યહોવાહે નાનપણથી જ મને શીખવ્યું
મારો અનુભવ
યહોવાહે નાનપણથી જ મને શીખવ્યું
રીચર્ડ એબ્રાહેમસનના જણાવ્યા પ્રમાણે
“હે દેવ, મારી જુવાનીથી તેં મને શીખવ્યું છે; તેમ હું તારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.” ગીતશાસ્ત્ર ૭૧:૧૭ના શબ્દો મારા માટે ખાસ મહત્ત્વના છે. શા માટે? ચાલો એ વિષે હું તમને જણાવું.
મારી મમ્મી ફેની એબ્રાહેમસન યહોવાહના સાક્ષીઓને ૧૯૨૪માં મળી. એ વખતે હું એક જ વર્ષનો હતો. મારી મમ્મી બાઇબલમાંથી જે શીખતી હતી તે અમારા પડોશીઓને જણાવતી. તેમ જ, મને અને મારા મોટા ભાઈબહેનોને પણ એ શીખવતી હતી. અરે હું લખતા-વાંચતા શીખું એ પહેલાં તેણે મને પરમેશ્વરના રાજ્યના આશીર્વાદો વિષેની ઘણી કલમો મોઢે કરવા મદદ કરી.
મારો જન્મ અમેરિકાના ઑરીગન, લા ગ્રોન્ડ, શહેરમાં થયો હતો. મારો ઉછેર પણ ત્યાં જ થયો. ત્યાં ૧૯૨૦ના દાયકાના અંતે બાઇબલ વિદ્યાર્થીઓનું નાનું જૂથ હતું, એમાં ફક્ત થોડી બહેનો અને બાળકો હતા. જોકે અમે દૂર ગામડામાં રહેતા હતા પણ પ્રીલગ્રીમ, એટલે કે સરકીટ કે ડિસ્ટ્રીક્ટ ઓવર્સિયર વર્ષમાં એક કે બે વાર અમારી મુલાકાત લેતા હતા. શીયલ્ડ ટુટજીયન, જીન ઓરેલ અને જોન બુથ અમારી મુલાકાતે આવતા હતા. તેઓ ઉત્તેજન ભરી ટોક આપીને અમારી સાથે ઘર ઘરના સેવાકાર્યમાં આવતા. તેમ જ તેઓ બાળકોને બહુ પ્રેમ કરતા હતા.
વર્ષ ૧૯૩૧માં કોલ્મબસ, ઓહાયોમાં સંમેલન હતું ત્યારે, બાઇબલ વિદ્યાર્થીઓએ યહોવાહના સાક્ષીઓ નામ સ્વીકાર્યું. પરંતુ, આ સંમેલનમાં અમારા ગ્રૂપમાંથી કોઈ પણ જઈ શક્યું નહિ. તેથી, કંપની એટલે કે મંડળો અને એ સંમેલનમાં ગયા ન હતા એ બીજા ગ્રૂપોએ ઑગષ્ટમાં સ્થાનિક રીતે ભેગા મળીને એ નામ વાપરવાનું વચન લીધું. લા ગ્રોન્ડના અમારા નાના ગ્રૂપે પણ એમ કર્યું. પછી, ૧૯૩૩માં ધ ક્રાઈસીસ નામની નાની પુસ્તિકા પ્રચારમાં આપવાની ઝુંબેશ હતી. મને યાદ છે કે મેં બાઇબલની રજૂઆત મોઢે કરીને ઘર ઘરના પ્રચાર કાર્યમાં પહેલી વાર એકલા સાક્ષી આપી હતી.
અમારા પ્રચાર કામ પર ૧૯૩૦ના દાયકામાં ભારે વિરોધ આવ્યો. વિરોધનો સામનો કરવા મંડળો ભેગા થઈને નાના સંમેલનો ભરતા. તેમ જ ભેગા થઈને વર્ષમાં એક કે બે વાર કોઈ પણ વિસ્તારમાં પ્રચાર કાર્યની ઝુંબેશ કરવા જતા. આ સંમેલનોમાં અમને પ્રચાર કરવાની રીતો શીખવવામાં આવતી. તેમ જ, પ્રચાર કામમાં પોલીસ વાંધો ઉઠાવે તો, કઈ રીતે માનથી તેમને જવાબ આપવો એ વિષે પણ શીખવવામાં આવતું. સાક્ષીઓને વારંવાર પોલીસ અધિકારી કે કોર્ટમાં લઈ જવામાં આવતા હતા. તેથી અમે ઑર્ડર ઑફ ટ્રાયલ નામની પત્રિકામાંથી સૂચનાઓને યાદ કરતા. એ પત્રિકામાં સમજાવ્યું હતું કે પોલીસને કે કોર્ટમાં કઈ રીતે જવાબ આપવો. એ અમને સતાવણીનો સામનો કરવા મદદ કરતું હતું.
સત્યના માર્ગમાં મારું પહેલું પગલું
સત્ય અને પરમેશ્વરના રાજ્ય વિષે મારી સમજણ વધતી ગઈ. તેમ જ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા મારા દિલને અસર કરી ગઈ હતી. એ સમયે વ્યક્તિ અભિષિક્ત ખ્રિસ્તી ન હોય તો બાપ્તિસ્મા લેવું જરૂરી ન હતું. (પ્રકટીકરણ ૫:૧૦; ૧૪:૧, ૩) તોપણ, મને કહેવામાં આવ્યું કે જો મેં યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાનું નક્કી કર્યું જ હોય તો, હું બાપ્તિસ્મા લઉં એ સારું થશે. તેથી મેં ઑગસ્ટ, ૧૯૩૩માં બાપ્તિસ્મા લીધું.
હું બાર વર્ષનો હતો ત્યારે મારા ટીચરને લાગ્યું કે મારામાં જાહેરમાં બોલવાની છટા સારી છે. તેથી તેમણે મારી મમ્મીને કહ્યું કે મને વધારે તાલીમ આપવા માટે કંઈક ગોઠવણ કરે. મારી મમ્મીએ વિચાર્યું કે એ તાલીમથી હું વધારે સારી રીતે યહોવાહની સેવા કરી શકીશ. તેથી, છટાથી બોલવાની કળા શીખવવા મારી મમ્મીએ એક શિક્ષકને શોધ્યા. અમારી પાસે પૈસા ન હોવાથી મમ્મી મારા શિક્ષકના કપડાં ધોતી. આ તાલીમથી મને મારા સેવાકાર્યમાં ઘણી મદદ મળી. હું ૧૪ વર્ષનો હતો ત્યારે રુમાટીક તાવ આવ્યો જેને કારણે હું લગભગ એક વર્ષ સ્કૂલમાં ગયો ન હતો.
વોરન હેન્શલ પૂરા સમયના પાયોનિયર હતા. તે ૧૯૩૯માં અમારા વિસ્તારમાં આવ્યા. * તે મારા મોટા ભાઈ જેવા હતા અને તે મને પ્રચારમાં પણ તેમની સાથે લઈ જતા. તેમણે મને વેકેસન સમયમાં પાયોનિયરીંગ કરવા ઉત્તેજન આપ્યું. એ થોડા સમય માટે પૂરા સમયનું સેવાકાર્ય કરવા જેવું હતું. એ ઉનાળામાં અમારું નાનું ગ્રૂપ એક મંડળ થયું. એમાં ભાઈ વોરન પ્રમુખ નિરીક્ષક હતા. હું ચોકીબુરજ અભ્યાસ સંચાલક હતો. પછીથી ભાઈ વોરનને ન્યૂ યોર્કના બેથેલમાં બોલાવવામાં આવ્યા. તેથી, તેમના ગયા પછી મને પ્રમુખ નિરીક્ષક બનાવામાં આવ્યો.
પૂરા સમયનું સેવાકાર્ય શરૂ કરવું
પ્રમુખ નિરીક્ષક તરીકે કામ કરવાને લીધે મારી જવાબદારીમાં ઘણો વધારો થયો. એ જવાબદારીએ નિયમિત પાયોનિયરીંગ કરવાની મારી ઇચ્છાને વધારી. તેથી, મેં હાઈસ્કૂલનું ત્રીજું વર્ષ પૂરું કર્યા પછી ૧૭ વર્ષની ઉંમરે સપ્ટેમ્બર ૧, ૧૯૪૦માં પાયોનિયરીંગ શરૂ કર્યું. મારા પપ્પા સાક્ષી ન હતા, પરંતુ તે બહુ સારા અને ભલા માણસ હતા. તે ઇચ્છતા હતા કે હું સ્કૂલ પછી કૉલેજમાં જઉં. તેથી તેમણે મને કહ્યું કે તારે જે કરવું હોય એ કર, પરંતુ પહેલાં તું તારા પગ પર ઊભો રહે.
મેં પાયોનિયરીંગ કરવા માટે ઘર છોડ્યું ત્યારે, મારી નીતિવચનો ૩:૫, ૬ વંચાવી. એ કલમ કહે છે, “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” ખરેખર, મેં મારું જીવન યહોવાહના હાથમાં છોડી દીધું અને તે હંમેશાં મને મદદ કરતા આવ્યા છે.
મમ્મીએ મનેથોડા સમયમાં હું વોશિંગ્ટનના ઉત્તર-મધ્યમાં જો અને માર્ગરેટ હાર્ટ સાથે પ્રચાર કાર્યમાં જોડાયો. અમારા પ્રચાર વિસ્તારમાં ઢોરઢાંકના તબેલા, અમેરિકન ઇન્ડિયનનાં ગામડાં અને બીજા ઘણાં નાનાં નાનાં ગામડાઓ હતાં. વર્ષ ૧૯૪૧ની વસંતઋતુમાં મને વોશિંગ્ટનના વેનાચી મંડળમાં પ્રમુખ નિરીક્ષક તરીકે જવાબદારી મળી.
વોશિંગ્ટનના વાલા શહેરમાં એક વખત સંમેલન હતું. હું આ સંમેલનમાં એટેન્ડન્ટ હતો. હું સંમેલનમાં આવનારાઓને આવકારતો હતો. પરંતુ, મેં જોયું કે લાઉડ સ્પીકર સીસ્ટમમાં કામ કરતા એક યુવાન ભાઈ કંઈક મથામણ કરી રહ્યા હતા. તેથી મેં તેમને કહ્યું, તમે મારું કામ કરો અને હું તમારું કામ કરીશ. પછી સરકીટ ઓવર્સિયર આલ્બર્ટ હોફમાને જોયું કે હું મારું કામ છોડીને બીજું કંઈક કરતો હતો. તેથી તેમણે મને પ્રેમથી સલાહ આપી કે જે કામ સોંપવામાં આવ્યું હોય એ છોડીને બીજા કામે વળગવું જોઈએ નહિ. આ સલાહ મને હજુ પણ યાદ છે.
ઑગસ્ટ, ૧૯૪૧માં સેન્ટ લુઈ મીસુરીમાં યહોવાહના સાક્ષીઓએ મોટું સંમેલન ભરવાની યોજના કરી. જો અને માર્ગરેટ હાર્ટે પોતાના ટ્રક પર છાપરા જેવું બનાવ્યું અને અંદર બેન્ચીસ મૂકી દીધી. અમે નવ પાયોનિયરો ૨,૪૦૦ કિલોમીટર મુસાફરી કરીને સેન્ટ લુઈ સંમેલનમાં ગયા. જોકે સંમેલનમાં જતા-આવતા બે અઠવાડિયાં લાગ્યા. પરંતુ, અમને સંમેલનમાં ઘણું ઉત્તેજન મળ્યું. પોલીસના કહેવા પ્રમાણે સંમેલનમાં અંદાજે ૧,૧૫,૦૦૦ લોકો આવ્યા હતા. એમાં ઓછામાં ઓછા ૬૫,૦૦૦ સાક્ષીઓ આવ્યા હશે, કેમ કે એ સમયે અમેરિકામાં લગભગ એટલા જ સાક્ષીઓ હતા.
બ્રુકલિન બેથેલમાં મારી સેવા
વેનાચીમાં આવ્યા પછી મને બ્રુકલિન બેથેલમાં બોલાવવામાં આવ્યો. હું ઑક્ટોબર ૨૭, ૧૯૪૧ના બેથેલમાં ગયો. એ દિવસે મને ફેક્ટરીના ઓવર્સિયર નાથાન એચ. નૉરની ઑફિસમાં લઈ જવામાં આવ્યો. તેમણે મને પ્રેમથી સમજાવ્યું કે બેથેલમાં અને જીવનમાં સફળતા મેળવવા યહોવાહને વળગી રહો. પછી મને શીપીંગ વિભાગમાં લઈ જવામાં આવ્યો. ત્યાં મને સાહિત્યો ભરેલાં ખોખાઓનું પેકિંગ કામ સોંપવામાં આવ્યું.
જોસફ રધરફર્ડ યહોવાહના સાક્ષીઓની જગતવ્યાપી સંસ્થાના પ્રમુખ હતા. તે જાન્યુઆરી ૮, ૧૯૪૨માં મરણ પામ્યા. પાંચ દિવસ પછી ભાઈ નૉરને સંસ્થાના પ્રમુખ બનાવવામાં આવ્યા. ડબલ્યુ ઈ. વાન એમબર્ગ લાંબા સમયથી સંસ્થાના ટ્રેઝરી સેક્રેટરી હતા. તેમણે બેથેલ કુટુંબને આ વિષે જાહેરાત કરી: ‘મને યાદ છે કે સી.ટી. રસેલ ૧૯૧૬માં મરણ પામ્યા ત્યારે, તેમની જગ્યાએ જોસફ રધરફર્ડ પ્રમુખ બન્યા હતા. હવે તેમના પછી ભાઈ નૉર આ જવાબદારી ઉપાડે છે. મને પૂરી ખાતરી છે કે યહોવાહે આ ભાઈઓને માર્ગદર્શન આપ્યું
તેમ ભાઈ નૉરને પણ આપશે. કેમ કે આ માણસોનું નહિ પણ ઈશ્વરનું કામ છે.’ફેબ્રુઆરી ૧૯૪૨માં જાહેરાત કરવામાં આવી કે “પરમેશ્વરની સેવામાં આગળ વધવા માટેના કોર્સની” શરૂઆત કરવામાં આવશે. આ કોર્સે બેથેલના ભાઈઓને બાઇબલના વિષયો પર સંશોધન કરવા મદદ કરી. તેમ જ એ માહિતીને સારી રીતે રજૂ કરવા મદદ કરી. નાનપણમાં ટોક આપવાની મેં જે તાલીમ લીધી હતી એ કારણે આ કોર્સમાં મેં એકદમ જલદી પ્રગતિ કરી.
જલદી જ મને સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ સોંપવામાં આવ્યું. એમાં અમેરિકાના સાક્ષીઓના સેવાકાર્યની દેખરેખ રાખવાની હતી. એ વર્ષના અંતે મંડળોની મુલાકાત લેવાનો કાર્યક્રમ ફરીથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સમય જતા મંડળોની મુલાકાત લેતા ભાઈઓ સરકીટ ઓવર્સિયર તરીકે ઓળખાવા લાગ્યા. આ ભાઈઓને તાલીમ આપવા માટે બેથેલમાં ૧૯૪૨ના ઉનાળા દરમિયાન એક કોર્સની ગોઠવણ કરવામાં આવી. એ તાલીમ લેવાનો મને પણ લહાવો મળ્યો. મને યાદ છે કે અમારા શિક્ષકોમાં ભાઈ નૉર પણ હતા. તેમણે આ મુદ્દા પર ભાર મૂક્યો હતો: “ક્યારેય માણસોને ખુશ કરશો નહિ. કેમ કે, તમે કોઈ માણસને ખુશ કરી શકશો નહિ. પરંતુ, જો તમે યહોવાહને ખુશ કરશો તો, યહોવાહને ચાહનારા સર્વ લોકોને ખુશ કરી શકશો.”
સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવર્સિયરની શરૂઆત ઑક્ટોબર ૧૯૪૨થી થઈ. બેથેલમાંથી અમારામાંના ઘણા અમુક અઠવાડિયાંના અંતે ન્યૂ યૉર્ક સીટીમાં ૪૦૦ કિલોમીટર સુધીના મંડળોની મુલાકાત લેતા હતા. અમે મંડળોના પ્રચાર કાર્ય અને મિટિંગની હાજરી પર લખેલા રિપોર્ટ તપાસતા. વડીલો સાથે મિટિંગ ભરીને વાત કરતા. પછી એક કે બે ટોક આપીને ભાઈ બહેનો સાથે પ્રચારમાં કામ પણ કરતા.
વર્ષ ૧૯૪૪માં સર્વિસ ડિપાર્ટમેન્ટમાંથી અમુકને છ મહિના માટે મંડળોની મુલાકાત લેવા મોકલવામાં આવ્યા. મને પણ એ લહાવો મળ્યો. મેં ડેલાવેર, મેરીલેન્ડ, પેન્સિલ્વેનિયા અને વર્જિનિયા મંડળોની મુલાકાત લીધી. પછી થોડા મહિના માટે મેં કોનેટીક્ટ, માસાચુસીટ્સ અને રોડ આઈલ્ડના મંડળોની પણ મુલાકાત લીધી. બેથેલમાં પાછા ફર્યા પછી હું અડધો દિવસ ભાઈ નૉર અને તેમના સેક્રેટરી મિલ્ટન હેન્શલ સાથે ઑફિસમાં કામ કરતો હતો. ત્યાં મને જગતવ્યાપી પ્રચાર કામ વિષે ઘણું શીખવા મળ્યું. પછી બાકીનો દિવસ હું ડબલ્યુ. ઈ. વાન એમબર્ગ અને તેમને મદદ કરનાર ગ્રાન્ટ સુટરના હાથ નીચે ટ્રેઝરરની ઑફિસમાં કામ કરતો હતો. પછી ૧૯૪૬માં હું બેથેલમાં ઘણા ડિપાર્ટમેન્ટનો ઓવર્સિયર બન્યો.
મારા જીવનમાં મોટો બદલાવ
હું ૧૯૪૫માં મંડળોની મુલાકાત લેતો હતો ત્યારે, રોડ ટાપુના પ્રોવીડન્સ શહેરની જુલીયા ચારનુસ્કસના પ્રેમમાં પડ્યો. અમે ૧૯૪૭ના જૂનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ, મને બેથેલમાં રહેવાનું બહું ગમતું હતું. વળી એ વખતે લગ્ન કરીએ ત્યારે બેથેલ છોડવું પડતું હતું. તેથી, જાન્યુઆરી ૧૯૪૮માં મેં બેથેલ છોડ્યું અને અમે લગ્ન કર્યું. મને પ્રોવીડન્સ શહેરમાં જ સુપર માર્કેટમાં પાર્ટ ટાઈમ નોકરી મળી. મેં અને જુલીયાએ સાથે પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું.
સપ્ટેમ્બર, ૧૯૪૯માં મને વીનકોસ્ન ઉત્તર-પશ્ચિમમાં સરકીટ કાર્ય કરવાનું કહેવામાં આવ્યું. અમારે મોટા ભાગના નાનાં ગામડાંઓમાં પ્રચાર કરવાનો હતો અને ત્યાં ઘણી ડેરીઓ હતી. મારા અને જુલીયા માટે અહીં પ્રચાર કરવો એ મોટો બદલાવ હતો. શિયાળાના દિવસો ખૂબ લાંબા હતા અને ઘણી ઠંડી પડતી હતી. ઘણા અઠવાડિયાંઓ સુધી પુષ્કળ સ્નો પડતો. અમારી પાસે કાર પણ ન હતી. પરંતુ, કોઈને કોઈ હંમેશાં બીજા મંડળમાં અમને મૂકી જતું હતું.
મેં સરકીટનું કાર્ય શરૂ કર્યું પછી તરત જ સરકીટ સંમેલન હતું. હું ખૂબ ચિંતા કરતો હતો કે સંમેલનની બધી બાબતોની સારી રીતે તૈયારી થશે કે કેમ? તેથી ડિસ્ટ્રીક્ટ ઓવર્સિયર નીકોલસ કોવાલાકે મને પ્રેમથી સમજાવ્યું કે મારે બધી જ બાબતોમાં માથું મારવાની જરૂર નથી. ત્યાંના ભાઈઓએ ઘણી વાર સંમેલનની તૈયારી કરી છે. તેથી તેઓને ખબર છે કે તેઓએ શું શું કરવાની જરૂર છે. આ સલાહ મેં યાદ રાખી અને બીજી અનેક જવાબદારીઓમાં મેં વધુ ચિંતા કરવાનું ટાળ્યું.
વર્ષ ૧૯૫૦માં ન્યૂ યૉર્ક શહેરમાં યાંકી સ્ટેડિયમમાં પહેલી વાર ઘણાં મોટાં સંમેલનો થવાનાં હતાં. તેથી, મારે
જુદા જુદા દેશથી આવતા ભાઈબહેનો માટે રહેવાની ગોઠવણ કરવાની હતી. સંમેલનમાં ૬૭ દેશોમાંથી ૧,૨૩,૭૦૭ લોકો આવ્યા હતા અને શરૂઆતથી અંત સુધીનું સંમેલન ઘણું ઉત્તેજન આપનારું હતું! સંમેલન પછી મેં અને જુલીયાએ સરકીટ કામ પાછું શરૂ કર્યું. અમે સરકીટ કાર્યમાં ઘણા ખુશ હતા. પરંતુ અમે વધારે કરવા માંગતા હતા. તેથી દર વર્ષે અમે બેથેલ અને મિશનરિ સેવા માટે એપ્લિકેશન ભરતા હતા. વર્ષ ૧૯૫૨માં અમને વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૨૦મા ક્લાસમાં બોલાવવામાં આવ્યા. અમને ત્યાં મિશનરિ કાર્ય માટેની તાલીમ આપવામાં આવી.પરદેશમાં પ્રચાર કાર્ય
વર્ષ ૧૯૫૩માં અમે ગ્રેજ્યુએટ થયા. પછી અમને બ્રિટનના દક્ષિણ ભાગમાં ડિસ્ટ્રીક્ટ ઓવર્સિયર તરીકેનું કામ સોંપવામાં આવ્યું. અમને આ કામમાં ઘણી મઝા આવતી હતી. આ કાર્યમાં એક વર્ષ પણ થયું ન હતું ત્યાં અમને ડેનમાર્ક જવાનું કહેવામાં આવ્યું. એનાથી અમને ઘણી નવાઈ લાગી. પરંતુ, ડેનમાર્કના બેથેલમાં ઓવર્સિયરની જરૂર હતી. લંડનથી ડેનમાર્ક બહુ દૂર નથી, અને ઓવર્સિયરના કામ માટે મને બ્રુકલિનમાં તાલીમ મળી હતી, એટલે અમને મોકલવામાં આવ્યા. અમે નેધરલૅન્ડ સુધી સ્ટીમરમાં ગયા અને ત્યાંથી ટ્રેઈનમાં કોપનહૅગન ગયા. અમે ઑગસ્ટ ૯, ૧૯૫૪માં ડેનમાર્ક બ્રાંચમાં આવ્યા.
બ્રાંચમાં મારે અમુક મોટી મુશ્કેલીઓ હલ કરવી પડી. ત્યાં અમુક ઓવર્સિયરો બ્રુકલિનથી મળતા માર્ગદર્શનને અનુસરવાને બદલે મન ફાવે તેમ કરતા હતા. વધુમાં, ડૅનિશ ભાષામાં ભાષાંતર કરતા ચારમાંથી ત્રણ જણે બેથેલ અને સત્ય બંને છોડી દીધું હતું. અમે યહોવાહને પ્રાર્થના કરતા હતા કે ડૅનિશમાં ભાષાંતર કરનારું કોઈ મળે. યહોવાહે અમારી પ્રાર્થના સાંભળી. અમને બે પાયોનિયર,
યોરગન અને એન્ના લાર્સન ભાષાંતર કામ કરવા માટે મળ્યા. આમ, ડૅનિશ ભાષાના સામયિકોનું ભાષાંતર કામ ચાલુ રહ્યું. આ યુગલ હજુ પણ ડેનમાર્ક બેથેલમાં છે. હવે યોરગન બ્રાંચ કમિટીના સભ્ય છે.એ વર્ષોમાં ભાઈ નૉર બ્રાંચની નિયમિત મુલાકાત લેતા હતા. એનાથી અમને ઘણું ઉત્તેજન મળતું. ભાઈ દરેકને મળીને તેઓ સાથે વાત કરતા અને અનુભવો જણાવતા હતા. તેમ જ ભાઈબહેનો વચ્ચે મતભેદોને થાળે પાડવા સલાહ પણ આપતા હતા. વર્ષ ૧૯૫૫માં તે આવ્યા ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે અમારે નવું બેથેલ બાંધવું જોઈએ, જેથી અમે ડૅનિશમાં મૅગેઝિન છાપી શકીએ. કોપરહૅગન શહેરની ઉત્તર બાજુ એક જગ્યા ખરીદવામાં આવી. અમે ૧૯૫૭ના ઉનાળામાં નવા બેથેલમાં રહેવા ગયા. હેરી જોનસન અને કેરન ગિલયડના ૨૬મા ક્લાસમાં ગ્રેજ્યુએટ થઈને તરત જ ડેનમાર્કમાં આવ્યા હતા. તેઓએ અમને છાપકામ મશીનને લાવવા અને કામ ચાલુ કરવામાં મદદ કરી હતી.
યુનાઈટેડ સ્ટેટ્સમાં મોટા સંમેલનમાં કામ કરતી વખતે મને જે અનુભવ થયો હતો એ ઘણો મદદરૂપ સાબિત થયો. તેથી, અમે ડેનમાર્કમાં મોટા સંમેલનો રાખવાની ગોઠવણો કરવા લાગ્યા. સમય જતા એ ગોઠવણોમાં અમે વધુને વધુ સુધારો કરી શક્યા. કોપરહૅગનમાં ૧૯૬૧માં ઇન્ટરનેશનલ સંમેલન રાખવામાં આવ્યું, અને એમાં ૩૦ દેશોમાંથી ભાઈબહેનો આવ્યા હતા. એ વખતે ૩૩,૫૧૩ લોકો આવ્યા હતા. વર્ષ ૧૯૬૯માં અમે જે સંમેલન રાખ્યું હતું એ બીજા બધા સંમેલનો કરતાં મોટું હતું. કેમ કે, ત્યાં ૪૨,૦૭૩ લોકો આવ્યા હતા.
વર્ષ ૧૯૬૩માં મને ગિલયડના ૩૮મા ક્લાસમાં બોલાવવામાં આવ્યો. આ કોર્સ દસ મહિનાનો હતો અને ખાસ કરીને બ્રાંચમાં કામ કરવા વિષેની તાલીમ આપવાનો હતો. ફરી બ્રુકલિનના બેથેલ કુટુંબ સાથે રહેવામાં મને ઘણો આનંદ આવ્યો. તેમ જ ત્યાં ઘણા ભાઈઓ ખૂબ અનુભવી હતા, અને તેઓ પાસેથી તાલીમ મેળવીને હું બહુ જ ખુશ હતો.
આ કોર્સમાં તાલીમ લીધા પછી હું ડેનમાર્કમાં પાછો આવ્યો અને ત્યાંની મારી જવાબદારી ઉપાડી લીધી. એ પછી મને ઝોન ઓવર્સિયર તરીકે સેવા કરવાનો લહાવો મળ્યો. હું ઉત્તર અને પશ્ચિમ યુરોપના બેથેલ કુટુંબની મુલાકાત લેતો અને તેઓને ઉત્તેજન આપતો હતો. તેમ જ તેઓની જવાબદારીઓને પૂરી કરવા માટે પણ મદદ કરતો હતો. હાલમાં મેં આ કાર્ય પશ્ચિમ આફ્રિકા અને કેરેબિયનમાં કર્યું.
ભાષાંતર અને છાપકામમાં વધારો થયો હોવાથી, ડેનમાર્કના ભાઈઓ ૧૯૭૦ના દાયકાના અંતે એક મોટી જગ્યા શોધતા હતા. તેઓને પશ્ચિમ કોપનહૅગનથી ૬૦ કિલોમીટર દૂર એક મોટી જગ્યા મળી. બીજા ભાઈઓ સાથે મેં નવી બ્રાંચની ડિઝાઈન વિષે ઘણી સૂચનાઓ આપી. હું અને જુલીયા આ નવા બેથેલમાં રહેવા ઘણા આતુર હતા. પરંતુ, અમે વિચાર્યું હતું એમ થયું નહિ.
ફરી પાછા બ્રુકલિનમાં
નવેમ્બર ૧૯૮૦માં અમને પાછા બ્રુકલિન બેથેલમાં બોલાવવામાં આવ્યા. અમે ત્યાં જાન્યુઆરી ૧૯૮૧માં આવ્યા. એ વખતે અમારી ઉંમર ૫૫થી ૬૦ની વચ્ચે હતી. અમે મોટા ભાગના વર્ષો ડેનમાર્કના ભાઈબહેનો સાથે રહ્યા હતા. એટલે અમારા બધા મિત્રોથી અલગ અમેરિકામાં રહેવું અમારા માટે સહેલું ન હતું. પરંતુ અમે એ બધું વિચારીને ઉદાસ થવાને બદલે આગળ જોયું. તેમ જ, અમારા નવા કામ અને બેથેલનો વિચાર કરવા માંડ્યો.
પછી અમે બ્રુકલિનમાં આવીને સેટલ થઈ ગયા. જુલીયા ડેનમાર્કમાં એકાઉન્ટનું કામ કરતી હતી એ જ કામ તે બ્રુકલિનમાં કરવા માંડી. મને રાઈટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ આપવામાં આવ્યું. ત્યાં હું આપણા પ્રકાશનોનું શેડ્યુલ તૈયાર કરવામાં મદદ કરતો. પરંતુ, ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં બ્રુકલિનમાં કામ કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો.
એ સમયે ટાઈપરાઈટર અને મૅગેઝિન છાપવાના જૂના પ્રેસને કાઢી નાખીને લેટેસ્ટ કૉમ્પ્યુટર અને ઑફસેટ પ્રિન્ટીંગ મશીન વસાવવામાં આવ્યા. હું કૉમ્પ્યુટર વિષે કંઈ જાણતો ન હતો. પરંતુ હું સંસ્થાની કામ કરવાની રીત અને લોકો સાથે કામ કરવાનું જાણતો હતો.અમે કલરવાળા નવા ઑફસેટ પ્રિન્ટીંગનો ઉપયોગ કરતા હતા અને મૅગેઝિનમાં રંગીન ચિત્રો વાપરતા હતા. તેથી આર્ટ ડિપાર્ટમેન્ટમાં મારી જરૂર હતી. જોકે એક આર્ટીસ્ટ તરીકે મને કોઈ અનુભવ ન હતો, પરંતુ હું ઑર્ગેનાઈઝ કરવામાં મદદ કરતો હતો. આમ મેં નવ વર્ષ સુધી એ ડિપાર્ટમેન્ટમાં ઓવર્સિયર તરીકે કામ કર્યું.
મને ૧૯૯૨માં ગવર્નિંગ બોડીની પબ્લિશિંગ કમિટીને મદદ કરવાનું કહેવામાં આવ્યું. અને હું ટ્રેઝરરની ઑફિસમાં પણ કામ કરતો હતો. ત્યાં હું યહોવાહના સાક્ષીઓની નાણાંકીય પ્રવૃત્તિને લગતી બાબતો જોતો હતો.
નાનપણથી મેં યહોવાહની સેવા કરી છે
હું નાનપણથી જ યહોવાહની સેવા કરતો આવ્યો છું. મારા બાપ્તિસ્માને આજે ૭૦ વર્ષ થઈ ગયા છે. યહોવાહે મને બાઇબલ અને ભાઈઓ તથા પોતાના સંગઠન દ્વારા પ્રેમથી શીખવ્યું છે. હું ૬૩ કરતાં વધારે વર્ષથી પૂરા સમયના સેવાકાર્યમાં આનંદ માણું છું. તેમ જ, પંચાવન કરતાં વધારે વર્ષો મેં મારી વહાલી પત્ની જુલીયા સાથે ગાળ્યા છે. ખરેખર, મને યહોવાહે પુષ્કળ આશીર્વાદ આપ્યો છે.
વર્ષ ૧૯૪૦માં મેં પાયોનિયરીંગ કરવા માટે મારું ઘર છોડ્યું હતું. મારા પપ્પાએ મારી મશ્કરી કરતા કહ્યું હતું: “ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા જાય છે તો, મુશ્કેલીઓ આવતા અહીં દોડીને ન આવતો.” જોકે એમ કરવાનો દિવસ ક્યારેય આવ્યો નથી. યહોવાહે ભાઈબહેનો દ્વારા મને મદદ કરી હતી અને મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. પછીથી મારા પપ્પાએ પણ આપણા કામની કદર કરી. તે ૧૯૭૨માં મરણ પામ્યા એ પહેલાં બાઇબલ વિષે શીખવા લાગ્યા હતા. મારી મમ્મીને સ્વર્ગની આશા હતી. તે ૧૯૮૫માં ૧૦૨ વર્ષની વયે મરણ પામ્યા ત્યાં સુધી, તેમણે યહોવાહની વફાદારીથી સેવા કરી હતી.
જોકે અમારા પૂરા સમયના સેવાકાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી. પરંતુ મેં અને જુલીયાએ અમારું સેવાકાર્ય છોડવાનું ક્યારેય વિચાર્યું ન હતું. એ નિર્ણયમાં દૃઢ રહેવા યહોવાહે હંમેશાં અમને મદદ કરી હતી. મારા માબાપ ઘરડા થયા અને તેઓને મદદની જરૂર હતી ત્યારે મારી બહેન વીક્ટોરિયા માર્લિને તેઓને મદદ કરી. તેથી અમે પૂરા સમયનું સેવાકાર્ય ચાલુ રાખી શક્યા. માર્લિને અમને આ રીતે મદદ કરી હોવાથી અમે તેના ઘણા આભારી છીએ.
જુલીયાએ મારી બધી જ સોંપણીમાં મને મદદ કરી. સાથ આપવાને તે પોતાના સમર્પણનો એક ભાગ સમજે છે. જોકે આજે હું ૮૦ વર્ષનો છું અને મારી તબિયત નરમ-ગરમ રહેતી હોય છે. તેમ છતાં, મને લાગે છે જાણે યહોવાહે મને ઘણો આશીર્વાદ આપ્યો છે. એક ગીતકર્તાએ કહ્યું હતું કે ‘મારી જુવાનીથી ઈશ્વરે મને શીખવ્યું છે.’ પછી ઈશ્વરને આજીજી કરતા તેમણે કહ્યું, ‘હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ સર્વ આવનારાઓને તારૂં પરાક્રમ પ્રગટ કરૂં, ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ.’ ખરેખર, મને આ શબ્દોમાંથી ઘણું જ ઉત્તેજન મળ્યું છે.—ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮.
[ફુટનોટ]
^ વોરન, મિલ્ટન હેન્શલના મોટા ભાઈ હતા. મિલ્ટન હેન્શલ ઘણાં વર્ષોથી યહોવાહના સાક્ષીઓના ગવર્નિંગ બોડીના સભ્ય હતા.
[પાન ૨૦ પર ચિત્ર]
મેં ૧૯૪૦માં પાયોનિયરીંગ શરૂ કર્યું ત્યારે મમ્મી સાથે
[પાન ૨૧ પર ચિત્ર]
પાયોનિયર જો અને માર્ગરેટ હાર્ટ સાથે
[પાન ૨૩ પર ચિત્ર]
જાન્યુઆરી ૧૯૪૮માં અમારા લગ્નના દિવસે
[પાન ૨૩ પર ચિત્ર]
વર્ષ ૧૯૫૩માં ગિલયડના વિદ્યાર્થીઓ સાથે. ડાબેથી જમણી બાજુ: ડોન અને વર્જિનાય વર્ડ, ગેર્ટુડા સ્ટેગેન્ગા, જુલીયા અને હું
[પાન ૨૩ પર ચિત્ર]
વર્ષ ૧૯૬૧માં કોપરહૅગન, ડેનમાર્કમાં ફેડ્રીક ડબલ્યુ. ફ્રાન્ઝ અને નાથાન એચ. નૉર સાથે
[પાન ૨૫ પર ચિત્ર]
આજે જુલીયા સાથે