રશિયાની લાઇબ્રેરીએ બાઇબલ પર “પ્રકાશ” ફેંક્યો
રશિયાની લાઇબ્રેરીએ બાઇબલ પર “પ્રકાશ” ફેંક્યો
કૉનસ્ટેનટીન વૉન ટિશેનડ્રૉફ અને ઈબ્રાહીમ ફિરકૉવિચ બાઇબલ વિદ્વાનો હતા. તેઓ પોત-પોતાની રીતે બાઇબલના સૌથી જૂનાં લખાણો શોધવા નીકળ્યા હતા. એ માટે તેઓએ રણ પ્રદેશો, ગુફાઓ અને જૂનાં મઠ વગેરે ખૂંદી નાખ્યા. વર્ષો પછી તેઓને મળેલા બાઇબલના પ્રાચીન લખાણો રશિયાની સૌથી જૂની લાઇબ્રેરીમાં જોવા મળ્યાં. તેઓની મંઝિલ પણ ત્યાં જ પૂરી થઈ. તેઓએ કરેલી શોધને લીધે આ લાઇબ્રેરીમાં દુનિયા સામે બાઇબલના જૂના લખાણોનો એવો ખજાનો ખૂલ્યો જેની કોઈને આશા પણ ન હતી. તેઓને જે ખજાનો મળ્યો એ રશિયામાં કઈ રીતે પહોંચ્યો?
પ્રાચીન હસ્તપ્રતો—ઈશ્વરનું સત્ય છે
ચાલો આપણે કૉનસ્ટેનટીન વૉન ટિશેનડ્રૉફને મળીએ. એ માટે આપણે ૧૯મી સદીની શરૂઆતમાં જઈએ. એ સમયે યુરોપમાં જ્ઞાન-વિજ્ઞાન અને તેઓના સંસ્કારોમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા. એ સમયે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નવી નવી શોધો થઈ રહી હતી. સમાજમાં પણ સુધારા વધારા થઈ રહ્યા હતા. તેથી લોકો જૂના રીતરિવાજો અને માન્યતાઓ વિષે શંકા ઉઠાવવા લાગ્યા. એટલે સુધી કે વિદ્વાનો કમર કસીને પુરાવો આપવા લાગ્યા કે બાઇબલમાં પરમેશ્વરનું સત્ય નથી. તેઓનું કહેવું હતું કે માણસોએ બાઇબલમાં ફેરફાર કર્યા છે.
પરંતુ, બાઇબલમાં પૂરા દિલથી માનનારા કેટલાકને પૂરી ખાતરી હતી કે બાઇબલની જૂની હસ્તપ્રતો ક્યાંક તો હોવી જ જોઈએ. એની મદદથી બાઇબલ પર લાગેલા ખોટા આરોપને જૂઠો સાબિત કરી શકાય. ખરું કે એ સમયે બાઇબલની અમુક હસ્તપ્રતો પ્રાપ્ય હતી. પણ જો એનાથીયે જૂની મળી જાય તો, એનાથી સાબિત કરી શકાય કે બાઇબલ આજે પણ એટલું જ ચોક્કસ છે. પછી ભલે અમુક જણે એમાં ભેળસેળ કરવાનો કે એને મિટાવી દેવાનો પ્રયાસ કર્યો હોય. એનાથી એ પણ સાબિત થઈ જાય કે બાઇબલ અનુવાદકોએ અમુક જગ્યાએ કેવું ખોટું ભાષાંતર કર્યું છે.
એ સમયે જર્મનીમાં બાઇબલ વિષેની જોરદાર તકરારો થઈ રહી હતી. ત્યારે યુવાન પ્રોફેસર ટિશેનડ્રૉફ પોતાનું એશઆરામ ભર્યું જીવન અને સારી નોકરી છોડીને બાઇબલ વિષે શોધખોળ કરવા નીકળી પડ્યો. તે બાઇબલ વિદ્વાન હતો. તેનો હેતુ હતો કે જેઓ બાઇબલ પર શંકા ઉઠાવતા હતા તેઓને જૂઠા પાડવા. તે ૧૮૪૪માં પહેલી વાર સિનાય પહાડના ઉજ્જડ વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી મઠમાં ગયો. ત્યાં તે આમ-તેમ ફાંફાં મારતો હતો. એવામાં તેની નજર કચરાની ટોપલીમાં પડી. એમાંથી તેને સૌથી
જૂના હેબ્રી શાસ્ત્રોની (જૂનો કરાર) ગ્રીકમાં ભાષાંતર કરેલી નકલો મળી. એને સેપ્ટુઆજેંટ કહેવામાં આવે છે. તેને જે મળ્યું એના જેવું બીજું કંઈ જ ન હતું! એ સમયે પ્રાપ્ય બીજી હસ્તપ્રતો કરતાં એ સૌથી જૂની હતી!એનાથી ટિશેનડ્રૉફ બહુ જ ખુશ હતો. તે એ ટોપલીમાંથી કોઈક રીતે ચામડાં પર લખેલા ૪૩ પત્રો લઈ ગયો. તેણે વિચાર્યું કે જો હું બીજી વાર ત્યાં પાછો જાઉં તો મને હજુ વધારે એવા પત્રો મળશે. પરંતુ એવું થયું નહિ. વર્ષ ૧૮૫૩માં તે પાછો એ મઠમાં ગયો ત્યારે તેને એકાદ ટુકડો જ મળ્યો. તેથી તેને જાણવું હતું કે ‘એની સાથેના બીજા પત્રો હતા એ ક્યાં ગયા?’ એની શોધ પાછળ તેના પૈસા ખતમ થઈ ગયા હતા. તેથી તે કોઈ પૈસાદાર વ્યક્તિ પાસે મદદ લેવા ચાહતો હતો. ટિશેનડ્રૉફે ફરી વાર બીજા જૂના બાઇબલ લખાણોની શોધમાં ઘર છોડ્યું. જતા પહેલાં તેણે રશિયાના સમ્રાટ એલેક્સઝાંડર બીજા પાસે મદદ માગી.
સમ્રાટ મદદ આપે છે
રશિયાના લોકો ધર્મચુસ્ત ખ્રિસ્તીઓ હતા. પણ ટિશેનડ્રૉફ પોતે પ્રોટેસ્ટંટ હતો. આથી ટિશેનડ્રૉફે વિચાર્યું કે પોતે રશિયામાં જશે તો ત્યાંના લોકો પ્રોટેસ્ટંટ વિદ્વાન સાથે કેવી રીતે વર્તશે. જોકે એ સમયે રશિયનો નવા નવા વિચારો અપનાવવા લાગ્યા હતા. એ ખુશીની વાત હતી. બધા જ લોકો શિક્ષણ પર વધારે ભાર આપતા હતા. તેથી, મહારાણી કૅથરિન બીજીએ ૧૭૯૫માં સેંટ પીટર્સબર્ગ શહેરમાં મોટી લાઇબ્રેરી ખોલી. એ રશિયાની સૌથી પહેલી લાઇબ્રેરી હતી. એમાં સામાન્ય લોકો પણ જઈ શકતા. એનાથી લાખો લોકો માટે જ્ઞાનનો ભંડાર ખૂલી ગયો હતો.
એ સમયમાં આખા યુરોપની લાઇબ્રેરીમાંથી આ સૌથી સારી હતી. એ ઇમ્પીરિયલ લાઇબ્રેરીના નામથી ઓળખાતી હતી. તેમ છતાં, એમાં કંઈક કમી હતી. એ ખોલવામાં આવી એના પચાસ વર્ષ પછી પણ એમાં ફક્ત છ હેબ્રી જૂનાં લખાણો હતાં. રશિયાના લોકોને બાઇબલ ભાષાંતરમાં રસ તો હતો. પણ તેઓ પાસે એ લાઇબ્રેરીમાં પૂરતાં હેબ્રી લખાણો ન હતાં. તેથી એ બહુ મદદ કરી શકે એમ ન હતી. મહારાણી કૅથરિન બીજીએ હેબ્રી ભાષાનો અભ્યાસ કરવા માટે વિદ્વાનોને યુરોપની યુનિવર્સિટીઓમાં મોકલ્યા. તેઓ પાછા રશિયામાં આવ્યા ત્યારે ઘણા સેમિનારોમાં હેબ્રી ભાષા શીખવવા લાગ્યા. તેમ જ પહેલી વાર વિદ્વાનો હેબ્રી ભાષામાંથી રશિયન ભાષામાં બાઇબલનું ભાષાંતર કરવા લાગ્યા. પણ તેઓ પાસે એમ કરવા પૂરતા પૈસા ન હતા. એટલું જ નહિ, ચર્ચના ધર્મગુરૂઓએ એનો સખત વિરોધ કર્યો. પણ જેઓને બાઇબલમાંથી ખરું સત્ય જાણવું હતું તેઓ માટે હજી સત્યનો પ્રકાશ થયો ન હતો.
આવી પરિસ્થિતિમાં રશિયાના સમ્રાટ એલેક્સઝાંડર બીજાએ ટિશેનડ્રૉફને પૈસા આપ્યા. કેમ કે તે આ શોધખોળનું મહત્ત્વ સમજતો હતો. કેટલાક લોકોનો “બળાપો અને સખત વિરોધ” છતાં, ટિશેનડ્રૉફ સિનાયથી સેપ્ટુઆજેંટની બાકીની નકલો લઈ આવ્યો. * ત્યાર પછી સેપ્ટુઆજેંટનું નામ કોડેક્સ સાઈનેટિક્સ રાખવામાં આવ્યું. આજે પણ એને બાઇબલના સૌથી જૂનાં લખાણો ગણવામાં આવે છે. ટિશેનડ્રૉફ સેંટ પીટર્સબર્ગમાં આવતા જ, સમ્રાટને તેના શિયાળાના મહેલમાં મળવા ગયો. તેણે સમ્રાટને વિનંતી કરી કે તેને મળેલા લખાણો પર “ઊંડો અભ્યાસ કરવા માટે ટેકો આપો.” સમ્રાટે તરત જ પરવાનગી આપી. એનાથી ટિશેનડ્રૉફ રાજીનો રેડ થઈ ગયો. હસ્તપ્રતોનો ઊંડો અભ્યાસ કર્યા પછી એને ઇમ્પીરિયલ લાઇબ્રેરીમાં મૂકવામાં આવી. પછી ટિશેનડ્રૉફે લખ્યું: ‘ઈશ્વરે અમને આ સાઈનેટિક બાઇબલ આપ્યું છે. જેથી અમે જાણી શકીએ કે ઈશ્વરના મૂળ લખાણમાં શું હતું. આની મદદથી અમે પુરાવો આપી શકીશું કે બાઇબલમાં કોઈ મોટા ફેરફારો થયા નથી.’
ક્રિમીયાથી મળેલો બાઇબલ ખજાનો
ટિશેનડ્રૉફ રશિયામાં પાછો આવ્યો એના થોડાં વર્ષો પહેલાં, ઈબ્રાહીમ ઍવરિઅમ ફિરકૉવિચે ઇમ્પીરિયલ લાઇબ્રેરીને અજોડ ઑફર કરી. તેણે જે ઑફર કરી એ સાંભળીને સમ્રાટની આંખો ફાટી ગઈ. એમાં તેને બહુ જ રસ પડ્યો. એ કારણથી યુરોપના વિદ્વાનો રશિયા જોવા આવ્યા. તેઓએ જે જોયું એ માની જ ન શક્યા. તેમની સામે જૂના લખાણોનો મોટો ઢગલો હતો. એમાં ૨,૪૧૨ જુદા જુદા પ્રાચીન લેખો અને લખાણો હતા. એમાં ૯૭૫ જૂનાં લખાણો હતા. વળી ૪૫ તો બાઇબલનાં લખાણો હતાં! એ દસમી સદી પહેલાંના હતા. નવાઈની વાત એ છે કે આ બધા લખાણો ઈબ્રાહીમ ફિરકૉવિચે એકલાએ જ ભેગાં કર્યાં હતાં. એ સમયે તે લગભગ સિત્તેર વર્ષનો હતો. તે કેરાઈટ વિદ્વાન હતો. પરંતુ આ કેરાઈટ લોકો કોણ હતા? *
એ પ્રશ્નનો જવાબ જાણવા સમ્રાટ પોતે પણ બહુ ઉત્સુક હતો. એ સમયે રશિયા નવા નવા દેશોને પોતાની સત્તામાં લાવતું હતું. તેથી રશિયામાં ઘણી જાતિના લોકો હતા. ક્રિમીયા કાળા સમુદ્રના કિનારે આવેલું હતું. ક્રિમીયા દેશ બહુ જ સુંદર હતો. એના લોકોને કેરાઈટો કહેવામાં આવતા. તેઓ દેખાવમાં યહુદી જેવા લાગતા. પણ તેઓના રીતરિવાજ તુર્કીઓ જેવા હતા. તેઓની ભાષા ટાટર લોકોની ભાષા જેવી હતી. આ કેરાઈટ લોકો માનતા કે તેઓ એ યહુદીઓના વંશજ છે જેઓને ઈસવીસન પૂર્વે ૬૦૭માં, બાબેલોનનો રાજા યરૂશાલેમનો નાશ કરીને ગુલામ તરીકે બાબેલોન લઈ ગયો હતો. સમય જતાં અમુક લોકો ક્રિમીયામાં રહેવા લાગ્યા. પરંતુ તેઓ યહુદી ધર્મગુરુઓથી અલગ હતા. કેમ કે યહુદી ધર્મગુરુઓ તાલમુડમાં માનતા હતા. જ્યારે કે કેરાઈટો શાસ્ત્રવચનો વાંચવા પર ખૂબ જોર મૂકતા. કેરાઈટ લોકોને એ સાબિત કરવું હતું કે તેઓ યહુદી ધર્મગુરુઓથી અલગ છે. જેથી તેઓને પોતાની ઓળખ મળે. જેમ કે તેઓ એ યહુદીઓના વંશજ છે જેઓ બાબેલોનની ગુલામીમાંથી છૂટીને ક્રીમીયા વસી ગયા હતા. પણ તેઓ એનો કઈ રીતે પુરાવો આપે? સૌથી જૂનાં બાઇબલ લખાણો સમ્રાટ આગળ રજૂ કરીને.
ઈબ્રાહીમ ફિરકૉવિચ જૂનાં લખાણોની શોધમાં ક્રિમીયાના ચૂફૂટ કાલે પહાડ પાસે ગયો. એની બાજુમાં એ પહાડોના પથ્થરોમાંથી ઘરો બાંધેલા હતા. એ જૂના વિસ્તારોમાં તે શોધખોળ કરવા લાગ્યો. એમાં સદીઓ પહેલાં કેરાઈટ લોકો રહેતા હતા. તેઓ જૂની-ફાટેલી શાસ્ત્રની હસ્તપ્રતોનો કદી નાશ કરતા નહિ. કેમ કે એમાં પરમેશ્વરનું નામ યહોવાહ લખેલું હતું. તેથી તેઓ એને સાચવીને ગેનીઝા નામના ભંડારમાં રાખતા. તેઓની ભાષામાં એનો અર્થ થતો, ‘સંતાવાની જગ્યા.’ તેઓ માનતા કે પવિત્ર વસ્તુઓનો નાશ ન કરવો જોઈએ. એ તો એનું અપમાન છે. કેરાઈટ લોકો માટે પરમેશ્વરનું નામ પવિત્ર હતું. તેથી જૂની-ફાટેલી હસ્તપ્રતોને ત્યાં મૂક્યા પછી એને કોઈ અડતું નહિ.
સદીઓથી ગેનીઝા નામના એ ભંડારો પર ધૂળ જામી ગઈ હતી. તેમ છતાં ફિરકૉવિચે એના ખૂણે ખૂણા તપાસ્યા. એક ભંડારમાંથી તેને જૂના બાઇબલનાં લખાણો મળી આવ્યા. એ ઈસવીસન ૯૧૬ના હતા. તેથી એ ખૂબ પ્રખ્યાત બન્યા. એને પીટર્સબર્ગ કોડેક્સ ઑફ ધ લાટર પ્રૉફેટ્સ કહેવામાં આવ્યા. એ આજ સુધીના સૌથી જૂના હેબ્રી શાસ્ત્રોની નકલોમાંની એક છે.
ફિરકૉવિચે પોતે મોટા ભાગે જૂનાં લખાણો એકઠા કર્યા હતા. પછી ૧૮૫૯માં તેણે એ લખાણો ઇમ્પીરિયલ લાઇબ્રેરીને વેચવાનું નક્કી કર્યું. વર્ષ ૧૮૬૨માં એલેક્સઝાંડર બીજાએ લાઇબ્રેરીને એ ખરીદવા પૈસા આપ્યા. એની કિંમત ૧,૨૫,૦૦૦ રુબલ હતી. એ જમાનામાં એની બહુ જ કિંમત ગણાતી. એ
સમયે આ લાઇબ્રેરીનો વાર્ષિક ખર્ચ જ ૧૦,૦૦૦ રુબલ થતો હતો. એ લખાણોમાં લેનિનગ્રાડ કૉડેક્સ (B 19A) પણ હતું. એ લગભગ ઈસવી સન ૧૦૦૮માં લખવામાં આવ્યું હતું. એ હેબ્રી શાસ્ત્રવચનોની (જૂના કરારની) સૌથી જૂની નકલ હતી. એમાં બધા હેબ્રી શાસ્ત્રવચનો હતા. એક વિદ્વાને કહ્યું કે એ ‘બાઇબલની સૌથી મહત્ત્વની પ્રત છે. કેમ કે એની મદદથી બાઇબલના મૂળ વિચારો સમજવા સહેલું બને છે.’ (બૉક્સ જુઓ.) એ જ વર્ષે, એટલે ૧૮૬૨માં ટિશેનડ્રૉફનું કોડેક્સ સાઈનાઇટિક્સ પણ પ્રકાશિત કરવામાં આવ્યું. એનાથી આખી દુનિયામાં આનંદ છવાઈ ગયો.આપણા સમયમાં બાઇબલ સત્યનો પ્રકાશ
ઇમ્પીરિયલ લાઇબ્રેરી આજે ‘ધ નેશનલ લાઇબ્રેરી ઑફ રશિયા’ નામથી ઓળખાય છે. એમાં સૌથી જૂનાં લખાણો રાખવામાં આવ્યાં છે. * જેમ જેમ રશિયાનો ઇતિહાસ બદલાતો ગયો તેમ તેમ બે સદીમાં સાત વાર લાઇબ્રેરીનું નામ બદલાયું. એમાંનું એક નામ ‘ધી સ્ટેઇટ સૉલ્તીકૉફ સ્કેડ્રિન પબ્લિક લાઇબ્રેરી’ હતું. જોકે, વીસમી સદીમાં થયેલા બે વિશ્વયુદ્ધ અને લેનિનગ્રાડના હુમલા હેઠળ એ લાઇબ્રેરીને થોડું નુકસાન થયું હતું. પરંતુ લખાણોને કંઈ નુકસાન થયું ન હતું. આ લખાણોથી આપણને શું ફાયદો થાય છે?
આ પ્રાચીન લખાણો ખૂબ જ ભરોસાપાત્ર છે. એના આધારે ઘણાં નવાં ભાષાંતરો કરવામાં આવ્યાં છે. એ લખાણોને લીધે નમ્ર લોકો બાઇબલમાંથી સાચી સમજણ મેળવી શક્યા છે. યહોવાહના સાક્ષીઓએ ધ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હૉલી સ્ક્રિપ્ચર્સનું ભાષાંતર કરતી વખતે બીબ્લિયા હેબ્રાઈકા સ્ટૂટગાર્ટનસ્યા અને કિટલના બીબ્લિયા હેબ્રાઈકાનો ઉપયોગ કર્યો હતો. એ લેનિનગ્રાડ કૉડેક્સ પર આધારિત હતી. એ કૉડેક્સમાં ઈશ્વરનું ખરું નામ યહોવાહ હેબ્રી ભાષામાં ૬,૮૨૮ વાર આવે છે. સાઇનાઇટિક્સ કૉડેક્સથી પણ ભાષાંતરમાં ઘણી મદદ મળી હતી. આમ સાક્ષીઓએ ૧૯૬૧માં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન આખું બાઇબલ બહાર પાડ્યું.
બાઇબલના થોડા જ વાચકો જાણે છે કે આપણી પાસે કઈ રીતે સત્ય આવ્યું. સેંટ પીટર્સબર્ગની લાઇબ્રેરીમાં જે જૂનાં લખાણો હતાં એના લીધે સત્ય પ્રગટ થયું છે. એ કારણથી અમુક લખાણો લેનિનગ્રાડ શહેરના નામથી ઓળખાય છે. પરંતુ, આપણે તો યહોવાહ પરમેશ્વરના આભારી છીએ. કેમ કે તેમણે જ આપણને બાઇબલ આપ્યું છે, એની ખરી સમજ આપી છે. તેથી, ગીતશાસ્ત્રના એક લેખકે પ્રાર્થનામાં યહોવાહને કહ્યું: “તારૂં અજવાળું તથા સત્ય મોકલ, કે તેઓ મને દોરે.”—ગીતશાસ્ત્ર ૪૩:૩.
[ફુટનોટ્સ]
^ તે ચોથી સદીમાં લખાયેલા ગ્રીક શાસ્ત્રની (નવા કરારની) એક નકલ પણ સાથે લાવ્યો હતો.
^ કેરાઈટ લોકો વિષે વધારે જાણકારી માટે જુલાઈ ૧૫, ૧૯૯૫ના ચોકીબુરજનો “કેરાઈટો અને સત્ય માટેની તેઓની શોધ” નામનો લેખ જુઓ.
^ કૉડેક્સ સાઇનાઇટિક્સના મોટાં ભાગનાં લખાણો બ્રિટિશ મ્યુઝિયમને વેચી દેવામાં આવ્યા છે. ધ નેશનલ લાઇબ્રેરી ઑફ રશિયામાં એના થોડા ઘણા ટુકડાઓ રહ્યા છે.
[પાન ૧૩ પર બોક્સ]
તેઓ પરમેશ્વરનું નામ જાણતા અને એનો ઉપયોગ કરતા હતા
યહોવાહનું ડહાપણ તેમના શબ્દમાંથી જોવા મળે છે. કેમ કે તેમણે આપણા સમય સુધી બાઇબલને સલામત રાખ્યું છે. હજારો વર્ષો સુધી એને સલામત રાખવામાં શાસ્ત્રીઓનો બહુ મોટો ફાળો રહ્યો છે. કેમ કે તેઓ એની પ્રત બનાવવામાં બહુ મહેનત કરતા હતા. સૌથી વધારે સાવધાનીથી પ્રત બનાવનાર મસોરી હતા. આ એવા ધંધાકીય હેબ્રી શાસ્ત્રીઓ હતા કે જેઓએ છઠ્ઠી અને સાતમી સદી દરમિયાન કામ કર્યું હતું. પ્રાચીન હેબ્રી ભાષા સ્વરો વિના લખવામાં આવતી હતી. આથી, સમય પસાર થતા હેબ્રીની જગ્યાએ અરામી ભાષા આવવા માંડી ત્યારે હેબ્રી શબ્દોના ખરા ઉચ્ચાર લુપ્ત થવાનો ડર વધી ગયો. પરંતુ, મસોરીઓએ હેબ્રી શબ્દોના ખરા ઉચ્ચાર જણાવવા માટે બાઇબલના પાઠોમાં સ્વર ચિહ્ન લગાવવાની એક રીત શોધી કાઢી.
મહત્ત્વની બાબત છે કે લેનિનગ્રાડ કોડેક્સમાં મસોરીઓએ જે સ્વર ચિહ્ન લગાવ્યા એનાથી જોવા મળે છે કે હેબ્રીમાં પરમેશ્વરના નામના ચાર અક્ષરોનો ખરો ઉચ્ચાર કેવો છે. તેમના નામનો ઉચ્ચાર છે, યેહવા, યેહવી અને યહોવાહ. એમાં “યહોવાહ” નામનો ઉચ્ચાર ખૂબ જાણીતો છે. બાઇબલના લેખક અને એની ખરી નકલ કરનારાઓ પરમેશ્વરના નામથી પરિચિત હતા. આજે લાખો લોકો પરમેશ્વરનું નામ જાણે છે અને એનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે ‘જેનું નામ યહોવાહ છે તે જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.’—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.
[પાન ૧૦ પર ચિત્ર]
નેશનલ લાઇબ્રેરીનો હસ્તપ્રતોનો ઓરડો
[પાન ૧૧ પર ચિત્ર]
મહારાણી કૅથરીન બીજી
[પાન ૧૧ પર ચિત્રો]
કૉનસ્ટેનટીન વૉન ટિશેનડ્રૉફ અને રશિયન સમ્રાટ ઍલેક્સઝાંડર બીજો
[પાન ૧૨ પર ચિત્ર]
ઈબ્રાહીમ ફિરકૉવિચ
[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
બંને ચિત્રો: National Library of Russia, St. Petersburg
[પાન ૧૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
કૅથરીન બીજી: National Library of Russia, St. Petersburg; એલેક્સઝાંડર બીજો: From the book Spamers Illustrierte Weltgeschichte, Leipzig, 1898