જે શીખ્યા છો એ જ માર્ગમાં ચાલતા રહો
જે શીખ્યા છો એ જ માર્ગમાં ચાલતા રહો
“જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો; અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.”—ફિલિપી ૪:૯.
૧, ૨. પોતાને ધાર્મિક ગણતા લોકો પર શું બાઇબલની કોઈ અસર પડે છે?
“ધર્મનો પ્રકાશ ફેલાય છે, પણ સંસ્કાર અંધકારમાં જાય છે.” આજકાલના સંસ્કાર (અંગ્રેજી) નામની એક પત્રિકાએ આવા મથાળા સાથે સમાચાર આપ્યા. અમેરિકાના રહેવાસીઓનું સર્વેક્ષણ કર્યા પછી પત્રિકા આ નિર્ણય પર આવી હતી. એ દેશમાં હવે વધુને વધુ લોકો ચર્ચમાં જવા લાગ્યા છે. તેઓ જણાવે છે કે તેઓ માટે ધર્મ ખૂબ મહત્ત્વનો છે. તેમ છતાં, એ પત્રિકા જણાવે છે: “ભલે અમેરિકામાં વધારે લોકો ધર્મમાં માનતા થયા હોય, પરંતુ તેઓના જીવન કે સમાજમાં ધર્મ ખરેખર અસર કરે છે કે કેમ, એ વિષે બીજાઓ શંકા ઉઠાવે છે.”
૨ આવી હાલત ફક્ત અમેરિકામાં જ નહિ, પણ આખી દુનિયામાં જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે તેઓ ધાર્મિક છે અને બાઇબલમાં માને છે. પરંતુ તેઓ ફક્ત દેખાડો જ કરે છે, કારણ કે તેઓ બાઇબલના શિક્ષણની પોતાના જીવન પર અસર થવા દેતા નથી. (૨ તીમોથી ૩:૫) એક સંશોધન જૂથના મેનેજર જણાવે છે કે, “આપણે હજુ પણ બાઇબલને માન આપીએ છીએ. પરંતુ એને વાંચવાની કે એનો અભ્યાસ કરીને અમલમાં મૂકવાની વાત તો હવે જુનવાણી થઈ ગઈ છે.”
૩. (ક) સાચા ખ્રિસ્તીઓના જીવન પર બાઇબલની કેવી અસર પડે છે? (ખ) ઈસુને પગલે ચાલનારાઓ ફિલિપી ૪:૯ની સલાહને કેવી રીતે લાગુ પાડે છે?
૩ પરંતુ જે સાચા ખ્રિસ્તીઓ છે તેઓની તો વાત જ અલગ છે. બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલીને તેઓ પોતાના આચાર-વિચારોમાં ઘણો બદલાવ લાવ્યા છે. તેઓએ નવો સ્વભાવ પણ વિકસાવ્યો છે કે જેને બધા લોકો જોઈ શકે છે. (કોલોસી ૩:૫-૧૦) જેઓ ઈસુને પગલે ચાલે છે તેઓ ફક્ત શોભા માટે જ બાઇબલ રાખતા નથી. પાઊલે ફિલિપીના ખ્રિસ્તીઓને કહ્યું: “જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો; અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ફિલિપી ૪:૯) ખ્રિસ્તીઓ સત્યને ફક્ત ઉપરછલ્લું જ માની લેતા નથી પરંતુ, એને અમલમાં પણ મૂકે છે. કેવી રીતે? તેઓ પોતાના કુટુંબમાં, કામ-ધંધા પર, મંડળમાં કે બીજી કોઈ પણ બાબતમાં બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલે છે.
૪. પરમેશ્વરના નિયમો પાળવા કેમ સહેલું નથી?
૪ એ ખરું છે કે પરમેશ્વરના નિયમો અને સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા સહેલાં નથી. આપણે એવા જગતમાં રહીએ છીએ જેમાં શેતાન રાજ કરે છે. બાઇબલ જણાવે છે કે તે આ ‘જગતનો દેવ’ છે. (૨ કોરીંથી ૪:૪; ૧ યોહાન ૫:૧૯) તેથી, યહોવાહ માટેની આપણી વફાદારીને કોઈ તોડી ન નાખે એ માટે સાવચેત રહેવું ખૂબ મહત્ત્વનું છે. તો પછી, આપણે કેવી રીતે યહોવાહને વફાદાર રહી શકીએ?
સત્યના માર્ગમાં ચાલતા રહો
૫. ‘દરરોજ મારી પાછળ ચાલો,’ એમ કહીને ઈસુ શું કહેવા માંગતા હતા?
૫ એક રીત એ છે કે આપણે જે સત્ય શીખ્યા છીએ એને વળગી રહીએ, પછી ભલે કોઈ આપણો વિરોધ કે સતાવણી કરે. એ ખરેખર ધીરજ માંગી લે છે. ઈસુએ કહ્યું કે, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.” (લુક ૯:૨૩) ઈસુએ એમ ન કહ્યું કે તમે મારી પાછળ એક અઠવાડિયું, મહિનો કે વર્ષ માટે જ આવો. પરંતુ તેમણે કહ્યું કે આપણે “દરરોજ” તેમની પાછળ ચાલવું જોઈએ. આમ, ઈસુ બતાવે છે કે આપણી ભક્તિ આજે છે અને કાલે નથી, એમ હોવી ન જોઈએ. ભલે ગમે એ થાય, આપણે પૂરી શ્રદ્ધાથી સત્યને વળગી રહેવું જોઈએ. આપણે કેવી રીતે એમ કરી શકીએ?
૬. પહેલી સદીમાં પાઊલે ખ્રિસ્તીઓને શું શીખવ્યું?
૬ પાઊલે તેમના સાથી, તીમોથીને ઉત્તેજન આપ્યું: “સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ઈસુ ખ્રિસ્તની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે.” (૨ તીમોથી ૧:૧૩, પ્રેમસંદેશ) પાઊલ અહીં શું કહેવા માંગતા હતા? મૂળ ગ્રીક ભાષામાં ‘નમૂનારૂપનો’ અર્થ, કોઈ દોરેલું ચિત્ર થાય છે. એમાં રંગો પૂરવામાં આવ્યા નથી પરંતુ, દોરેલી રૂપરેખા પરથી વ્યક્તિ કહી શકે છે કે શાનું ચિત્ર છે. એવી જ રીતે, પાઊલે તીમોથીને અને બીજાઓને જે સત્યનો નમૂનો આપ્યો એમાં બધા જ પ્રશ્નોના જવાબો ન હતા. પરંતુ દોરેલા ચિત્રની જેમ, એમાં મુખ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેથી નમ્ર લોકો પારખી શકે કે યહોવાહ તેઓ પાસે શું માંગે છે. પરમેશ્વરને ખુશ કરવા માટે તેઓએ એ સત્યના માર્ગ પર ચાલતા રહેવાની જરૂર હતી.
૭. આજે ખ્રિસ્તીઓ કઈ રીતે સત્યના નમૂનારૂપ માર્ગમાં ચાલી શકે?
૭ પહેલી સદીમાં હુમનાય, આલેકસાંદર તથા ફીલેતસ જેવા લોકો “સાચા શિક્ષણને નમૂનારૂપ” હોય એવું શીખવતા ન હતા. (૧ તીમોથી ૧:૧૮-૨૦; ૨ તીમોથી ૨:૧૬, ૧૭) તો પછી, શું પહેલી સદીના ખ્રિસ્તીઓ આ ઢોંગીઓથી ફોસલાઈ ગયા? જરાય નહિ. તેઓએ બાઇબલનો બરાબર ધ્યાન દઈને અભ્યાસ કર્યો હતો. પછી તેઓ જે શીખ્યા એ પ્રમાણે ચાલ્યા. તેઓ પાઊલ અને બીજા વિશ્વાસુ જનોના સત્યના નમૂના પર નજર રાખતા હતા. તેથી, સત્યના નમૂનાને બગાડી નાખે એવી કોઈ પણ બાબત જોવા મળે તો, તેઓ એને પારખીને દૂર રહી શકતા હતા. (ફિલિપી ૩:૧૭; હેબ્રી ૫:૧૪) “ખોટા વહેમ ઉત્પન્ન” કરવાને બદલે, સાચા ખ્રિસ્તીઓ પૂરા દિલથી પરમેશ્વરની સાચી ભક્તિ કરતા રહ્યા. (૧ તીમોથી ૬:૩-૬) આપણે પણ તેઓને અનુસરીને સત્યના નમૂનારૂપ માર્ગમાં ચાલી શકીએ છીએ. જગત ફરતે લાખો યહોવાહના સેવકો બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલી રહ્યા છે, એ જાણીને આપણને કેટલો આનંદ થાય છે.—૧ થેસ્સાલોનીકી ૧:૨-૫.
ખોટી અફવા ન સાંભળો
૮. (ક) શેતાન આપણા વિશ્વાસને તોડવા શું કરે છે? (ખ) પાઊલ ૨ તીમોથી ૪:૩, ૪માં કઈ ચેતવણી આપે છે?
૮ આપણે સત્યમાં જે કંઈ શીખ્યા છીએ એમાં, શેતાન શંકાના બી વાવીને આપણી વફાદારી તોડી નાખવા ઇચ્છે છે. પહેલી સદીની જેમ, આજે પણ ધર્મના ઢોંગીઓ યહોવાહના ભોળા સેવકોનો વિશ્વાસ નબળો પાડવાની કોશિશ કરી રહ્યા છે. (ગલાતી ૨:૪; ૫:૭, ૮) ઘણી વખત તેઓ ટીવી, રેડિયો, છાપું કે ઇન્ટરનેટનો ગેરઉપયોગ કરીને યહોવાહના સાક્ષીઓ વિષે ખોટી વાતો ફેલાવે છે. પાઊલે ચેતવણી આપી હતી કે અમુક લોકો સત્ય છોડી દેશે. તેમણે લખ્યું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.”—૨ તીમોથી ૪:૩, ૪.
૯. પાઊલે જે “કલ્પિત વાતો” વિષે વાત કરી એનો શું અર્થ થઈ શકે?
૯ અમુક લોકોને સત્યના શિક્ષણને બદલે “કલ્પિત વાતો” સાંભળવાની મજા આવતી હતી. તો પછી, આ “કલ્પિત વાતો” શું હતી? પાઊલ કદાચ લોકોની દંતકથાઓ વિષે વાત કરી રહ્યા હોય શકે જે તોબીતના પુસ્તકમાં લખેલી હતી. * એ વાર્તાઓમાં સાંભળવાની એકદમ મજા આવે એવી અફવાઓ કે કૂથલીઓ પણ હોય શકે. ઘણા “પોતાને મનગમતા” ઉપદેશકોનું માનવા લાગ્યા હતા. કદાચ આ ઉપદેશકો પરમેશ્વરના ધોરણોને નીચા પાડતા હતા અથવા મંડળના આગેવાનોની પણ નિંદા કરતા હતા. (૩ યોહાન ૯, ૧૦; યહુદા ૪) ભલે તેઓએ ગમે એ રીતે બીજાઓને ઠોકર ખવડાવી હોય, એક વાત તો ચોક્કસ હતી કે કેટલાક લોકોને પરમેશ્વરના સત્ય કરતાં ખોટી વાતો વધારે પસંદ હતી. પછી તેઓ ધીરે ધીરે સત્યનો માર્ગ છોડીને પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા અને હંમેશ માટેનું જીવન ગુમાવ્યું.—૨ પીતર ૩:૧૫, ૧૬.
૧૦. આજે કલ્પિત વાતો કેવી હોય છે અને યોહાને કઈ ચેતવણી આપી?
૧૦ આપણે કંઈ પણ વાંચવામાં અને સાંભળવામાં સાવચેત રહીને કલ્પિત વાતોથી બચી શકીએ છીએ. દાખલા તરીકે, આજે ટીવી કે મેગેઝિન જેવા માધ્યમો અનૈતિક અને છુટછાટભર્યું જીવન જીવવા ઉશ્કેરે છે. ઘણા લોકો એ માન્યતાને આગળ ધપાવે છે કે ધર્મ જેવું કંઈ નથી અથવા, પરમેશ્વર તો છે જ નહિ. બાઇબલ ઈશ્વરપ્રેરિત છે એ વિષે પણ ઘણા પંડિતો શંકા ઉઠાવે છે. પહેલાં યહોવાહની ભક્તિ કરતા હતા, પણ હવે તેમના વિરોધી થઈ ગયા છે તેઓ શંકાના બી વાવીને સાચા ખ્રિસ્તીઓને ગેરમાર્ગે દોરવા કોશિશ કરે છે. પહેલી સદીના, જૂઠા પ્રબોધકોના ફાંદા જેવા શિક્ષણ વિષે પ્રેષિત યોહાને ચેતવણી આપી: “વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમકે જગતમાં જુઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે.” (૧ યોહાન ૪:૧) તેથી, આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે.
૧૧. આપણે કઈ રીતે જોઈ શકીએ કે આપણે સત્યના દરેક શિક્ષણને વળગી રહીએ છીએ કે નહિ?
૧૧ આ વિષે પાઊલે લખ્યું: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો.” (૨ કોરીંથી ૧૩:૫) પાઊલ એમ કહેવા માગતા હતા કે આપણે સત્યના એકેએક શિક્ષણને વળગી રહીએ છીએ કે નહિ એ જોતા રહેવું જોઈએ. જો બીજાઓ મંડળમાં કાન ભંભેરતા હોય તો, શું તમે તેઓનું સાંભળવું પસંદ કરો છો? જો આપણે એમ કરતા હોય તો, ખરેખર પ્રાર્થના કરીને પોતાને વિષે ખાસ વિચાર કરવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) શું આપણે યહોવાહના લોકોમાં એકબીજાની ભૂલો જ કાઢીએ છીએ? પણ શા માટે? શું કોઈના બોલવાથી કે કંઈક કરવાથી આપણને ખોટું લાગ્યું છે? એમ હોય તો, શું આપણે બાબતોને બધી રીતે સમજી વિચારીને જોઈએ છીએ? આ છેલ્લા સમયમાં આપણા પર જે કંઈ દુઃખો આવે એ થોડા જ વખત માટે છે. (૨ કોરીંથી ૪:૧૭) જો મંડળમાં કોઈ આપણને ખોટું લગાડે કે દુઃખ આપે તો, શું આપણે પરમેશ્વરની ભક્તિ કરવાનું છોડી દેવું જોઈએ? બિલકુલ નહિ. આપણને કોઈ દુઃખ પહોંચ્યું હોય તો, એમાંથી રસ્તો કાઢવા આપણે બનતી કોશિશ કરવી જોઈએ. અને બાબતમાં સુધારો ન થાય ત્યાં સુધી એને યહોવાહના હાથમાં છોડી દેવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૪:૪; નીતિવચનો ૩:૫, ૬; એફેસી ૪:૨૬.
૧૨. બેરીઆના ખ્રિસ્તીઓએ આપણા માટે કેવો નમૂનો બેસાડ્યો?
૧૨ આપણે પોતે અભ્યાસ કરીને અને સભાઓ દ્વારા જે બાઇબલ શિક્ષણ લઈએ છીએ, એની સામે વાંધો ઉઠાવવાને બદલે, ચાલો આપણે ભક્તિભાવમાં મક્કમ થઈએ. (૧ કોરીંથી ૨:૧૪, ૧૫) બાઇબલમાં શંકા ઉઠાવવાને બદલે, આપણે પહેલી સદીના બેરીઆના ખ્રિસ્તીઓની જેમ એનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ! (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૦, ૧૧) ચાલો, આપણે બાઇબલનું શિક્ષણ લઈને સત્યના માર્ગ પર ચાલતા રહીએ. એમ કરવાથી આપણે કલ્પિત વાતોને માનીશું નહિ પણ સત્યને વળગી રહીશું.
૧૩. જો આપણે સાવચેત ન રહીએ તો, કઈ રીતે ભૂલથી કલ્પિત વાતો ફેલાવી શકીએ?
૧૩ આજે કલ્પિત વાતો અથવા અફવાઓ બીજી એક રીતે પણ ફેલાવવામાં આવે છે, જેનાથી આપણે સાવચેત રહેવું જોઈએ. આજકાલ ઈ-મેઈલ દ્વારા રાઈનો પહાડ કરી દેતી હોય એવી ઘણી વાતો અથવા અનુભવો ફેલાવવામાં આવે છે. જો આપણે જાણતા ન હોઈએ કે એ ખરેખર કોની પાસેથી આવે છે તો, એનાથી સાવચેત રહેવું જોઈએ. આપણે એને તરત જ માની લેવું ન જોઈએ. અરે, કોઈ સારો ખ્રિસ્તી આપણને કોઈ અનુભવ કે માહિતી મોકલાવે તોપણ આપણે સાવચેત રહેવું જોઈએ. શક્ય છે કે તેમની પાસે પણ બધી જ હકીકતો ન હોય. તેથી, જો આપણને કોઈ પણ માહિતી સાચી છે એવી ખાતરી ન થાય ત્યાં સુધી, એને બીજાઓને જણાવવી જોઈએ નહિ કે ઈ-મેઈલ દ્વારા પણ ન મોકલવી જોઈએ. ખરેખર, આપણે “મૂર્ખાઈભરેલા વિચારો અને બેવકૂફીભરી કાલ્પનિક વાતોની નકામી ચર્ચાઓમાં” સમય બગાડવો ન જોઈએ કે એને ફેલાવવી પણ ન જોઈએ. (૧ તીમોથી ૪:૭, IBSI) ખ્રિસ્તીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે એકબીજા સાથે સાચું જ બોલીએ. તેથી, આપણે એવી કોઈ પણ બાબતો વિષે વાતો ન ફેલાવવી જોઈએ કે જેમાં ભૂલથી પણ કોઈ જૂઠાણું હોય.—એફેસી ૪:૨૫.
સચ્ચાઈના માર્ગ પર ચાલવાના આશીર્વાદો
૧૪. આપણે બાઇબલમાંથી જે શીખીએ છીએ એને જીવનમાં લાગુ પાડવાથી કયા આશીર્વાદો મળે છે?
૧૪ આપણે સભાઓમાં અને પોતે બાઇબલનો અભ્યાસ કરવાથી જે કંઈ શીખીએ છીએ, એને જીવનમાં લાગુ પાડવાથી ઘણા આશીર્વાદો મળે છે. દાખલા તરીકે, એનાથી ભાઈબહેનો સાથેનો આપણો સંબંધ ગાઢ થઈ શકે છે. (ગલાતી ૬:૧૦) બાઇબલ સિદ્ધાંતોને પાળવાથી આપણે સ્વભાવમાં પણ સારા બની શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૯:૮) સૌથી મહત્ત્વનું તો, આપણે જે કંઈ શીખીએ એને જીવનમાં લાગુ પાડીને પરમેશ્વરના શિક્ષણને ‘દીપાવી’ શકીએ છીએ, જેથી બીજા લોકો સત્ય તરફ આવી શકે.—તીતસ ૨:૬-૧૦.
૧૫. (ક) એક યુવતીએ કઈ રીતે સ્કૂલમાં સત્ય વિષે હિંમતથી સાક્ષી આપી? (ખ) તમે આ અનુભવમાંથી શું શીખ્યા?
૧૫ યહોવાહના સાક્ષીઓમાં ઘણા યુવાનો છે, જેઓ બાઇબલ, એના પ્રકાશનો અને બધી સભાઓમાંથી શિક્ષણ લઈને પોતાના જીવનમાં ઉતારે છે. તેઓની સ્કૂલના શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓ તેઓની સારી વર્તણૂકના વખાણ કરે છે. (૧ પીતર ૨:૧૨) અમેરિકાની લેસલીનો વિચાર કરો. તે ૧૩ વર્ષની હતી ત્યારનો આ અનુભવ છે. તે જણાવે છે કે તેને સ્કૂલના મિત્રોને સત્ય વિષે વાત કરવી અઘરી લાગતી હતી. પરંતુ એક દિવસે એ બધું બદલાઈ ગયું. લેસલી કહે છે: “અમારા ક્લાસમાં ચર્ચા શરૂ થઈ હતી કે લોકો પોતાની વસ્તુઓ વેચવા કેવી ચાલાકી વાપરે છે. પછી એક છોકરીએ કહ્યું કે યહોવાહના સાક્ષીઓ પણ ચાલાકીથી પોતાના પુસ્તકો વેચે છે.” પછી આપણા લેસલીબહેને શું કર્યું? તે કહે છે: “મેં તો સત્યનો એવો બચાવ કર્યો કે બધા જોતા જ રહી ગયા, કેમ કે હું મોટે ભાગે બહુ બોલતી ન હતી.” લેસલીએ જે હિંમત બતાવી એનું શું પરિણામ આવ્યું? તે કહે છે કે, “એક છોકરી વધારે પ્રશ્નો પૂછવા લાગી, જેને હું એક મોટી પુસ્તિકા અને પત્રિકા આપી શકી.” યુવાનો જ્યારે સત્ય શીખીને જીવનમાં ઉતારે છે અને સ્કૂલમાં હિંમતથી સાક્ષી આપે છે ત્યારે, યહોવાહને કેટલો આનંદ મળે છે!—નીતિવચનો ૨૭:૧૧; હેબ્રી ૬:૧૦.
૧૬. દેવશાહી સેવા શાળાથી યુવાન સાક્ષીઓને કેવા આશીર્વાદો મળ્યા છે?
૧૬ બીજો દાખલો એલીઝાબેથનો છે. તે સાત વર્ષની થઈ ત્યારથી જ જ્યારે પણ દેવશાહી સેવા શાળામાં તેનો કોઈ ટોક હોય ત્યારે, તેના શિક્ષકને એ સાંભળવા માટે આમંત્રણ આપતી. જો તેના શિક્ષક સભામાં ન આવી શકે તો, તે સ્કૂલ પતી જાય પછી ત્યાં રોકાતી અને તેમને પોતાનો ટોક સંભળાવતી. તેણે સ્કૂલના છેલ્લા વર્ષે દેવશાહી સેવા શાળાનાં આશીર્વાદો વિષે દસ પાનાનો રિપોર્ટ બનાવ્યો, અને ચાર શિક્ષકો આગળ રજૂ કર્યો હતો. પછી એલીઝાબેથને, તે દેવશાહી સેવા શાળામાં આપે છે એવી જ રીતે સ્કૂલમાં પણ એક ટોક આપવાનું આમંત્રણ મળ્યું. તેણે “શા માટે પરમેશ્વર દુષ્ટતાને ચાલવા દે છે?” વિષય પર ટોક આપ્યો હતો. યહોવાહના સાક્ષીઓએ દેવશાહી સેવા શાળાની જે ગોઠવણ કરી છે, એના એલીઝાબેથને ખરેખર આશીર્વાદો મળ્યા છે. એલીઝાબેથ જેવા બીજા ઘણા યુવાનો છે. તેઓ બાઇબલમાંથી જે કંઈ શીખે છે એ જ માર્ગે ચાલે છે અને યહોવાહને મહિમા આપે છે.
૧૭, ૧૮. (ક) બાઇબલમાં પ્રમાણિક રહેવા વિષે કઈ સલાહ આપવામાં આવી છે? (ખ) યહોવાહના એક સાક્ષીએ કઈ રીતે પ્રમાણિકતા બતાવી અને એક વ્યક્તિ પર એની કેવી અસર પડી?
૧૭ બાઇબલ ખાસ કરીને જણાવે છે કે ખ્રિસ્તીઓએ દરેક બાબતોમાં પ્રમાણિક રહેવું જોઈએ. (હેબ્રી ૧૩:૧૮) ખોટું બોલવાથી બીજાઓ સાથેના આપણા સંબંધોમાં તરાડ પડી શકે છે. એનાથી પણ વધારે મહત્ત્વનું તો, ખુદ યહોવાહ સાથેનો આપણો સંબંધ તૂટી જઈ શકે છે. (નીતિવચનો ) આપણે પ્રમાણિક રહીને એમ બતાવીએ છીએ કે, આપણે જે કંઈ શીખ્યા છીએ એ પ્રમાણે ચાલીએ છીએ. આમ કરવાથી ઘણા લોકો યહોવાહના સાક્ષીઓને વધારે માન આપે છે. ૧૨:૨૨
૧૮ ફિલિપ નામના એક સૈનિકનો વિચાર કરો. તેનાથી એક ચેક ખોવાઈ ગયો હતો. તેણે એમાં સહી કરી હતી, પણ કોઈ રકમ લખી ન હતી. ટપાલમાં કોઈએ એ ચેક પાછો મોકલાવ્યો ત્યારે જ તેને એ વિષે ખબર પડી. એ ચેક યહોવાહના એક સાક્ષીને મળ્યો હતો. તેમણે ફિલિપને ચેક પાછો મોકલ્યો ત્યારે, એમ પણ જણાવ્યું કે મારો ધર્મ જે શીખવે છે એ પ્રમાણે ચાલતો હોવાથી, હું આ ચેક પાછો મોકલું છું. ફિલિપ તો એ જોઈને છક થઈ ગયો. “મારા ૯,૦૦૦ ડોલર (લગભગ ૪.૨ લાખ રૂપિયા) તે લઈ શક્યા હોત!” એક વખત ચર્ચમાં કોઈ ફિલિપની ટોપી ચોરી ગયું હતું. પછી તેને ખબર પડી કે તેના જ કોઈ ઓળખીતાએ ટોપી ચોરી છે ત્યારે, તેને ખૂબ દુઃખ થયું હતું. જ્યારે બીજી બાજુ, એક અજાણી વ્યક્તિએ તેમનો લાખો રૂપિયાની કિંમતનો ચેક પાછો આપી દીધો! ખરેખર, પ્રમાણિક ખ્રિસ્તીઓ પરમેશ્વરને ખૂબ માન આપે છે!
જે શીખ્યા છો એ માર્ગમાં ચાલતા રહો
૧૯, ૨૦. આપણે બાઇબલમાંથી જે કંઈ શીખીએ એને જીવનમાં લાગુ પાડવાથી કયા લાભો થાય છે?
૧૯ જેઓ બાઇબલમાંથી શીખીને પછી એ જ પ્રમાણે જીવે છે તેઓને અઢળક આશીર્વાદો મળે છે. યાકૂબે જણાવ્યું કે, જે “સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.” (યાકૂબ ૧:૨૫) આપણે બાઇબલમાંથી જે કંઈ શીખ્યા હોય એને અમલમાં મૂકીશું તો, આપણને સુખ મળશે અને જીવનના દુઃખોનો સામનો કરવાની પણ હિંમત મળશે. સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણા પર યહોવાહના આશીર્વાદ હશે, અને અનંતજીવનની આશા પણ હશે.—નીતિવચનો ૧૦:૨૨; ૧ તીમોથી ૬:૬.
૨૦ તો પછી, ચાલો આપણે પરમેશ્વરના શબ્દનો અભ્યાસ કરતા રહીએ. બધી સભાઓમાં યહોવાહના સેવકો સાથે ભેગા મળીએ અને જે કંઈ શીખવવામાં આવે એમાં પૂરું ધ્યાન પરોવીએ. પછી તમે જે કંઈ શીખો છો એને જીવનમાં લાગુ પાડતા રહો. આમ કરવાથી “શાંતિનો દેવ તમારી સાથે રહેશે.”—ફિલિપી ૪:૯.
[ફુટનોટ]
^ તોબીત પુસ્તક લગભગ ત્રીજી સદી બી.સી.ઈ.માં લખાયું હોય શકે. એમાં તોબીએસ નામના એક યહુદી વિષે ઘણી દંતકથાઓ છે. એમાં એવું કહેવામાં આવે છે કે તેની પાસે કોઈને સાજા કરવાની અથવા લોકોમાંથી ભૂતો કાઢવાની શક્તિ હતી. તેને એ શક્તિ એક રાક્ષસી માછલીના હૃદય અને પિત્તમાંથી મળી હતી.
તમને યાદ છે?
• “નમૂનારૂપ” શિક્ષણો કયા છે અને આપણે એને કેવી રીતે વળગી રહી શકીએ?
• “કલ્પિત વાતો” શું છે જેને આપણે સાંભળવી ન જોઈએ?
• જેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલે છે તેઓને કયા આશીર્વાદો મળે છે?
[Questions]
[પાન ૧૭ પર ચિત્ર]
યહોવાહથી દૂર થઈ ગયેલાઓથી પહેલી સદીના ખ્રિસ્તીઓ કઈ રીતે ગેરમાર્ગે ન દોરાયા?
[પાન ૧૮ પર ચિત્રો]
આજે ટીવી, મેગેઝિન, ઈન્ટરનેટ અથવા યહોવાહના વિરોધીઓ શંકાના બી વાવી શકે
[પાન ૧૯ પર ચિત્ર]
કલ્પિત વાતો કે અફવાઓ ફેલાવવી સારું નથી
[પાન ૨૦ પર ચિત્રો]
યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી જે કંઈ શીખે છે એને સ્કૂલમાં, કામ પર કે પછી બીજે ગમે ત્યાં અમલમાં મૂકે છે