બીજાઓ આપણા વિષે શું વિચારે છે એ જાણવું મહત્ત્વનું છે?
બીજાઓ આપણા વિષે શું વિચારે છે એ જાણવું મહત્ત્વનું છે?
કોને પોતાના વખાણ સાંભળવા ન ગમે. દરેકને ગમે, ખરું ને? કોઈ સારા કામ માટે વખાણ થાય ત્યારે, આપણું હૃદય ખુશીથી ભરાય જાય છે. તેમ જ આપણને કંઈક કર્યાનો સંતોષ થાય છે. એનાથી આપણને હજુ વધારે સારી રીતે કામ કરવા ઉત્તેજન મળે છે. બીજી બાજુ, આપણને એવું લાગે કે કેટલાક લોકો આપણાથી ખુશ નથી ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. કોઈ આપણી સાથે જરાય લાગણી વગર એકદમ સીધી વાત કરે કે વાત વાતમાં ટોકટોક કરે ત્યારે, આપણે હિંમત હારી જઈએ છીએ. હા, બીજાઓ આપણા વિષે જે વિચારે છે, એની એ બાબત પર ઊંડી અસર પડે છે કે આપણે પોતાના વિષે કેવું વિચારીએ છીએ.
‘બીજાઓને જે વિચારવું હોય એ વિચારે, એનાથી મને કોઈ ફરક પડતો નથી,’ આવું વિચારવું ખોટું છે. બીજા લોકો આપણાં વાણી-વર્તનનું બરાબર ધ્યાન રાખીને પોતાના વિચારો જણાવે છે. એનાથી હકીકતમાં આપણને જ ફાયદો થાય છે. જો તેઓ ઉચ્ચ નૈતિક સિદ્ધાંતો પ્રમાણે ચાલતા હોય તો, તેમની વાતને ધ્યાન આપવું વધારે લાભદાયી છે. વળી, એનાથી આપણને સાચા માર્ગમાં ચાલવાનું ઉત્તેજન મળે છે. (૧ કોરીંથી ૧૦:૩૧-૩૩) પરંતુ, અમુક સમયે લોકોના વિચારો ખોટા પણ હોય શકે છે. દાખલા તરીકે, ઈસુ ખ્રિસ્ત વિષે પ્રમુખ યાજકો અને બીજાઓનું મંતવ્ય કેટલું ખોટું હતું એનો વિચાર કરો. આથી, “તેઓએ પોકારીને કહ્યું, કે એને વધસ્તંભે જડાવ, વધસ્તંભે જડાવ.” (લુક ૨૩:૧૩, ૨૧-૨૫) ખોટી માહિતી, અદેખાઈ અને પૂર્વગ્રહને કારણે આપવામાં આવેલી માહિતી પર ધ્યાન આપવું જ ન જોઈએ. તેથી, બીજાઓ અભિપ્રાય આપે ત્યારે એને સમજી વિચારીને ધ્યાન પર લઈએ એ ખૂબ જરૂરી છે.
કોના અભિપ્રાય મહત્ત્વના છે?
આપણે એવા લોકોના વખાણ ચાહીએ છીએ જેઓ આપણી જેમ જ સાચી ઉપાસના કરે છે. એમાં આપણી સાથે પરમેશ્વરની ઉપાસના કરતા કુટુંબના સભ્યો અને આપણા ખ્રિસ્તી ભાઈબહેનોનો સમાવેશ થાય છે. (રૂમી ૧૫:૨; કોલોસી ૩:૧૮-૨૧) આપણા ખ્રિસ્તી ભાઈબહેનો આપણને પ્રેમ અને માન આપે છે. આપણે પણ ‘એકબીજાને ઉત્તેજન આપીએ’ છીએ. એ બધું આપણા માટે બહુ જરૂરી છે. (રોમન ૧:૧૧, ૧૨, IBSI) આપણે “નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા” જોઈએ. (ફિલિપી ૨:૨-૪) વધુમાં, આપણે ‘આગેવાની લેનારાઓ’ એટલે કે મંડળના વડીલો પાસેથી મળતા વખાણને મહત્ત્વના સમજીએ છીએ.—હેબ્રી ૧૩:૧૭.
‘બહારના માણસોમાં સારી શાખ’ હોય એ પણ જરૂરી છે. (૧ તીમોથી ૩:૭) વિધર્મી સગાંઓ, સાથે કામ કરનારા અને પડોશીઓ આપણને માન આપે ત્યારે આપણને કેટલું ઉત્તેજન મળે છે! એ જ સમયે આપણે પ્રચાર કરીએ છીએ તેઓ સમક્ષ પણ સારી છાપ પાડીએ છીએ જેથી તેઓ રાજ્ય સંદેશાને સાંભળીને સ્વીકારે. સમાજમાં આપણા ચાલચલન સારા રાખીને પ્રમાણિક બનીએ છીએ એનાથી પરમેશ્વરને મહિમા મળે છે. (૧ પીતર ૨:૧૨) તેમ છતાં, બીજાઓ પાસેથી પ્રશંસા મેળવવા માટે આપણે બાઇબલ સિદ્ધાંતો સાથે તડજોડ કરવી જોઈએ નહિ. બીજાઓ પર સારી છાપ પાડવા ઢોંગ પણ કરવો ન જોઈએ. આપણે એ હકીકત કદી ન ભૂલવી કે આપણે બધાને ખુશ કરી શકતા નથી. ઈસુએ કહ્યું: “જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.” (યોહાન ૧૫:૧૯) આપણો વિરોધ કરે છે તેઓ પાસેથી માન મેળવવા આપણે શું કરી શકીએ?
વિરોધીઓ પાસેથી માન મેળવવું
“મારા નામને સારૂ સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.” (માત્થી ૧૦:૨૨) આ દ્વેષ કે ધિક્કારને લીધે ઘણી વાર વિરોધીઓ ખોટા આરોપ મૂકતા હોય છે. આપણા પ્રત્યે પૂર્વગ્રહ રાખતા સરકારી અધિકારીઓ આપણને ‘સરકાર વિરુદ્ધ ઉશ્કેરનારા’ તરીકે ઓળખાવે છે. આપણો ખુલ્લેઆમ વિરોધ કરનારા તહોમત લગાવી શકે કે આપણો પંથ મુશ્કેલીઓની જડ હોવાથી એને બંધ કરી દેવો જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૨) કોઈ વાર આપણે આ ખોટા આરોપોનો જવાબ આપવો પડે છે. પરંતુ, કેવી રીતે આપવો જોઈએ? પ્રેરિત પીતરની સલાહ ધ્યાનમાં રાખવી જોઈએ: “જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.” (૧ પીતર ૩:૧૫) વધુમાં, આપણી ‘કોઈ ટીકા ન કરે એવી રીતે સમજપૂર્વક બોલવું, જેથી આપણી વિરૂદ્ધ દલીલ કરનારાઓને કાંઈ પણ દોષ કાઢવાનું ન મળતાં તેઓ શરમાઈ જાય.’—તિતસ ૨:૮, IBSI.
આપણે આપણા નામ પર લાગેલા કલંકને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ. તોપણ આપણા વિષે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે ત્યારે આપણે નિરુત્સાહ કે દુઃખી થઈ જવું જોઈએ નહિ. પરમેશ્વરના દીકરા, ઈસુ પર પણ પરમેશ્વરની નિંદા કરનાર, સરકાર વિરુદ્ધ ઉશ્કેરનાર અને ભૂતોના સાથીદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. (માત્થી ૯:૩; માર્ક ૩:૨૨; યોહાન ૧૯:૧૨) પ્રેરિત પાઊલ પર પણ તહોમત મૂકવામાં આવ્યા હતા. (૧ કોરીંથી ૪:૧૩) પરંતુ, ઈસુ અને પાઊલ બંને આવી ટીકાઓને અવગણીને પોતાના કાર્યમાં વ્યસ્ત રહ્યા. (માત્થી ૧૫:૧૪) તેઓ જાણતા હતા કે પોતે કદી પણ વિરોધીઓના વિચારો બદલી શકવાના નથી. કેમ કે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) આજે, આપણે પણ એવા તહોમતોનો સામનો કરવો પડે છે. પરંતુ, વિરોધીઓ આપણા વિષે ખોટું બોલે ત્યારે આપણે ગભરાઈ જવાની જરૂર નથી.—માત્થી ૫:૧૧.
કોના વિચારો મહત્ત્વના છે?
આપણા વિષે લોકોના વિચારો અલગ અલગ હોય છે. એ ખાસ કરીને તેઓનો હેતુ શું છે અને તેઓએ આપણા વિષે શું સાંભળ્યું છે એના આધારે હોય છે. કેટલાક લોકો આપણા વખાણ કરીને માન આપતા હોય છે, જ્યારે કેટલાક લોકો જૂઠા આરોપો મૂકીને ધિક્કારતા હોય છે. તેમ છતાં, આપણે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવતા હોઈએ તો, બીજાઓના વિચારોથી ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુશીથી અને શાંતિમાં રહેવું જોઈએ.
પ્રેરિત પાઊલે લખ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) આપણા જીવનની દરેક બાબતોમાં બાઇબલની સલાહ પ્રમાણે કરવાથી આપણે પરમેશ્વર યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની કૃપા મેળવીએ છીએ. કેમ કે આપણા સર્વ માટે યહોવાહ અને તેમના પુત્ર આપણા વિષે શું વિચારે છે એ સૌથી મહત્ત્વનું છે. તેઓ આપણા વિષે જે વિચારે છે એનાથી જોવા મળે છે કે આપણે કેટલા મૂલ્યવાન છીએ. કેમ કે, આપણું જીવન તેમની કૃપા પર જ આધારિત છે.—યોહાન ૫:૨૭; યાકૂબ ૧:૧૨.
[પાન ૩૦ પર બ્લર્બ]
“લોકો મારી પ્રશંસા કરે ત્યારે મને શરમ લાગે છે, પરંતુ મનમાં તો હું ઇચ્છતો જ હોવ છું.”–ભારતીય કવિ, રવિન્દ્રનાથ ટાગોર
[પાન ૩૧ પર ચિત્રો]
આપણા વિષે આપણા ખ્રિસ્તી ભાઈબહેનોના વિચારો મહત્ત્વના છે
[પાન ૩૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Culver Pictures