શું કાલની ફિકર કરવી જોઈએ?
શું કાલની ફિકર કરવી જોઈએ?
“હું કાલની ફિકર કરતો જ નથી. આવતી કાલ તો ઝડપથી આજ બની જાય છે.” આમ એલ્બર્ટ એસ્ટીમે કહ્યું. ઘણા તેમની સાથે સહમત થશે. તમે કદાચ લોકોને આમ કહેતાં સાંભળ્યા હશે કે “કલ ક્યા હોગા કિસકો પતા? અભી જિંદગી કા લે લો મઝા!” ‘આજ જીવન માણી લો. કાલ કોણે જોઈ છે?’
આવા વિચારો કંઈ નવા નથી. લોકો સદીઓ પહેલાં પણ આવું જ વિચારતા. એપીક્યુરીન લોકોનો દાખલો લઈએ. તેઓનો એક જ ધ્યેય હતો: ‘ખાઓ, પીઓ ને મજા કરો. બીજું બધું નકામું છે.’ આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈશ્વરભક્ત પાઊલના સમયના અમુક લોકો આવું જ માનતા હતા. તેઓ કહેતા કે ‘ખાઈએ ને પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.’ (૧ કોરીંથી ૧૫:૩૨) તેઓ માનતા કે જીવન બહુ જ ટૂંકું છે. માટે જીવનનો લાભ ઉઠાવવો જોઈએ.
આજે લાખો-કરોડો લોકો જીવનનો એવો લાભ ઉઠાવતા નથી. તેઓ ધન-દોલત કે મોજશોખ પાછળ પડતા નથી. આ લોકો ગરીબીમાં જીવે છે. જીવવા માટે સંઘર્ષ કરે છે. તેઓ રોજીરોટી કમાવવા કાળી મજૂરી કરે છે. સવાર પડતા એ જ ચિંતા કે પેટનો ખાડો પૂરવા શું કરવું? તેઓનું જીવન ઝેર બની ગયું છે. પછી તેઓ કાલની ચિંતા શું કામ કરે?
કાલનો વિચાર કરવો જોઈએ?
ગરીબીમાં નથી તેઓને પણ કાલનો વિચાર કરવો નકામો લાગે છે. તેઓ કહે છે કે “જીવન પલ બે પલનું છે, કાલની શું કામ ચિંતા કરવી?” અમુક કદાચ કહેશે કે આવતી કાલનો વિચાર જ નિરાશ કરી દે છે. સદીઓ પહેલાંના ઈશ્વરભક્ત અયૂબનો દાખલો લો. તેમણે જોયું કે પોતાના ‘મનોરથ નિષ્ફળ થયા છે.’ ત્યારે તે નિરાશ થઈ ગયા. તેમને ચિંતા થવા લાગી કે તેમનું અને પરિવારનું ભાવિ કેવું હશે.—અયૂબ ૧૭:૧૧; સભાશિક્ષક ૯:૧૧.
સ્કૉટલૅન્ડના કવિ રોબર્ટ બર્નસે આપણા જીવનના દુઃખ-તકલીફોની સરખામણી ખેતરમાં રહેતા ઉંદર સાથે કરી. ઉંદર ખેતરમાં ઘર બનાવે છે. ખેડૂત હળ લઈને જમીન ખેડે છે. હળની અણીથી ઉંદરનું ઘર ભૂકો બની જાય છે. ઉંદર પોતાનો જીવ બચાવવા ભાગી જાય છે. કવિ આગળ કહે છે કે ‘ઘણી વાર આપણા જીવનમાં અણધાર્યા સંજોગો ઊભા થાય છે ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ. તેમ જ આપણે સમજી વિચારીને
આવતા દિવસોની તૈયારી કરી હોય એ મહેનત નકામી બની જાય છે.’તો શું કાલનો વિચાર કરવો નકામો છે? દાખલા તરીકે, ક્યાંય પણ ભારે તોફાન, કે કોઈ કુદરતી આફત આવી શકે, જેમ કે હરીકેન કેટરીના. એ આફતથી દુઃખોનો પહાડ તૂટી પડ્યો. ખરું કે, એવી આફતને રોકવી આપણા હાથમાં નથી. તોપણ આગ લાગે ત્યારે કૂવો ન ખોદવા ન જવાય. જો એ વિસ્તારના શહેરો અને ઘરો સમજી વિચારીને બંધાયા હોત તો, કદાચ ઓછું નુકસાન થયું હોત, ખરું ને?
શું આપણે આવતી કાલ ભૂલી જઈને આજ પૂરતું જ જીવવું જોઈએ? તમને શું લાગે છે? આ વિષે હવે પછીનો લેખ શું કહે છે એનો વિચાર કરો. (w07 10/15)
[Pictures on page 3]
‘ખાઓ, પીઓ ને મજા કરો. બીજું બધું નકામું છે’