શું બહેરા-મૂંગા ઈશ્વર વિષે શીખી શકે?
રાજ્ય પ્રચારકોનો અહેવાલ
શું બહેરા-મૂંગા ઈશ્વર વિષે શીખી શકે?
બ્રાઝિલમાં ઘણા લોકો બહેરા-મૂંગા છે. તેઓને પણ ઈશ્વરના રાજ વિષે શીખવાની જરૂર છે. તેથી ત્યાંના ઘણા યહોવાહના સાક્ષીઓ બહેરા-મૂંગાની ઇશારાની ભાષા શીખી રહ્યા છે. એનું પરિણામ શું આવ્યું? ચાલો, એ વિષે નીચેના અનુભવો જોઈએ.
ઈવા * સાઓ પાઊલોમાં રહે છે અને તે બહેરી છે. તેને ત્રણ બાળકો પણ છે. પછી તે બાળકો લઈને તેના બહેરા પ્રેમી સાથે રહેવા ગઈ અને બહેરા-મૂંગાની ભાષા શીખવા લાગી. એક દિવસ ઈવા અને તેનો પ્રેમી બજારમાં ગયા ત્યારે કેટલાક યહોવાહના સાક્ષીઓને મળ્યા. આ સાક્ષીઓ પણ બહેરા હતા. તેઓએ ઈવા અને તેના પ્રેમીને કિંગ્ડમ હૉલમાં આવવાનું આમંત્રણ આપ્યું. તેઓને થયું કે ત્યાં કોઈ મેળાવડો હશે. તેથી તેઓ ત્યાં ગયા.
ઈવાને બહેરા-મૂંગાની ભાષા આવડતી ન હોવાથી સભામાં બહુ સમજ ન પડી. સભા પછી અમુક યહોવાહના સાક્ષીઓએ તેઓને ચા-નાસ્તા માટે ઘરે બોલાવ્યા. પછી તેઓને પૃથ્વી પર સદાકાળ આનંદ માણો મોટી પુસ્તિકાના ચિત્રોથી સમજાવ્યું કે ઈશ્વર કઈ રીતે પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે. ઈવાને એમાં બહુ જ મજા આવી અને તે નિયમિત સભાઓમાં જવા લાગી.
ઈવા બાઇબલમાંથી જે શીખી એનાથી તે જીવનમાં ફેરફારો કરવા લાગી. તેણે પોતાના પ્રેમીને પણ છોડી દીધો. વધુમાં, કુટુંબે ઈવાનો સખત વિરોધ કર્યો તોપણ તેણે બાઇબલમાંથી શીખવાનું છોડ્યું નહિ. પછી તે ૧૯૯૫માં બાપ્તિસ્મા લઈને યહોવાહની સાક્ષી બની. એના છ મહિના પછી તે પૂરો સમય પ્રચાર કે પાયોનિયરીંગ કરવા લાગી. એમ કરીને તેણે ચાર બહેરા લોકોને બાઇબલ વિષે શીખવા અને બાપ્તિસ્મા લેવા સુધી મદદ કરી.
કારલોશ પણ જન્મથી બહેરો હતો. તે મોટો થયો તેમ ડ્રગ્સનો બંધાણી બની ગયો. તે અનૈતિક જીવન જીવતો હતો અને ચોરી પણ કરતો હતો. પછી તેના દુશ્મનોએ તેને મારી નાખવાની ધમકી આપી હોવાથી, તે દેશ છોડીને સાઓ પાઊલોમાં જોન સાથે રહેવા લાગ્યો. કારલોશની જેમ જોન પણ બહેરો હતો અને અનૈતિક જીવન જીવતો હતો.
અમુક વર્ષ પછી કારલોશ બાઇબલમાંથી જે શીખ્યો એ જીવનમાં લાગુ પાડવા લાગ્યો. તેણે કાયદેસર લગ્ન પણ કર્યાં. સમય જતાં કારલોશ બાઇબલમાં આપેલી લાયકાતો પ્રમાણે રહેવા લાગ્યો અને બાપ્તિસ્મા લીધું. જોકે એ જ સમયે જોન પણ યહોવાહ વિષે બાઇબલમાંથી શીખી રહ્યો હતો. પરંતુ એના વિષે કારલોશને જરાય ખબર ન હતી. જોને બાઇબલમાંથી શીખીને જીવનમાં ઘણા ફેરફારો કર્યા. જેમ કે જોન પાસે અનેક “સંતોની” મૂર્તિઓ હતી. પણ યહોવાહને મૂર્તિપૂજા જરાય પસંદ નથી એ જાણીને તેણે એ બધી મૂર્તિઓને ફેંકી દીધી. જોને અગાઉની જીવનઢબ છોડી દીધી અને બાપ્તિસ્મા લીધું.
કારલોશ અને જોન કિંગ્ડમ હૉલમાં મળ્યા ત્યારે તેઓને કેટલી ખુશી થઈ હશે એની કલ્પના કરો! તેઓએ ખરેખર જીવનમાં મોટા ફેરફારો કર્યા હતા. તેઓ હવે પોતાના કુટુંબની ખૂબ સારી કાળજી રાખે છે અને ઉત્સાહથી યહોવાહના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે.
આજે બ્રાઝિલમાં બહેરા-મૂંગાઓ માટે ૩૦ મંડળો અને ૧૫૪ ગૃપ છે. ત્યાં ૨,૫૦૦થી વધારે યહોવાહના સાક્ષીઓ બહેરા-મૂંગા લોકોને પ્રચાર કરી રહ્યા છે. એમાંના ૧,૫૦૦ તો તદ્દન બહેરા છે. બ્રાઝિલમાં ૨૦૦૧માં બહેરા-મૂંગા લોકો માટે “પરમેશ્વરના વચન શીખવનારા” મહાસંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં ૩,૦૦૦થી પણ વધારે લોકો આવ્યા હતા અને ૩૬ જણાએ બાપ્તિસ્મા લીધું હતું. એવી આશા રાખવામાં આવે છે કે યહોવાહના આશીર્વાદથી હજી પણ ઘણા બહેરા-મૂંગા લોકો યહોવાહ વિષે શીખશે.
[ફુટનોટ્સ]
^ નામો બદલવામાં આવ્યા છે.