એહૂદ જુલમીની ઝૂંસરી તોડે છે
એહૂદ જુલમીની ઝૂંસરી તોડે છે
આ કંઈક ૩,૦૦૦ વર્ષો પહેલાનો બનાવ છે. આ હિંમત અને ચાલાકીનો સાચો બનાવ બાઇબલ જણાવે છે. “ઈસ્રાએલપુત્રોએ યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું; અને યહોવાહે મોઆબના રાજા એગ્લોનને ઈસ્રાએલની સામે બળવાન કર્યો, કેમકે યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું હતું. અને તેણે આમ્મોનીઓને તથા અમાલેકીઓને પોતાની સાથે એકઠા કર્યા; અને તેણે જઈને ઈસ્રાએલીઓને માર્યા, ને તેઓએ ખજૂરીઓનું નગર જીતી લીધું. એમ ઈસ્રાએલપુત્રોએ અઢાર વર્ષ લગી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.”—ન્યાયાધીશો ૩:૧૨-૧૪.
મોઆબીઓનો વિસ્તાર યરદન નદીની પૂર્વથી માંડીને મૃત સરોવર સુધીનો હતો. પરંતુ, તેઓ આ નદી પાર કરીને “ખજૂરીઓના નગર” યરેખો નજીકના વિસ્તારમાં ઘૂસી જઈને ઈસ્રાએલીઓ પાસે ગુલામી કરાવતા હતા. (પુનર્નિયમ ૩૪:૩) મોઆબનો રાજા એગ્લોન “શરીરે બહુ પુષ્ટ” હતો. (ન્યાયાધીશો ૩:૧૭) તેણે લગભગ ૨૦ વર્ષ સુધી ઈસ્રાએલીઓને હેરાન કર્યા. પરંતુ તેણે ખંડણી એટલે કે નજરાણાની માંગણી કરી ત્યારે, તેઓને એ રાજાના પંજામાંથી છટકવાની તક મળી.
અહેવાલ આગળ બતાવે છે: “ઈસ્રાએલપુત્રોએ યહોવાહને પોકાર કર્યો, ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોડીયો માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાહે ઊભો કર્યો; અને ઈસ્રાએલપુત્રોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું.” (ન્યાયાધીશો ૩:૧૫) યહોવાહે એવી ગોઠવણ કરી કે નજરાણું આપતા સમયે એહૂદ પણ ત્યાં હોય. તે પહેલા આ રીતે નજરાણું લઈ ગયો હશે કે કેમ, એ વિષે કંઈ ખબર નથી. પરંતુ, એહૂદે સમજી-વિચારીને એગ્લોનને મળવાની તૈયારી કરી અને જોરદાર યુક્તિ ઘડી. એ બતાવે છે કે એહૂદ એગ્લોનના મહેલથી કંઈક અંશે પરિચિત હતો. એહૂદ ડાબોડી હતો એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે.
અપંગ કે શૂરવીર?
હેબ્રી ભાષામાં “ડાબોડી” શબ્દનો અર્થ થાય કે ‘જેનો જમણો હાથ કામ નથી કરતો, લૂલો અથવા બાંધેલો.’ તો શું એહૂદ અપંગ હતો કે તેના જમણા હાથમાં કંઈ ખોટ હતી? બિન્યામીન કૂળમાંથી “ચૂંટી કાઢેલા સાતસો” માણસો ડાબોડી હતા. બાઇબલ તેઓ વિષે ન્યાયાધીશો ૨૦:૧૬માં કહે છે: “તેઓનું નિશાન એક દોરાવાર પણ આઘુંપાછું ન થાય.” (IBSI) એટલે તેઓને યુદ્ધ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કેટલાક બાઇબલના સ્કૉલરો પ્રમાણે, “પોતાના જમણા અને ડાબા હાથનો ઉપયોગ કરનારને ડાબોડી” કહેવામાં આવે છે.—ન્યાયાધીશો ૩:૧૫.
બિન્યામીન કુળના માણસો મોટા ભાગે ડાબોડી હતા. બિન્યામીનના લોકો વિષે ૧ કાળવૃત્તાંત ૧૨:૧, ૨ કહે છે, તેઓ “સર્વ નિષ્ણાત તીરંદાજો અને ગોફણ ચલાવનારા હતા. તેઓ ડાબા અને જમણા બંને હાથોનો ઉપયોગ નિપુણતાથી કરી શકતા હતા.” એક પુસ્તક કહે છે કે આ કળા શીખવવા માટે તેઓ “નાના બાળકોનો જમણો હાથ બાંધી દઈને પછી ડાબા હાથથી કામ કરવાનું શીખવતા હોય.” એટલા માટે ઈસ્રાએલીઓના દુશ્મનોને મોટા ભાગે ડાબા હાથનો ઉપયોગ કરનારનો સામનો કરવાની તાલીમ આપવામાં આવતી હતી. પરંતુ, અચાનક જમણા હાથવાળા લડાઈમાં સામે આવતા ત્યારે, તેઓની બધી મહેનત પર પાણી ફરી વળતું હતું.
રાજા માટે “ગુપ્ત વાત”
પહેલા તો એહૂદે એક હાથનું નાનકડું, બેધારી ખંજર બનાવ્યું. એને તેના કપડાંની અંદર સંતાડી દીધું. જો તેની કદાચ તપાસ લેવામાં આવે, તોપણ હાથ ન આવે. તલવારને સામાન્ય રીતે શરીરની ડાબી બાજુ લટકાવવામાં આવતી, જેથી જમણા હાથેથી ઝડપથી કાઢી શકાય. એહૂદ ડાબોડીયો હતો, એટલે “વસ્ત્રની તળે કમરની જમણી બાજૂએ તેણે તે લટકાવી.” આ જગ્યાએ રાજાના ચોકીદારો ભાગ્યે જ તપાસતા. તેથી, કોઈ પણ પ્રકારના નડતર વગર “તેણે મોઆબના રાજા એગ્લાનને નજરાણું કર્યું.”—ન્યાયાધીશો ૩:૧૬, ૧૭.
રાજા એગ્લોનના દરબારમાં એહૂદ સાથે થયેલી મુલાકાતમાં શું બન્યું, એ બધી માહિતી આપવામાં આવી નથી. પણ બાઇબલ એટલું જણાવે છે: “નજરાણું કર્યા પછી, તેણે નજરાણું ઊંચકી લાવનાર લોકોને વિદાય કર્યા.” (ન્યાયાધીશો ૩:૧૮) એહૂદ નજરાણું લાવનારાઓને એગ્લોન રાજાના મહેલની બહાર દૂર સુધી વિદાય આપીને મહેલમાં પાછો આવ્યો. તે પાછો શા માટે આવ્યો? શું તે માણસોને પોતાની સાથે સલામતી માટે લાવ્યો હતો કે પછી એવો રિવાજ હતો? કે પછી તેઓને ફક્ત નજરાણું ઉઠાવવા જ લાવ્યો હતો? તે તેઓ સાથે થોડી દૂર શા માટે ગયો? શું તે તેઓને સહી-સલામત બહાર પહોંચાડવા માંગતો હતો? ભલે ગમે તે કારણ હોય, પણ એહૂદે બહાદુરીથી એકલાએ જ મહેલમાં પગ મૂક્યો.
“તેણે કહ્યું, હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે.” તે કઈ રીતે રાજા પાસે લઈ જવાયો એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. શું ચોકીદારોએ તેના પર શંકા નહિ કરી હોય? શું તેઓએ એવું વિચાર્યું હશે કે એક ઈસ્રાએલી પોતાના માલિકનું શું બગાડી લેવાનો છે? શું એહૂદ એકલો પાછો આવ્યો, એટલે તે તેના લોકો સાથે ગદ્દારી કરી રહ્યો હતો, એમ લાગ્યું હશે? ગમે એમ તોપણ, એહૂદે રાજા સાથે ખાનગીમાં વાત કરવાની રજા માંગી, એ તેને મળી.—ન્યાયાધીશો ૩:૧૯.
બાઇબલ આગળ બતાવે છે: “એહૂદ [એગ્લાન] પાસે ગયો; તે પોતાની શીતળ ઓરડીમાં એકલો બેઠો હતો. અને એહૂદે તેને કહ્યું, હું દેવ તરફથી તારે વાસ્તે કંઇ સંદેશો લાવ્યો છું.” એહૂદ કોઈ બીજા સંદેશાની વાત કરતો ન હતો. એહૂદે તો ખંજરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. રાજા એગ્લાનને એમ કે તેના દેવ કમોશ પાસેથી સંદેશો આવ્યો હશે, એમ સમજીને તે “પોતાના આસન પરથી ઊઠ્યો.” તરત જ એહૂદે એક જ ઝાટકામાં પોતાનું ખંજર એગ્લાનના પેટમાં ભોંકી દીધું. જોકે, ખંજર આખું સીધું લોઢાનું જ હતું, એને લાકડાના હાથા જેવું કંઈ હતું જ નહિ. આથી, આખું ખંજર ‘અંદર પેસી ગયું; અને આસપાસ ચરબી ઠરી રહી . . . અને તે પછવાડે ફૂટી નીકળી.’ ક્યાં તો એગ્લાનને ખંજરના ઘાને કારણે ચરબી આરપાર ફૂટી નીકળી હોય શકે અથવા તો ડરનો માર્યો તેને ઝાડો થઈ ગયો હોય શકે.—ન્યાયાધીશો ૩:૨૦-૨૨.
વાળ પણ વાંકો ન થયો
ખંજર લેવા રોકાવાને બદલે, “એહૂદ દેવડીમાં ગયો, ને તેણે દીવાનખાનાનાં બારણાં પાછાં બંધ કરીને તેને કળ દીધી. હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા; અને તેઓએ જોયું, તો જુઓ, દીવાનખાનાનાં બારણાંને કળ દીધેલી હતી; અને તેઓએ કહ્યું, કે બેશક શીતળ ઓરડીમાં તે પોતાના પગ ઢાંકતો હશે.”—ન્યાયાધીશો ૩:૨૩, ૨૪.
એહૂદ ભાગી નીકળ્યો હતો એ ‘દેવડી’ શું છે? એક પુસ્તક બતાવે છે, “[એના માટે જે હેબ્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે] એનો કોઈ ખાસ અર્થ નીકળતો નથી. પરંતુ એમ સૂચવવામાં આવે છે કે એ બારી હોય શકે.” શું એહૂદ દરવાજો બંધ કરીને બીજા રસ્તેથી નીકળી ગયો? કે પછી મરણ પામેલા રાજા પાસેથી ચાવી લઈને બહાર નીકળીને તાળુ માર્યું હતું? ન્યાયાધીશો ૩:૨૩, ૨૪.
ત્યાર પછી જાણે કંઈ જ બન્યું ન હોય એ રીતે ત્યાંથી સરકી ગયો કે કેમ? એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. ભલે એહૂદે ગમે તે કર્યું હોય, પણ એગ્લોનના ચાકરોને દરવાજો બંધ જોયા છતાં કંઈ શક ગયો નહિ કે કંઈ ગરબડ છે. તેઓએ વિચાર્યું કે રાજા “પોતાના પગ ઢાંકતો હશે.”—રાજાના સેવકો રાહ જોતા હતા એવામાં એહૂદ ત્યાંથી નાસી ગયો. ત્યાર પછી તેણે પોતાના મુલકના લોકોને આદેશ આપતા કહ્યું: “મારી પાછળ આવો; કેમકે યહોવાહે તમારા વેરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા છે.” એહૂદના માણસોએ યરદનના મુખ્ય ઘાટીઓ પર કબજો જમાવીને, રાજા વિનાના મોઆબીઓ માટે પોતાના વતનમાં ભાગવાના બધા જ રસ્તા બંધ કરી દીધા. આમ, “તે વેળાએ [ઈસ્રાએલીઓએ] મોઆબના આસરે દશ હજાર પુરુષોને માર્યા, એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષોને; એક પણ પુરુષ બચી ગયો નહિ. એમ તે દહાડે મોઆબ ઈસ્રાએલને તાબે કરાયો. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.”—ન્યાયાધીશો ૩:૨૫-૩૦.
આપણા માટે બોધપાઠ
એહૂદના સમયમાં જે બન્યું એ આપણને શીખવે છે કે જો આપણે યહોવાહની નજરમાં ખરાબ કામ કરીએ તો ભયંકર પરિણામો આવે છે. પરંતુ, જે લોકો પસ્તાવો કરે છે, તેઓને યહોવાહ મદદ કરે છે.
એહૂદની યોજના પાછળ શું હતું? શું તે ચાલાક હતો? શું તે ડરપોક હતો? ના એની પાછળ તો ઈશ્વરનો હાથ હતો. પરમેશ્વરે માણસો પર કંઈ આધાર રાખવો પડતો નથી. પરંતુ એહૂદની સફળતાનું મુખ્ય કારણ એ હતું કે તેણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાના લોકોને છોડાવવાનો પ્રયત્ન કર્યો. જેના લીધે પરમેશ્વર તેની સાથે હતા. પરમેશ્વરે એહૂદને ઊભો કર્યો, “જ્યારે યહોવાહ [પોતાના લોકોને] સારૂ ન્યાયાધીશો ઊભા કરતો હતો, ત્યારે યહોવાહ તે ન્યાયાધીશની સાથે રહેતો હતો.”—ન્યાયાધીશો ૨:૧૮; ૩:૧૫.