‘તારી શિખામણથી મને હર્ષ થાય છે’
‘તારી શિખામણથી મને હર્ષ થાય છે’
“જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું.”—રૂમી ૧૫:૪.
૧. યહોવાહ કઈ રીતે આપણને શિખામણ આપે છે? આપણને એની કેમ જરૂર છે?
દુઃખ-તકલીફોથી ભરેલા દિવસોમાં ટકી રહેવા માટે યહોવાહ પોતાના ભક્તોને શિખામણ આપે છે. આપણને આવી શિખામણ કઈ રીતે મળે છે? બાઇબલ વાંચીને, મિટિંગમાં કોઈ ટૉક સાંભળીને, ભાઈ-બહેનોના જવાબ સાંભળીને. ઘણી વખત આપણે જે વાંચીએ કે સાંભળીએ છીએ, એ પહેલાં પણ સાંભળ્યું કે વિચાર્યું હશે. પણ આપણે ઘણી વખત એ ભૂલી જઈએ છીએ. એટલે યહોવાહ વારંવાર પોતાનો મકસદ, નિયમો ને માર્ગદર્શન યાદ કરાવે છે. એનાથી આપણે યાદ રાખી શકીએ છીએ કે આપણે શા માટે યહોવાહને પોતાનું જીવન અર્પી દીધું છે. એનાથી તેમની સેવા કરતા રહેવાની આપણી હોંશ વધે છે. આપણે એની બહુ જ કદર કરીએ છીએ. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: “તારાં સાક્ષ્યોથી [શિખામણથી] મને હર્ષ થાય છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૨૪.
૨, ૩. (ક) યહોવાહે કેમ બાઇબલમાં તેમના ભક્તોના અનુભવો લખ્યા છે? (ખ) આ લેખમાં આપણે કયા ત્રણ અનુભવો જોઈશું?
૨ ભલે બાઇબલ સદીઓ પહેલાં લખાયું, તોપણ એ લોકોનાં જીવન બદલી શકે છે. (હેબ્રી ૪:૧૨) બાઇબલમાં અનેક ઈશ્વરભક્તોના અનુભવ જોવા મળશે. એ જમાનો ને આપણો જમાનો બદલાયો છે. વિચારો અને રીત-રિવાજો ખૂબ બદલાયા છે, પણ દુઃખ-તકલીફો તો એવાં ને એવાં જ રહ્યાં છે. એ અનુભવો છેક દિલ સુધી અસર કરી શકે છે. એ બતાવે છે કે ઈશ્વરભક્તો કઈ રીતે આપણા જેવી મુશ્કેલીઓ સહન કરીને યહોવાહને વળગી રહ્યા. અમુક અનુભવો બતાવે છે કે યહોવાહ કેવાં કામોને નફરત કરે છે. યહોવાહે બાઇબલમાં સારા અને ખરાબ દાખલાઓ લખ્યા છે. એ આપણને તેમનું શિક્ષણ યાદ રાખવા મદદ કરે છે. પ્રેરિત પાઊલે બાઇબલ વિષે કહ્યું: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.”—રૂમી ૧૫:૪.
૩ આ લેખમાં આપણે ખાસ ત્રણ અનુભવો વિષે શીખીશું. એક બતાવે છે કે દાઊદે શાઊલ સાથે કેવું વર્તન કર્યું. બીજું, અનાન્યા અને સાફીરાએ શું કર્યું. અને ત્રીજું કે પોટીફારની પત્નીએ યુસફને વ્યભિચાર કરવાનું કહ્યું ત્યારે તેણે શું કર્યું. આ ત્રણ અનુભવો આપણને જોરદાર પાઠ શીખવે છે.
યહોવાહ પર પૂરો ભરોસો રાખો
૪, ૫. (ક) રાજા શાઊલ અને દાઊદ વચ્ચે શું બન્યું? (ખ) શાઊલ દાઊદને મારી નાખવા માગતો હતો, તોપણ દાઊદે શું કર્યું?
૪ યહોવાહે ઈસ્રાએલના રાજા તરીકે શાઊલને પસંદ કર્યા હતા. પણ તે યહોવાહને વળગી ન રહ્યા. તેથી યહોવાહે તેના પરથી આશીર્વાદ લઈ લીધો. યહોવાહે પયગંબર શમૂએલને કહ્યું કે ‘દાઊદને નવા રાજા તરીકે પસંદ કર.’ દાઊદ જ્યારે લડવા જતા ત્યારે જીત પામતા. તે લોકોના ‘હીરો’ બની ગયા હતા. આ જોઈને શાઊલને અદેખાઈ આવતી. તે દાઊદને દુશ્મન ગણતા. ઘણી વખત દાઊદને મારી નાખવા કોશિશ પણ કરી. દર વખતે દાઊદ જીવ લઈને નાસી છૂટતા, કેમ કે યહોવાહ તેમને સાથ આપતા હતા.—૧ શમૂએલ ૧૮:૬-૧૨, ૨૫; ૧૯:૧૦, ૧૧.
૫ શાઊલથી નાસી છૂટીને દાઊદે અરણ્યમાં આમ-તેમ ઘણાં વર્ષો કાઢ્યાં. શાઊલને મારી નાખવાની દાઊદને અનેક તકો મળી હતી. દાઊદના દોસ્તોએ પણ શાઊલને મારી નાખવાની અરજ કરી. તેઓએ કહ્યું કે યહોવાહે દુશ્મનને તેમના હાથમાં સોંપી દીધો છે. તોપણ દાઊદે શાઊલને કંઈ જ કર્યું નહિ. કેમ નહિ? કારણ કે દાઊદ યહોવાહના કહેવા પ્રમાણે જ ચાલનાર હતા. તે શાઊલને હજી ઈસ્રાએલના રાજા ગણતા હતા. યહોવાહે પસંદ કરેલા રાજા. દાઊદ યહોવાહની ગોઠવણમાં માથું મારવા તૈયાર ન હતા. તેમને ખબર હતી કે યહોવાહ યોગ્ય સમયે, શાઊલ પાસેથી રાજ લઈ લેશે. શાઊલ સાથે શાંતિ રાખવા દાઊદે બનતું બધું જ કર્યું. છેવટે તેમણે કહ્યું: “યહોવાહ તેને મારશે; અથવા તો તેના મોતનો દિવસ આવી પહોંચશે; અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે. યહોવાહ એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાહના અભિષિક્ત પર ઉગામું.”—૧ શમૂએલ ૨૪:૩-૧૫; ૨૬:૭-૨૦.
૬. આપણે દાઊદના અનુભવમાંથી શું શીખી શકીએ?
૬ આ અનુભવ આપણને એક મહત્ત્વનો પાઠ શીખવે છે. દાખલા તરીકે, મંડળમાં કોઈ તકલીફો ઊભી થાય તો તમે શું કરશો? જેમ કે કોઈ ભાઈ કે બહેનનું વર્તન સારું ન હોય. તે કોઈ મોટી મોટી ભૂલો નથી કરતા, પણ તેમના વર્તનથી તમને ખોટું લાગે છે. યહોવાહના માર્ગદર્શન મુજબ તમે તેમની સાથે એ વિષે વાત કરો. એકબીજા વચ્ચે રિશ્તો સુધારવાની કોશિશ કરો. પણ કંઈ જ સુધારો ન થાય તો શું? જો તમે તમારાથી બનતું બધું કર્યું હોય, તો બાબતને યહોવાહના હાથમાં છોડી દો. દાઊદે પણ એમ જ કર્યું હતું.
૭. જો આપણને અન્યાય થાય તો દાઊદની જેમ શું કરવું જોઈએ?
૭ હવે આ સંજોગનો વિચાર કરો. કદાચ તમને કોઈ અન્યાય થયો હોય. તમે કોઈ ભેદભાવનો શિકાર બન્યા છો. પણ તમારાથી નથી કંઈ કહેવાતું કે નથી સહેવાતું. એમાં પણ દાઊદનો અનુભવ સારો દાખલો બેસાડે છે. જ્યારે જ્યારે દાઊદને અન્યાય થયો, ત્યારે તેમણે યહોવાહ સામે પોતાનું હૈયું હળવું કર્યું. વિનંતી કરી કે યહોવાહ તેમને શાઊલના પંજામાંથી બચાવે. સાથે સાથે યહોવાહને વળગી રહેવા અને તેમનું નામ રોશન કરવાની તમન્ના જણાવી. આ બધું આપણને દાઊદે લખેલાં ગીતોમાં જોવા મળે છે. (ગીતશાસ્ત્ર ૧૮:૧-૬, ૨૫-૨૭, ૩૦-૩૨, ૪૮-૫૦; ૫૭:૧-૧૧) ભલે શાઊલે વર્ષો સુધી દાઊદને અન્યાય કર્યો, છતાંયે દાઊદ યહોવાહને વળગી રહ્યા. આજે પણ યહોવાહ બધું જોઈ રહ્યા છે. લોકો આપણી સાથે ગમે એવી રીતે વર્તે, અન્યાય કરે, તોપણ યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીએ. તેમની સંસ્થા પર ભરોસો રાખીએ.—ગીતશાસ્ત્ર ૮૬:૨.
૮. મોઝામ્બિકના યહોવાહના સાક્ષીઓ પર આકરી સતાવણી આવી પડી ત્યારે તેઓએ શું કર્યું?
૮ મોઝામ્બિકના ઘણા ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓને ખૂબ સતાવણી સહન કરવી પડી. ૧૯૮૪માં સરકાર સામે લડતા ગેરીલા લશ્કરો, અનેક વખત ગામે ગામ જઈને લોકોને લૂંટતા. ઘરો બાળી નાખતા. ખૂન કરતા. યહોવાહના ભક્તો પણ તેઓથી બચવા બહુ કંઈ કરી શકતા ન હતા. ગેરીલા લશ્કરો ગામના લોકોને પોતાની સાથે જોડાવા બળજબરી કરતા. પણ યહોવાહના સાક્ષીઓએ એવું ન કર્યું, કેમ કે કોઈ પણ પક્ષમાં જોડાવાની બાઇબલ મનાઈ કરે છે. આ સાંભળીને ગેરીલા લશ્કરો ક્રોધથી લાલપીળા થઈ ગયા. એ વર્ષની ધમાલમાં ત્રીસેક સાક્ષીઓ માર્યા ગયા. બીજા સાક્ષીઓને પણ મોતની ધમકી મળી. છતાંયે તેઓએ યહોવાહને છોડી દીધા નહિ. * તેઓએ ઘણો અન્યાય સહન કર્યો. છેવટે તેઓ દાઊદની જેમ જીત્યા.
ચેતવણી આપતો દાખલો
૯, ૧૦. (ક) બાઇબલના બીજા દાખલામાંથી આપણને કઈ ચેતવણી મળે છે? (ખ) અનાન્યા અને સાફીરાએ કયું ખોટું કામ કર્યું?
૯ બાઇબલમાં અમુક વ્યક્તિના વર્તન પરથી આપણને ચેતવણી મળે છે. એવા ઘણા દાખલાઓ છે. અરે, યહોવાહના અમુક ભક્તો પણ એવા હતા, જેઓનો દાખલો બતાવે છે કે બૂરાઈ કરવાથી કેવી સજા ભોગવવી પડે છે. (૧ કોરીંથી ૧૦:૧૧) પહેલી સદીના એક પતિ-પત્નીનો વિચાર કરો.
૧૦ ૩૩મી સાલમાં ઘણા નવા ખ્રિસ્તીઓ મંડળમાં આવ્યા. પ્રેરિતો પાસેથી વધારે ઉપદેશ સાંભળવા માટે તેઓએ યરૂશાલેમમાં રહેવું પડ્યું. તેથી ત્યાંના ભાઈ-બહેનો તેઓની સંભાળ રાખવા લાગ્યા. અમુક ભાઈ-બહેનોએ તેઓની જમીન કે મકાનો વેચીને એ માટે દાન આપ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧-૪૫) અનાન્યા અને સાફીરા નામના પતિ-પત્ની યરૂશાલેમના મંડળમાં હતા. તેઓએ પણ પોતાનું ખેતર વેચી દીધું. પછી પ્રેરિતોને પૈસા આપતા જાણે કહ્યું કે ‘ખેતરની બધી જ રકમ અમે દાન કરીએ છીએ.’ પણ અમુક પૈસા છાની-છૂપી રીતે પોતાની માટે રાખ્યા હતા. જૂઠું બોલીને તેઓ પોતાના વખાણ કરાવવા માંગતા હતા. બતાવવા માંગતા હતા કે મંડળ માટે તેઓએ કેટલું કર્યું છે. અનાન્યા અને સાફીરા રાજી-ખુશીથી જે આપવું હોય, એટલું જ આપી શક્યા હોત. તેઓએ જૂઠું બોલવાની જરૂર ન હતી. એટલે યહોવાહે તેઓને પીતર દ્વારા ખુલ્લા પાડ્યા. તેઓની ચાલાકી, ધતિંગ ને ઢોંગની બધાને ખબર પડી. યહોવાહે ત્યાં ને ત્યાં જ તેઓને મારી નાખ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૧-૧૦.
૧૧, ૧૨. (ક) સાચું બોલવા વિષે બાઇબલ કેવી શિખામણ આપે છે? (ખ) ઇમાનદારીને લીધે આપણને કેવા લાભો થાય છે?
૧૧ અનાન્યા ને સાફીરાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? શું આપણે પોતે કંઈક છીએ, એવું બતાવવા મીઠું-મરચું ઉમેરીને વાતો કરીએ છીએ? જો એમ હોય, તો અનાન્યા અને સાફીરાને યાદ કરો. ચેતો. ભૂલો નહિ કે આપણે માણસને છેતરી શકીએ, યહોવાહને નહિ! (હેબ્રી ૪:૧૩) બાઇબલ સાચું બોલવાની અરજ કરે છે. નહિ તો યહોવાહ દુષ્ટ દુનિયાને સાફ કરશે ત્યારે, જૂઠું બોલતા લોકો પણ સાફ થઈ જશે. (નીતિવચનો ૧૪:૨; પ્રકટીકરણ ૨૧:૮; ૨૨:૧૫) શા માટે? જૂઠું બોલતા લોકો શેતાન જેવા છે, કેમ કે તેની જીભમાંથી બસ જૂઠ જ વહે છે.—યોહાન ૮:૪૪.
૧૨ સચ્ચાઈથી વર્તવાથી આપણને ઘણા લાભો થાય છે. એનાથી લોકો આપણા પર ભરોસો કરશે. આપણું દિલ સાફ રહેશે. ઇમાનદાર હોવાથી ઘણી વખત સાક્ષીઓને નોકરી મળી છે. ઘણા કિસ્સામાં બીજા કામદારોને નોકરી પરથી છૂટા કરવામાં આવે છે, પણ ઇમાનદાર સાક્ષીઓને નોકરી પર રાખવામાં આવે છે. પણ એનો સૌથી મોટો લાભ શું છે? એ જ કે ઇમાનદાર હોવાથી આપણે વિશ્વના માલિક યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨.
સારા સંસ્કાર જાળવી રાખો
૧૩. યુસફ કેવી મુસીબતમાં આવી પડ્યો અને તેણે શું કર્યું?
૧૩ હવે ઈશ્વરભક્ત યાકૂબના દીકરા, યુસફનો વિચાર કરો. ૧૭ વર્ષની ઉંમરે તેને દાસ તરીકે વેચી દેવાયો હતો. વર્ષો બાદ તે ઇજિપ્તના અધિકારી, પોટીફારના ઘરમાં એક નોકર બન્યો. યુસફ બહુ દેખાવડો હતો. પોટીફારની પત્ની તેના પ્રેમમાં પડી ગઈ. દરરોજ તે યુસફને અરજ કરતી કે “મારી સાથે સૂ.” ત્યાં યુસફને જોવાવાળું, કહેવાવાળું કોઈ ન હતું કેમ કે તેના સગાં-વહાલાં બહુ દૂર રહેતા હતા. તે મન ફાવે એમ કરી શકતો હતો. તેણે વ્યભિચાર કર્યો હોત, તોપણ એ વાત સહેલાઈથી તે છાની-છૂપી રાખી શક્યો હોત. પણ તેણે એમ ન કર્યું. એક વખત જ્યારે પોટીફારની પત્નીએ યુસફ સાથે બળજબરી કરી, ત્યારે તે ભાગી છૂટ્યો.—ઉત્પત્તિ ૩૭:૨, ૧૮-૨૮; ૩૯:૧-૧૨.
૧૪, ૧૫. (ક) યુસફનો દાખલો કેમ આપણા માટે મહત્ત્વનો છે? (ખ) એક બહેન યહોવાહની શિખામણ પાળીને કઈ રીતે પાપમાંથી બચી ગઈ?
૧૪ યુસફ એવા પરિવારમાં મોટો થયો હતો, જેમાં બધા ઈશ્વરભક્ત હતા. તેને ખબર હતી કે ફક્ત પતિ-પત્ની જ એકબીજા સાથે સેક્સનો આનંદ માણી શકે. યુસફે પોટીફારની પત્નીને કહ્યું: “એવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?” કેમ તેણે એમ કહ્યું? યુસફને ખબર હતી કે એદન બાગમાં યહોવાહે પતિ-પત્નીને હંમેશાં ભેગા રહેવા બનાવ્યા હતા. (ઉત્પત્તિ ૨:૨૪) એટલે યુસફ મુસીબતમાં પણ સારા સંસ્કારને વળગી રહ્યો. આજે ઘણા લોકો માને છે કે તમે મન ફાવે તેમ જીવો. કોઈની પણ સાથે સેક્સ માણો, એમાં કંઈ ખોટું નથી. જો કોઈ યુવાન ના પાડે, તો બીજા યુવાનો તેની મશ્કરી ઉડાવે. આજે પતિ-પત્ની બેવફા બને, એમાં કંઈ નવું નથી. આપણને યુસફના દાખલામાંથી કઈ શિખામણ મળે છે? યહોવાહના સિદ્ધાંતો બદલાયા નથી. તે કહે છે કે લગ્ન પહેલાં સેક્સ અને વ્યભિચાર પાપ છે. (હેબ્રી ૧૩:૪) જેઓ એવા પાપમાં ફસાઈ જાય છે, તેઓ પાછળથી પસ્તાય છે. એનાં ઘણાં કારણો છે. જેમ કે, જો વ્યક્તિએ એવું પાપ કર્યું ન હોત, તો ઇજ્જત ને માન ગુમાવ્યા ન હોત. મન ડંખતું ન હોત. એકબીજા પરથી ભરોસો ઊઠી ન ગયો હોત. સ્ત્રી કુંવારી મા બની ન હોત. જાતીય રોગો થયા ન હોત. બાઇબલ સર્વને ચેતવણી આપે છે કે જે વ્યક્તિ વ્યભિચાર કરે છે, તે “પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.”—૧ કોરીંથી ૫:૯-૧૨; ૬:૧૮; નીતિવચનો ૬:૨૩-૨૯, ૩૨.
૧૫ જેનીબહેનનો * વિચાર કરો. તેણે યહોવાહની શિખામણ પાળી, એટલે તે પાપમાંથી બચી. તે કુંવારી છે. નોકરી પર એક દેખાવડા યુવાનને તેની સાથે પ્રેમ થઈ ગયો. જેનીબહેને તેને ધ્યાન ન આપ્યું. તેથી એ મીઠી મીઠી વાતો કરીને જેનીનું ધ્યાન ખેંચવા લાગ્યો. જેનીબહેને કહ્યું કે ‘મને દિલ પર કાબૂ રાખવાનું બહુ અઘરું લાગવા માંડ્યું.’ કેમ? બહેને કહ્યું: ‘જ્યારે કોઈ તમારો દીવાનો થઈ જાય, ત્યારે તમને મનમાં ખુશી થાય.’ પણ આ માણસે તો ઘણી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો હતો. જેનીબહેન તેનો ઇરાદો જાણતી હતી. કોઈ વાર બહેનને ના પાડવાનું બહુ અઘરું લાગતું. તરત જ, તે પોતાનું મન મક્કમ રાખવા યહોવાહને વિનંતી કરતી. તે બાઇબલમાંથી અને આપણાં સાહિત્યમાંથી વાંચતી અને તેને યહોવાહની શિખામણ ફરી યાદ આવતી. જેનીબહેન કહે છે કે એ શિખામણ જાણે ટૉનિક જેવી હતી. એનાથી તેને ઘણી જ હિંમત મળતી. બહેનને ખાસ યુસફ અને પોટીફારની પત્નીનો બનાવ યાદ આવે છે. તે કહે છે: ‘હું મારા મનને વારંવાર કહું છું કે હું યહોવાહને કેટલા બધા ચાહું છું. પછી હું એવી ચિંતા કરતી નથી કે યહોવાહ વિરુદ્ધ કંઈક ખોટું કરી બેસીશ.’
યહોવાહની શિખામણ દિલમાં ઉતારો
૧૬. ઈશ્વરભક્તોના અનુભવોમાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ આપણે યહોવાહની શિખામણની કદર કઈ રીતે કરી શકીએ? બાઇબલમાં હજારો લોકોના અનુભવો છે. એમાંથી આપણે શીખતા રહીએ. બાઇબલનું અમૃત જેવું જ્ઞાન લેતા રહીએ. આપણે એ સમજવા કોશિશ કરીએ કે એ દાખલા બાઇબલમાં કેમ લખેલા છે? આપણે કેવા ગુણો કેળવવા જોઈએ? કેવા ન બનવું જોઈએ? આ મૅગેઝિનમાં બાઇબલમાંથી ઈશ્વરભક્તોના અનુભવો લખવામાં આવે છે. એમાંથી આપણને શિખામણ મળે છે. એ વાંચીને તમે પણ લાભ મેળવી શકો.
૧૭. યહોવાહની શિખામણ વિષે તમને કેવું લાગે છે? શા માટે?
૧૭ યહોવાહનું કહેવું માને છે, તેઓ પર તે ખૂબ પ્રેમ વરસાવે છે. એના માટે આપણે કેટલા આભારી છીએ! બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો આપણા જેવા જ હતા. આપણા જેવી જ ભૂલો કરતા. તેઓના દાખલામાંથી શીખીશું તો આપણે મોટી મોટી ભૂલો નહિ કરી બેસીએ. એના બદલે આપણે સત્યના માર્ગ પર ચાલતા રહી શકીશું. જો આપણે એમ કરીશું, તો ગીતશાસ્ત્રના એક કવિની જેમ કહી શકીશું: ‘યહોવાહની શિખામણ પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે. મેં તારી શિખામણ પાળી છે; તેના પર હું ઘણો જ પ્રેમ રાખું છું.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૨, ૧૬૭. (w 06 6/15)
[ફુટનોટ્સ]
^ ૧૯૯૬ યરબુક ઑફ જેહોવાહ્ઝ વીટનેસીસ પાન ૧૬૦-૧૬૨ જુઓ.
^ નામ બદલવામાં આવ્યું છે.
તમે કેવો જવાબ આપશો?
• દાઊદ શાઊલ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણે શું શીખીએ છીએ?
• અનાન્યા અને સાફીરાનો દાખલો આપણને શું શીખવે છે?
• યુસફનો દાખલો કેમ આપણા માટે બહુ જ મહત્ત્વનો છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૮ પર ચિત્ર]
દાઊદે શા માટે શાઊલને મારી નાખવાની ના પાડી?
[પાન ૧૯ પર ચિત્ર]
અનાન્યા અને સાફીરાના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ?
[પાન ૨૦ પર ચિત્ર]
યુસફ કેમ પોટીફારની પત્ની પાસેથી નાસી છૂટ્યો?