કોના પર ભરોસો મૂકવો?
કોના પર ભરોસો મૂકવો?
બર્લિનની દીવાલ ભાંગી પડ્યા પછી જોવા મળ્યું કે ત્યાંની, સરકાર પાસે લોકો વિષેની ઘણી ખાનગી માહિતીઓ છે. દાખલા તરીકે, લિદીયા * પૂર્વીય જર્મનીમાં રહે છે. એ સમયે તેને ખબર પડી કે જર્મનીની જુલમી સરકારની ગુપ્ત પૉલીસ પાસે પોતાની નાનામાં નાની ખાનગી માહિતી હતી. આ સાંભળીને તેને ઘણી જ નવાઈ લાગી. પરંતુ જ્યારે તેને ખબર પડે કે એ ગુપ્ત પૉલીસને માહિતી આપનાર પોતાનો પતિ જ છે ત્યારે, તેને એકદમ આઘાત લાગ્યો. તેણે જેના પર પૂરો ભરોસો મૂક્યો હતો, તેણે જ દગો કર્યો!
હવે રોબર્ટનો વિચાર કરીએ. તે ઉંમરવાળા છે અને તેમને પણ પોતાના ડૉક્ટર પર “પૂરો ભરોસો અને ઊંડું માન હતું.” આવો અહેવાલ લંડનના ધ ટાઈમ્સ છાપાએ આપ્યો. ડૉક્ટર ખૂબ “દયાળુ છે” એમ કહેવાતું હતું. એક દિવસ અચાનક જ રોબર્ટ મરણ પામ્યા. શું તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક થયો હતો? બિલકુલ નહિ. તપાસ કર્યા પછી અધિકારીઓને જાણવા મળ્યું કે ડૉક્ટર રોબર્ટના ઘરે તેને જોવા ગયા હતા. ત્યારે રોબર્ટ કે તેના કુટુંબને જાણ થયા વિના તેને એવું ઇંજેક્સન આપ્યું કે જેનાથી તેનું મરણ થયું. આમ, રોબર્ટને પણ જેના પર પૂરો ભરોસો હતો, તેણે જ તેમનું ખૂન કર્યું હતું.
લિદીયા અને રોબર્ટને જે લોકો પર પૂરો ભરોસો હતો, તેઓએ જ દગો કર્યો. બીજા કિસ્સાઓમાં પરિણામ આટલું ખરાબ ન પણ હોઈ શકે. પરંતુ, આપણને જે વ્યક્તિ પર પૂરો ભરોસો હોય તે આપણી સાથે દગો કરે તો, આપણને બહુ દુઃખ થાય છે. જર્મનીની એક સંસ્થાએ પોતે બહાર પાડેલા પુસ્તકમાં (૧૯૯૮-૨૦૦૦) એક સર્વે વિષે જણાવ્યું હતું. એ સર્વે પ્રમાણે ૮૬ ટકા લોકોને જેની પર પૂરો ભરોસો હોય છે, તેઓથી છેતરાતા હોય છે. શું તમને આવો કોઈ અનુભવ થયો છે? સ્વિટ્ઝર્લૅન્ડના એક છાપાએ ૨૦૦૨માં અહેવાલ આપ્યો કે “વિકસિત દેશોમાં મોટા ભાગના લોકો એકબીજા પર ભરોસો મૂકતા નથી, અથવા ભાગ્યે જ ભરોસો કરતા હોય છે.”
ભરોસો બાંધતા વર્ષો લાગે, પણ પળભરમાં તૂટી જાય છે
ભરોસો એટલે શું? એક શબ્દકોશ પ્રમાણે ભરોસો રાખવાનો અર્થ, ‘વ્યક્તિ પ્રમાણિક છે એમ માનવું. તેમ જ તે ક્યારેય કોઈને જાણી જોઈને દુઃખ પહોંચાડશે નહિ.’ એક ઝાડને મોટું થતા તો વર્ષો લાગી જાય છે, પણ એક જ ઝાટકામાં કાપી નાખી શકાય છે. એવી જ રીતે ભરોસાને મજબૂત થતા તો વર્ષો લાગે છે પરંતુ, એ પળભરમાં તૂટી જઈ શકે છે. આજે ઘણા લોકોને કોઈને કોઈ વ્યક્તિ તરફથી દગો થયો હોય છે. તેથી, તેઓ બીજાઓ પર વિશ્વાસ કરતા ખચકાય છે. જર્મનીમાં ૨૦૦૨માં કરવામાં આવેલા સર્વે પ્રમાણે “ત્રણ યુવાનોમાંથી માંડ માંડ એકાદ યુવાનને બીજા લોકો પર ભરોસો હોય છે.”
‘શું તમે કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકી શકો? જો કોઈએ તમને દગો કર્યો હોય તો, શું એનો અર્થ એ થાય છે કે તમારે કોઈના પર ભરોસો મૂકવો ન જોઈએ?’
[ફુટનોટ]
^ નામો બદલવામાં આવ્યા છે.
[પાન ૩ પર બ્લર્બ]
એક સર્વે પ્રમાણે, ૮૬ ટકા લોકોને પોતાના સગાંવહાલાંએ દગો કર્યો હોય છે