સાચા સુખનો માર્ગ
સાચા સુખનો માર્ગ
યૂનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની કૉંગ્રેસે ૧૭૭૬માં બ્રિટિશ રાજથી સ્વતંત્ર થવા હક્કોનું જાહેરનામું ઘડી કાઢ્યું. એમાં તેઓએ લખ્યું હતું કે દરેકને “સાચું સુખ શોધવાનો” હક્ક હોવો જોઈએ. પરંતુ એની પાછળ પડવાનો અર્થ નથી કે એ મળશે જ. આજે ઘણા યુવાનો ફિલ્મી દુનિયામાં, સ્પોર્ટ્સની દુનિયામાં નામ કમાવા ખૂબ જ મહેનત કરે છે. શું તમે એવા કોઈને જાણો છો, જેઓ સફળ થયા હોય? એક જાણીતો ગાયક કલાકાર એની કિંમત જાણે છે. તે જાણે છે કે એ કેટલું અઘરું છે. તેણે કહ્યું કે “ગાયક કલાકાર બનવું તમે ધારો એટલું સહેલું નથી.”
તોપણ, હિંમત ન હારો! એવું માની ન લો કે તમે કદી સુખી નહિ થઈ શકો. તમે જો સુખી જીવનનો માર્ગ શોધશો, તો તમને જરૂર મળશે. કઈ રીતે? આપણે આગળના લેખમાં જોઈ ગયા તેમ, એ માટે ઈશ્વર યહોવાહનું જ્ઞાન લેવું જોઈએ. યહોવાહે બાઇબલમાં જણાવ્યું છે કે દરેકને સાચું સુખ કેવી રીતે મળી શકે છે. તેમના માર્ગે, એ સુખી જીવનના માર્ગે ચાલીને આપણે કદી પસ્તાવું નહિ પડે. આજે પણ બધાને મુશ્કેલીઓ આવે છે. એ મુશ્કેલીઓમાં પણ યહોવાહ તમને સાથ આપવા તૈયાર છે. માનો કે કોઈ સગું-વહાલું ગુજરી જાય તો, યહોવાહ કેવો દિલાસો આપે છે?
ગુજરી ગયેલાનું દુઃખ કઈ રીતે સહેવું?
મરણ આપણો દુશ્મન છે. કોઈ પણ બાળકના મોતથી માબાપનું કાળજું કપાઈ જાય છે. મા કે બાપના મોતથી બાળકનું જીવન વેરાન બની જાય છે. મોત દિલોજાન મિત્રને ઝૂંટવી લે છે. કુટુંબને, સમાજને લાચાર બનાવી દે છે. કોઈ પણ સગાના મરણથી કુટુંબ પર શોકનાં વાદળો છવાઈ જાય છે.
મરણ મિત્ર નહિ, પણ કટ્ટર દુશ્મન છે. તોપણ ઘણા એ સ્વીકારવા રાજી નથી. તેઓ માને છે કે મરણ તો મિત્ર છે. ઑગસ્ટ, ૨૦૦૫માં મૅક્સિકોના અખાતમાં કેટરિના નામનું ખતરનાક તોફાન આવ્યું. એમાં ઘણા માર્યા ગયા. એક માણસની દફનવિધિ વખતે પાદરીએ કહ્યું: “કેટરિનાએ તેને માર્યો નથી. ઈશ્વરે તેને પોતાના ઘરે બોલાવી લીધો છે.” બીજા એક કિસ્સામાં હૉસ્પિટલની ઑફિસમાં કામ કરતી સ્ત્રીએ, એક છોકરીને દિલાસો આપવા કહ્યું કે ‘ચિંતા ન કર.
ભગવાને તારી મમ્મીને સ્વર્ગમાં બોલાવી લીધી છે.’ છોકરી રડતાં રડતાં પોકારી ઊઠી: “ભગવાને મારી મમ્મીને કેમ છીનવી લીધી? કેમ? કેમ?”એ દાખલા બતાવે છે કે કોઈ ગુજરી જાય ત્યારે આ રીતે દિલાસો મળતો નથી. કેમ નહિ? આવા વિચારો સત્ય નહિ, પણ જૂઠાણું શીખવે છે. એવું બતાવે છે કે ઈશ્વર ક્રૂર છે. નિર્દય છે. ઠંડા કલેજે સગાંને છીનવી લે છે. જૂઠો દિલાસો આપી એવું બતાવવામાં આવે છે કે ઈશ્વર ખરેખર દયાળુ નથી. બાઇબલ એવું શીખવતું નથી. બાઇબલ સત્ય શીખવે છે કે ઇન્સાન કેમ મરણ પામે છે.
બાઇબલ કહે છે કે મરણ સર્વ ઇન્સાન પર રાજ કરે છે. એ ઇન્સાનનો કટ્ટર દુશ્મન છે. (રૂમી ૫:૧૭; ૧ કોરીંથી ૧૫:૨૬) એને તો કોઈ ઇન્સાન દફનાવી શકે એમ નથી. પણ મરણ એક-પછી-એક ઇન્સાનને દફનાવી રહ્યું છે. બાઇબલ પણ જણાવે છે કે આપણું કોઈ સગું ગુજરી જાય ત્યારે કેવું સૂનું સૂનું લાગે છે. બધા જ દુઃખી થઈ જાય છે. અરે, ઘણા તો નિરાધાર બની જાય છે. પણ શું ઈશ્વર આપણાં સગાંને સ્વર્ગમાં લઈ જવા, મરણને વાપરે છે? ચાલો જોઈએ કે એના વિષે બાઇબલ શું કહે છે.
સભાશિક્ષક ૯:૫, ૧૦ કહે છે કે ‘મૂએલા કંઈ જાણતા નથી. જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.’ ‘શેઓલ’ એટલે શું? ‘શેઓલ’ એટલે કબર. પછી ભલે તેમને દફનાવ્યા હોય કે અગ્નિ-સંસ્કાર કર્યા હોય. કોઈ મરણ પામે ત્યારે તેનામાંથી કંઈ જ બચતું નથી. તેનો અંત આવે છે. તે સાંભળી કે વિચારી શકતા નથી. કંઈ જ કરી શકતા નથી. * એટલે એ જૂઠ છે કે ઈશ્વર આપણાં સગાંને મારીને સ્વર્ગમાં લઈ જાય છે. વ્યક્તિ મરણ પામે ત્યારે કંઈ જ બચતું નથી, તે ધૂળમાં મળી જાય છે.
ચાલો આપણે ઈસુએ આપેલો પુરાવો જોઈએ. તેમનો જિગરી દોસ્ત લાજરસ મરણ પામ્યો. ઈસુએ તેને સજીવન કર્યો. જો લાજરસ ઈશ્વર સાથે સ્વર્ગમાં હોત, તો તેને પૃથ્વી પર સજીવન કરવાથી શું લાભ? છેવટે તો તે પાછો મરણ પામત. લાજરસને જે કબરમાં દાટ્યો હતો ત્યાં ઈસુએ જઈને બૂમ પાડી: “લાજરસ, બહાર આવ.” સાચે જ ‘જે મરી ગએલો હતો તે બહાર આવ્યો.’ લાજરસ જીવતો થયો. ઈસુ જાણતા હતા કે લાજરસને જ્યાં દાટ્યો હતો, ત્યાં જ તે હતો. તે ત્યાંથી બીજે ક્યાંય ગયો ન હતો. તે કબરમાં જ હતો, કેમ કે તે મરણ પામ્યો હતો.—યોહાન ૧૧:૧૧-૧૪, ૩૪, ૩૮-૪૪.
એ બનાવ આપણને સમજવા મદદ કરે છે કે ઈશ્વર લોકોને સ્વર્ગમાં લઈ જવા મરણ લાવતા નથી. તે આપણાં સગાંને છીનવી લેતા નથી. પણ ઈશ્વર જાણે છે કે કોઈ સગાને, દોસ્તને મરણ છીનવી લે ત્યારે, આપણી કેવી હાલત થાય છે. એટલે આપણે મદદ માટે ઈશ્વરને વિનંતી કરીએ. યહોવાહે બાઇબલમાં મરણ વિષેનું સત્ય જણાવ્યું છે. જ્યારે કોઈ મરણ પામે, ત્યારે તેનો તદ્દન અંત આવે છે. કશું જ બચતું નથી. એટલે આપણું કોઈ સગું ગુજરી જાય ત્યારે, એનો દોષ ઈશ્વરને આપવો ન જોઈએ. ગુજરી ગયેલાનું શું થશે એવી ચિંતા પણ ન કરવી જોઈએ. ગુજરી ગયેલા કોઈને પણ નર્કમાં પીડા નથી અપાતી, કેમ કે નર્ક જેવું કશું છે જ નહિ.
આપણે બાઇબલમાંથી દિલાસો લઈએ, કેમ કે યહોવાહે આપણને મદદ કરવા એ આપ્યું છે.સાચું સુખ આપતું ઈશ્વરનું સત્ય
આપણે જોયું એમ, બાઇબલ બતાવે છે કે ગુજરી ગયેલાને યહોવાહ સજીવન કરશે. આ આશાને લીધે જ આપણે સુખી બની શકીએ. એ આશા ખૂબ જ મહત્ત્વની છે. બાઇબલમાં “આશા” માટે વપરાયેલા શબ્દોનો અર્થ થાય, “સારું થશે જ એવું માનવું.” ચાલો હવે આપણે જોઈએ કે એવી આશાથી કઈ રીતે સાચું સુખ મળે છે? એ માટે આપણે ચાલો વિચારીએ કે ઈસુએ લાજરસને જીવતો કર્યો ત્યારે શું બન્યું હતું.
ઈસુએ ચમત્કાર કર્યો. તેમના જિગરી દોસ્ત લાજરસને જીવતો કર્યો! શા માટે? એનાં ઓછાંમાં ઓછાં બે કારણ હતાં. એક, લાજરસની બહેનો મરિયમ અને મારથાનું દુઃખ દૂર કરવા. તેઓનાં સગાંનું દુઃખ દૂર કરવા ઈસુએ એમ કર્યું. તેઓ ફરીથી સુખી પરિવાર તરીકે રહેવા લાગ્યા. એ ચમત્કાર પાછળનું સૌથી મહત્ત્વનું કારણ ઈસુએ મારથાને જણાવ્યું: “જો તું વિશ્વાસ કરશે, તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?” (યોહાન ૧૧:૪૦) બીજા એક બાઇબલમાં એ કલમનો છેલ્લો ભાગ આમ વંચાય છે: ‘તું ઈશ્વરના મહાન ચમત્કાર જોઈશ.’ ( IBSI ) લાજરસને જીવતો કરીને ઈસુએ બતાવ્યું કે યહોવાહ આવતા દિવસોમાં શું કરશે. ચાલો આપણે ‘ઈશ્વરના મહાન ચમત્કાર’ વિષે અમુક દાખલાઓ જોઈએ.
ઈસુએ કહ્યું કે ‘તમે નવાઈ ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જ્યારે જેઓ ગુજરી ગયા છે તેઓ સર્વ મારી વાણી સાંભળીને સજીવન થશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) ગુજરી ગયેલાને યહોવાહ ભૂલતા નથી. તેઓને તે જીવતા કરશે. એના વિષે પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ કહે છે કે ‘ન્યાયી અને અન્યાયી લોકો મરણમાંથી સજીવન થશે.’ ઘણા ‘અન્યાયી લોકો’ મરણ પામ્યા ત્યારે, તેઓ સાચા ઈશ્વર યહોવાહને ઓળખતા ન હતા. તેમને ભજતા ન હતા. એવા લોકોને પણ જીવતા કરવામાં આવશે. જેથી તેઓ યહોવાહને ઓળખે. સાચા દિલથી તેમની ભક્તિ કરે ને કૃપા પામે.
ગુજરી ગયેલાઓને ક્યાં જીવતા કરવામાં આવશે? ગીતશાસ્ત્ર ૩૭:૨૯ કહે છે: “ન્યાયીઓ દેશનો [પૃથ્વીનો] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” એનો જરા વિચાર કરો! મરણને કારણે કુટુંબો અલગ પડી જાય છે. મિત્રો છૂટા પડી જાય છે. પરંતુ બધા ફરીથી ભેગા થશે! ગુજરી ગયેલાં સગાં-વહાલાં, મિત્રો જીવતાં થશે. આપણે તેઓ સાથે પૃથ્વી પર સુખ-શાંતિમાં જીવીશું. એ જાણીને તમને કેવું લાગે છે?
યહોવાહ આપણને સુખી જોવા તલપે છે
આપણે જોયું કે ભલે મુશ્કેલીઓ હોય તોપણ, યહોવાહ બે રીતે આપણું સુખ વધારી શકે છે. એક તો તેમણે આપણને બાઇબલ આપ્યું છે. એમાં તે સુખી જીવનનો રાહ બતાવે છે. હમણાં પણ મુશ્કેલીઓ સહન કરવા એમાં મદદ આપી છે. ગુજરી ગયેલા આપણા સગા-વહાલાની જુદાઈ સહેવા મદદ આપી છે. બાઇબલ એ પણ જણાવે છે કે ગરીબીમાં પણ કઈ રીતે સંતોષથી જીવી શકીએ. તંદુરસ્તી સાચવવા શું કરી શકીએ. સમાજ અને રાજનીતિને લીધે અન્યાય થતો હોય તો શું કરી શકાય? એ સહેવા હિંમત અને શક્તિ મેળવવા પણ બાઇબલ મદદ કરે છે. જીવનમાં ડગલે ને પગલે આપણે બાઇબલની સલાહ પાળીશું તો, મુશ્કેલીઓ કે કુટેવો પર જીત મેળવવા ચોક્કસ મદદ મળશે.
બીજું કે બાઇબલ ઈશ્વર વિષે, તેમનાં વચનો વિષે સત્ય શીખવે છે. એમાં શ્રદ્ધા મૂકવાથી આપણને જીવનની આશા મળે છે. એવી આશા કોઈ સમાજ કદી આપી શકશે નહિ. ગુજરી ગયેલાં આપણાં સગાં-વહાલાંને યહોવાહ સજીવન કરશે. બાઇબલમાં તેમનાં આવાં અનેક વચનો છે. એક એ છે કે તેમનું રાજ્ય પૃથ્વીના સર્વ ઇન્સાનો પર પુષ્કળ આશીર્વાદ વરસાવશે. પ્રકટીકરણ ૨૧:૩, ૪ કહે છે: ‘ઈશ્વર પોતે માણસોની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ, શોક, રૂદન કે દુઃખ હશે જ નહિ. પ્રથમની વાતો જતી રહેલી છે.’ એનો શું અર્થ થાય? એ જ કે જે કોઈ મુશ્કેલીએ તમારું સુખ છીનવી લીધું હોય, એ મુશ્કેલીઓનો કાયમ માટે અંત આવશે. મરણ પછી કોઈ રિબાતું નથી, એ જાણીને આપણા દિલને કેટલી ટાઢક વળે છે! ઈશ્વરનું એકેએક વરદાન સાચું પડશે, એમાં કોઈ જ શંકા નથી. બાઇબલમાં બતાવેલા સુખી જીવનના માર્ગે તમે ચાલશો, તો ચોક્કસ ઈશ્વરના આશીર્વાદો પામશો. થોડા જ સમયમાં સુખનો સૂરજ ઊગી નીકળશે.
મારીઆ નામની બહેનનો દાખલો લો. થોડાં વર્ષો પહેલાં, મારીઆના પતિને કૅન્સર થયું હતું. તે બિચારા રિબાઈ રિબાઈને મરણ પામ્યા. મારીઆ અને તેમની ત્રણ દીકરીનાં આંસુ હજુ તો સૂકાયાં ન હતાં. તેઓના પૈસા ખૂટી પડ્યા. ઘર વેચવું પડ્યું. બે વર્ષ પછી મારીઆને ખબર પડી કે તેને પણ કૅન્સર છે. તેણે બે મોટાં ઑપરેશન કરાવવાં પડ્યાં. તોય તેને ઘણી પીડા સહેવી પડે છે. પણ તે હિંમત હારી નથી. તે ખુશ રહે છે. બીજાઓની હોંશ વધારે છે. પણ કઈ રીતે?
મારીઆના આ શબ્દો સાંભળો: “મને મુશ્કેલીઓ તો પડે છે. પણ હું મારા દુઃખ વિષે જ વિચારતી નથી. એવું નથી વિચારતી કે ‘મારા પર આટલાં બધાં દુઃખ કેમ આવે છે? હું કેમ બીમાર પડી?’ આવા ખોટા વિચારોથી તો શક્તિ નકામી જાય છે. એ શક્તિ હું યહોવાહની ભક્તિમાં વાપરું છું. લોકોને તેમનું સત્ય શીખવું છું. એનાથી મને ઘણી ખુશી મળે છે.”
યહોવાહે આપેલા વરદાન વિષે શીખવાથી મારીઆને કઈ મદદ મળી? જલદી જ યહોવાહનું રાજ આપણી બીમારીઓ, દુઃખ-તકલીફો મિટાવી દેશે. મારીઆ કાગને ડોળે એ સમયની રાહ જુએ છે. તે સારવાર માટે હૉસ્પિટલે જાય છે ત્યારે, બીજા દર્દીઓને પણ યહોવાહના રાજ વિષે જણાવે છે. મારીઆ માટે ઈશ્વરનું એ વરદાન કેટલું મહત્ત્વનું છે? મારીઆ કહે છે: “ઈશ્વરભક્ત પાઊલે હેબ્રી ૬:૧૯માં જે કહ્યું એ હું હંમેશાં યાદ રાખું છું. ‘આપણી શ્રદ્ધા માટે આશા લંગર જેવી છે.’ આપણે નદી કિનારે હોડી ઊભી રાખીએ, પણ લંગર ન નાખીએ તો શું થાય? હોડી પવનમાં ક્યાંય ખેંચાઈ જશે. જો લંગર નાખ્યું હશે તો એ ક્યાંય નહિ જાય.” યહોવાહે બાઇબલમાં “અનંતજીવન” માટેનું વરદાન આપ્યું છે. ‘ઈશ્વર કદી જૂઠું બોલતા નથી.’ મારીઆને ઈશ્વરના વચનમાં અતૂટ શ્રદ્ધા છે. એનાથી તેને દુઃખ સહેવા અને ખુશ રહેવા મદદ મળે છે. યહોવાહ તમને પણ એ જ રીતે મદદ કરશે.—તીતસ ૧:૨.
તમને પણ જીવનમાં ઘણાં દુઃખો, મુશ્કેલીઓ હોય શકે. તોપણ તમે બાઇબલમાંથી સુખી જીવનના માર્ગ વિષે શીખશો તેમ, તમને મદદ મળશે. એના વિષે તમે યહોવાહના સાક્ષીઓને પૂછશો તો, તેઓ ખુશીથી સમજાવશે. યહોવાહે આપેલાં વરદાનો પૂરાં થવાની રાહ જુઓ. પછી તમે પણ આવો અનુભવ કરશો: “તેઓનાં સર્વ દુઃખો અને નિસાસા હંમેશને માટે દૂર થઈ જશે; કેવળ આનંદ અને હર્ષ ત્યાં રાજ કરશે.”—યશાયા ૩૫:૧૦, IBSI. (w 06 6/15)
[ફુટનોટ]
^ ધી એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા (૨૦૦૩) કહે છે કે શેઓલમાં કોઈને “દુઃખ, સજા, ઇનામ કે આશીર્વાદ કશું જ મળતું નથી.”
[પાન ૫ પર ચિત્ર]
બાઇબલનું સત્ય જ દુઃખ ઓછું કરી શકે
[પાન ૭ પર ચિત્ર]
ઈશ્વરનું વચન દિલને ઠંડક આપે છે કે ગુજરી ગયેલા સજીવન કરાશે