વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
બીજો શમૂએલ ૧૨:૩૧ અને ૧ કાળવૃત્તાંત ૨૦:૩ વાંચીને ઘણા લોકો વિચારે છે કે યહોવાહનો મનગમતો સેવક, દાઊદ બંદીવાનો સાથે ક્રૂરતાથી વર્તતો હતો. શું એ સાચું છે?
બિલકુલ નહિ. દાઊદે આમ્મોનના બંદીવાનો પાસે બળજબરીથી મજૂરી કરાવી હતી. પરંતુ, અમુક બાઇબલ ભાષાંતરોએ આ કલમોમાં દાઊદના કાર્યોનું જે રીતે વર્ણન કર્યું છે એનાથી અમુક લોકોમાં ગેરસમજણ ઊભી થઈ છે.
અમુક બાઇબલ જણાવે છે કે દાઊદે હારેલા આમ્મોનીઓ સાથે ક્રૂર વ્યવહાર કર્યો. દાખલા તરીકે, ૨ શમૂએલ ૧૨:૩૧ કહે છે: “તેમાંના લોકોને બહાર લાવીને તેણે તેઓ પર કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ ચલાવી, ને ઈટોની ભઠ્ઠીઓમાં થઈને તેમને ચલાવ્યા; આમ્મોનપુત્રોનાં સઘળાં નગરોને તેણે એજ પ્રમાણે કર્યું.” તેવી જ રીતે, ૧ કાળવૃત્તાંત ૨૦:૩માં આપેલી ઘટનાનું પણ આમ જ વર્ણન કરવામાં આવ્યું છે.
તેમ છતાં, બાઇબલ વિદ્વાન સામુએલ રોલ્સ ડ્રાઈવર જણાવે છે કે, ‘દાઊદના સ્વભાવ અને વલણ વિષે અમે જે જાણીએ છીએ એમાં તો જરાય ક્રૂરતા જોવા મળતી નથી.’ આ બતાવે છે કે ઉપર જણાવેલી કલમોના ભાષાંતર સાથે બાઇબલના બીજા વિદ્વાનો બિલકુલ સહમત નથી. તેથી, ધ એંકર બાઇબલ જણાવે છે: ‘દાઊદ જીતેલા વિસ્તારમાંથી આર્થિક ફાયદો ઉઠાવવા બંદીવાનોને તૈયાર કરતા હતા. પુરાવા બતાવે છે કે મોટા ભાગે જીતેલા રાજાઓ પણ એમ જ કરતા હતા.’ એડમ ક્લાર્ક કહે છે: ‘એનો અર્થ એમ થાય છે કે દાઊદે લોકોને બંદીવાન બનાવ્યા અને તેઓને કરવતોથી વહેરવા, લોઢાની કુહાડીઓ બનાવવા, ખાણમાં કામ કરવા, લાકડીઓ કાપવા અને ઈંટો બનાવવાનું કામ સોંપ્યું. પરંતુ, આ કલમોનો અર્થ એમ નથી થતો કે બંદીવાનોને કરવતથી વહેરવામાં આવ્યા, કાપવામાં આવ્યા અથવા તો તેઓના ટુકડેટુકડા કરવામાં આવ્યા. દાઊદ આમ્મોનીઓ સાથે આવી રીતે વર્તવાની કલ્પના પણ ન કરી શકે.’
આ કલમોની સાચી સમજણ વિષે અમુક ભાષાંતરો સ્પષ્ટ બતાવે છે કે દાઊદ લોકો સાથે જાનવર જેવો વર્તાવ કરતા હતા એવો દોષ લગાવવો જોઈએ નહિ. * સંપૂર્ણ બાઇબલ આ બંને કલમોનું આ રીતે ભાષાંતર કરે છે: “વળી, શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઈંટવાડામાં કામે લગાડયા. આમ્મોનીઓનાં બધાં જ શહેરોની તેણે આ દશા કરી.” (૨ શમુએલ ૧૨:૩૧) “વળી, શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે વેઠે લગાડી લીધા. દાવિદે અમ્નોનીઓનાં બધાં જ શહેરોની આ દશા કરી.” (૧ રાજવૃત્તાંતો ૨૦:૩, સંપૂર્ણ બાઇબલ) આ જ બાઇબલમાં નહિ પરંતુ, આઈબીએસઆઈ બાઇબલ પણ આ રીતે અનુવાદ કરે છે: “તેણે નગરના લોકોને ગુલામો બનાવ્યા અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી તથા ઈંટોની ભઠ્ઠીઓમાં પણ મજૂરી કરાવી.” (૨ શમુએલ ૧૨:૩૧) “તેણે નગરના લોકોને બહાર લાવીને કરવતો, તિકમો અને કુહાડીઓથી કામ કરવાનું સોંપ્યું. આમ્મોનીઓ સાથેના વ્યવહારમાં દાવિદની આ રીત હતી.”—૧ કાળવૃત્તાંત ૨૦:૩.
દાઊદે એ સમયના રાજાઓ યુદ્ધમાં હારેલાઓ સાથે જે રીતે વ્યવહાર કરતા હતા એ રીતો અપનાવી ન હતી. આથી, આપણે કહી શકીએ કે તેમણે હારેલા આમ્મોનીઓ પર જુલમ ગુજાર્યો ન હતો.
[ફુટનોટ]
^ ફક્ત એક શબ્દમાં થોડો ફેરફાર કરવાથી હિબ્રુ લખાણ આમ કહે છે, ‘તેણે તેઓ પાસે કરવતથી કામ કરાવ્યું’ કે ‘તેણે તેઓ પર કરવત ચલાવી.’ બીજુ કે હિબ્રુમાં ઈંટોની ભઠ્ઠી માટેના શબ્દનો અર્થ ઈંટોનાં બીબાં પણ થઈ શકે છે. ઈંટોનાં બીબાંમાંથી તો કોઈને પસાર કરી ન શકાય એ બીબાં તો બહુ નાનાં હોય છે.