કાલ અને આજ—તેનું ભવિષ્ય સુધરી ગયું
“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે”
કાલ અને આજ—તેનું ભવિષ્ય સુધરી ગયું
પરમેશ્વરનો શબ્દ બાઇબલ, લોકોના જીવનમાં કેવા જોરદાર ફેરફારો લાવે છે એ વિષે જણાવતા પ્રેષિત પાઊલે કહ્યું: “દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, . . . અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” (હેબ્રી ૪:૧૨) ખરેખર એ કેટલા મોટા ફેરફારો કરી શકે છે એ પહેલી સદીમાં જોવા મળ્યું હતું. જો કે એ સમયે લોકો મન ફાવે તેમ જીવન જીવતા હતા. તેઓના વાણી અને વર્તન જરાય સારા ન હતા. પરંતુ, ખ્રિસ્તી બન્યા તેઓએ નવો સ્વભાવ પહેરીને પોતાના જીવનમાં ફેરફારો કર્યા.—રૂમીઓને પત્ર ૧:૨૮, ૨૯; કોલોસી ૩:૮-૧૦.
બાઇબલમાં જે શક્તિ વિષે બતાવ્યું છે, એ આજે પણ લોકોના જીવનમાં જોરદાર ફેરફારો લાવી રહી છે. દાખલા તરીકે, રીચર્ડનો વિચાર કરો. તે લાંબો અને તાકાતવાળો છે. અરે, નાની નાની બાબતોમાં પણ તે ગુસ્સે થઈ જતો અને મારામારી કરવા લાગતો. આવા સ્વભાવને લીધે તેના જીવન પર ખરાબ અસર પડી. રીચર્ડ બૉક્સિંગ ક્લબમાં જોડાયો. તે ચેમ્પિયન બનવા ઇચ્છતો હતો તેથી તેણે સખત મહેનત કરી. આમ તે જર્મની, વેસ્ટફેલીયામાં હેવીવેઇટ બૉક્સિંગ ચેમ્પિયન બન્યો. એ ઉપરાંત, તે ખૂબ જ દારૂ પીતો અને લોકો સાથે મારામારી પણ કરતો હતો. આ રીતે, એક વાર એક માણસ મરણ પામ્યો અને રીચર્ડને જેલની સજા થઈ.
પરંતુ, રીચર્ડના કુટુંબ વિષે શું? તે કહે છે, “હું અને મારી પત્ની, હાઇકે બાઇબલ શીખ્યા એ પહેલાં, પોતપોતાની રીતે મન ફાવે તેમ જીવન જીવતા હતા. હાઈકે પોતાની બહેનપણીઓ સાથે સમય પસાર કરતી. મને બૉક્સિંગ, સર્ફિંગ અને ડાઈવીંગ એટલે કે દરિયામાં ઊંડે ઉતરવાનો શોખ હતો. તેથી, હું આ રીતે સમય પસાર કરતો હતો.”
થોડા વખત પછી, રીચર્ડ અને તેની પત્ની યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યા. પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે પોતાના જીવનમાં ફેરફાર કરવા તેઓ માટે ખૂબ જ અઘરું હતું. રીચર્ડને લાગ્યું કે આ તો મારાથી નહિ થાય. પરંતુ, યહોવાહ પરમેશ્વર વિષે વધુ શીખ્યા પછી, તેમને પસંદ પડે એવું જીવન જીવવા માટે રીચર્ડના મનમાં વધારે ઇચ્છા જાગી. બાઇબલ શીખવાથી તેને ખબર પડી કે યહોવાહ હિંસક લોકોને ધિક્કારે છે. એટલું જ નહિ, મોજશોખ માટે હિંસાનો ઉપયોગ કરતા લોકોને યહોવાહ સખત નફરત કરે છે. વળી, તેને જાણવા મળ્યું કે, “જુલમીથી તે [યહોવાહ] કંટાળે છે.”—ગીતશાસ્ત્ર ૧૧:૫.
પરંતુ, આ પૃથ્વી પર હંમેશાંનું જીવન મળશે, એનાથી તે બંનેને ખૂબ જ નવાઈ લાગી. તેઓ બંને એવું જીવન જીવવા માંગતા હતા. (યશાયાહ ૬૫:૨૧-૨૩) તેમ જ, “દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે” એ બાઇબલની કલમે તેઓના હૃદય પર ઊંડી અસર કરી. (યાકૂબ ૪:૮) વળી, તેઓ બાઇબલમાં આપેલી સલાહની કિંમત સમજ્યા: “તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એકે માર્ગ પસંદ ન કર. કેમકે આડા માણસોથી યહોવાહ કંટાળે છે.”—નીતિવચનો ૩:૩૧, ૩૨.
રીચર્ડને પોતાનું જીવન સુધારવાની તો ખૂબ જ ઇચ્છા હતી. પરંતુ, એમ કરવું તેને અશક્ય લાગતું હતું. તેથી, તેણે પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માંગી. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું, એ પ્રમાણે રીચર્ડે કર્યું: “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”—માત્થી ૨૬:૪૧.
યહોવાહ વિષે શીખ્યા પછી, રીચર્ડને ખબર પડી કે યહોવાહ હિંસા અને ગુસ્સાને ધિક્કારે છે, તો પછી બૉક્સિંગની તો વાત જ શું કરવી! તેથી તેણે બૉક્સિંગ અને મારપીટ જેવી રમત-ગમતોને છોડી દીધી. એમ કરવા માટે તેને યહોવાહ
તરફથી ખૂબ જ મદદ મળી. એટલું જ નહિ, પણ જે યહોવાહના સાક્ષીઓ તેને બાઇબલ શીખવતા હતા, તેઓએ પણ તેને ઘણી જ મદદ કરી. હવે તે તેના કુટુંબ સાથે વધારે સમય પસાર કરવા લાગ્યો. રીચર્ડ કહે છે, “કઈ રીતે સમજી વિચારીને કામ કરવું, એ હું બાઇબલના સત્યથી શીખ્યો.” હવે તે ઘણો જ નમ્ર બની ગયો છે અને યહોવાહના સાક્ષીઓના એક મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. તે કહે છે: “હવે હું મારી પત્ની અને બાળકો સાથે પ્રેમથી રહું છું. તેમ જ અમે એકબીજાને ઘણું માન આપીએ છીએ. એના કારણે અમારું કુટુંબ એક બન્યું છે.”આજે ઘણા લોકો યહોવાહના સાક્ષીઓને બરાબર ઓળખતા નથી. તેથી, તેઓ જૂઠા આરોપ લગાવે છે કે યહોવાહના સાક્ષીઓ તો કુટુંબો તોડી પાડે છે. પણ રીચર્ડનો કિસ્સો બતાવે છે કે એ સાવ ખોટું છે. હકીકતમાં બાઇબલનું સત્ય તો, લોકોના અંધારા જીવનમાં પણ અજવાળું પાથરી દે છે. તેમ જ લગ્ન જીવન આનંદિત બનાવે છે. અરે, બાઇબલ તો લોકોનું ભાવિ ઉજ્જવળ બનાવે છે.—યિર્મેયાહ ૨૯:૧૧.
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
“આ પૃથ્વી પર કાયમનું જીવન મળશે એ આશાથી મારું જીવન સુધરી ગયું”
[પાન ૯ પર બોક્સ]
બાઇબલના સિદ્ધાંતો
બાઇબલ લોકોના જીવન પર ઊંડી અસર કરે છે. અહીં કેટલીક બાઇબલની કલમો આપવામાં આવી છે, જેણે હિંસામાં ડૂબેલી વ્યક્તિઓને પણ પોતાનું જીવન બદલવા મદદ કરી છે:
“જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.” (નીતિવચનો ૧૬:૩૨) પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખવો એ તાકાત નહિ, પણ આપણી જ કમજોરી છે.
“શાણો માણસ ગુસ્સા પર કાબૂ રાખે છે.” (નીતિવચનો ૧૯:૧૧, IBSI.) જો તકરાર થાય તો શાણી વ્યક્તિ પરિસ્થિતિને સમજશે કે એમ શા માટે થયું. એમ કરીને તે પોતાના ગુસ્સાની આગને રોકી દેશે.
“ક્રોધી અને વાત વાતમાં તપી જનાર માણસથી દૂર રહે. નહીં તો તું પણ તેના જેવો થઈ જશે અને તારા આત્માને નુકસાન થશે.” (નીતિવચનો ૨૨:૨૪, ૨૫, IBSI.) આપણે ગુસ્સાવાળી વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ.