સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ”

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ”

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ”

‘કૅથલિક ધર્મ શીખવે છે કે માણસ મરે ત્યારે તેનો ન્યાય થશે. પછી તે નર્ક કે સ્વર્ગમાં જશે.’—કૅથોલીસિઝ્મ, જ્યોર્જ બ્રાંટ્‌લે સંપાદન કર્યું.

કૅથલિક ધર્મ પૃથ્વી વિષે શું શીખવે છે? બીજા ધર્મોની જેમ એ એમ જ શીખવે છે કે એક દિવસ પૃથ્વીનો નાશ થશે. “પૃથ્વીનો અંત” મથાળા નીચે કૅથલિક માન્યતા પરની એક ફ્રેંચ ડિક્શનરી આમ કહે છે: ‘કૅથલિક ચર્ચ માને છે, અરે, શીખવે પણ છે કે ઈશ્વરે બનાવેલી આ પૃથ્વી હંમેશાં રહેશે નહિ.’ થોડા સમયથી બહાર પડેલા કૅથલિક શિક્ષણ પરના એક પુસ્તકે એમ પણ કહ્યું કે ‘પૃથ્વીનું નામનિશાન મટી જશે. એ જ એનું નસીબ છે.’ જો પૃથ્વીનો નાશ થવાનો હોય, તો બાઇબલમાં શા માટે અનેક વચનો છે, જે જણાવે છે કે આખી ધરતીમાં સુખ-શાંતિ આવશે?

દાખલા તરીકે, પયગંબર યશાયાહે જણાવ્યું કે એવો સમય આવશે, જ્યારે પૃથ્વી પર રહેનારા લોકો “ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમ કે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.” (યશાયાહ ૬૫:૨૧, ૨૨) આજથી હજારો વર્ષો અગાઉ, ઈશ્વરે યહુદી લોકોને એ વચન આપ્યું હતું. તેઓને પૂરી ખાતરી હતી કે ફક્ત વચનનો દેશ એટલે કનાન જ નહિ, પણ આખી પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બનશે. ઇન્સાનને એમાં હંમેશ માટે પુષ્કળ આશીર્વાદો મળશે.

ગીતશાસ્ત્રનો ૩૭મો અધ્યાય એ વિષે કહે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) આ શબ્દો ફક્ત એ સમય વિષે જ જણાવતા નથી, જ્યારે ઈઝરાયેલી પ્રજા વતનમાં પાછી ફરી હતી. પણ એ અધ્યાયની બીજી એક કલમ કહે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) * નોંધ કરો કે ‘નમ્ર લોકોને’ આ પૃથ્વી પર હંમેશાં જીવવા મળશે. એક ફ્રેન્ચ બાઇબલ આ કલમમાં ‘નમ્ર’ શબ્દ પર થોડી વધારે સમજણ આપે છે. એ કહે છે: ‘આ શબ્દનો અર્થ ખૂબ ઊંડો છે અને ઘણા બાઇબલ અનુવાદોમાં એ જોવા મળશે નહિ. “નમ્રમાં” લાચાર, દુઃખી લોકો આવી જાય છે, જેઓ દિલથી નમ્ર છે. ઈશ્વરના કહ્યા મુજબ જીવે છે. યહોવાહને નામે ખૂબ દુઃખ કે જુલમ સહે છે.’

પૃથ્વી પર કે સ્વર્ગમાં?

પહાડ પરના ઉપદેશમાં ઈસુએ અમુક વચનો આપ્યાં હતાં. એમાંનું એક, ઉપર જણાવેલી કલમોની યાદ અપાવે છે. ઈસુએ કહ્યું હતું: “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માત્થી ૫:૫) ફરી આપણને જોવા મળે છે કે ઈશ્વરભક્તોને સુંદર પૃથ્વી પર રહેવાનો આશીર્વાદ મળશે. ઈસુએ સાફ શબ્દોમાં તેમના પ્રેરિતોને એ પણ કહ્યું કે તેઓ ‘પિતાના ઘરમાં રહેશે.’ એટલે કે તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રહેવા જશે. (યોહાન ૧૪:૧, ૨; લુક ૧૨:૩૨; ૧ પીતર ૧:૩, ૪) તો પ્રશ્ન એ છે કે બાઇબલે પૃથ્વી પર મળનારા આશીર્વાદો વિષે જે વચનો આપ્યાં છે, એને કયા અર્થમાં સમજવા જોઈએ? શું એ વચનો આજે પણ મહત્ત્વનાં છે? એ કોને લાગુ પડે છે?

ઘણા બાઇબલ પ્રોફેસરો કહે છે કે ગીતશાસ્ત્ર ૩૭મો અધ્યાય અને ઈસુનો ઉપદેશ, આપણે રહીએ છીએ એ ‘પૃથ્વી’ વિષે વાત કરતા નથી. એ ફક્ત શબ્દચિત્ર જ છે. બાઇબલ ડે ગ્લારે નામના ફ્રેન્ચ પુસ્તકમાં એફ. વિગરોએ કહ્યું: ‘એ કલમો સ્વર્ગ અને ચર્ચને રજૂ કરે છે.’ ફ્રેન્ચ બાઇબલના અભ્યાસી એમ. લાગ્રાન્જ કહે છે: ‘બાઇબલના આ વચનોનો અર્થ એ નથી કે નમ્ર લોકો હમણાં કે ભાવિમાં સુંદર પૃથ્વી પર જીવતા રહેશે. ના, એ વચન તો સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યને રજૂ કરે છે, પછી ભલે એ ગમે ત્યાં હોય.’ બાઇબલ પર સંશોધન કરતા બીજા લોકો માને છે કે ‘વચનનો દેશ કનાન તો ઈશ્વરનું રાજ્ય છે, જેમાં નમ્ર લોકોને દાખલ થવા મળશે. ગીતશાસ્ત્ર ૩૭મો અધ્યાય શબ્દચિત્રમાં આ જ વિચાર રજૂ કરે છે.’ તો પછી, સત્ય શું છે?

પૃથ્વી કાયમ રહે એવી ઈશ્વરની ઇચ્છા

ઈશ્વરે પૃથ્વી બનાવી. ઇન્સાન બનાવ્યો. ઇન્સાનને રહેવા માટે પૃથ્વી આપી. એક કવિએ ગીતશાસ્ત્રમાં કહ્યું કે ‘આકાશો તે યહોવાહનાં આકાશો છે; પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) શરૂઆતથી જ ઈશ્વર ચાહે છે કે માણસો સ્વર્ગમાં નહિ, પણ પૃથ્વી પર સદા જીવતા રહે. એટલે તેમણે આદમ અને હવાને કહ્યું હતું કે આખી પૃથ્વીને એદન બાગ જેવી સુંદર બનાવો. (ઉત્પત્તિ ૧:૨૮) શું યહોવાહની આ તમન્‍ના ફક્ત થોડા વખત માટે જ હતી? ના. તેમણે પોતે કહ્યું કે “એક પેઢી જાય છે, અને બીજી આવે છે; પણ પૃથ્વી સદા ટકી રહે છે.”—સભાશિક્ષક ૧:૪; ૧ કાળવૃત્તાંત ૧૬:૩૦; યશાયાહ ૪૫:૧૮.

યહોવાહ વિશ્વના માલિક છે. તેમનાં વચનો કદી અધૂરાં રહેતાં નથી. તે પોતાનાં વચનો પૂરાં કરે જ છે. એ સમજાવવા, બાઇબલમાં જળચક્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે: ‘જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના પાછાં ફરતાં નથી; તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.’ (યશાયાહ ૫૫:૧૦, ૧૧) ઈશ્વરે માણસોને અનેક વચનો આપ્યાં છે. ભલે એ પૂરાં થતાં અમુક સમય લાગે, પણ એ ચોક્કસ પૂરાં થશે. એ પૂરાં થાય પછી જ, જાણે ઈશ્વર પાસે ‘પાછાં’ જાય છે.

યહોવાહે માણસ માટે આ પૃથ્વી બનાવી, ત્યારે એનાથી તે બહુ ખુશ હતા. ઉત્પત્તિનો છઠ્ઠો દિવસ પૂરો થયો ત્યારે, ઈશ્વરે કહ્યું કે “બધું ખૂબ જ સારું” છે. (ઉત્પત્તિ ૧:૩૧, સંપૂર્ણ) ઈશ્વરનો હેતુ, તેમની તમન્‍ના એ જ છે કે આખી પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બને. ભલે હજુ એમ બન્યું નથી, પણ ઈશ્વરનું વચન ‘સફળ થયા વિના, તેમની પાસે પાછું વળશે નહિ.’ ઈશ્વરે વચન આપ્યું છે કે ઇન્સાનમાં ફરીથી કશી ખોટ રહેશે નહિ. તે સુખી થશે. પૃથ્વી પર કાયમ જીવશે. આ બધાં વચનો જરૂર પૂરાં થશે!—ગીતશાસ્ત્ર ૧૩૫:૬; યશાયાહ ૪૬:૧૦.

ઈશ્વરનો હેતુ જરૂર પૂરો થશે

દુઃખની વાત છે કે આદમ ને હવાએ જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપી બન્યા. એદન બાગમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા. તેઓનાં બાળકોમાં પણ પાપનો વારસો આવ્યો. આદમ અને હવાએ આખી પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવવાની તક પણ ગુમાવી. આખી પૃથ્વી માટે ઈશ્વરની ઇચ્છા જાણે અધૂરી રહી ગઈ. પરંતુ ઈશ્વર પોતાનો મૂળ હેતુ ભૂલી ગયા નહિ. તેમણે તરત જ અમુક પગલાં લીધાં, જેથી તેમનો હેતુ પૂરો થઈ શકે. તેમણે શું કર્યું?—ઉત્પત્તિ ૩:૧૭-૧૯, ૨૩.

એદન બાગમાં જે બન્યું, એ સમજવા એક દાખલો લઈએ. એક માણસને ઘર બાંધવું છે. તે સરસ જગ્યા શોધી કાઢે છે. ઘરનો પાયો નાખે છે. પણ કોઈ તોફાની આવીને તેનું બધું કામ બગાડી નાખે છે. તોપણ એ માણસ હિંમત હારતો નથી. તે જરૂરી પગલાં લઈને બાંધકામ ચાલુ રાખે છે. ભલે તેણે થોડો વધારે ખરચ કરવો પડ્યો, પણ તેણે કદીયે વિચાર્યું નહિ કે ‘ઘર બાંધવું તો મોટી ભૂલ હતી.’

એ જ રીતે, ઈશ્વરે પણ પોતાનો હેતુ પૂરો કરવા અમુક ગોઠવણો કરી છે. આદમ ને હવાએ પાપ કર્યું ત્યારે, થોડી જ વારમાં તેમણે માણસજાતને બીજી એક આશા આપી. તેમણે એક ‘સંતાન’ વિષે વચન આપ્યું. તે પૃથ્વી ને માણસજાત માટે બધું સુધારી લેવાના હતા. આ સંતાન, ઈસુ હતા. ઈશ્વરે આપેલું વચન પૂરું કરવા તે ધરતી પર આવ્યા. માણસજાતને પાપ અને મોતના પંજામાંથી છોડાવવા, તેમણે પોતાનો જીવ કુરબાન કરી દીધો. (ગલાતી ૩:૧૬; માત્થી ૨૦:૨૮) ઈસુ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા ને સ્વર્ગમાં પાછા લઈ લીધા. ત્યાં ઈસુ થોડા સમય પછી ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. જ્યારે બાઇબલ કહે છે કે ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે,’ ત્યારે એ પ્રથમ ઈસુ અને અમુક ખાસ ઈશ્વરભક્તોને લાગુ પડે છે. આ ઈશ્વરભક્તોને સ્વર્ગમાં રાજા ઈસુ સાથે રાજ કરવા પસંદ કરવામાં આવ્યા છે. તેઓને પૃથ્વીનો વારસો મળ્યો છે. (ગીતશાસ્ત્ર ૨:૬-૯) થોડા જ સમયમાં ઈશ્વરનું રાજ્ય એટલે કે તેમની સરકાર, આખી પૃથ્વી પર રાજ કરશે. આ સરકાર ઈશ્વરનો મૂળ હેતુ પૂરો કરશે. પૃથ્વી ફરી સ્વર્ગ જેવી સુંદર બનશે. કરોડો નમ્ર લોકો પણ “પૃથ્વીનું વતન પામશે.” કઈ રીતે? તેઓ ઈસુ અને તેમના સાથીઓના રાજમાં પુષ્કળ આશીર્વાદો મેળવશે.—ઉત્પત્તિ ૩:૧૫; દાનીયેલ ૨:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨, ૩૩; પ્રકટીકરણ ૨૦:૫, ૬.

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર”

બાઇબલ જણાવે છે કે જે લોકો ઈશ્વરની કૃપા પામશે, તેઓમાંથી અમુક સ્વર્ગમાં જશે, બાકીના આ ધરતી પર રહેશે. એના વિષે પ્રેરિત યોહાને એક દર્શન જોયું. એમાં તેમણે સ્વર્ગમાં રાજગાદીઓ પર બેઠેલા રાજાઓ જોયા. એ રાજાઓ ઈસુને વળગી રહેનારા શિષ્યોમાંથી હતા. બાઇબલ કહે છે કે “તેઓ પૃથ્વી પર રાજ” કરશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦) ઈશ્વરનો મૂળ હેતુ પૂરો કરવા કયા બે બનાવો બનશે? એક તો, ઈશ્વરની સરકારના રાજા ઈસુ અને તેમના સાથીઓ માણસજાતને મદદ કરશે, જેથી તેઓ ઈશ્વરના ધોરણો પ્રમાણે પૂરી રીતે ચાલી શકે. બીજું કે આખી પૃથ્વીને ફરીથી સ્વર્ગ જેવી સુંદર બનાવવામાં આવશે.

ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે, ઈશ્વરને આવી અરજ કરવા પણ જણાવ્યું: “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૯, ૧૦) હવે જો પૃથ્વીનો નાશ થવાનો હોય, કે પછી પૃથ્વી ફક્ત સ્વર્ગને રજૂ કરતી હોય, તો શું આવી પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો છે? જો સર્વ ઈશ્વરભક્તો મરણ પછી સ્વર્ગમાં જવાના હોય, તો આવી વિનંતી કરવાની શી જરૂર? બાઇબલ જણાવે છે કે ઈશ્વર પૃથ્વી માટે શું ચાહે છે. એની સાબિતી ઉત્પત્તિથી છેક બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણ સુધી જોવા મળે છે. પૃથ્વી માટે ઈશ્વરની ઇચ્છા શું છે? એ જ કે એ ફરીથી જન્‍નત, નંદનવન કે સ્વર્ગ જેવી સુંદર બને. ઈશ્વરની આ તમન્‍ના ચોક્કસ પૂરી થશે. પૃથ્વી પર તેમના ભક્તો એના માટે રાત-દિવસ પ્રાર્થના કરે છે.

શરૂઆતમાં ઈશ્વર એ પણ ચાહતા હતા કે પૃથ્વી પર માણસજાત સદા સુખી થાય. તેમની એ ઇચ્છા પણ ચોક્કસ પૂરી થશે. બાઇબલ કહે છે કે ઈશ્વર “અવિકારી” છે, એટલે કે કદીયે બદલાતા નથી. (માલાખી ૩:૬; યોહાન ૧૭:૩; યાકૂબ ૧:૧૭) છેલ્લાં સોએક વર્ષથી ધ વૉચટાવર (ચોકીબુરજ) મૅગેઝિન બાઇબલમાંથી આમ સમજાવે છે: ઈશ્વરનો મૂળ હેતુ પૂરો થાય, એ માટે ઉપર જણાવેલા બે બનાવો બનવા જરૂરી છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી સુંદર બનશે, એવાં બાઇબલનાં વચનોનો શું અર્થ થાય છે. એ વચનો વિષે તમે પણ જાણો. એ માટે યહોવાહના સાક્ષીઓને મળો કે પછી આ મૅગેઝિનના પ્રકાશકોને લખો. (w 06 8/15)

[ફુટનોટ]

^ ઘણાં બાઇબલોમાં, ગીતશાસ્ત્ર ૩૭:૧૧ અને ૨૯મી કલમોમાં હિબ્રૂ શબ્દ એરેટ્‌સનો ‘પૃથ્વીને’ બદલે ‘દેશ’ અનુવાદ થયો છે. પણ એ હિબ્રૂ શબ્દ, ફક્ત ઈઝરાયેલી પ્રજાના દેશને જ લાગુ પડતો નથી. વિલિયમ વિલ્સનનું પુસ્તક ઑલ્ડ ટેસ્ટામેન્ટ વર્ડ સ્ટડીઝ કહે છે: ‘એરેટ્‌સનો પૂરો અર્થ, આખી પૃથ્વી થાય છે. એમાં પૃથ્વીની એવી જગ્યાઓ પણ આવી જાય છે, જ્યાં કોઈ રહી શકતું નથી. પણ અમુક કલમોમાં જરૂર પડે ત્યારે એ શબ્દ, દેશ કે કોઈ ખાસ જગ્યાને રજૂ કરી શકે.’ તેથી, આ હિબ્રૂ શબ્દનો મુખ્ય અર્થ ‘પૃથ્વી’ કે ‘આખી ધરતી’ થાય છે.—માર્ચ ૧, ૧૯૮૭નું ચોકીબુરજ, પાન ૩૧ જુઓ.

[પાન ૪ પર ચિત્ર]

બાઇબલ બતાવે છે કે આખી પૃથ્વી ચોક્કસ ફરીથી સુંદર બનશે

[પાન ૭ પર ચિત્ર]

જો પૃથ્વીનો નાશ થવાનો હોત, તો ઈસુએ કેમ એના વિષે પ્રાર્થના કરવા કહ્યું?