હિંમતથી વિરોધનો સામનો કરો
હિંમતથી વિરોધનો સામનો કરો
ગાયસ અને આરીસ્તાર્ખસ, પ્રેષિત પાઊલના સાથીઓ હતા. એક ઉશ્કેરાયેલું ટોળું તેઓને એફેસસના થિયેટરમાં ઢસડી ગયું. આ ટોળાએ બે કલાક સુધી બૂમો પાડી કે: “એફેસીઓની આર્તેમિસની જે!” (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૮, ૨૯, ૩૪) શું એનાથી પાઊલના સાથીઓ ગભરાઈ ગયા? શા કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ?
પાઊલે લગભગ ત્રણ વર્ષ સુધી એફેસસમાં પ્રચાર કર્યો. એના તેમને ઘણાં સારાં પરિણામો મળ્યાં. કેમ કે એફેસસના ઘણા લોકોએ મૂર્તિપૂજા કરવાનું છોડી દીધું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૬; ૨૦:૩૧) મોટે ભાગે લોકો પ્રજનન દેવી, આર્તેમિસની પૂજા કરતા હતા. આ દેવીનું ભવ્ય મંદિર આખા શહેરમાંથી જોઈ શકાતું હતું. લોકો આ મંદિરની રૂપાની નાની મૂર્તિઓ પણ બનાવતા હતા. આ નાની મૂર્તિને તેઓ તાવીજ તરીકે ગળામાં પહેરતા અથવા ઘરમાં રાખતા. પરંતુ, ખ્રિસ્તીઓ આવી મૂર્તિને અડકતા પણ ન હતા.—૧ યોહાન ૫:૨૧.
દેમેત્રિઅસ નામના સોનીએ વિચાર્યું કે, પાઊલના પ્રચાર કાર્યથી તેને ધંધામાં મોટો ફટકો લાગશે. આથી, તેણે લોકોને ભરમાવવા માંડ્યા. તેણે બીજા વેપારીઓને પણ ભરમાવ્યા કે આખા એશિયા માઇનોરના લોકો આર્તેમિસની ભક્તિ કરવાનું છોડી દેશે. તેથી, એક વાર વેપારીઓએ આર્તેમિસની ભક્તિ કરવા બૂમબરાડા પાડવાનું શરૂ કર્યું. એ પછી બળવો ફાટી નીકળ્યો અને આખા શહેરમાં ખળભળાટ મચી ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૪-૨૯.
લગભગ ૨૫,૦૦૦ લોકો બેસી શકે એવા થિયેટરમાં હજારો લોકો એકઠાં થયા. પાઊલ ઉશ્કેરાયેલા ટોળાને કંઈક કહેવા માંગતા હતા. પરંતુ એક ભલા અધિકારીઓએ તેમને કંઈ ન કહેવા પ્રેર્યા. છેવટે, શહેરના એક ઉચ્ચ અધિકારીએ ટોળાને શાંત પાડ્યું. આથી, ગાયસ અને આરીસ્તાર્ખસ ત્યાંથી છટકી શક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૩૫-૪૧.
આજે પણ પરમેશ્વરના લોકો પ્રચાર કાર્યમાં, ઉશ્કેરાયેલા ટોળાનો કે વિરોધીઓનો સામનો કરે છે. તોપણ, તેઓ મૂર્તિપૂજા, અનૈતિકતા અને ગુનાઓ ફૂલ્યાફાલ્યા હોય એવા શહેરોમાં પ્રચાર કરે છે. પાઊલ એફેસસ શહેરમાં “ઘરેઘરે” તથા જાહેરમાં લોકોને બોધ આપતા અચકાયા ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) પરમેશ્વરના લોકો પણ આજે હિંમતથી પ્રેષિત પાઊલના ઉદાહરણને અનુસરે છે. ‘પ્રભુની વાત પ્રસરતી અને પ્રબળ થતી’ જાય છે તેમ તેઓ આનંદ કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦.
[પાન ૩૦ પર ચિત્ર]
એફેસસનું ખંડેર થિયેટર