જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો!
જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો!
‘ખ્રિસ્તનું રક્ત આપણાં અંતઃકરણોને મર્ત્ય કાર્યોથી [જરૂર] શુદ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.’—હિબ્રૂ ૯:૧૪, પ્રેમસંદેશ.
૧. આપણે કઈ રીતે જીવનને મૂલ્યવાન ગણીએ છીએ?
‘તમારા જીવનની કિંમત શું છે,’ એનો તમે શું જવાબ આપશો? આપણે પોતાનું અને બીજાઓનું જીવન મૂલ્યવાન ગણીએ છીએ. એટલે જ આપણને સારું ન હોય ત્યારે, વારંવાર ડૉક્ટર પાસે જઈએ છીએ. એ બતાવે છે કે આપણને હંમેશાં તંદુરસ્ત રહેવું છે. અરે, આપણે ઘરડા હોઈએ કે અપંગ હોઈએ, તોપણ આપણે જીવન ચાહીએ છીએ.
૨, ૩. (ક) નીતિવચનો ૨૩:૨૨ આપણી કઈ ફરજ બતાવે છે? (ખ) નીતિવચનો ૨૩:૨૨ પ્રમાણે ઈશ્વર પ્રત્યે આપણી કઈ ફરજ છે?
૨ તમે જીવનને મૂલ્યવાન ગણતા હશો તો, બીજાઓ સાથે પ્રેમથી વર્તશો. દાખલા તરીકે, ઈશ્વરે શાસ્ત્રમાં આજ્ઞા કરી છે: “તારા બાપનું કહ્યું સાંભળ; એ તારો જન્મદાતા છે; અને તારી જનેતાની ઘડપણમાં ઉપેક્ષા ન કર.” (સુભાષિતો [નીતિવચનો] ૨૩:૨૨, સંપૂર્ણ બાઇબલ) અહીં સાંભળવાનો શું અર્થ થાય? એનો અર્થ એમ થાય કે આપણે જે સાંભળ્યું હોય, તે પ્રમાણે કરવું. (નિર્ગમન ૧૫:૨૬; પુનર્નિયમ ૭:૧૨; ૧૩:૧૮; ૧૫:૫; યહોશુઆ ૨૨:૨; ગીતશાસ્ત્ર ૮૧:૧૩) પણ સવાલ થાય કે ‘આપણે શા માટે માબાપનું સાંભળવું જોઈએ? એના વિષે બાઇબલ શું કહે છે?’ બાઇબલ કહે છે કે તેઓ ઉંમરમાં મોટા છે અને અનુભવી છે એટલે જ નહિ, પણ તેઓ “જન્મદાતા” છે. તેથી, આપણને જીવન વહાલું હશે તો, આપણે તેઓને વધુ માન આપીશું, ખરું ને?
૩ તમે યહોવાહની ભક્તિ કરતા હોવ તો, તમે જાણો છો કે અસલમાં જીવન આપનાર તે જ છે. તેમના લીધે જ “આપણે જીવીએ છીએ, હાલીએ છીએ.” આપણામાં લાગણીઓ છે, નિર્ણયો લઈએ છીએ, અરે, કાયમ જીવવા માટે યોગ્ય ફેરફારો કરી શકીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮; ગીતશાસ્ત્ર ૩૬:૯; સભાશિક્ષક ૩:૧૧) તેથી, નીતિવચનો ૨૩:૨૨ પ્રમાણે આપણે રાજીખુશીથી ઈશ્વરનું ‘સાંભળવું જ’ જોઈએ. આમ, આપણે જીવન વિષે દુનિયાના કે પોતાના નહિ પણ યહોવાહના વિચારો વધારે પસંદ કરીશું.
જીવનની કદર કરો
૪. મનુષ્યની શરૂઆતના સમયમાં જ જીવનની કદરનો સવાલ કેમ ઊભો થયો?
૪ માનવ જીવનની શરૂઆતમાં જ યહોવાહે સ્પષ્ટ જણાવ્યું કે ‘જીવન પવિત્ર છે.’ તેથી, આપણે હંમેશાં જીવનની કદર કરીએ. પરંતુ, કાઈન તેના ભાઈ હાબેલ પર સખત ક્રોધે ભરાયો; વગર કારણે તેણે હાબેલને મારી નાખ્યો. શું એમ કરવાનો કાઈન પાસે હક્ક હતો? ના! ઈશ્વરે એવો હક્ક કોઈને આપ્યો ન હતો. તેથી યહોવાહે કાઈનને પૂછ્યું: “તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.” (ઉત્પત્તિ ૪:૧૦) નોંધ કરો કે હાબેલનું જમીન પર પડેલું લોહી જીવન રજૂ કરતું હતું, જે વગર કારણે લઈ લેવામાં આવ્યું. એનો બદલો લેવા એ લોહી ઈશ્વરને જાણે પોકાર કરતું હતું.—હેબ્રી ૧૨:૨૪.
૫. (ક) યહોવાહે નુહને શું ખાવા-પીવાની મનાઈ કરી અને એ આજ્ઞા કોને લાગુ પડે છે? (ખ) કયા અર્થમાં એ આજ્ઞા બહુ જ મહત્ત્વની હતી?
૫ એના થોડા સમય બાદ, આ ધરતી પર જળપ્રલય આવ્યો. એમાંથી ફક્ત આઠ ઈશ્વર ભક્તો બચી ગયા. તેઓથી નવી શરૂઆત થઈ. યહોવાહે તેઓને જણાવ્યું કે જીવન અને લોહી તેમની નજરમાં બહુ જ મૂલ્યવાન છે. ઈશ્વરે તેઓને જે કહ્યું એ સર્વ મનુષ્યોને લાગુ પડ્યું. યહોવાહે મનુષ્યોને કહ્યું: “પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે સારૂ ખોરાકને માટે થશે; લીલા શાકની પેઠે મેં તમને સઘળાં આપ્યાં છે. પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.” (ઉત્પત્તિ ૯:૩, ૪) જોકે, અમુક યહુદીઓએ એનો એવો અર્થ કાઢ્યો કે કોઈએ જીવતા પ્રાણીનું લોહી ન પીવું કે માંસ ન ખાવું. પરંતુ, ઈશ્વરે એમ કહ્યું ન હતું. યહોવાહે તો નુહને એવી આજ્ઞા આપી કે કોઈ પણ કારણે તેઓએ લોહી પીવું નહિ કે ખાવું નહિ. એ બતાવે છે કે યહોવાહની નજરમાં લોહી અતિ મૂલ્યવાન હતું. વળી, નુહને આપેલી એ આજ્ઞા, લોહીને લગતા યહોવાહના હેતુને ચીંધતી હતી, જેના દ્વારા લોકોને કાયમ માટે જીવવાની આશા મળવાની હતી.
૬. યહોવાહની નજરમાં જીવન અમૂલ્ય છે, એમ તેમણે નુહ દ્વારા કઈ રીતે જણાવ્યું?
૬ ઈશ્વરે આગળ કહ્યું: “તમારા જીવના રક્તનો બદલો હું ખચીત માગીશ; હરેક પશુની પાસેથી હું તે માગીશ; અને માણસની પાસેથી, એટલે હરેક માણસના ભાઈની પાસેથી માણસના જીવનો બદલો હું માગીશ. માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે; કેમકે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું.” (ઉત્પત્તિ ૯:૫, ૬) આ કલમો બતાવે છે કે યહોવાહની નજરે દરેક મનુષ્યના લોહીમાં જીવન છે. ઈશ્વર દરેકને જીવન આપે છે. તેથી કોઈની પાસે કોઈ મનુષ્યનું જીવન કે તેનું લોહી લેવાનો હક્ક નથી. કાઈનની જેમ જો કોઈ બીજાનું ખૂન કરે, તો ઈશ્વર એ ખૂનીનું જીવન ‘માગશે.’ એ તેમનો હક્ક છે!
૭. ઈશ્વરે નુહને લોહી વિષે જે કહ્યું એ આપણા માટે કેમ મહત્ત્વનું છે?
૭ આમ ઈશ્વરે મનુષ્યોને જણાવ્યું કે કદી લોહીનો મન ફાવે એમ ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે શા માટે એમ કહ્યું? તેમની નજરમાં લોહી કેમ અમૂલ્ય છે? ખરું કહીએ તો, બાઇબલનું એક સૌથી મહત્ત્વનું શિક્ષણ એના જવાબ પર આધારિત છે. એ શિક્ષણમાં ખ્રિસ્તીઓ માટે અતિ મહત્ત્વનો સંદેશો છે. તેમ છતાં પણ મોટા ભાગના ધર્મો એમાં માનતા જ નથી. એ કયું શિક્ષણ છે? એ તમારા માટે પણ કેમ બહુ મહત્ત્વનું છે?
લોહીનો યોગ્ય ઉપયોગ
૮. મુસાના નિયમમાં યહોવાહે લોહી વિષે શું કહ્યું?
૮ સદીઓ પછી યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલ પ્રજાને નિયમો આપ્યા. એ નિયમોમાં તેમણે લોહી વિષે વધારે જણાવ્યું. એ નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓએ અનાજ, તેલ અને દ્રાક્ષારસનું અર્પણ ચઢાવવાનું હતું. (લેવીય ૨:૧-૪; ૨૩:૧૩; ગણના ૧૫:૧-૫) એ ઉપરાંત પ્રાણીઓનાં અર્પણ પણ ચઢાવવાનાં હતાં. એના વિષે ઈશ્વરે કહ્યું: “શરીરનો જીવ રક્તમાં છે; અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે; કેમકે રક્તથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, કારણ કે તેમાં જીવ છે. એ માટે મેં ઇસ્રાએલપુત્રોને કહ્યું, કે તમારામાંનો કોઈ જન રક્ત ન ખાય.” યહોવાહે એ પણ જણાવ્યું કે જો કોઈ શિકાર કરે અથવા ખાવા માટે પ્રાણી કે પક્ષીને મારે, તો તેણે તેનું લોહી જમીન પર રેડીને દાટી દેવાનું હતું. પૃથ્વી ઈશ્વરનું પાયાસન છે. તેથી, લોહી જમીન પર રેડીને જાણે એ જીવન પાછું ઈશ્વરને આપી દેવાતું હતું.—લેવીય ૧૭:૧૧-૧૩; યશાયાહ ૬૬:૧.
૯. મુસાના નિયમ પ્રમાણે લોહીનો ઉપયોગ ફક્ત શાના માટે કરવામાં આવતો?
૯ એ નિયમ ફક્ત વિધિ માટે જ પાળવાનો ન હતો. એની પાછળ આપણા માટે પણ મહત્ત્વનો હેતુ હતો. યહોવાહે કહ્યું: “એ માટે મેં ઇસ્રાએલપુત્રોને કહ્યું, કે તમારામાંનો કોઈ જન રક્ત ન ખાય.” ઈશ્વરે કેમ તેઓને કોઈ પણ રીતે લોહી ખાવાની મનાઈ કરી હતી? ઈશ્વર કહે છે: “વેદી પર બલિદાન થઈને તે [રક્ત] તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે.” આ જણાવે છે કે ઈશ્વરે કેમ નુહને રક્ત ખાવા-પીવાની મનાઈ કરી હતી. યહોવાહ લોહીને અમૂલ્ય ગણે છે. તેથી, તે લોહીનો એક જ વાર એવી રીતે ઉપયોગ કરવાના હતા, જેનાથી અગણિત લોકોને પાપની માફી મળે. યહોવાહની નજરમાં રક્ત એટલું મહત્ત્વનું હોવાથી તેમણે મુસાને નિયમ આપ્યો, કે ઈસ્રાએલપુત્રો પોતાનાં પાપની માફી માટે વેદી પર લોહી રેડે. એમ કરીને તેઓ યહોવાહની કૃપા પામે.
૧૦. પ્રાણીઓના રક્તથી આપણાં પાપ કેમ ધોવાતા નથી? બલિદાનો લોકોને શું યાદ અપાવતા હતા?
૧૦ લોહીથી પાપોની માફી મળે છે. એ સાચા ખ્રિસ્તીઓ માટે નવું સત્ય ન હતું. પ્રેષિત પાઊલે પણ એના વિષે આમ લખ્યું: “નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.” (હેબ્રી ૯:૨૨) પાઊલે સ્પષ્ટ સમજાવ્યું કે ઈસ્રાએલીઓ મુસાના નિયમ પ્રમાણે બલિદાન ચઢાવતા હતા. પણ એનાથી તેઓનાં પાપ ધોવાઈ જતા ન હતા. તેમણે લખ્યું: “અત્યારની વ્યવસ્થા પ્રમાણે તો બલિદાનો લોકોને વર્ષોવર્ષ તેમનાં પાપની યાદ આપે છે. કારણ, બળદોનું અને બકરાંનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.” (હિબ્રૂ ૧૦:૧-૪, પ્રેમસંદેશ) તેમ છતાં એ બલિદાનો મહત્ત્વનાં હતાં. એ બલિદાનો ઈસ્રાએલીઓને યાદ કરાવતા કે તેઓ પાપી છે. તેથી, પાપના પંજામાંથી કાયમ માટે આઝાદ થવા અને પાપ ધોઈ નાખવા બીજા કશાકની જરૂર હતી. સવાલ થાય છે કે જો પ્રાણીઓનું રક્ત આપણાં પાપ ધોઈ ન શકે, તો કોના લોહીથી પાપો ધોવાઈ શકે?
ઈશ્વરે રસ્તો બતાવ્યો
૧૧. કઈ રીતે પ્રાણીઓનું લોહી આવનાર સારી બાબતો તરફ ચીંધતું હતું?
૧૧ મુસાનો નિયમ બતાવતો હતો કે પાપ ધોવાની એક જ રીત છે. એ છે ઈશ્વરની રીતે! પાઊલે પૂછ્યું: “તો પછી નિયમો શા માટે આપવામાં આવ્યા?” પછી તેમણે પોતે જ જવાબ આપ્યો: ‘આ નિયમો એટલા માટે આપવામાં આવ્યા કે ઈશ્વરના નિયમોનો ભંગ કરીને તેઓ દોષિત ઠરે છે એવું તેમને ભાન થાય. જે સંતાનને ઈશ્વરે વચન આપ્યું હતું તે સંતાન એટલે ખ્રિસ્તના આગમન સુધી જ નિયમની એ વ્યવસ્થા ચાલુ રહી. અને ઈશ્વરે પોતાના નિયમો દૂતો દ્વારા મોશેને આપ્યા.’ (ગલાતી ૩:૧૯, IBSI) પાઊલે આગળ લખ્યું: ‘નિયમશાસ્ત્ર મૂળ વસ્તુઓનો સંપૂર્ણ નમૂનો નથી. તે તો ફક્ત આવનાર સારી બાબતોની રૂપરેખા જ છે.’—હિબ્રૂ ૧૦:૧, પ્રેમસંદેશ.
૧૨. લોહી વિષે, આપણે કઈ રીતે ઈશ્વરનો હેતુ વધુ સારી રીતે સમજી શકીએ?
૧૨ આપણે અહીં સુધી શીખ્યા કે યહોવાહે નુહને આજ્ઞા આપી કે મનુષ્ય ખોરાક તરીકે પ્રાણી ખાઈ શકે. પણ એનું લોહી ખાવા-પીવાની તેમણે સખત મનાઈ કરી હતી. એના વર્ષો પછી ઈશ્વરે જણાવ્યું કે “શરીરનો જીવ રક્તમાં છે.” હા, ઈશ્વરે પોતે જણાવ્યું કે લોહીમાં જીવ છે. તેમણે કહ્યું: “વેદી પર બલિદાન થઈને તે [રક્ત] તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે.” સમય જતાં ઈશ્વરે પોતાના હેતુ વિષે વધારે પ્રકાશ પાડ્યો. નિયમો જણાવતા હતા કે સારી બાબતો આવનાર છે. એ સારી બાબતો કઈ છે?
૧૩. ઈસુનું મરણ શા માટે બહુ જ મહત્ત્વનું છે?
૧૩ જે સારી બાબતો આવવાની હતી, એનો આધાર ઈસુ ખ્રિસ્તના મરણ પર હતો. ઈસુને એક ગુનેગારની જેમ રિબાવીને મારી નાખવામાં આવ્યા. એ વિષે પાઊલે લખ્યું: ‘આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારૂ ખ્રિસ્ત મરણ પામ્યો. આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’ (રૂમી ૫:૬, ૮) ખ્રિસ્તીઓ પૂરા દિલથી માને છે કે ઈસુએ પોતાનો જીવ આપીને, આપણાં પાપોની માફી માટે ખંડણી અથવા મુક્તિદંડ ભર્યો. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬; ૧ કોરીંથી ૧૫:૩; ૧ તીમોથી ૨:૬) તો પછી મુક્તિદંડ અને લોહીને શું સંબંધ છે? એમાં કઈ રીતે આપણું જીવન સમાયેલું છે?
૧૪, ૧૫. (ક) કઈ રીતે અમુક બાઇબલો એફેસી ૧:૭માં ઈસુના મરણ પર ભાર મૂકે છે? (ખ) આપણે ધ્યાન ન રાખીએ તો એફેસી ૧:૭માં કયો મહત્ત્વનો મુદ્દો ચૂકી જઈ શકીએ?
૧૪ ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ ઈસુના મરણને જ મહત્ત્વ આપે છે. તેઓ કહે છે: “ઈસુએ મારા માટે જીવ આપી દીધો.” પરંતુ, અમુક બાઇબલમાં એફેસી ૧:૭ જે કહે છે એ નોંધ કરો: “ખ્રિસ્તના મરણથી આપણને મુક્ત કરવામાં આવ્યા છે અને આપણાં પાપ માફ થયાં છે.” (ટુડેઝ ઈંગ્લીશ વર્ઝન, ૧૯૬૬) “ખ્રિસ્તે પોતાનું બલિદાન આપીને આપણને મુક્ત કર્યા, મુક્તિ એટલે કે પાપોની માફી મળી.” (ધ ન્યૂ ટેસ્ટામેન્ટ, વિલ્યમ બાર્કલે, ૧૯૬૯) “ખ્રિસ્તના મરણ દ્વારા આપણને મુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે, આપણાં પાપ માફ કરવામાં આવ્યાં છે.” ( મદેશ, ૧૯૯૮-૯૯) “એ પુત્રના બલિદાનને કારણે આપણને મુક્તિ—પાપોની માફી પ્રાપ્ત થાય છે.” ( બાઇબલ, ૧૯૮૧) આમ, અમુક લોકો ઈસુના મરણ પર ભાર આપે છે. ઘણા કહેશે કે ‘ખરેખર, ઈસુનું મરણ જ મારા માટે સૌથી મહત્ત્વનું છે.’ જો એમ હોય તો, ઉપર જણાવેલા અનુવાદોમાં કંઈક ખૂટે છે.
૧૫ એમાંનું કોઈ એક બાઇબલ તમારી પાસે હોય તો, તમે મહત્ત્વનો મુદ્દો ચૂકી જઈ શકો. એ બાઇબલો પરથી આપણને જોવા મળે છે કે એમાં કંઈક ખૂટે છે. પણ શું ખૂટે છે? મૂળ ગ્રીક ભાષામાં એફેસી ૧:૭માં વાપરેલા શબ્દનો અર્થ “લોહી” થાય છે. જોકે મોટા ભાગના બાઇબલો મૂળ ગ્રીક બાઇબલની નજીક આવે છે. જેમ કે પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. કહે છે: “એના [ઈસુના] લોહી દ્વારા, તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.”
૧૬. “એના લોહી દ્વારા” એની પાછળ શું અર્થ રહેલો છે?
૧૬ ગુજરાતી ઓ.વી. બાઇબલ કહે છે કે, “એના લોહી દ્વારા” આપણને પાપોની માફી મળે છે. એ બતાવે છે કે આપણા માટે કોઈક મરણ પામે એટલું જ પૂરતું નથી, પછી ભલેને એ ઈસુ હોય. સદીઓ પહેલાં પાપોની માફી વિષે મુસાને નિયમ આપવામાં આવ્યો હતો. ઈસ્રાએલીઓ દર વર્ષે, એટલે પ્રાયશ્ચિત્ત દિવસે પાપોની માફી માટે નિયમ પ્રમાણે પ્રાણીઓનું બલિદાન ચડાવતા. એટલું જ નહિ, પ્રમુખ યાજક થોડું લોહી લઈને મંડપ કે મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં જતા. એ પરમ-પવિત્ર સ્થાનમાં જવું, એ જાણે યહોવાહની સામે જવા બરાબર હતું.—નિર્ગમન ૨૫:૨૨; લેવીય ૧૬:૨-૧૯.
૧૭. પ્રાયશ્ચિત્ત દિવસે પ્રમુખ યાજક જે કરતા એ જ ઈસુએ પણ કઈ રીતે કર્યું?
૧૭ પ્રાયશ્ચિત્ત દિવસે પ્રમુખ યાજક જે કરતા એ જ ઈસુએ પણ કર્યું હતું. કેવી રીતે? પાઊલે જણાવ્યું કે ઈસ્રાએલમાં વર્ષમાં એક વાર પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં “પોતાને સારૂ તથા લોકોના અજ્ઞાનતામાં કરેલા અપરાધને સારૂ અર્પણ” ચડાવતા. (હેબ્રી ૯:૬, ૭) એવી જ રીતે ઈસુ સજીવન થયા પછી સ્વર્ગમાં ગયા. ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો એના પહેલાં સ્વર્ગમાં તેમનું જેવું શરીર હતું, એવા જ રૂપમાં તે ‘આપણી સારૂ દેવની સમક્ષ હાજર થયા.’ તે સ્વર્ગમાં ખૂબ મહત્ત્વની બાબત લઈ ગયા હતા. પાઊલ સમજાવે છે: ‘ખ્રિસ્ત પ્રમુખ યાજક થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને સારૂ સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમકે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે; તો ખ્રિસ્ત, જેણે સનાતન આત્માથી પોતાનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારૂ નિર્જિવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?’ સાચે જ ઈસુએ પોતાના લોહીથી યહોવાહને અમૂલ્ય કિંમત ચૂકવી.—હેબ્રી ૯:૧૧-૧૪, ૨૪, ૨૮; ૧૦:૧૧-૧૪; ૧ પીતર ૩:૧૮.
૧૮. લોહી વિષે જે કહેવામાં આવ્યું છે એ આપણા સર્વ માટે કેમ ખૂબ મહત્ત્વનું છે?
૧૮ આપણે ઉપર જોઈ ગયા કે બાઇબલ લોહી વિષે શું જણાવે છે. લોહી વિષેનું આ સત્ય જાણીને, આપણે જોઈ શક્યા કે યહોવાહ ઇશ્વરની નજરમાં લોહી કેમ મૂલ્યવાન છે. એ પણ જોયું કે શા માટે આપણે લોહી વિષેના યહોવાહના નિયમ પાળવા જોઈએ. એવી જ રીતે જો તમે ગ્રીક શાસ્ત્રવચનો વાંચશો, તો વારંવાર ‘ખ્રિસ્તના રક્ત’ જેવા શબ્દો તમને જોવા મળશે. (બૉક્સ જુઓ.) એ સ્પષ્ટ બતાવે છે કે દરેક ખ્રિસ્તીએ ‘તેમના [ઈસુના] રક્તમાં’ વિશ્વાસ મૂકવો જોઈએ. (રૂમી ૩:૨૫) જો આપણને પાપોની માફી અને ઈશ્વરની કૃપા પામવી હોય, તો ‘તેમના [ઈસુના] વધસ્તંભના લોહીમાં’ વિશ્વાસ મૂકવો જોઈએ. તો જ આપણને પાપોની માફી મળી શકે. (કોલોસી ૧:૨૦) જેઓ સ્વર્ગમાં જવાના છે તેઓ માટે એ સૌથી મહત્ત્વનું છે, કારણ કે ઈસુએ ફક્ત તેઓ સાથે ખાસ કરાર કર્યો હતો. (લુક ૨૨:૨૦, ૨૮-૩૦; ૧ કોરીંથી ૧૧:૨૫; હેબ્રી ૧૩:૨૦) તેમ જ જેઓ “મોટી વિપત્તિમાંથી” બચીને પૃથ્વી પર કાયમ માટે રહેવાના છે, તેઓ માટે પણ એ એટલું જ મહત્ત્વનું છે. બીજા શબ્દોમાં કહીએ તો, ‘તેઓએ હલવાનના રક્તમાં પોતાનાં વસ્ત્ર ધોયાં છે.’—પ્રકટીકરણ ૭:૯, ૧૪.
૧૯, ૨૦. (ક) લોહી વિષે નિયમ આપવાનો હક્ક શા માટે યહોવાહને જ છે, એના વિષે તમને કેવું લાગે છે? (ખ) હવે આપણે એના વિષે શું જાણવું જ જોઈએ?
૧૯ આપણે જોયું તેમ ઈશ્વરની નજરમાં લોહી અતિ મૂલ્ય છે. એ આપણા માટે પણ એટલું જ મૂલ્યવાન હોવું જોઈએ. યહોવાહ મનુષ્યના સરજનહાર હોવાથી, તે આપણને ખૂબ જ ચાહે છે. તેથી લોહીનો કેવો ઉપયોગ કરવો જોઈએ, એ નક્કી કરવાનો તેમનો હક્ક છે. એ કારણથી તેમને લોહીનો એવી રીતે ઉપયોગ કરવો છે કે આપણે કાયમ જીવી શકીએ. એમ કરવા યહોવાહે ઈસુનું અમૂલ્ય લોહી વહેવડાવી દીધું. એ માટે આપણે શું તેમનો ઉપકાર ન માનવો જોઈએ? એવી જ રીતે ઈસુએ આપણા માટે પોતાનું બલિદાન આપ્યું. આપણે તેમની પણ કેટલી કદર કરીએ છીએ! ઈસુનો ઉપકાર માનીને આપણે પ્રેષિત યોહાન સાથે સહમત થઈશું: “તેના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા; અને દેવ એટલે પોતાના પિતાને સારૂ આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું; તેને મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હોજો. આમેન.”—પ્રકટીકરણ ૧:૫, ૬.
૨૦ યહોવાહ આપણા સરજનહાર છે. તે સદીઓથી જાણે છે કે કેવી રીતે આપણને પાપથી મુક્ત કરવા. તેથી આપણને સવાલ થઈ શકે કે ‘એની મારા જીવન પર, મારા નિર્ણયો પર કેવી અસર પડવી જોઈએ? આપણે હવે પછીના લેખમાં એની વાત કરીશું.
આપણે શું શીખ્યા?
• હાબેલ અને નુહના અનુભવ પરથી લોહી વિષે ઈશ્વરના કયા વિચારો આપણે શીખી શકીએ છીએ?
• ઈશ્વરે મુસાને આપેલા નિયમમાં લોહી વિષે શું કહ્યું અને શા માટે?
• પ્રાયશ્ચિત્ત દિવસે પ્રમુખ યાજક જે કરતા એ જ ઈસુએ પણ કઈ રીતે કર્યું?
• ઈસુનું લોહી કઈ રીતે આપણું જીવન બચાવી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]
કોનું લોહી જીવન બચાવી શકે?
“તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.
“આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!”—રૂમી ૫:૯.
‘તમે ઈશ્વર અને આશા વગરના હતા. હવે તો તમે ખ્રિસ્તના છો. એક વખતે તમે ઈશ્વરથી દૂર હતા. પણ ખ્રિસ્તે તમારે માટે પોતાનું લોહી વહેવડાવ્યું છે તેને લીધે હવે તમને ઈશ્વરની વધુ નજદીક લાવવામાં આવ્યા છે.’—એફેસી ૨:૧૨, ૧૩, IBSI.
“તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એમ બાપને [ઈશ્વરને] પસંદ પડ્યું; અને તેના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેની મારફતે તે પોતાની સાથે સઘળાંનું સમાધાન કરાવે.”—કોલોસી ૧:૧૯, ૨૦.
“પ્રિય ભાઈઓ, ઈસુના લોહી દ્વારા હવેથી આપણે સીધા જ ઈશ્વરની હજૂરમાં પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ.”—હિબ્રૂ ૧૦:૧૯, IBSI.
‘તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતાં આવેલાં અવરથા આચરણથી વિનાશી વસ્તુઓ વડે નહિ; પણ ખ્રિસ્ત, જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે.’—૧ પીતર ૧:૧૮, ૧૯.
“જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.”—૧ યોહાન ૧:૭.
“તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે; કેમકે તને મારી નાખવામાં આવ્યો હતો, ને તેં તારા રક્તથી દેવને સારૂ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે.”—પ્રકટીકરણ ૫:૯.
‘અમારા ભાઈઓ પર દોષ મૂકનારને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે.’—પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૧.
[પાન ૧૬ પર ચિત્ર]
મુસાને આપેલા નિયમોમાં ઈશ્વરે જણાવ્યું કે પાપોની માફી માટે લોહી મહત્ત્વનું છે
[પાન ૧૭ પર ચિત્ર]
ઈસુના લોહી દ્વારા ઘણા લોકો બચી શકે છે