જીવતા રહેવા જીવન પસંદ કરો
જીવતા રહેવા જીવન પસંદ કરો
“મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે.”—પુનર્નિયમ ૩૦:૧૯.
૧, ૨. મનુષ્યને કઈ રીતે ઈશ્વરના સ્વરૂપ કે પ્રતિમામાં બનાવવામાં આવ્યો છે?
‘ચાલો આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.’ આ શબ્દો બાઇબલનું પહેલું પુસ્તક ઉત્પત્તિ ૧:૨૬માં જોવા મળે છે. પછી ઉત્પત્તિ ૧:૨૭ કહે છે: “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.” ઈશ્વરે બનાવેલી સર્વ ચીજ-વસ્તુઓ કરતાં માણસ અનોખો હતો. માણસ ‘ઈશ્વરના સ્વરૂપમાં’ હતો. એનો શું અર્થ થાય? એ જ કે તેનામાં ઈશ્વર જેવા ગુણો હતા. તેની પાસે ઈશ્વરના એ ગુણો બતાવવાની ક્ષમતા હતી. જેમ કે પ્રેમ, ઇન્સાફ, બુદ્ધિ કે ડહાપણ અને શક્તિ. તેની પાસે અંતઃકરણ પણ હતું, જેથી તે નિર્ણયો લઈ શકે. ઈશ્વરની કૃપા પામી શકે. (રૂમી ૨:૧૫) સાદા શબ્દોમાં આદમ પાસે સારું કે ખરાબ પસંદ કરવાની ક્ષમતા હતી. યહોવાહે પોતાના દીકરા આદમને જોયા પછી પોતાના કામો વિષે આમ કહ્યું: ‘જુઓ, તે ઉત્તમોત્તમ છે.’—ઉત્પત્તિ ૧:૩૧; ગીતશાસ્ત્ર ૯૫:૬.
૨ આપણે આદમના બાળકો છીએ. આપણામાં અમુક અંશે ઈશ્વર જેવા ગુણો છે. એનો શું અર્થ થાય? જીવનમાં કયો માર્ગ લેવો એ પસંદ કરવાની આપણામાં ક્ષમતા છે. આપણી પાસે પસંદગી છે. એ રીતે આપણે પણ ‘ઈશ્વરના સ્વરૂપ ને પ્રતિમા’ પ્રમાણે છીએ. આપણી દરેકની પસંદગીના કેવા પરિણામો આવશે એ પહેલેથી જાણી લેવાની યહોવાહ પાસે શક્તિ છે. તોપણ તે આપણા દરેકનું નસીબ પહેલેથી લખતા નથી. યહોવાહ ચાહતા નથી કે તે મનુષ્યને નસીબની મુઠ્ઠીમાં રાખે. ચાલો આપણે જોઈએ કે યહોવાહે ઈસ્રાએલીઓને કઈ પસંદગી આપી હતી. એ જાણવાથી આપણને સારો પાઠ શીખવા મળશે. જેથી આપણે હંમેશાં સમજી-વિચારીને ખરી પસંદગી કરતા રહીએ.—રૂમી ૧૫:૪.
ઈસ્રાએલીઓ પાસે પસંદગી હતી
૩. દશ નિયમોમાં પહેલો નિયમ કયો હતો? ઈસ્રાએલીઓએ શું કરવાનું નક્કી કર્યું?
૩ યહોવાહે ઈ.સ.પૂર્વે ૧૫૧૩માં ચમત્કારિક રીતે ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. પછી તેઓને કહ્યું: “મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર હું યહોવાહ તારો દેવ છું.” (પુનર્નિયમ ૫:૬) આ બનાવ પછી તેઓ પાસે એ શબ્દો પર શંકા કરવાનું કોઈ કારણ ન હતું. પછી યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને દસ નિયમો આપ્યા. એમાંનો પહેલા નિયમ મુસાએ ઈસ્રાએલીઓને જણાવ્યો: “મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.” (નિર્ગમન ૨૦:૧, ૩) એ સાંભળીને આખા ઈસ્રાએલે નક્કી કર્યું કે તેઓ યહોવાહનું કહેવું જ માનશે. તેઓ રાજી-ખુશીથી યહોવાહની સેવા કરવા લાગ્યા.—નિર્ગમન ૨૦:૫; ગણના ૨૫:૧૧.
૪. (ક) મુસાએ ઈસ્રાએલીઓ આગળ કઈ પસંદગી મૂકી હતી? (ખ) આજે આપણે કઈ પસંદગી કરવાની છે?
૪ એના ચાલીસ વર્ષ પછી, ઈસ્રાએલની નવી પેઢીને મુસાએ ભાર દઈને યાદ કરાવ્યું કે તેઓએ કયો નિર્ણય લેવો જોઈએ: “હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર કે, તું તથા તારાં સંતાન જીવતાં રહે.” (પુનર્નિયમ ૩૦:૧૯) એ જ રીતે આજે આપણે પણ પસંદગી કરવાની જરૂર છે. આપણે જો યહોવાહને ભજવાનું પસંદ કરીશું તો તે આપણને જીવનનું વરદાન આપશે. પણ તેમનું કહેવું નહિ કરીએ તો આપણે એના ફળ ભોગવીશું. ચાલો આપણે બે દાખલા જોઈએ કે અમુક લોકોએ શું પસંદ કર્યું ને શું ન કર્યું.
૫, ૬. યહોશુઆએ શું કરવાનું પસંદ કર્યું? એમ કરવાથી તેમણે શું અનુભવ્યું?
૫ યહોવાહે ઈસ્રાએલીઓને એક દેશમાં લઈ જવાનું વચન આપ્યું હતું. ઈ.સ. પૂર્વે ૧૪૭૩માં યહોશુઆ ઈસ્રાએલીઓને એ દેશમાં લઈ ગયા. યહોશુઆ મરણ પામ્યા એ પહેલાં ઈસ્રાએલને શિખામણ આપતા ભલામણ કરી: “જો યહોવાહની સેવા કરવી એ તમને માઠું દીસતું હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની.” પછી તેમણે પોતાના કુટુંબ વિષે આમ કહ્યું: “હું ને મારા ઘરનાં તો યહોવાહની જ સેવા કરીશું.”—યહોશુઆ ૨૪:૧૫.
૬ આ બનાવના વર્ષો પહેલાં યહોવાહે યહોશુઆને હિંમતવાન ને બળવાન થવા આગ્રહ કર્યો હતો. તેમ જ પોતે આપેલા નિયમોને વળગી રહેવા યહોશુઆને શિખામણ આપી. એ નિયમોથી ભટકી ન જાય એ માટે યહોશુઆએ રાત-દિવસ એના પર મનન કરવાનું હતું. તેમણે યહોશુઆને કહ્યું, ‘જો તું એમ કરતો રહીશ તો તું જીવનમાં સફળ થઈશ.’ (યહોશુઆ ૧:૭, ૮) યહોશુઆ ઈશ્વરના માર્ગે ચાલ્યા. તે સફળ થયા. તેમણે યહોવાહના આશીર્વાદો અનુભવ્યા. યહોશુઆએ કહ્યું: “યહોવાહે ઈસ્રાએલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત થયાં [સાચા પડ્યાં].”—યહોશુઆ ૨૧:૪૫.
૭. યશાયાહના દિવસમાં અમુક ઈસ્રાએલીઓએ કોને ભજવાનું પસંદ કર્યું? એના શું પરિણામો આવ્યાં?
૭ એના સાતસો વર્ષ પછી ઘણા ઈસ્રાએલીઓએ યહોવાહની ભક્તિ છોડી દીધી. તેઓ બીજા ધર્મોમાં તલ્લીન થઈ ગયા. દાખલા તરીકે, તેઓ વર્ષના છેલ્લા દિવસે મિજબાની રાખતા. એમાં જાત-જાતની સ્વાદિષ્ટ વાનગી અને મીઠો વાઇન રાખતા. તેઓ ફક્ત કુટુંબ સાથે મળીને મોજમજા કરતા ન હતા. પણ સાથે મળીને બીજા ધર્મના બે દેવોના તહેવારો ઊજવતા હતા. યહોવાહની ભક્તિમાં ઈસ્રાએલીઓ બેવફા હતા. એનાથી યહોવાહને કેવું લાગતું હતું? એ વિષે યશાયાહે લખ્યું: ‘તમે જે યહોવાહનો ત્યાગ કરનારા, મારા પવિત્ર પર્વતને વિસરનારા, સૌભાગ્ય દેવીને સારૂ ભાણું પીરસનારા, ને વિધાતાની કે નસીબના દેવની આગળ મિશ્ર દ્રાક્ષારસના’ પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો. તેઓ માનતા હતા કે યહોવાહ તેઓની પેદાશને આશીર્વાદ આપતા નથી. પણ ‘સૌભાગ્ય દેવી’ અને ‘નસીબનો દેવતા’ આપે છે. હકીકતમાં તેઓએ યહોવાહને છોડી દીધા હોવાથી તેમના આશીર્વાદો ગુમાવી બેઠા હતા. યહોવાહે તેઓને કહ્યું: “તમને તો હું તરવારને સારુ નિર્માણ [નક્કી] કરીશ, ને તમારે સૌએ સંહારને શરણ થવું પડશે; કેમ કે મેં હાંક મારી, ને તમે ઉત્તર આપ્યો નહિ; હું બોલ્યો, ને તમે સાંભળ્યું નહિ; પણ મારી દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તમે કર્યું, ને જે હું ચાહતો ન હતો તે તમે પસંદ કર્યું.” (યશાયાહ ૬૫:૧૧, ૧૨) તેઓ ખોટી પસંદગી કરીને પોતાનો નાશ લાવ્યા. તેઓની ‘સૌભાગ્ય દેવી’ અને ‘નસીબનો દેવ’ તેઓને બચાવવા કંઈ કરી શક્યાં નહિ.
ખરી પસંદગી કરો
૮. પુનર્નિયમ ૩૦:૨૦ પ્રમાણે ખરી પસંદગીમાં કઈ ત્રણ બાબતો કરવાની જરૂર છે?
૮ ઈસ્રાએલીઓને જીવન પસંદ કરવા આગ્રહ કરતી વખતે મુસાએ ત્રણ બાબતો કરવાનું ઉત્તેજન આપ્યું: “યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર.” (પુનર્નિયમ ૩૦:૨૦) ચાલો એ ત્રણ બાબતો વિષે શીખીએ, જેથી આપણે પણ ખરી પસંદગી કરી શકીએ.
૯. શું કરવાથી આપણે યહોવાહની ભક્તિ માટે પ્રેમ બતાવી શકીએ?
૯ યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખ: આપણે યહોવાહને પ્રેમ કરીએ છીએ એના લીધે તેમની ભક્તિ કરીએ છીએ. ઈસ્રાએલીઓ ખોટાં કામોમાં ન ફસાય એ માટે તેમણે અનેક ચેતવણી આપી હતી. આપણે એ યાદ રાખીશું તો, ખોટાં કામો, વ્યભિચાર, દુનિયાની રહેણી-કરણી અને પૈસાની મોહ-માયાથી દૂર રહેવા મદદ મળશે. (૧ કોરીંથી ૧૦:૧૧; ૧ તીમોથી ૬:૬-૧૦) આપણે યહોવાહ અને તેમના નિયમોને વળગી રહીશું. (યહોશુઆ ૨૩:૮; ગીતશાસ્ત્ર ૧૧૯:૫, ૮) ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચ્યા એ પહેલાં મુસાએ તેઓને આગ્રહ કરતા કહ્યું: ‘જુઓ, મેં તમને યહોવાહ મારા દેવના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ સારુ કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા સારુ તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો. માટે તે પાળીને અમલમાં આણો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ વિષે સાંભળશે.’ (પુનર્નિયમ ૪:૫, ૬) યહોવાહ માટે આપણને કેટલો પ્રેમ છે એ બતાવવાનો હમણાં જ સમય છે. આપણે જીવનમાં તેમની ભક્તિ પ્રથમ મૂકવી જોઈએ. એમ કરીશું તો ચોક્કસ તેમના આશીર્વાદો પામીશું.—માત્થી ૬:૩૩.
૧૦-૧૨. નુહના જમાનામાં જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૦ યહોવાહની વાણી સાંભળીએ: નુહે ઈશ્વરનો પ્રચાર કર્યો. (૨ પીતર ૨:૫) લોકોને જળપ્રલયની ચેતવણી પણ આપી. લોકોએ તેમનું સાંભળ્યું નહિ. મોટા ભાગના લોકોનું ધ્યાન બીજે ભટકી ગયું હતું. પ્રલય આવ્યો ત્યારે તેઓનું શું થયું? ‘જળપ્રલય આવીને સહુને તાણી ગયો.’ ઈસુએ આપણા દિવસો માટે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ‘માણસનો દીકરો’ એટલે પોતે યહોવાહના રાજ્યના રાજા બનશે ત્યારે નુહના જમાનામાં બન્યું એવું જ આપણા દિવસોમાં પણ બનશે. આજે જેઓ બાઇબલનો સંદેશો સાંભળવા તૈયાર નથી તેઓએ નુહનો દાખલો યાદ રાખીને ચેતવું જોઈએ!—માત્થી ૨૪:૩૯.
૧૧ આજે યહોવાહના ભક્તો પ્રચાર કરીને સર્વને ચેતવે છે. પણ જેઓ તેઓના સંદેશાને હસી કાઢે છે, તેઓએ સમજી લેવું જોઈએ કે યહોવાહનું ન સાંભળવાથી તેઓએ કયા પરિણામો ભોગવવા પડશે. એવા લોકોને ચેતવણી આપતા પીતરે કહ્યું: “પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે, અને કહેશે કે, તેના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે. કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી; તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું; પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને સારુ તૈયાર રાખેલાં છે.”—૨ પીતર ૩:૩-૭.
૧૨ તેઓની સરખામણીમાં નુહના કુટુંબે શું પસંદ કર્યું એનો વિચાર કરો. “નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી ન હતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારુ વહાણ તૈયાર કર્યું.” તેમણે ઈશ્વરની ચેતવણી ધ્યાનમાં લીધી હોવાથી તેમનું કુટુંબ બચી ગયું. (હેબ્રી ૧૧:૭) ચાલો આપણે પણ ઈશ્વરનો સંદેશો ધ્યાનથી સાંભળીએ. પછી તેમના કહેવા પ્રમાણે ચાલતા રહીએ.—યાકૂબ ૧:૧૯, ૨૨-૨૫.
૧૩, ૧૪. (ક) યહોવાહને વળગી રહેવું કેમ જરૂરી છે? (ખ) શું કરવાથી આપણા કુંભાર યહોવાહના હાથમાં ઘડાવવા આપણે તૈયાર થઈ શકીએ?
૧૩ યહોવાહને વળગી રહીએ: આપણે જીવન પસંદ કર્યું છે એનો શું પુરાવો છે? ફક્ત એ જ કે યહોવાહ માટે પ્રેમ કેળવ્યો છે, તેમનું સાંભળીએ છીએ અને તેમની ભક્તિ કરીએ છીએ? એટલું જ પૂરતું નથી. પણ તેમને કાયમ વફાદાર રહેતા શીખવું જોઈએ. તેમની દોરવણી પ્રમાણે જીવીએ. ઈસુએ કહ્યું “તમારી ધીરજથી [સહનશક્તિથી] તમે તમારા જીવને બચાવશો.” (લુક ૨૧:૧૯) ખરું કહીએ તો આપણી પસંદગી પરથી દેખાઈ આવશે કે આપણા દિલમાં શું છે. નીતિવચનો ૨૮:૧૪ કહે છે કે “હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.” ઇજિપ્તના રાજા ફારૂનનું એવું જ થયું. યહોવાહ ઇજિપ્ત પર એક પછી એક દસ આફતો લાવ્યા. ફારૂનને યહોવાહનો જરાય ડર ન હતો. તેમ જ યહોવાહે તેને ધમકી આપી ન હતી કે તું મારું માનતો નહિ. યહોવાહે તો એ અભિમાની રાજાને પસંદગી આપી હતી. તેણે જે પસંદ કર્યું એનાથી યહોવાહે ધારેલું કામ પૂરું થયું. યહોવાહના વિચારો પાઊલે સમજાવતા લખ્યું: “તું દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.”—રૂમી ૯:૧૭.
૧૪ ઈસ્રાએલીઓને ફારૂનના જુલમમાંથી આઝાદ કરવામાં આવ્યા હતા. એની સદીઓ પછી યશાયાહે પોકાર કર્યો: “હે યહોવાહ, હવે તું અમારો પિતા છે; અમે માટી, ને તું અમારો કુંભાર; અમે સર્વ તારા હાથની કૃતિ છીએ.” (યશાયાહ ૬૪:૮) આપણે જાતે બાઇબલનો અભ્યાસ કરીને જે શીખીએ એ જીવનમાં ઉતારવું જોઈએ. તો જ યહોવાહ આપણને તેમની રીતે ઘડી શકશે. આપણે ધીમે ધીમે નવો સ્વભાવ કેળવી શકીશું. દિવસે દિવસે નમ્ર બનીશું. આપણને સાચા દિલથી યહોવાહને માર્ગે ચાલવાનું ગમશે. આ રીતે આપણે અંત સુધી તેમને વફાદાર રહી શકીશું.—એફેસી ૪:૨૩, ૨૪; કોલોસી ૩:૮-૧૦.
તારા કુટુંબમાં સર્વને એ જણાવ
૧૫. પુનર્નિયમ ૪:૯ પ્રમાણે મુસાએ ઈસ્રાએલીઓને કઈ બે જવાબદારી ઉપાડવાનું યાદ કરાવ્યું?
૧૫ ઈસ્રાએલી પ્રજા વચનના દેશમાં જવાની તૈયારીમાં જ હતી ત્યારે મુસાએ તેઓને કહ્યું: ‘કેવળ પોતા વિષે સાવધાન રહે, ને ખંતથી તારી સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલાં કૃત્યો તું ભૂલી જાય, ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તારા અંતઃકરણમાંથી તે જતાં રહે; પણ તારાં છોકરાંને તથા તારાં છોકરાંનાં છોકરાંને એ જણાવ.’ (પુનર્નિયમ ૪:૯) તેઓ એ દેશમાં યહોવાહના આશીર્વાદો અનુભવે એ પહેલાં બે બાબત કરવાની જરૂર હતી. યહોવાહે તેઓ માટે જે કામો કર્યાં હતાં એ ભૂલવાના ન હતા. બીજું કે તેઓનાં છોકરાંનાં છોકરાંને યહોવાહ વિષે શીખવવાનું હતું. આપણે પણ સદા જીવતા રહેવું હોય તો પોતાનાં બાળકોને યહોવાહ વિષે શીખવતા રહેવું જોઈએ. સવાલ થાય કે યહોવાહે આપણા માટે એવું શું કર્યું છે જેના વિષે પોતાનાં બાળકોને કહેવું જોઈએ?
૧૬, ૧૭. (ક) જેઓએ ગિલયડ સ્કૂલમાં મિશનરી ટ્રેનિંગ લીધી, તેઓ શું કરી શક્યા છે? (ખ) આજે તન-મનથી પ્રચાર કરતા હોય એવા આપણી પાસે કયા દાખલાઓ છે?
૧૬ યહોવાહ આપણા પ્રચાર કાર્યને જે રીતે આશીર્વાદો આપે છે એ જોઈને આપણને કેટલો આનંદ થાય છે. ૧૯૪૩થી વોચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ શરૂ થઈ. ત્યારથી મિશનરીઓએ બીજા દેશોમાં જઈને યહોવાહના રાજ્યનો પ્રચાર કરવામાં આગેવાની લીધી છે. એ સ્કૂલમાં પહેલાં જેઓ ગયા હતા તેઓ આજે ઘણા ઘરડા છે. નબળા છે. તોપણ તેઓ પૂરા જોશથી પોતાથી બનતો પ્રચાર કરી રહ્યા છે. મેરીબહેન ઑશનનો દાખલો લઈએ. ૧૯૪૪માં તે ગિલયડ સ્કૂલમાં ગ્રેજ્યુએટ થયા પછી મિશનરી સેવા આપી છે. પ્રથમ ઉરુગ્વેમાં. પછી કોલંબિયામાં. આજે પોર્ટોરિકોમાં સેવા આપી રહ્યા છે. જો કે ઘડપણને કારણે મેરીબહેન આજે પહેલા જેટલો પ્રચાર કરી શકતા નથી. છતાંય તે પહેલાં જેટલાં જ ઉત્સાહી છે. તેમને સ્પૅનિશ ભાષા આવડતી હોવાથી તે એનો સારો ઉપયોગ કરે છે. દર અઠવાડિયે પ્રચારમાં જવા તેમણે મંડળના ભાઈ-બહેનો સાથે ગોઠવણ કરી છે!
૧૭ હવે નેન્સી પોર્ટરનો દાખલો લઈએ. તે વિધવા છે. ૧૯૪૭માં તે ગિલયડ સ્કૂલમાં ગ્રેજ્યુએટ થયા હતા. તે આજે પણ બહામા ટાપુમાં મિશનરી તરીકે સેવા આપી રહ્યા છે. નેન્સીબહેન પોર્ટરે ચોકીબુરજમાં અનુભવ આપતાં કહ્યું: * “લોકોને બાઇબલનું સત્ય શીખવવાથી મને ખૂબ જ આનંદ મળતો. પ્રચારમાં જવા મેં સારી ગોઠવણ કરી છે. એનાથી હું યહોવાહની સેવા મારા જીવનમાં પ્રથમ રાખી શકી છું.” યહોવાહે નેન્સીબહેન અને બીજા ભાઈ-બહેનો માટે જે કાંઈ કર્યું છે એ તેઓ આટલા વર્ષો પછી પણ ભૂલ્યાં નથી. આપણા વિષે શું? યહોવાહ આપણા પ્રચાર કાર્યને જે રીતે આશીર્વાદો આપે છે, એની શું આપણે કદર કરીએ છીએ?—ગીતશાસ્ત્ર ૬૮:૧૧.
૧૮. મિશનરી ભાઈ-બહેનોના અનુભવો વાંચવાથી આપણે શું શીખી શકીએ?
૧૮ આ ઘરડા ભાઈ-બહેનોએ પોતાની યુવાનીમાં જે રીતે યહોવાહની સેવા કરી અને હજી પણ જે રીતે કરે છે, એ માટે આપણને તેઓ માટે ખૂબ જ માન છે. તેઓના અનુભવો વાંચવાથી આપણને જોવા મળે છે કે યહોવાહે તેમના ભક્તોને કઈ કઈ રીતે મદદ આપી છે. એનાથી આપણને પોતાને યહોવાહની સેવામાં ઉત્સાહી રહેવા ઉત્તેજન મળે છે. શું આપણે ચોકીબુરજમાં આવતા અનુભવો નિયમિત વાંચીને એના પર વિચાર કરીએ છીએ?
૧૯. ચોકીબુરજમાં આવતા ભાઈ-બહેનોના અનુભવોનો મા-બાપ કઈ રીતે સારો ઉપયોગ કરી શકે?
૧૯ મુસાએ ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું હતું કે ‘યહોવાહે તમારા માટે જે કંઈ કર્યું છે એ કદી ભૂલશો નહિ. એ જીવનભર યાદ રાખજો.’ પછી તેમણે બીજી એક આજ્ઞા કરી: ‘તમે તમારાં છોકરાંને અને તેઓનાં છોકરાંનાં છોકરાંને એ જણાવજો.’ (પુનર્નિયમ ૪:૯) ભાઈ-બહેનોના અનુભવો વાંચવામાં ખૂબ આનંદ અને ઉત્તેજન મળે છે. યુવાનો એમાંથી ઘણું શીખી શકે છે. ચોકીબુરજમાં મોટી ઉંમરની બહેનોના અનુભવમાંથી કુંવારી બહેનો ઘણું જ શીખી શકે છે. ઘણા ભાઈ-બહેનો પોતાના જ દેશમાં જુદી જુદી ભાષામાં બોલતા લોકોને પ્રચાર કરે છે. તેઓના અનુભવો વાંચવાથી આપણને પણ તેઓની જેમ બીજી ભાષા બોલતા લોકોને પ્રચાર કરવા ઉત્તેજન મળે છે. મા-બાપ, તમે જો તમારાં બાળકો સાથે મિશનરી અને બીજા ભાઈ-બહેનોના અનુભવો વાંચશો તો, તેઓને પૂરા સમયની યહોવાહની સેવા કરવાની હોંશ જાગશે.
૨૦. ‘જીવન પસંદ’ કરવા આપણે શું કરવું જ જોઈએ?
૨૦ આપણે દરેક જણ જીવતા રહેવા કઈ રીતે જીવન પસંદ કરી શકીએ? યહોવાહે આપણ દરેકને પસંદ કરવાની ક્ષમતા આપી છે. આપણે એનો પૂરો લાભ ઉઠાવીએ. તેમની સેવામાં આપણાથી થઈ શકે તેમ વધારે ને વધારે કરતા રહીએ. એમ આપણે યહોવાહ અને તેમની ભક્તિ માટે પ્રેમ બતાવી શકીશું. મુસાએ કહ્યું તેમ યહોવાહ આપણું ‘જીવન અને આયુષ્ય છે.’—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦. (w06 6/1)
[ફુટનોટ]
^ “ઊંડા આઘાત છતાં આનંદિત અને આભારી,” ચોકીબુરજ જૂન ૧, ૨૦૦૧, પાન ૨૩-૭ જુઓ.
શું તમને યાદ છે?
• લોકોની પસંદગીમાંથી આપણે શું શીખ્યા?
• જીવન પસંદ કરવા આપણે શું કરવાની જરૂર છે?
• કઈ બે જવાબદારી આપણે ઉપાડવી જ જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૬ પર ચિત્ર]
‘મેં તારી આગળ જીવન તથા મરણ મૂક્યાં છે’
[પાન ૨૯ પર ચિત્ર]
નુહે યહોવાહનું કહ્યું માન્યું હોવાથી તેમનું કુટુંબ બચી ગયું
[પાન ૩૦ પર ચિત્ર]
મેરી ઑશન
[પાન ૩૦ પર ચિત્ર]
નેન્સી પોર્ટર