“મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”
“મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”
જીવન માટે પાણી બહુ જરૂરી છે. એવી જ રીતે, યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખવા સત્યનું પાણી ખૂબ જરૂરી છે. આ પાણી આપણને મિટિંગોમાંથી મળે છે. તેથી, જો આપણે યહોવાહને પ્રેમ કરતા હોઈશું તો, મિટિંગોમાં ચોક્કસ જઈશું. પરંતુ, ફક્ત ત્યાં જવું જ પૂરતું નથી. આપણે એકબીજાને માટે પ્રેમ બતાવવો જોઈએ. તેમ જ “સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન” આપવું જોઈએ. (યોહાન ૧૩:૩૫; હેબ્રી ૧૦:૨૪) પરંતુ, મંડળમાં આપણે કઈ રીતે એકબીજાને “ઉત્તેજન” આપી શકીએ?
જવાબ આપીને ઉત્તેજન આપો
દાઊદે કહ્યું: “હું મારા ભાઈઓમાં તારૂં નામ પ્રગટ કરીશ; મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ.” “તારી કૃપાથી હું મોટી મંડળીમાં તારી સ્તુતિ કરૂં છું.” “હું મહા મંડળીમાં તારી ઉપકારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તારી પ્રશંસા કરીશ.” “મહા મંડળીમાં મેં તારા ન્યાયીપણાની વાત પ્રગટ કરી છે; મેં મારા હોઠો બંધ કર્યા નથી, હે યહોવાહ, તે તું જાણે છે.”—ગીતશાસ્ત્ર ૨૨:૨૨, ૨૫; ૩૫:૧૮; ૪૦:૯.
આવી જ રીતે, પાઊલના દિવસોમાં પણ ભાઈબહેનો મંડળમાં ભેગા મળીને યહોવાહની ભક્તિ કરતા હતા. આમ, તેઓએ એકબીજાના વિચારો સાંભળીને ઉત્તેજન મેળવ્યું. તેમ જ મંડળમાં પ્રેમ મહેકી ઉઠ્યો અને એનાથી તેઓ વધુ “સારાં કામ” કરવા પ્રેરાયા. પરંતુ, શા માટે મંડળમાં ઉત્તેજન આપવું ખૂબ મહત્ત્વનું છે? કેમ કે આજની દુનિયાની ઘડીઓ ગણાય રહી છે. દિવસે-દિવસે આપણું ટેન્શન વધતું જઈ રહ્યું છે. ખરેખર, દરેક પળે આપણે “ધીરજ રાખવાની જરૂર છે.” કેમ કે યહોવાહનો ન્યાય કરવાનો ‘દહાડો પાસે આવી’ રહ્યો છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫, ૩૬) તેથી, આપણને મંડળ સિવાય બીજે ક્યાંથી ઉત્તેજન મળે?
શું તમે વિચારો છો કે ‘હું પોતે કઈ રીતે ભાઈબહેનોને ઉત્તેજન
આપી શકું?’ એ પ્રશ્નનો જવાબ સૌથી સહેલો છે: મિટિંગમાં તમારો હાથ ઊંચો કરીને સવાલના જવાબ આપો. પરંતુ, શું તમે હવે વિચારો છો કે, ‘એમ કરવાથી ભાઈબહેનને કેવી રીતે ઉત્તેજન મેળવશે? મારા જવાબથી ભાઈબહેનોને ક્યાં ફરક પડવાનો છે?’ પરંતુ, વિચાર કરો કે તમારા જવાબથી ભાઈબહેનોને કેટલો લાભ થાય છે: (૧) બાઇબલમાંથી તમારા સૂચનો સાંભળીને તેઓને મુશ્કેલીઓને સામનો કરવાની શક્તિ મળે છે. (૨) તમારો અનુભવ સાંભળીને તેઓ કોઈ પણ ફાંદાથી દૂર રહી શકે છે. (૩) ભાઈબહેનોને મિટિંગોની વધુ તૈયારી કરવાનું ઉત્તેજન મળશે. હા, જ્યારે તમે જવાબમાં કોઈ કલમ પર નવી અને રસપ્રદ બાબત જણાવો ત્યારે, ભાઈબહેનો ખુશ થાય છે. તમારા આવા સારા દાખલાથી તેઓને પણ વધારે તૈયારી કરવાનું મન થશે.વડીલો અને સેવકાઈ ચાકરો જવાબો આપીને સારો દાખલો બેસાડી શકે. પરંતુ, આપણે બધાએ મિટિંગમાં ભાગ લેવો જોઈએ. શા માટે? કેમ કે એનાથી ફક્ત આપણને જ નહિ, પણ આખા મંડળને ઉત્તેજન મળશે. પરંતુ, હાથ ઉપર કરતા તમને શરમ લાગે કે એવું વિચારો કે ‘એ મારાથી નહિ થાય.’ તો તમે શું કરી શકો? હવે પછીના સૂચનો તમને ખૂબ મદદ કરશે.
તમે સારા જવાબો કઈ રીતે આપી શકો?
જવાબો આપીને આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ. જર્મનીના એક બહેન કહે છે: ‘શેતાન આપણે ચૂપ કરી દેવા માંગે છે જેથી આપણે યહોવાહ વિષે કંઈ ન બોલીએ. પરંતુ, મિટિંગમાં જવાબો આપીને હું શેતાનને ચૂપ કરી દઉં છું.’ આ બહેનના જ મંડળમાંથી બીજો એક ભાઈ કહે છે: “મિટિંગમાં ભાગ લેતા પહેલાં હું પ્રાર્થના કરું છું.”
તૈયારી કરો. મિટિંગ પહેલાં તૈયારી કરવાથી, તમને જવાબો આપવાનું અઘરું લાગશે નહિ. તેમ જ તમારા જવાબો ભાઈ-બહેનોને અટપટા નહિ લાગે અને એ તેમના દિલ સુધી પહોંચશે. સારા જવાબો આપવા માટે, બીજા સૂચનો બેનિફિટ ફ્રોમ થિઓક્રેટીક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પુસ્તકના પાન ૭૦ પર જોવા મળે છે. *
તમે દરેક મિટિંગમાં કમ-સે-કમ એક જવાબ આપો. એનો અર્થ એ થાય કે તમારે ત્રણ કે ચાર જવાબો આપવા માટે તૈયારી કરવી પડશે. પણ શા માટે? કેમ કે જો પ્લેટફોર્મ ઉપરથી ભાઈ તમારો હાથ ન જુએ, તો તમને જવાબ આપવાનો મોકો મળશે નહિ. પરંતુ, જો તમે અનેક ફકરાઓમાં હાથ ઊંચો કરશો તો, ચોક્કસ તમે એક જવાબ તો આપી જ શકશો. જો તમે જવાબ આપવામાં અચકાતા હોવ, તો તમે શું કરી શકો? અભ્યાસ ચલાવતા ભાઈને પહેલેથી જણાવો કે તમે કયા ફકરામાં જવાબ આપવાનું વિચારો છો. તેથી, એ ફકરાની ચર્ચા થાય ત્યારે ભાઈ તમને પહેલા પૂછશે. આમ તમે કમ-સે-કમ એક જવાબ તો આપી જ શકશો.
બને તેમ અભ્યાસના શરૂઆતમાં જવાબ આપી દો. એમ કરવાથી, તમારું ટેન્શન ઓછું થશે. તમે શરૂઆતમાં જ જવાબ આપશો તો, એનાથી, તમને વધારે જવાબ આપવાનું મન થશે. પરંતુ, જો તમે ઘડી ઘડી એમ વિચારો કે ‘હવે પછીના ફકરામાં જવાબ
આપીશ’ તો એનાથી તમારું ટેન્શન વધશે અને તમારો હાથ ઉપર ઉઠશે જ નહિ.આગળની લાઈનમાં બેસો. આથી, ભાઈ સહેલાઈથી તમારો હાથ જોઈ શકશે. વળી, આગળ બેસવાથી તમે મિટિંગમાં પૂરેપૂરું ધ્યાન આપી શકશો. તમારા હૉલમાં માઈક્રોફોન્સ ન હોય તો, મોટા અવાજથી જવાબ આપો. આથી, પાછળ બેઠેલા ભાઈબહેનો પણ તમારો જવાબ સાંભળી શકશે.
ધ્યાનથી સાંભળો. જો તમે ધ્યાન આપીને સાંભળશો તો, બીજા ભાઈબહેનોએ જવાબ આપ્યો હોય એ જ જવાબ નહિ આપો. વધુમાં, બીજા ભાઈબહેનોના જવાબો સાંભળવાથી, તમને એ જ વિષય પર કોઈ પણ બીજી કલમો કે મુદ્દાઓ યાદ આવી શકે. જો એ ફકરા સાથે બંધબેસતું હોય તો તમે ટૂંકમાં જણાવી શકો. એનાથી પણ ભાઈબહેનોને ખૂબ ઉત્તેજન મળશે.
પોતાના શબ્દોમાં જવાબ આપો. તમે મિટિંગમાં નવા નવા આવ્યા હોવ ત્યારે, ફકરાઓમાંથી જવાબ શોધીને વાંચ્યા હોય શકે. પરંતુ, આપણે હંમેશાં પોપટની જેમ જવાબો ન આપવા જોઈએ. વળી, ફકરામાં જે છે, એના પર જ જવાબ આપીએ એ જરૂરી નથી. તમે ધીમે ધીમે અનુભવી બનો તેમ, દિલથી અને પોતાના શબ્દોમાં જવાબ આપવાનું શીખો. આમ કરવાથી, તમે બતાવી આપશો કે માહિતી ફક્ત તમારા મગજમાં જ નહિ, પણ દિલમાં ઊતરી છે.
વિષયથી ફંટાઈ ન જાવ. જો તમે વિષયથી ફંટાઈને બીજા કોઈ મુદ્દા વિષે જણાવશો તો, ભાઈબહેનો મૂંઝાઈ જશે. તેથી જે મુદ્દાની ચર્ચા થતી હોય, એના પર જ જવાબ આપો. આમ, તમારા જવાબો મુખ્ય વિચાર પર રોશની ફેંકશે અને ભાઈબહેનોની આંખમાં એની ચમક દેખાશે.
એકબીજાને ઉત્તેજન આપો. આપણે એકબીજાને જવાબમાં સલાહ આપવાના બદલે ઉત્તેજન આપવું જોઈએ. વધુમાં, જો તમે તમારા જવાબમાં આખો ફકરો આવરી લેશો તો, બીજાઓને કેવું લાગશે? તેઓનું મન ખાટું થઈ શકે કે તેઓ માટે કંઈ બાકી રહ્યુ નહિ. ખરેખર, લાંબા લાંબા જવાબોથી કોઈને કંઈ ખાસ શીખવા મળતું નથી. એના બદલે ટૂંકા અને સહેલા જવાબ આપીને સારો દાખલો બેસાડો. એમ કરવાથી નવા આવેલા ભાઈબહેનોને ઉત્તેજન મળશે. વળી, તેઓ પણ ટૂંકા અને સહેલા જવાબો આપવાનું શીખશે.
અભ્યાસ ચલાવતા ભાઈઓ માટે સૂચના
ચોકીબુરજ કે સવાલ-જવાબ હોય એવા ભાગ લેતા ભાઈઓએ એક મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. જો તેઓ ભાગ સારી રીતે લે તો મંડળમાં જીવંત વાતાવરણ બની રહેશે. પરંતુ, જો તે ભાગ સારી રીતે ન લે તો, મંડળમાં નિરસતા છવાઈ જશે. તમે જવાબ આપતા હોવ ત્યારે ભાઈ એમાં ધ્યાન આપવાના બદલે, આમ તેમ ફાંફાં મારે અથવા એનો એ જ પ્રશ્ન ફરી વાર પૂછે તો તમને કેવું લાગશે? વળી, તમારા જવાબને અઘરો ગણીને એ જ જવાબ પોતાના શબ્દોમાં ફરી જણાવે તો, તમને કેવું લાગશે? ખરેખર, શું આવી મિટિંગોમાં તમને હાથ ઉઠાવવાનું મન થશે? મંડળને જરાય ઉત્તેજન મળશે નહિ.
તો સવાલ-જવાબનો ભાગ લેતા ભાઈઓએ શું કરવું જોઈએ? પહેલું એ છે કે ભાઈબહેન જવાબ આપતા હોય, ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળવું તેમ જ તેમની સામે જવું જોઈએ. બીજું કે તેમણે બીજા નાના નાના પ્રશ્નો પૂછવા જોઈએ જેથી ફકરાના વિચારો સ્પષ્ટ તરી આવે, જેમ કે: ‘મંડળમાં આપણે આ મુદ્દો કઈ રીતે લાગુ પાડી શકીએ?’ ‘ફકરામાંની કઈ કલમ આ બાબત પર ભાર મૂકે છે?’
આવા પ્રશ્નો પૂછવાથી ભાઈબહેનો દિલથી જવાબો આપી શકશે. પરિણામે, દરેકને ઉત્તેજન મળશે.પહેલી વાર જવાબ આપનારાઓ થોડા ગભરાતા કે શરમાતા હોય છે, આથી, તેઓને શાબાશી આપવી જોઈએ. પરંતુ, પ્લેટફોર્મ પરથી વખાણ કરવાના બદલે, મિટિંગ પછી કરવા જોઈએ. એ વખતે તમે તેઓને મદદ પણ આપી શકો જેથી તેમના જવાબોમાંથી મંડળને વધુને વધુ ઉત્તેજન મળે.
તમે કદી કોઈ વાતોડિયા વ્યક્તિ સાથે વાત કરી છે? તેઓ સાથે વાત કરવાથી તમને કંઈ બોલવાનો ચાન્સ પણ ન મળે. થોડી જ મિનિટમાં તો તમારું માથું દુઃખી જાય છે. હવે તમે વિચાર કરો કે જો કોઈ ભાઈ પ્લેટફોર્મ પરથી એવું જ કરે તો, તમને કેવું લાગશે. ખરેખર, ફક્ત તમારો જ નહિ પણ આખા મંડળનો ઉત્સાહ ઠંડો પડી જશે. તેથી, સવાલ-જવાબનો ભાગ લેતા ભાઈઓએ, બને તેમ ઓછું બોલવું જોઈએ. જરૂર હોય તો એ ભાઈએ એક-બે પ્રશ્નો વધુ પૂછી શકે જેથી માહિતી ભાઈબહેનોના દિલ સુધી પહોંચે.
ભાઈઓએ બીજુ શું યાદ રાખવું જોઈએ? તેઓએ એવું ન વિચારવું જોઈએ કે જે પહેલો હાથ ઉપર કરશે તેમને જવાબ પૂછીશ. કેમ કે જવાબ આપવો એ કંઈ એક હરીફાઈ નથી. ઘણા ભાઈબહેનોને મગજમાં જવાબ નક્કી કરીને હાથ ઉપર કરવામાં થોડો સમય લાગે છે. તેથી, પ્રશ્ન પૂછીને થોડી રાહ જુઓ. પછી જુઓ કે હજુ સુધી જવાબ ન આપ્યો હોય એવા ભાઈ-બહેનોએ હાથ ઊંચો કર્યો હોય તો, તેઓને પહેલા પૂછો. બીજુ એ પણ યાદ રાખવું જોઈએ કે અમુક ઊંડા પ્રશ્નોના જવાબ નાના બાળકો આપી શકતા નથી. આથી, કયો પ્રશ્ન બાળકોને તેમ જ કયો પ્રશ્ન ભાઈ-બહેનોને પૂછવું એ વિચારવું જોઈએ. તેમ જ બાળકોને મોટાઓને લગતા વિષયો પર જવાબ આપવા કહેવું સારું ન કહેવાય.
જો કોઈ ભાઈબહેન ખોટો જવાબ આપે તો ભાઈને શું કરવું જોઈએ? તેમણે તેઓને ઠપકો ન આપવો જોઈએ કે જેથી તેઓ શરમાઈ જાય. ઘણી વાર, ખોટા જવાબમાં સાચો જવાબ કઢાવવો જોઈએ. આ રીતે દરેક જણ સાચી સમજણ મેળવી શકે. વધુમાં ભૂલથી ખોટો જવાબ આપનારને પણ દુઃખ નહી થાય.
અભ્યાસ ચલાવતા ભાઈએ કદી એમ ન કહેવું જોઈએ કે ‘હવે કોણ જવાબ આપશે?’ કે ‘હવે જેઓ જવાબ નથી આપ્યા, તેઓનો વારો છે!’ કે ‘જવાબ આપવામાં આ તમારો છેલ્લો મોકો છે!’ એવું સાંભળીને શું તમને જવાબ આપવાનો મન થશે? જરાય નહિ. જો કોઈ ભાઈબહેન શરમથી બચાવા માટે જવાબ આપે, તો એ સારું ન કહેવાય. એના બદલે મંડળને સમજાવો કે જવાબો આપવાથી તમે એકબીજા પ્રત્યે ખરેખર પ્રેમ બતાવો છો. વળી, ભાઈઓએ બીજું શું યાદ રાખવું જોઈએ? પ્રશ્નો પૂછ્યા પછી, એક સાથે બે ત્રણ ભાઈબહેનોને જવાબ આપવાનું કહેવું ન જોઈએ. દાખલા તરીકે: ‘આ ભાઈ પછી, પેલા બહેન, અને તેમના પછી પાછળ બેઠેલા ભાઈ.’ એના બદલે ભાઈએ પહેલા જવાબ સાંભળવો જોઈએ. પછી જોવું જોઈએ કે વધારી સમજણની જરૂર છે કે કેમ?
જવાબો આપવા એ એક યહોવાહની ભક્તિ છે
યહોવાહની ભક્તિ કરવા આપણે મિટિંગમાં આવીએ છીએ. આથી, મિટિંગોમાં જવાબ આપીએ એ પણ યહોવાહની એક ભક્તિ જ છે. તેથી દાઊદે ‘મંડળમાં યહોવાહની સ્તુતિ કરી,’ તેમ આપણે પણ જવાબો આપીને કરી શકીએ છીએ. વળી, જવાબો આપવાથી આપણે પાઊલની સલાહ પાળીને એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. આપણે દિલથી જવાબો આપીને બતાવીએ છીએ કે આપણે ભાઈબહેનોને ખૂબ ચાહીએ છીએ. વળી, આપણે યહોવાહનો ન્યાયનો “દહાડો પાસે આવતો” જોઈએ તેમ, નિયમિત રીતે મંડળમાં જવું જોઈએ.—હેબ્રી ૧૦:૨૫.
[ફુટનોટ]
^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.
[પાન ૨૦ પર ચિત્ર]
મિટીંગોમાં ધ્યાનથી સાંભળવું અને જવાબ આપવો પણ યહોવાહની ભક્તિ કરવાનો એક ભાગ છે
[પાન ૨૧ પર ચિત્ર]
અભ્યાસ ચલાવનાર ભાઈ, દરેક જવાબમાં રસ લે છે