૩—યરૂશાલેમ કેમ “સત્યનું નગર” કહેવાય છે? ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો. ત્યારે એ ‘જુલમી નગરી’ કહેવાતું. કેમ કે એમાં ભ્રષ્ટ પ્રબોધકો, યાજકો ને બેવફા લોકો રહેતા હતા. (સફાન્યાહ ૩:૧; યિર્મેયાહ ૬:૧૩; ૭:૨૯-૩૪) ફરીથી મંદિર બંધાયા પછી લોકો યહોવાહને ભજવા ને તેમની પાસેથી સત્ય શીખવા આતુર હતા. એટલે યરૂશાલેમ “સત્યનું નગર” કહેવાયું.

૧૧:૭-૧૪—ઝખાર્યાહે બે લાકડી કાપીને એકનું નામ “કરૂણા” ને બીજીનું “ઐક્ય” પાડ્યું. એનો શું અર્થ થાય? ઈસ્રાએલીઓના આગેવાનો નમ્ર લોકોનો ફાયદો ઉઠાવતા હતા. એ નમ્ર લોકો “કતલ થઈ જતા ટોળા” જેવા હતા. તેઓને બચાવવા અને પાલન કરવા યહોવાહે ઝખાર્યાહને મોકલ્યા. આમ ઈસુ ખ્રિસ્ત ભવિષ્યમાં શું કરવાના છે એ ઝખાર્યાહે અગાઉથી પોતાના કામથી બતાવ્યું. યહોવાહે પોતાના લોકો પાસે ઈસુને મોકલ્યા, પણ લોકોએ તેમનો નકાર કર્યો. “કરૂણા” નામની લાકડી કાપવાનો અર્થ થાય કે યહોવાહ પોતાના લોકો સાથે કરેલો કરાર કાપી નાખશે. તેઓને કરૂણા કે દયા બતાવશે નહિ. “ઐક્ય” નામની લાકડી કાપવાનો અર્થ થાય કે યહુદાહ ને ઈસ્રાએલ સંપીને યહોવાહને ભજતા હતા એમ હવે નહિ ભજે.

૧૨:૧૧—‘મગિદ્દોનની ખીણમાં હદાદરિમ્મોનનો વિલાપ’ શું છે? યહુદાહનો રાજા યોશીયાહ ઇજિપ્તના ફારૂન નકો સાથે “મગિદ્દોના મેદાનમાં” લડાઈમાં ઊતર્યો ને મરણ પામ્યો. તેથી અમુક વર્ષો સુધી લોકો ‘વિલાપનું કાવ્ય ગાતાં.’ (૨ કાળવૃત્તાંત ૩૫:૨૫) ‘હદાદરિમ્મોનમાં’ ગવાતો વિલાપ યોશીયાહના મરણની યાદમાં હોઈ શકે.

આપણે શું શીખી શકીએ?

૧:૨-૬; ૭:૧૧-૧૪. વ્યક્તિ ભૂલનો પસ્તાવો કરીને તન-મન-ધનથી યહોવાહની ભક્તિમાં પાછી ફરે તો, એનાથી યહોવાહને આનંદ થાય છે. પણ જ્યારે કોઈ પોતાની ભૂલ કે પાપનો પસ્તાવો કરવાની ‘ના પાડે છે, સાંભળતી નથી, હઠીલી થઈને પૂઠ ફેરવીને કાન બંધ કરે છે ત્યારે યહોવાહ તેઓની પ્રાર્થના સાંભળતા નથી.’

૪:૬, ૭. યહોવાહનું મંદિર ફરીથી ઊભું કરવામાં આવ્યું ત્યારે પહાડ જેવી અનેક મુશ્કેલીઓ આવી. તોપણ એ યહોવાહનું કામ અટકાવી શકી નહિ. યહોવાહની ભક્તિ કરવાથી આપણા પર પણ અનેક તકલીફો આવી શકે. પણ તેમના પર શ્રદ્ધા રાખવાથી એ દૂર થઈ શકે છે.—માત્થી ૧૭:૨૦.

૪:૧૦. યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ઝરૂબ્બાબેલ અને લોકોએ મંદિર બાંધ્યું. તેઓ યહોવાહના ધોરણ પ્રમાણે એ બાંધી શક્યા. આપણે પણ યહોવાહના ધોરણ પ્રમાણે જીવી શકીએ છીએ.

૭:૮-૧૦; ૮:૧૬, ૧૭. યહોવાહની કૃપા પામવા આપણે દરેકની સાથે ન્યાયથી વર્તવું, દયાળુ બનવું અને સાચું બોલવું જોઈએ.

૮:૯-૧૩. યહોવાહે સોંપેલા પ્રચાર કામમાં ‘હાથ બળવાન’ હશે અને આપણે એમાં ઉત્સાહી હોઈશું તો, તે આપણને જરૂર આશીર્વાદ આપશે. જેમ કે મનની શાંતિ મળશે. તેમનામાં શ્રદ્ધા વધશે અને તેમની સાથે પાક્કો નાતો બંધાશે.

૧૨:૬. યહોવાહની ભક્તિમાં આગેવાની લેતા ભાઈઓએ ‘બળતી મશાલની’ જેમ ઉત્સાહી બનવું જોઈએ.

૧૩:૩. આપણે કોઈ સંસ્થા કે ઇન્સાનના કરતાં યહોવાહ અને તેમની સંસ્થાને જ વફાદાર રહેવું જોઈએ.

૧૩:૮, ૯. ઈસ્રાએલના બે ભાગના લોકોએ એટલે મોટા ભાગનાએ યહોવાહને ભજવાનું છોડી દીધું. યહોવાહે તેઓનો નકાર કર્યો. ફક્ત થોડા લોકો અગ્‍નિ જેવી પરીક્ષાથી શુદ્ધ થયા. યહોવાહે આપણા દિવસોમાં ચર્ચના કહેવાતા ખ્રિસ્તીઓનો નકાર કર્યો છે. ફક્ત અભિષિક્ત ખ્રિસ્તીઓ ‘યહોવાહના નામમાં વિનંતી કરે’ છે. તેઓ જ અગ્‍નિ પરીક્ષામાંથી પસાર થયા છે. તેઓ અને તેઓના સાથીદારોએ પુરાવો આપ્યો છે કે પોતે નામ પૂરતા યહોવાહના ભક્તો નથી.

ઉત્સાહી બનવું જોઈએ

હાગ્ગાય અને ઝખાર્યાહે જાહેર કરેલો સંદેશો આપણને કઈ રીતે લાગુ પડે છે? આપણે જોયું કે તેઓના બોધથી યહુદીઓને ફરીથી મંદિર ઊભું કરવાનું ઉત્તેજન મળ્યું. એનાથી આપણને પણ તન-મન-ધનથી પ્રચાર કરવા અને શિષ્યો બનાવવાનું ઉત્તેજન મળે છે.

ઝખાર્યાહે જણાવ્યું હતું કે મસીહા “ગધેડીના વછેરા પર સવાર” થઈને આવશે. ચાંદીના “ત્રીસ રૂપિયા” એટલે કે સિક્કા માટે તેમને દગો દેવામાં આવશે. તેમના શિષ્યો ‘ઘેટાંની’ જેમ ‘વિખેરાઈ જશે.’ (ઝખાર્યાહ ૯:૯; ૧૧:૧૨; ૧૩:૭) મસીહ વિષેની ઝખાર્યાહની ભવિષ્યવાણી પર મનન કરવાથી આપણા પર ઊંડી અસર પડે છે! (માત્થી ૨૧:૧-૯; ૨૬:૩૧, ૫૬; ૨૭:૩-૧૦) યહોવાહે આપણને બચાવવા કરેલી ગોઠવણ પર મનન કરવાથી આપણી શ્રદ્ધા વધે છે.—હેબ્રી ૪:૧૨. (w07 12/1)

[Footnote]

^ જાન્યુઆરી ૧ ૧૯૯૬નું ચોકીબુરજ, પાન ૯-૨૨ જુઓ.

[Box on page 15]

ઝખાર્યાહને થયેલાં આઠ સંદર્શન

૧:૮-૧૭: ગૅરન્ટી આપે છે કે મંદિરનું કામ પૂરું થશે. તેમ જ યરૂશાલેમ, યહુદાહ અને એની આજુબાજુના શહેરો આશીર્વાદ પામશે.

૧:૧૮-૨૧: યહોવાહની ભક્તિમાં ભંગ કરનાર ‘ચાર શિંગડાં’ એટલે કે જે સરકારોએ યહુદાહને વિખેરી નાખ્યા તેઓનો નાશ કરવાનું વચન.

૨:૧-૧૩: યરૂશાલેમમાં વધારો થશે. તેમ જ યહોવાહ ‘તેની આસપાસ અગ્‍નિના કોટરૂપ થશે.’

૩:૧-૧૦: શેતાન મંદિરનું બાંધકામ અટકાવી રહ્યો હતો. પ્રમુખ યાજક યોશીયાહને બચાવવામાં આવ્યા અને તેમની ભૂલો માફ કરવામાં આવી.

૪:૧-૧૪: પહાડ જેવી મૂશ્કેલીઓ સપાટ થઈ જશે અને ઝરૂબ્બાબેલ મંદિરનું બાંધકામ જરૂર પૂરું કરશે.

૫:૧-૪: જે દુષ્ટોને સજા થઈ નથી તેઓને શાપ.

૫:૫-૧૧: દુષ્ટોનો અંત જણાવે છે.

૬:૧-૮: સ્વર્ગદૂતો દેખભાળ ને રક્ષણ કરશે.

[Picture on page 12]

હાગ્ગાય અને ઝખાર્યાહના સંદેશાનો હેતુ શું હતો?

[Picture on page 14]

આગેવાની લેતા ભાઈઓ કઈ રીતે ‘બળતી મશાલ’ જેવા છે?